Browsed by
Tag: chandrakant bakshi

સરકાર – ચંદ્રકાંત બક્ષી

સરકાર – ચંદ્રકાંત બક્ષી

સરકારને કરોડ મોઢાં હોય છે

પણ એક આત્મા હોતો નથી

સરકાર અવાજની માલિક છે

સરકાર વિચાર કરાવી શકે છે

સરકાર લેખકને લખાવી શકે છે

જાદૂગરને રડાવી શકે છે

ચિત્રકારને ચિતરાવી શકે છે

ગાયકને ગવડાવી શકે છે

કલાકારને કળા કરાવી શકે છે

એક હાથે તાળી પડાવી શકે છે

રવિવારને સોમવાર બનાવી શકે છે

નવી પેઢીને જૂની કરી શકે છે

જૂનીને પૈસાદાર બનાવી શકે છે

પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે

વીજળી વેચી શકે છે

ઈતિહાસ દાટી શકે છે

અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે

સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે

સમય ફરે છે, માણસ ફરે છે

યંત્ર ફરે છે, મંત્ર ફરે છે

પણ, એક દિવસ ……

એક દિવસ ગરીબની આંખ ફરે છે

અને પછી, સરકાર ફરે છે.

– ચંદ્રકાંત બક્ષી

⇓ ⇓ આ રચના ઓડિયો સ્વરૂપે પત્રકાર દેવાંશી જોશીના અવાજમાં સાંભળો ⇓ ⇓