Browsed by
Tag: સુરેશ દલાલ

દીકરી ચાલી પોતાને સાસરે

દીકરી ચાલી પોતાને સાસરે

મને રેડિયો સાંભળવાનો બહુ શોખ. કાલે આકાશવાણી અમદાવાદના ઓનલાઈન રેડિયો પ્રસારણમાં એક હૃદયસ્પર્શી ગુજરાતી રચના સાંભળવા મળી. મારે બહેન નથી તેમજ દીકરી પણ નથી. તેમ છતાં એક બાપના સ્થાને મને પોતાને રાખીને આ રચના સાંભળીને આંખ ભીની થઇ ગઇ.

સુરેશ દલાલની અદભુત રચનાને પુરુષોત્તમ ઉપાધ્યાયના હ્ર્દયસ્પર્શી કંઠે આપ પણ સાંભળો.

આ સાંભળીને આપને શું થયું? આપનો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો.

નીચે પ્લે બટન  (આડુ ત્રિકોણ) પર ક્લિક કરીને સાંભળો.

 

દીકરી ચાલી પોતાને સાસરે;
મૂકી માબાપ ભાઈને આશરે.

હવે માંડવો કેવો આ સૂમસામ છે
એનો સૂનકાર ઠેઠ ઘરે પહોંચશે.
દીકરી ગુંજતી ઘરની દીવાલો;
થશે મૂંગી:ને મૌન એનું ખૂંચશે.
ઠામઠેકાણું મળ્યું એની હાશ રે:
પણ આસુંઓ છલકશે ઉદાસ રે..

પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું
એના ગમતા આકાશ પાસે દોડી ગયું
જાણે શ્વાસથી છૂટી પડ્યો શ્વાસ રે
દીકરી ચાલી પોતાના સાસરે.

સંબંધિત પોસ્ટ : દીકરી: સરવાળાની માવજત

હું તો તમને પ્રેમ કરું છું

હું તો તમને પ્રેમ કરું છું

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?

આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

~સુરેશ દલાલ