જેમ જેમ સમય પસાર થશે
‘જેમ જેમ સમય પસાર થશે,
તેમ તેમ તમને સમજાશે કે ઈંટ-પથ્થરોના જે સમૂહને તમે ઘર સમજી બેઠા છો,
એ મુકામ પરથી ધીમે ધીમે તમારી પકડ ઢીલી થઈ રહી છે
અને તમને સમજાશે કે ઘર એ કોઈ સ્થળ નથી, અવસ્થા છે.
એ પકડને ઢીલી થવા દો.
જેમ જેમ સમય પસાર થશે,
તેમ તેમ તમારી જાત તમને વધુ સ્પષ્ટ દેખાવા લાગશે.
તમારી એ ભૂતપૂર્વ જાત, જેના એક ખિસ્સામાં જિંદગી છલોછલ રહેતી અને બીજા ખિસ્સામાં ખાલીખમ થઈ જતી.
એ જાત, જેની સામે તમને ખૂબ બધી ફરિયાદો હતી,
એ જાત હકીકતમાં સંપૂર્ણ હતી એવું તમને સમય જતા સમજાશે.
ધીમે ધીમે એ સમજણ વિકસવા દો.
જેમ જેમ સમય પસાર થશે,
તેમ તેમ તમને સૂક્ષ્મ અને સામાન્ય લાગતી ક્ષણો વિરાટ લાગતી જશે
અને વિરાટ લાગતી બાબતો સામાન્ય.
હકીકતમાં, એ દિવસે તમને જીવનનો અર્થ સમજાશે
અને ત્યારે તમે ખરા અર્થમાં જિંદગી જીવવાની શરૂઆત કરશો.
ભલે મોડી, પણ એ શરૂઆત થવા દો.
જેમ જેમ સમય પસાર થશે,
તમારે ઘણીબધી બાબતોને પરાણે આવજો કહેવું પડશે.
ક્યારેક ગમતી વ્યક્તિને, તો ક્યારેક ગમતી પરિસ્થિતિને.
તમારાં નાજુક હૈયા પર અનેકવાર વજ્રાઘાત થશે.
ભાવનાત્મક આઘાતના પ્રહારોથી તમારું હૈયુ અનેકવાર ભાંગશે અને તેમ છતાં એ ધબકતું રહેશે.
હાર્ટ-બ્રેક પછીનો એ ધબકાર તમને તમારો ઉદ્દેશ્ય યાદ કરાવતો રહેશે.
એ તૂટેલાં હૃદયને ધબકવા દો.
જેમ જેમ સમય પસાર થશે,
તેમ તેમ તમે સંપત્તિને બદલે શાંતિ પસંદ કરશો.
પૈસાને બદલે નવરાશની પળો પસંદ કરશો.
ધીમે ધીમે તમને રિયલાઈઝ થશે કે જીવનભર તમે જે ખજાનાની શોધમાં ભટક્યા,
એ ખજાનો તમારા પોતાના અને તમારા પ્રિયજનોનાં હાસ્યમાં છુપાયેલો છે.
સ્વજનોના સથવારામાં રહેલો છે.
એ ખજાનો અનાવૃત થવા દો.
જેમ જેમ સમય પસાર થશે,
તેમ તેમ તમારી જિંદગી આંખના પલકારામાં તમારી નજર સામેથી પસાર થતી જશે.
સ્મરણો જ્યારે તમને વીતી ગયેલી જિંદગીનું ફ્લેશબેક બતાવશે,
ત્યારે તમને ખ્યાલ આવશે કે એમાં રહેલી એકપણ ક્ષણ કડવી કે અણગમતી નથી.
વીતેલું આખું જીવન મીઠી અને સુગંધીદાર યાદોથી છલોછલ ભરેલું છે.
પ્રિયજનના ખોળામાં માથું મૂકીને વિતાવેલી રાતો,
મિત્રો સાથેના ઉજાગરા,
ગમતી વ્યક્તિઓ સાથે ગાળેલી નવરાશની પળો અને દરિયાકિનારે ગાળેલી એક સાંજ.
એ બધું યાદ આવવા દો.
જેમ જેમ સમય પસાર થશે,
તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે જીવનમાં શું મહત્ત્વનું છે? અને શું નથી?’
By: Donna Ashworth