Browsed by
Tag: tobacco

શું તમને કોઈ વ્યસન છે? તો આ વાંચો પછી વ્યસન ચાલુ રાખો.

શું તમને કોઈ વ્યસન છે? તો આ વાંચો પછી વ્યસન ચાલુ રાખો.

ઝાયડસ કેન્સર હોસ્પિટલના રૂમ નંબર-૨૦૨ માં સુતેલા મિત્રએ આંખો ખોલી મારી સામુ જોતાંવેંત ‘છોકરાઓનુ ધ્યાન રાખજે’ એવું બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મોઢા ઉપરનુ લૂગડું હટાવી રડતાં રડતાં બોલ્યો: હવે પાડી લે ફોટા અને ફેસબુક ઉપર ચડાવી, મારા નામ સાથે મનફાવે એવી પોસ્ટ લખી નાંખ…! ફોટા પાડીને એની ઓળખ છતી કરતા મારો જીવ ના ચાલ્યો. ગઈકાલે ડાક્ટરોએ એના મોઢાનુ ઓપરેશન કરી નીચેનુ ઝડબુ કાઢી નાખ્યું. છેલ્લા આઠ દસ વરસથી હુ એની પાછળ આદુ ખાઈને મંડી પડ્યો હતો કે તુ માવા મૂકી દે…હું તને બેસણાના ફોટામાં ભાળું છું, ફોટાની બાજુમાં મુંડન કરેલા તારા નાના દીકરાને હીબકા ભરતો જોઉં છું, ખોળામાં બેઠેલી નાની એવી માસુમ દીકરી સાથે તારી પત્ની જે આવે એને મળીને પોક મૂકી રડી પડે છે એવું દ્રશ્ય મને દેખાય છે, પ્લીઝ…માવા મૂકી દે…🙏 પણ એ ક્યારેય માન્યો જ નહી. ‘માવા નથી ખાતા એનેય કેન્સર થાય છે અને માંડી હશે તો સવારની સાંજ પણ નહીં થાય’ એવા ઉડાવ જવાબ સાથે મારી વિનંતીને કાયમ ફગાવી દેતો આજે હોસ્પિટલના ખાટલે સૂતો એ પેટ ભરીને પસ્તાય છે.

આવી મોટી કેન્સર હોસ્પિટલ, ત્રણ ચાર નિષ્ણાત ડાક્ટરોની ટીમ, પુરા પરિવારનો જીવ અધ્ધર અને ચાર કલાકના ઓપરેશન પછી એનુ આખુ ઝડબુ કાઢી નાંખ્યુ. ઝડબાનો ખાડો પુરવા પગની પિંડી કાઢી મોઢામાં ફીટ કરી, શરીરના જુદા જુદા ભાગેથી ચામડી કાઢીને મોઢે લગાડી, રૂઝ આવશે પછી રેડિયેશન થેરાપીના શેક લેવા પડશે. રેડીયેશનની અસહ્ય ગરમી લાગશે એટલે ખોરાક લેવાશે નહી, મોઢું કાળું મેશ થઈ બધા વાળ ખરી જશે. કાયમી ટીકડા ગળવાના એ તો વધારાનું…જ્યાં સુધી જિંદગી રહેશે ત્યાં સુધી મોઢે ગળણી મૂકી ત્રણ ટાઈમ પ્રવાહી ખોરાક રેડી જીવન ગુજારવું પડશે અને સમાજમા શરમ સંકોચ સાથે અર્ધું મોઢું ઢાંકીને ફરવુ પડશે.

આમ છ સાત લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ કંઈ નક્કી નથી કે કેન્સર મટી જશે કે આગળ વધશે અને ફરી આવુ કરવું પડશે કે જીવલેણ નીવડશે..?
કપાળે હાથ મૂકી મે સાંત્વના આપતા કહયુ કે જે થયુ તે…ભગવાન જલદી સારુ કરી દેશે. બાજુમાં ઊભેલી એની પત્ની પણ રડતી રડતી બોલી કે તમારા ભાઈને સારુ થઈ જાય એના માટે જ્યાં સુધી મારા પગ સાથ દેશે ત્યાં સુધી બાપુનગર થી જેતલપુર ઊઘાડા પગે ચાલીને પૂનમ ભરવાની મે બાધા લીધી છે. હુ પોતે ધાર્મિક છુ એટલે રેવતી બળદેવજીની પૂનમ ભરવી એ ઈશ્વર પ્રત્યેની સારી શ્રધ્ધા માનું છું, પરંતુ અહિંયા હુ આ શ્રદ્ધાને પતિનાં કર્મોની પત્નીને મળેલી સજા માનુ છું. આપણી જીભના સ્વાદ કે મનનાં આનંદ માટે પરિવારને આવી સજા શું કામ..? નાનપણમાં એ જ સ્ત્રીએ સારો વર પામવાના શમણા સાથે કેટલાય વ્રત ઉપવાસ કર્યા, લગ્નમંડપમાં કેટલાય પાસેથી ‘અખંડ સૌભાગ્ય વતી’ ના આશીર્વાદ માંગ્યા અને તમે એને આમ સંસાર મારગે અધવચ્ચેથી રઝળતી મૂકી ચાલ્યા જાવ…? વ્યસન મૂકવા થોડુ તો વિચારીએ…!

અમદાવાદમાં મારા આંબરડીના અને સગા સ્નેહીઓના દવાખાના માટે દોડવું એવી મે નેમ લીધેલી છે. વરસ દરમિયાન જુદા જુદા ઘણા બધા રોગના દર્દીઓ સાથે હોસ્પિટલમાં જવાનું થાય છે, એમાં વરસે સરેરાશ મોઢાના કેન્સરના એકાદ બે દર્દી મારા ભાગમાં આવે છે અને એ પણ સુરતથી વધારે આવે છે. જેવું કેન્સરનુ નિદાન થાય કે જણ ભડભાદર હોય તો પણ ધ્રુજી જાય છે અને પુરો પરિવાર નાણાકીય ચિંતા સાથે સ્વજન ગુમાવવાની ચિંતામાં આવી જતો હોય છે. આટલા વરસથી મોઢાના કેન્સરના દર્દી સાથે ફરું છું પરંતુ હજુ સુધી મે આવા દર્દીઓનું લાંબુ ભવિષ્ય નથી જોયુ. માવા ખાનાર કે બીડી સિગારેટનું વ્યસન ધરાવતા વ્યક્તિઓ પરિવારનું ભલું ભૂલી જઈને હમેશા પોતાના મોજશોખ કે આનંદનું જ વિચારતા હોય છે, જે ખુબ જ દુ:ખદ છે. પરિવારનો કર્તાહર્તા ગેરહાજર થાય પછી પત્ની અને બાળકોની સ્થિતિ બહુ જ દયામણી હોય છે એનો હુ સાક્ષી છું. બેસણામાં આવનારા સગાં સંબંધી ‘અમે તમારી સાથે જ છીએ’ એવી ઘડી બેઘડી સાંત્વના આપી નીકળી જતા હોય છે, પછી કોઈ ડોકીયુંય દેતું નથી હોતું. નાના નાના બાળકો હોય એટલે સ્ત્રીને નાની ઉંમર હોવા છતાં બીજું ઘર માંડવામાં પણ ઘણી મુશ્કેલીઓ નડતી હોય છે અને આખી જિંદગી ઓશિયાળું થઈને જીવન ગુજારવું પડતુ હોય છે.

જે મિત્રોને કંઈપણ વ્યસન છે એની હુ ક્યારેય ટીકા નથી કરતો, પરંતુ એમને જિંદગીનું મૂલ્ય સમજાવી છોડાવવા સતત પ્રયત્ન કરતો હોઉં છું. મારા જન્મદિવસે પણ માવા ખાતા મિત્રો તરફથી વ્યસનની ભેટની અપેક્ષા રહેતી હોય છે, ઘણા મિત્રો આપી દેય છે પરંતુ થોડો સમય જતા વળી પાછું ચાલુ કરી દેતા હોય છે. વ્યસન ધરાવતા મિત્રો ક્યારેક મારી સાથે આવા કોઈ દર્દી પાસે આવો તો ખ્યાલ આવે કે કેન્સર પછીની પીડા કેટલી અસહ્ય હોય છે. ગઈકાલે આ ભાઈબંધનું ઓપરેશન કરીને જુદુ પાડેલું ઝડબુ તેમજ કાપકૂપ કરેલા શરીરના જુદા જુદા ભાગ જોઈને મન સાવ વિચલિત થઈ ગયુ છે. જમવા ટાણે એ દ્રશ્ય સામે આવે છે તો જમવાનુ પણ બગડે છે. જેને વ્યસન નથી એવા મિત્રોને આવા ફોટા બતાવું તો એ પણ વિચલિત થઈ જાય એ સારું ફોટા અહિંયા મૂકતો નથી.

ખરેખર મિત્રો..! જિંદગીમાં ખાવા જેવું બીજું ઘણું બધુ છે. તમારી જિંદગી, તમારા માસુમ બાળકો અને તમારા પરિવારની ચિંતા કરી તમાકુ, માવા કે અન્ય જીવલેણ વસ્તુઓનુ વ્યસન હોય તો છોડી દયો…પ્લીઝ..🙏

ગઈકાલના ઓપરેશનની દોડાદોડી પછી અત્યારે હોસ્પિટલના કંપાઉન્ડમાં આવીને મન શાંત કરવા ઝાડ નીચે બાંકડા ઉપર બેઠો. અત્યાર સુધી કેન્સરના ઘણા ઓપરેશન જોયા છે, પણ આવુ બિહામણું ઓપરેશ આ વખતે પહેલી વાર જોયુ. ક્યારેક ક્યારેક બે હાથે માથુ પકડી પેલું લોહી નીતરતું ઝડબાવાળુ દ્રશ્ય ભૂલવા મથું છું, પણ કોઈ વાતે ભુલાતું નથી. અત્યારે ઊભો થઈને બાજુમાં પાનના ગલ્લે પાણીની બોટલ લેવા આવ્યો ત્યાં કાઉન્ટર ઉપર પગ લૂછણીયા જેવું આ પેડ નજરે ચડ્યું. આ એ જ પેડ છે જે તમારા માવા નથી ચોળતું, પણ તમારી મૂલ્યવાન જિંદગીને ચોળે છે. મોઢાના કેન્સરવાળા કેટલાય દર્દી સાથે હોસ્પિટલોમાં રખડી રખડીને નજર સામેના અનુભવ સાથે માવા ખાતા મારા તમામ ભાઈબંધોને બે હાથ જોડી તમને વિનંતી કરુ છું કે માવા, તમાકુ કે સિગારેટનું વ્યસન હોય તો મૂકી દયો…પ્લીઝ….🙏
😞😔😞

હું ઘણા મિત્રોને કહી ને થાક્યો છું એમને ટેગ કરવા જતો હતો પણ વિચાર આવ્યો એમને એમના પરિવાર સામે ખુલ્લા નથી પાડવા એટલે નથી કરી રહ્યો પણ મિત્રો આ પોસ્ટ વાંચીને તમે જો વ્યસન છોડતા હોવ તો મને એક મેસેજ જરૂર કરજો.

– Nikunj Patel