Browsed by
Tag: સાંપ્રદાયિક

ધર્મ એટલે પ્રેમ અને સંવાદિતા

ધર્મ એટલે પ્રેમ અને સંવાદિતા

માણસના સ્વભાવની બધી કૃત્તિમતા, બધા પૂર્વગ્રહો, એની બધી માનસિક ગંદકી એના ધાર્મિક વ્યવહારમાં દેખાઈ આવે છે.

આખરે આપણે ધર્મ સંપ્રદાયની સાંકડી ગલી કૂચીમાં અટવાઈ ગયા. આ ગલી એટલી ભુલભુલામણીવાળી છે કે એમાંથી બહાર નીકળતાં નાકે દમ આવી જશે. વારંવાર એ આપણને ભ્રમમાં નાખશે કે આપણે કોઈ વિશાળ મેદાન ભણી જઈ રહ્યાં છીએ, પણ વાસ્તવમાં એ વધુ ને વધુ ઊંડા દલદલમાં જ આપણને ખૂચાડશે. મનુષ્ય જીવનના ઉચ્ચતમ મૂલ્યોને ધારણ કરે તે ધર્મ પણ એ ઉંચા મૂલ્યોમાંથી મનુષ્યને પછાડી સંકુચિતતાના ખાડામાં નાખે એનું નામ સંપ્રદાય. આજે કોઈ વધુ સંકુચિત બની શકે એની એક કુત્સિત હરીફાઈ ચાલી રહી છે. સંપ્રદાયો ઔપચારિકતાઓમાં ફસાઈ ગયા છે. જે સંપ્રદાયનો વડો કરે, એ જ એના અનુયાયીઓ કરે. જે ઘરનો મુખી કરે એ જ બાકીના સભ્યો કરે.

વોલ્ટર લિપમેનની એક થિયરી છે. એને સ્યુડો એન વાયમેન્ટ થિયરી કહે છે. માણસ બીજા પશુઓથી એટલા માટે ભિન્ન છે કે એ પ્રતિક્રિયા આપી શકે છે, બોલી શકે છે, હસી શકે છે, પણ એની પ્રતિક્રિયા પેલા સાચા, વાસ્તવિક ભૌતિક પર્યાવરણ પ્રત્યે જ હમેશા નથી હોતી. પણ એ એનુ પોતાનું એક કૃત્રિમ પર્યાવરણ ઘડી કાઢે છે. જેમાં એના બધા પૂર્વગ્રહો, ગમા – અણગમા ભળેલા હોય છે. સંપ્રદાયોની બાબતમાં આ વિચારધારા બરોબર બંધ બેસે છે.

ધર્મનો અર્થ વિશાળ છે એની વ્યાખ્યા વિશાળ છે. એનું પરિપ્રેક્ષય વ્યાપક છે. એનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે, પણ આપણે ધર્મને ધીમે ધીમે સંપ્રદાય અને પેટા સંપ્રદાયમાં વહેંચીને એને સાંકડો કરી નાખ્યો. મહાસાગરના ટુકડા કરી કરીને ખાબોચિયામાં પડી ગયા. ખાબોચિયું બંધિયાર હોય છે. એનું પાણી બહુ જલદીથી ગંધાવા માંડે છે. એમાંથી અભિમાન, નફરત અને ધિક્કારની દુર્ગંધ નીકળવા માંડે છે. બધા સંપ્રદાયના સાંકડા વર્તુળથી ટેવાઈ ગયેલા માણસને એ દુર્ગંધ પણ સુગંધ લાગે છે. એક ખાબોચિયું બીજા ખાબોચિયા સામે જોઈને હસે છે. મશ્કરી કરે છે, પછી તો સંખ્યાબંધ ખાબોચિયા વચ્ચે ચડસાચડસીની સ્પર્ધા શરૂ થાય છે. કોની દુર્ગંધ શ્રેષ્ઠ નક્કી કરવાની હરિફાઈ શરૂ થાય છે. આવા ખાબોચિયામાં પ્રેમ મુદીતા, કરુણાને સહઅસ્તિત્વની ભાવના હોય ખરી? અહં પ્રેમના વિરાટપણાની જગ્યા ધિક્કારતું વામનપણું લઈ લે છે.

ઉદાહરણ વિશાળતાનો ઈજારો કોઈ એક ધર્મનો હોતો નથી. કોઈ એક સંપ્રદાયનો નથી. બધા સંપ્રદાયોમાં એક સરખી સંકીર્ણતા, એકસરખી સંકુચિતતા હોય છે. કયારેક કોઈ ચોક્કસ સમયે એમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે, પણ આખા ઇતિહાસ પર નજર કરો તો બધા સંપ્રદયોમાં નકારાત્મક ચિહ્નો જણાશે. પછી હું વધુ ઉદાર અને તું વધુ સંકુચિત એમ કહેવાનો કોઈ અર્થ ખરો?

આપણા ધર્મસ્થાનોમાંથી હવે પ્રેમનો સૂર સંભળાતો નથી, પણ નફરત અને વેરઝેર બેસુરો ઘોંઘાટ સંભળાઈ રહ્યો છે. પ્રેમના મધુર, સાતાપૂર્ણ, શીતળ રાગને સ્થાને કોઈ વર્ગ પ્રત્યે, કોઈ જાતિ પ્રત્યેના અપમાનપૂર્ણ નફરત ભરપૂર ચિત્કારો ઉઠી રહ્યાં છે. લોકોનું ધ્યાન હવે ધર્મની જયોતમાંથી નીકળતા પ્રકાશમાં નથી, પણ એ જયોતિ કયા દીવામાંથી નીકળે છે, જયોતનું મહત્વ ઘટી ગયું અને દીવાનું વધી ગયું. દીવો સોનાનો છે કે ચાંદીનો એની વાટ દેશી છે કે વિદેશી, એ ઊંચો છે કે નીચો, એમાં દસ વાટ છે કે વીસ છે, એનું મહત્વ વધ્યું છે.

લોકો વાતવાતમાં ‘શ્રધ્ધા’ની વાત કરે છે. આ શ્રધ્ધા આખર શું ચીજ છે? માણસમાં જો વિચારશક્તિ જ ન હોત, એની પાસે બુધ્ધિ ન હોત, તર્ક ન હોત તો આ શ્રધ્ધા પણ હોત ખરી? તર્ક અને સમજ વિનાની શ્રધ્ધા એ ચાળ્યા વિનાના ઘઊં જેવી છે. તર્કરૂપી ચાળણીનો ઉપયોગ કરીએ ત્યારે વહેમ અને પૂર્વગ્રહરૂપી કાંકરા ખરી પડે છે.

લોકો ધર્મગ્રંથો વાંચે છે, ધર્મગ્રંથનું વાંચન તો મનુષ્યને વિશાળ બનાવે, એની ક્ષિતિજોને વિસ્તારે, એના વિચારોને ઉદાર બનાવે, પણ થાય છે એથી ઉલ્ટું જ ખૂબ વાંચનારા લોકો કયારેક ખૂબ સાંપ્રદાયિક બની જાય છે, અને કશું નહીં વાંચનાર (ગામડાનો ગ્રામજન) વધુ ઉદાર જોવા મળે છે.

માણસના સ્વભાવની બધી કૃત્તિમતા, બધા પૂર્વગ્રહો, એની બધી માનસિક ગંદકી એના ધાર્મિક વ્યવહારમાં દેખાઈ આવે છે. બીજી રીતે બહુ જ સંતુલિત, સ્વસ્થ, બુધ્ધિગમ્ય દેખાતો મનુષ્ય પણ ધર્મ અને સંપ્રદાયના મામલામાં અત્યંત સાધારણ, અતાર્કિક અબૌધ્ધિક અને અંધશ્રધ્ધાળું બની જતો જણાય છે.

આપણો ધર્મ શો હોવો જોઈએ? પૂજા, પ્રાર્થના, મંદિર – મસ્જિદ, ઓચ્છવ કથા, મિજલસ, મંત્રજાપ, ઉપવાસ, વ્રત એમાં જ ધર્મ સમાઈ જાય છે? ધર્મનો દાયરો, ધર્મની સીમા શું આટલી તંગ, આટલી સાંકડી હોઈ શકે? જે માણસ વધુ ઉપવાસ, વધુ જાપ, વધુ અનુષ્ઠાન કરે છે એનામાં એક પ્રકારનો અહંકાર આવી જાય છે. એ બીજા અનુયાયીઓ કરતાં પોતાને બે ગજ ઊંચા માનવા લાગે છે. સમાજ પણ આવા બધા ક્રિયાકાંડોમાં જે માણસ આગળ નીકળી જાય, એને સાધુ – સંતનું બિરુદ આપી દે છે!

જે માણસ રોજ ધર્મસ્થાનમાં જાય છે. સવાર સાંજ પૂજા અર્ચના કરે છે, અનુષ્ઠાન કરે છે, કથાઓ સાંભળે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે, ટીલાંટપકાં કરે છે, માથે ટોપી પહેરે છે, દાઢી રાખે છે, અને સતત પડોશી સાથે ઝઘડે છે. કુટુંબમાં વર્ચસ્વ કેમ જમાવવું એનાં કાવતરા કરે છે, ધંધામાં શોષણ કરે છે, કરચોરી કરે છે, ગ્રાહકને છેતરે છે, પત્નીને ત્રાસ આપે છે, સંતાનો ઉપર જમાદારી કરે છે. એના કરતાં એ માણસ નહીં સારો કે જે કદી ધર્મસ્થાનમાં જતો નથી, ધાર્મિકતાનો ડોળ કરતો નથી. પૂજા પ્રાર્થના કરતો નથી અને છતાં સમગ્ર સૃષ્ટિને ચાહે છે, વ્યક્તિ અને સમાવિષ્ટને પ્રેમ કરે છે, કોઈની ખટપટ કરતો નથી, કોઈની ઈર્ષ્યા કરતો નથી?

આજના કેટલાક સંપ્રદાયો લાખોની સંખ્યામાં શિષ્યો ધરાવે છે. માણસનું કલ્યાણ કરવાના દાવા કરે છે. પણ શિષ્યોને અસહિષ્ણુતા અને સંકુચિતતાના પાઠ ભણાવે છે. સંપ્રદાયનાં વડાની સામે કોઈ શિષ્ય વાંધો લે કે પ્રશ્ન પૂછે તો બીજા શિષ્યો મારફત એમની ઉપર હુમલા કરાવવામાં આવે છે. શારીરિક હુમલામાં કયારેક હાથ પગ ભાંગી નાખવામાં આવે છે. અને કયારેક એમની હત્યા કરાવી દેવાય છે. આમ ધર્મને પણ કરોડોની સંપત્તિ એકઠી કરવાનું માધ્યમ બનાવી દેવાયું છે. જયાં કરોડોની સંપત્તિ એકઠી થાય ત્યાં આપોઆપ વ્યક્તિ પૂજા દાખલ થઈ જાય છે. અને એ સંસ્થાનું અને સંસ્થાના વડાનું સ્થાપિત હિત ઉંચુ થઈ જાય છે. આપણી પ્રજા કેટલી ભોળી છે. કે જલ્દી એ અંધશ્રધ્ધામાં સરી પડે છે.

સંસ્થાના વડાના આદેશોને મૂંગે મોઢે એ સ્વીકારી લે છે. અને એનું તરત અમલ કરે છે. છેલ્લે સ્વાધ્યાય પરિવારમાં જે બન્યું એ એનો દાખલો છે. સારા ઉદ્દેશથી અને આધ્યાત્મિક ઉન્નતિના ધ્યેયથી ઉભી થયેલી આવી સંસ્થાઓનું બહું ઝડપથી પતન થઈ જાય છે. છેલ્લે આચાર્ય રજનીશના સંપ્રદાયની પણ આજ દશા થઈ હતી. એમણે પોતે જે વસ્તુનો વિરોધ કર્યો એ જ દુષણમાં એ પોતે સપડાયા એમની વિચારસરણી ઉત્તમ હતી, પણ કરોડોની સંપત્તિ એકઠી થઈ અને એમની આસપાસ એવા શિષ્યો એકઠા થાય જેમની વચ્ચે રજનીશના વારસ બનવાની કાતિલ હરિફાઈ શરૂ થઈ. આજે જે બચ્યું છે એ માત્ર રજનીશની વિચારધારા બચી છે. એમની વિચારધારા ઘણે અંશે રેશનલ હતી. વિવેકબુધ્ધિ યુક્ત હતી. આપણે અત્યારે એ વિચારધારા અપનાવવાની તાતી જરૂર છે. એને બદલે આપણે જુદા જુદા સંપ્રદાયોના વડામાં કેદ થઈ ગયા છીએ. સંસ્કૃતમાં કહ્યું છે કે મુક્તિ અપાવે એજ સાચો ધર્મ. અહીં ધર્મનો સંપ્રદાય નથી. જે ધારણ કરે તે ધર્મ અત્યારના સંપ્રદાય મનુષ્યને વિશાળ બનાવવાને બદલે સાંકડા બનાવે છે. એમાંથી જ તંગદિલી ફેલાય છે. એમાંથી જ હિંસા ફેલાય છે.

ગાંધી, વિનોબા અને વિવેકાનંદ ધાર્મિક હતા, પણ સાંપ્રદાયિક નહોતા એમનો ધર્મ સર્વ સમાવંશક હતો. એ કોઈ વિચારસરણીનો ઈન્કાર કરનારો નહોતો આપણા દેશમાં જાત જાતના ધર્મો અને સંપ્રદાયો છે. આ બધા ધર્મને વિચારધારામાંથી જે સારા તત્વો અપનાવવા જેવા હોય એમને અપનાવીને એક નવો માનવધર્મ અપનાવવો જોઈએ. સદીઓ પહેલા મોગલ બાદશાહ અકબરે આવો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ નિષ્ફળ ગયો. હવે ઈચ્છીએ કે આવો પ્રયોગ ફરી એકવાર કરવામાં આવે.

– યાસીન દલાલ, “વિચાર વિહાર”, ગુજરાત સમાચાર, તા.૧૩/૦૬/૨૦૨૦