તું યાદ આવે
ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.
One thought on “તું યાદ આવે”
આભાર . શુક્રિયા . આપની લાગણી બદલ . સૌ પ્રથમ આપનો બ્લોગ જોઈ આનંદ થયો. અભિનંદન. હિંદુ મુસ્લિમ પ્રશ્ન આપના દેશમાં વર્ષોથી છે. પણ તેથી નિરાશ કે નાસીપાસ થવાની જરૂર નથી. આપણા સૌના પ્રયાસો જ તેને નાથી શકશે. અંતરો વધ્યાનો અહેસાસ જેટલો સામાજિક નથી, તેટલો રાજકીય છે.