
પવનની ઝડપ કેટલી હોય તો ક્યુ સિગ્નલ લાગે?
વાવાઝોડા વખતે બંદર પર વિવિધ નંબરના સિગ્નલની સિસ્ટમ
બ્રિટિશ નૌકાદળના અધિકારી ફ્રાન્સિસ બ્યુફોર્ટે 1805માં પવનની ઝડપ મુજબ 1થી 12 સુધી પ્રકાર પાડયા હતા
ગુજરાત પાસે 1660 કિલોમીટર લાંબો દરિયો છે, એટલે વાવાઝોડાની નવાઈ નથી. વાવાઝોડું કેવુંક આક્રમક છે, એ કાંઠે રહેતા સૌ કોઈ જાણતા હોતા નથી. તેમને જાણ કરવા માટે વિવિધ નંબરના સિગ્નલ (ધ્વજ-વાવટા) ફરકાવવામાં આવે છે.
આ સિગ્નલને બ્યુફર્ટ સ્કેલ કહેવાય છે. કેમ કે બ્રિટિશ નૌકા અધિકારી ફ્રાન્સિસ બ્યુફર્ટે 1805માં પવનની ઝડપ પ્રમાણે ક્રમ નક્કી કર્યો હતો. અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક બંદર પર બે નંબરના સિગ્નલ ફરકતાં કરાયા છે. આગામી દિવસોમાં એ સિગ્નલો વધતા જશે, જેમ જેમ વાવાઝોડું આક્રમક બનશે.
અહીં ક્યા નંબરના સિગ્નલનો અર્થ શું થાય તેની વિગત આપી છે.
નંબર-1 : પવનની ઝડપ – 1 થી 5 કિલોમીટર
અસર – સાવ સામાન્ય હવા, ધૂમાડો પવનની દિશામાં ફેંકાય એટલી અસર
નંબર-2 : પવનની ઝડપ – 6 થી 12 કિલોમીટર
અસર – ધ્વજ પર હવાની અસર દેખાય, ચહેરા પર લહેરખી અનુભવાય
નંબર-3 : પવનની ઝડપ – 13 થી 20 કિલોમીટર
અસર – ધ્વજ ફરફર થવા લાગે
નંબર-4 : પવનની ઝડપ – 21 થી 29 કિલોમીટર
અસર – રૂ કાગળ હવામાં ઉડતો થાય
નંબર-5 : પવનની ઝડપ – 30 થી 39 કિલોમીટર
અસર – નાના વૃક્ષો આમ-તેમ હલવા માંડે
નંબર-6 : પવનની ઝડપ – 40 થી 49 કિલોમીટર
અસર – છત્રી કાગડો થઈ જાય, વૃક્ષની મોટી ડાળીઓ હલવા લાગે
નંબર-7 : પવનની ઝડપ – 50 થી 61 કિલોમીટર
અસર – પવનમાં ચાલવું મુશ્કેલ થાય.
નંબર-8 : પવનની ઝડપ – 62 થી 74 કિલોમીટર
અસર – વૃક્ષોની ડાળીઓ ખરવાની શરૂઆત થાય.
નંબર-9 : પવનની ઝડપ – 75 થી 88 કિલોમીટર
અસર – મકાનની છત, નળિયા ઉડવા લાગે
નંબર-10 : પવનની ઝડપ – 89 થી 102 કિલોમીટર
અસર – વૃક્ષો ઉખડવા લાગે
નંબર-11 : પવનની ઝડપ – 103 થી 118 કિલોમીટર
અસર – જમીન પર ઘણી સામગ્રી ઉડવા લાગે, સમુદ્રમાં વિઝિબિલિટી ઝીરો થાય
નંબર-12 : પવનની ઝડપ – 119 થી 220 કિલોમીટર
અસર – હેરિકેન અથવા ટોર્નેડો જેમાં અકલ્પનિય નુકસાન થઈ શકે.
√ મોટે ભાગે 12 નંબર સુધી જ વપરાય છે. પણ વાવાઝોડાની આક્રમકતા વધતા 1946માં 17 નંબર સુધીના સિગ્નલો નક્કી કરાયા છે. પરંતુ મોટે ભાગે વપરાશ 12 સુધીનો વપરાશ કરવાનો થતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો વપરાશ કરવામાં આવે છે.
√ 1864માં બંગાળના અખાતમાંથી પેદા થઈને કલકતા પર ત્રાટકેલા ભયાનક વાવાઝોડા પછી બ્રિટિશ સરકારે ભારતના હવામાનનો પણ વિગતવાર અભ્યાસ શરૂ કર્યો હતો.
√ વાવાઝોડાની ઝડપ તો ક્યારેક કલાકના 150થી 250 કિલોમીટર સુધીની હોય છે.
√ પરંતુ એ ઝડપ જમીન પર ફૂંકાતા પવનની નથી હોતી. હકીકતે એ ઝડપ વાવાઝોડાના કેન્દ્ર આસપાસ ઘૂમરાતા પવનની હોય છે. વાવાઝોડાના કેન્દ્ર જેટલી ઝડપે જમીન પર પવન ફૂંકાય તો તમામ પ્રકારના બાંધકામોના સ્થળે થોડી વારમાં મેદાન થઈ જાય.
√ ફ્રાન્સિસે તો આ ગણતરી 1805માં કરી હતી. પણ બ્રિટિશ સરકારે 1830ના દાયકામાં તેનો સ્વિકાર કર્યો. એ પછી એક જહાજ રવાના થયું ત્યારે આ સ્કેલનો સત્તાવાર ઉપયોગ થયો. એ જહાજ જોકે બીજા કારણોસર જગ વિખ્યાત થયું, કેમ કે તેના પર ઉત્કાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન સવાર હતા અને એ જહાજનું નામ એચએમએસ બિગલ હતુ.
ગુજરાત સમાચાર, તા.૧૭/૦૫/૨૦૨૧