Browsed by
Tag: શિક્ષણ

વિદ્યાની અદમ્ય ધગશ હોય, ત્યાં સદા અલ્પવિરામ જ હોય !

વિદ્યાની અદમ્ય ધગશ હોય, ત્યાં સદા અલ્પવિરામ જ હોય !

જિંદગી કેવા દાવ ખેલે છે ! કોઇને ઇશ્વરીય વરદાન સમી ચમકતી, ચળકતી, એશોઆરામભરી સોનેરી જિંદગી મળે છે તો કોઇને જિંદગી એ આફતનો પટારો હોય છે, જ્યાં એક આફત પૂરી ન થાય, તે પહેલાં બીજી આફત સામે આસન જમાવીને બેઠી હોય છે. આ જીવન કોઇને મોજભરી સફર સમાન હોય છે, તો કોઇને મૂંઝવમનો તકાજો હોય છે ! કોઇના જીવનમાં સુખની રેલમછેલ ઊડતી હોય છે, તો કોઇના જીવનમાં દુ:ખનાં આકાશે ઉછળતો દરિયો હોય છે !

રાજસ્થાનના પાલી-મારવાડ જિલ્લામાં જન્મેલી ઉમ્મુલ ખેરની જિંદગીમાં જન્મ સાથે જ આફતોનો સિલસિલો શરૂ થયો. પહેલેથી જ શારિરીક મર્યાદા સાથે જન્મી. એ ઓસ્ટિયો જેનેસિસ એટલે કે બોન ડીસઓર્ડરની બિમારી સાથે જન્મી હતી. હાડકાં એવા નબળાં કે સહેજ પડે આથડે કે બટકી જાય. ક્યાંક અથડાઈને સહેજ નીચેપડે કે હાથે-પગે મોટું ફ્રેકચર થઇ જાય. આમાં વળી ગરીબીએ આ પરિવાર પર વજ્રઘાત કર્યો હતો.

કેટલાક શારિરીક પીડા સહન કરતા હોય છે, તો કેટલાક સ્વજનોની પીડા પામતા હોય છે, તો કેટલાકને ચારેબાજુથી પોતાની, પારકી અને અણધારી આપત્તિઓ ખમવી પડે છે. નાની ઉમ્મુલના પિતા ચાર સંતાનોને નોંધારા છોડીને શહેરમાં ચાલ્યા ગયા. એની માતાને સિઝોફેનીયાની માનસિક બિમારી લાગુ પડી છે. ઉમ્મુલના દિલમાં એક જ ધગશ હતી કે ગમે તે થાય, મારે અભ્યાસ તો કરવો જ છે. આને માટે ઝુંપડપટ્ટીમાં વસતી ઉમ્મુલે નિશાળની ફી ભરવા ટયુશન ક્લાસીસ શરૂ કર્યા. આસપાસનાં ગરીબ બાળકોને ભણાવવા લાગી. બપોરના ત્રણથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ટયુશન ક્લાસીસ લેતી. એમાંથી જે કંઇ થોડી ઘણી રકમ મળે, તેમાંથી પોતાની સ્કૂલ ફી ભરતી હતી. એવામાં એના પિતાએ બીજા લગ્ન કરતા ઝૂંપડામાં આવેલી સાવકી માતાએ પહેલો હુક્મ એ કર્યો કે હવે આને અભ્યાસ-બભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. ઘરની હાલત તો જુઓ. માટે ઘરકામ ચૂપચાપ કર્યા કર. અને પછી ઉમ્મુલના જીવનમાં રોજનો કલહ, કંકાસ અને ખટરાગ શરૂ થયો. આખરે અભ્યાસની આશિકીને કારણે નવમા ધોરણમાં અભ્યાસ કરતી ઉમ્મુલે નાનકડી રૂમ ભાડે લઇને અલગ રહેવાનું નક્કી કર્યું. એકલી છોકરી અને આસપાસ દારૂડીયાઓનો સતત ભય. આવે કપરે સમયે પણ એણે ટયુશનની કામગીરી ચાલુ રાખી. એકબાજુ ભણાવે અને બીજીબાજુ પોતે ભણે ! હાયર સેકન્ડરીમાં ૯૧ ટકા માર્ક મેળવ્યા અને કોલેજમાં પ્રવેશ મેળવવાની વેળા આવી.

આસપાસની ઝૂંપડપટ્ટીમાં તો કોલેજ ક્યાંથી હોય ? કોલેજમાં અભ્યાસ કરવા દૂર જવું પડે અને ત્યાં સુધી જવું કઇ રીતે ? દિલ્હીની બસમાં તો મુસાફરોની ભારે ભીડ હોય, એમાં જો સહેજ કોઇનો ધક્કો વાગે, તો આવી બને ! ફ્રેકચર થતાં દિવસો સુધી પથારીમાં પડયા રહેવું પડે. કોઈ અવરોધ એની અભ્યાસની ઇચ્છાને અટકાવી શકે તેમ નહોતો. એનું દિલ કહેતું હતું કે અભ્યાસ એ જ એકમાત્ર જિંદગીને આફતોમાંથી ઉગરવાનો માર્ગ છે. જો વધુ અભ્યાસ નહીં કરે, તો એ જ ગરીબી અને બેહાલી વીંટળાઈ વળશે અને સાથે જન્મજાત બીમારી તો ખરી જ. આથી એણે દિલ્હીની બસમાં પોતાની જાતને ખૂબ સાચવીને કોલેજમાં જવાનું શરૂ કર્યું. આટલી બધી વેદના સહેનારી ઉમ્મુલના ચહેરા પર સદા ય હાસ્ય જ નજરે પડે. એના સહાધ્યાયીઓને પણ સહેજે કલ્પના ન આવતી કે ઉમ્મુલ કેટલી મુસીબતો વચ્ચે ઝઝુમે છે ! વળી એ દિવ્યાંગ હોવાથી અવારનવાર લોકોની ઉપેક્ષાનો ભોગ બનતી અને ગરીબ હોવાથી અવગણના સતત સતાવતી હતી. અભ્યાસમાં તેજસ્વી એવી ઉમ્મુલ કોલેજના સમય પછી ઘેર આવીને ટયુશન કરતી. જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓનાં જુદા જુદા સમયે ટયુશન રાખવા પડે. બપોરે ત્રણ વાગે શરૂ થયેલા એના ટયુશન ક્લાસ રાતના દસ વાગ્યા સુધી ચાલતા. ટયુશનમાંથી થતી આવકમાંથી એ ઘરનું ભાડું ચૂકવતી અને એના ભોજનનો ખર્ચ કાઢતી.

અથાગ પ્રયત્નો પછી ઉમ્મુલ સ્નાતક થઈ. સિઝોફ્રેનિયા ધરાવતી માતાની માનસિક બીમારીનો એને જન્મજાત અનુભવ હતો. આથી વિચાર્યું કે મનોવિજ્ઞાાનનો વિષય લઇને વધુ અભ્યાસ કરું. વળી પાછી એક નવી મુશ્કેલી સામે આવી. આ વિષયમાં ઇન્ટર્નશીપ કરવી પડતી હોવાથી બીજે રહેવા જવું પડતું અને કામ કરવું પડતું. એને માટે આ શક્ય નહોતું, કારણ કે એ જો ઇન્ટર્નશીપ સ્વીકારે, તો એના આજીવિકાના આધાર સમાન ટયુશન છોડવાં પડે. આ સમયે એ કોલેજમાં યોજાતી વક્તૃત્વ સ્પર્ધા અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. એમાં પણ વિજેતા બનતા એને પારિતોષિકરૂપે થોડી રકમ મળતી હતી. એનાથી ઘરખર્ચમાં થોડી મદદ મળતી હતી. પરંતુ ઘણી સ્પર્ધાઓ સાંજના સમયે યોજાતી હોવાથી ઉમ્મુલ એના ટયુશનોને કારણે ભાગ લઇ શક્તી નહોતી.

આફત ક્યાં ઓછી આવતી હતી !

ઉમ્મુલને જે.એન.યુ.ની હોસ્ટેલમાં પ્રવેશ મળ્યો. સાથે બે હજાર રૂપિયાની સ્કોલરશીપ પણ મળી, આથી એને થયું કે હાશ, હવે ટયુશન નહીં કરવા પડે ! હવે અભ્યાસને માટે વધુ સમય ફાળવી શકીશ.

અનુસ્નાતક અભ્યાસ સમયે વળી નવી આફત એના પર ત્રાટકી. એ સમયે અકસ્માત થતાં એને ગંભીર ઇજા થઈ. સોળ જેટલાં ફ્રેકચર થયાં અને આઠ તો ઓપરેશન કરવાં પડયાં. જિંદગીમાં કોઈ આધાર નહીં, આફતના દરિયાનો કોઇ કિનારોનહીં. માત્ર મુસીબતોની મઝધારમાં જ જીવનસફર ખેડવાની. ભરદરિયે આમતેમ ફંગોળાવાનું અને પરિણામે લાંબા સમયે સુધી એને વ્હીલચેરને આશરે જીવવું પડયું. એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન અણધાર્યો અવરોધ આવી ગયો, પણ છતાં ય એ સહેજે પીછેહઠ કરે તેવી નહોતી. આ ઓપરેશનો એના અભ્યાસમાં અવરોધરૂપ બની શક્યા નહીં. ૨૦૧૩માં ઉમ્મુલે એમ.એ.માં ઉત્તીર્ણ થઇને એમ.ફિલમાં પ્રવેશ મેળવ્યો. અભ્યાસની સાથોસાથ એ જુદાં જુદાં કાર્યક્રમોમાં ભાગ લેતી.

દિવ્યાંગ હોવા છતાં સ્પર્ધાઓમાં મોખરે આવતી. આથી દિવ્યાંગ લોકોનાં કાર્યક્રમોમાં એ ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવા લાગી. એના અવિરત સંઘર્ષનો જેમ જેમ સહુને ખ્યાલ આવતો ગયો, તેમ તેમ એને બધે સ્થળેથી પ્રોત્સાહન મળવા લાગ્યું. ૨૦૧૪માં ઉમ્મુલ જાપાનના ‘ઈન્ટરનેશનલ લીડરશીપ ટ્રેનિંગ’ના પ્રોગ્રામમાં પસંદગી પામી. આ ઘટના એની અસામાન્ય સિધ્ધિ બની રહી, કારણ કે આ પ્રોગ્રામ હેઠળ અગાઉ અઢાર વર્ષમાં માત્ર ત્રણ વ્યક્તિની પસંદગી થઇ હતી. ઉમ્મુલ ચોથી વ્યક્તિ બની. આ પ્રોગ્રામમાં સિધ્ધિ મેળવનારા દિવ્યાંગ યુવક-યુવતીઓ હિંમતભેર સહુને જિંદગી જીવવાનાં પાઠ શીખવતા હતા. એમાં શીખવાડાતું કે જીવનનો સાચો વિજેતા તો સંઘર્ષો પર વિજય મેળવનાર હોય છે. દ્રઢ આત્મબળના સહારે ગમે તેવી મુશ્કેલીઓ પાર કરી શકાય છે. હસતો ચહેરો અને ઝઝૂમવાની હિંમત હોય તો જગતમાં કશું જ અશક્ય નથી. એક વર્ષનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો કરીને એ પાછી આવી. બીજા કોઇને એની અપંગતા યાદ આવે, પણ ઉમ્મુલને એની વિદ્યા અને અભ્યાસ સતત પોકારતા રહ્યા. ૨૦૧૬માં ‘ઇન્ટરનેશનલ સ્ટડીઝ’ના વિષયમાં ઉમ્મુલે એમ.ફિલની પદવી મેળવી.

કદાચ હવે કોઇને લાગે કે ઉમ્મુલની વિદ્યાયાત્રાનું પૂર્ણવિરામ આવશે, પણ વિદ્યાની સાચી ધગશ હોય ત્યાં સદા ય અલ્પવિરામ જ હોય છે.એને પી.એચ.ડી.નો અભ્યાસ કરવો હતો, સામે આર્થિક મૂંઝવણો હતી પણ એવામાં પચીસ હજાર રૂ.ની શિષ્યવૃત્તિ મળતા ઉમ્મુલનો માર્ગ સરળ થઇ ગયો અને એણે પી.એચ.ડી.ની પદવી મેળવી. પણ હજી ક્યાં એની મંઝીલનો મુકામ આવ્યો હતો ? એને તો સતત આગળ વધવું હતું અને બાળપણનું સ્વપ્ન શિધ્ધ કરવું હતું. એ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એ કોઈ અનુભવીને પૂછતી કે ભણવામાં આગળ વધીએ તો સહુથી ઊંચી પદવી કઈ ? કોઇએ એને કહ્યું કે આઇ.એ.એસ. એ સૌથી ઊંચી પદવી ગણાય. એ દિવસથી પોતાના અભ્યાસને માટે પારાવાર આર્થિક, શારીરિક અને માનસિક આફતો સહન કરનારી ઉમ્મુલને અભ્યાસના એવરેસ્ટ શિખર સમાન આઈ.એ.એસ. બનવું હતું. ૨૦૧૬માં યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસે જ સારો રેન્ક મેળવીને આઈ.એ.એસ. બની ગઈ. આઈ.એ.એસ. બનવાની પાછળ એની સેવાની ભાવના હતી. લોકોના જીવનને સ્નેહ અને સંવેદનાથી સહાયભૂત થવાનો એનો હેતુ હતો અને આજે એ મદદનીશ કમિશનર તરીકે પોતાની એ લોકસેવાની ભાવનાને મૂર્તિમંત કરી રહી છે.

કોઈ આવા ઊંચા સ્થાને પહોંચે પછી પોતાના ગરીબ પરિવારને કઇ રીતે જુએ ? અભ્યાસમાં સતત અવરોધરૂપ બનેલા પિતા તરફ એનું કેવું વલણ હોય ? એને તરછોડનારી અને ધૂત્કારનારી તથા ઘર ચોડવા મજબૂર કરનાર સાવકી માતા તરફ એના મનમાં કેટલો બધો રોષ હોય ? પરંતુ ઉમ્મુલ માને છે કે કદાચ એના પિતાએ વધુ અભ્યાસ કરતી છોકરીઓ જોઈ નહોતી, તેથી એને ભમવા દેવા માગતા નહીં હોય. પિતા અને સાવકી માતાનાં આવાં વર્તનને ભૂલીને ઉમ્મુલ એમની પૂરી સંભાળ લે છે અને સન્માન આપે છે. એ ઇચ્છે છે કે હવે એના માતાપિતા આરામની જિંદગી જીવે.

આજે અઠ્ઠાવીસ વર્ષની શાંત પણ ઊર્જાસભર અને ચહેરા પર આફતોને ઓગાળી નાંખનારું દેવતાઈ સ્મિત ધરાવતી આ છોકરી માત્ર વિકલાંગો માટે જ નહીં, પણ સક્ષમ લોકો માટે પણ એક ‘રોલ મોડેલ’ બની રહી છે. ગંદીનાળી અને કચરાના ઢગ વચ્ચે ઝુંપડપટ્ટીમાં ને ગરીબીમાં ઉછરેલી, તૂટતાં હાડકાની બિમારીને પોલાદી તાકાતથી સહન કરતી, અકસ્માત, ઓપરેશનો અને ફ્રેકચરોની પીડા ભોગવતી અને છતાં સઘળી શારીરિક વિકલાંગતાને પાર કરીને ઉમ્મુલ સંકલ્પબળે સિધ્ધિના શિખરે પહોંચી છે. એનું આકાશ સદા ય આફતો અને વિઘ્નોનાં વાદળોથી છવાયેલું રહ્યું, પણ એ આકાશમાં વિદ્યાનો પ્રકાશ પાથરવાના અથાગ પ્રયત્નો એ જ ઉમ્મુલની સફળતાનું હાર

ડો. કુમારપાળ દેસાઈ, ઈંટ અને ઈમારત કોલમ, ગુજરાત સમાચાર

ખાનગી શાળાઓ અને શિક્ષણ

ખાનગી શાળાઓ અને શિક્ષણ

માર્ચ માસથી શહેરોના હોર્ડિંગ્સ ઉપર “ખાનગી શાળા” ની જાહેરાતોની વસંત ખીલશે. ”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો ભેદ ન પારખી શકનારા સંચાલકો જાહેર ખબરો માટે નાણાં કોથળી છૂટી મૂકી દેશે.

પ્રોફેશનલ્સ કેમેરામેનો પાસે સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી નાઈસ નાઈસ ઈમેજીસ બનાવી છટકા ગોઠવશે.

જાહેરાતમાં બધું જ લખશે, સિવાય કે “ફીની વિગત”
મગજને લીલુંછમ કરી, હ્રદયને ઉજ્જડ બનાવી દેતી કેટલીક સ્કૂલો છે !

વેદના તો જુઓ, બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે પણ તેની પોતાની “ ઓળખ” ગુમાવી ચૂક્યો છે. તે સ્ટુડન્ટ નથી રહ્યો, રનર બની ગયો છે, રનર.

“લીટલ યુસેન બોલ્ટ” ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ. ૧૫ કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો બાળકને ઘરથી ૨૦ કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે !

પેલા પાંડવોને મૂર્છીત કરી દેનાર યક્ષને કહો કે આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય ! વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ ક્યાં લખે છે કે દફતરનું વજન કેટલાં કિલો હશે ???

ગુજરાતનો એક સર્વે કહે છે કે, શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં ૧૫૦% નો વધારો થયો છે.

દેશના મધ્યમ વર્ગમાં “નસબંધી” કરતાં “શિક્ષણખર્ચ” ના કારણે વસ્તી વધારાનો દર ઘટ્યો છે !!!
ગુજરાતની કહેવાતી ઈન્ટરનેશનલ શાળામાં “રિબોક”ના શૂઝ કમ્પલસરી છે. કિંમત માત્ર ૩૫૦૦=૦૦ રૂ. (આપણી સરકારી શાળાઓમાં દાતાશ્રીએ બાળકોને ચંપલો આપ્યાના ન્યૂઝ પેપરોમાં આવે છે)

નાસ્તામાં રોજ શું લાવવું તેનું મેનુ શાળા નક્કી કરે છે. અઠવાડિયાના અમુક દિવસ માટે જુદાં-જુદાં રંગ/ડીઝાઈનના યુનિફોર્મ નક્કી કર્યા છે.

વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને જ એડમિશન આપવામાં આવે છે.
ઈન શોર્ટ એટલું જ કે “આર્થિક રીતે નબળા” અને “માનસિક રીતે નબળા” માટે આ શાળાઓ નથી.

ખાનગી શાળામાં ભણતા બાળકોની માતાશ્રીઓ બાળકને મળતા હોમવર્કના પ્રમાણમાપને આધારે “આજે રસોઈમાં ફલાણી વસ્તુ જ બનશે” એમ જાહેર કરે છે. લેશન વધારે હોય તો “એક ડીશ બટાકાપૌંઆ” અને લેશન ઓછું હોય તો “દાળ-ભાત, શાક, રોટલી અનલિમિટેડ” મળે છે !!

આખા ઘરના મેનેજમેન્ટનું કેંદ્રબિંદુ સ્કૂલ બની ગઈ છે.
એ દિવસ પણ દૂર નથી કે પ્રાથમિક શિક્ષણની ફી ભરવા માટે વાલીઓએ જી.પી.ફંડ ઉપાડવા પડશે. હાલ માત્ર ઉચ્ચ શિક્ષણ માટે લોન આપતી બેંકો પ્રાથમિક શિક્ષણ માટેની ફી ભરવાય લોનો આપશે.

પેલી જાહેરાતોમાં પાછું લખશે કે અમારે ફલાણી-ઢીંકણી બેંક સાથે ટાઈ-અપ છે, લોન પેપર ઉપલબ્ધ છે. બાળકના દફતર પર લખેલું જોવા મળશે “ બેંક ના સહયોગથી”
બીજી એક ખોડ છે, તેઓની શિક્ષણ પધ્ધતિ. એક “છત્રપતિ શિવાજી” નો પાઠ હોય અને બીજો “અમેરિકા ખંડ” નામનો પાઠ હોય. જે પાઠમાંથી પરીક્ષામાં વધારે ગુણનું પૂછાવાનું હોય તેના આધારે જે-તે પાઠને મહત્વ આપવામાં આવે છે. “છત્રપતિ શિવાજી” ના કોઈ ગુણ બાળકમાં ન આવે તો ચાલશે ,વાર્ષિક પરીક્ષામાં ગુણ આવવા જોઈએ.
ચાલો, છેલ્લે છેલ્લે ઈન્ટરનેશનલ લેવલે પણ આપણી શિક્ષણની ગરીબાઈ જોઈ લઈએ.

ભારતમાં પાંચ-છ આંકડામાં ફી લઈને ઉચ્ચ ક્વોલિટીના શિક્ષણની વાતો કરનાર એક પણ સ્કૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ૫૦૦ માં પણ નથી. માત્ર ૧૩/૧૪ વર્ષની કાચી ઉંમરે આત્મહત્યા કરતા બાળકો સમાજને દેખાય છે ? આ આત્મહત્યા પાછળની તેની વેદના સમજાય છે ?
મારી વાત સાથે કોઈ સંમત થાય કે ન થાય એ અલગ વાત છે પણ હું “પ્રામાણિક અભણ મજૂર” અને “અપ્રામાણિક સાક્ષર અધિકારી” માં પ્રથમ વિકલ્પને પસંદ કરીશ.

જો નજરમાં દમ હશે તો થાંભલા અને પેન્સિલ વચ્ચેનો આ તફાવત સમજાઈ જશે.
આ કોઈ નકારાત્મકતા નથી. ઘણી સારી શાળાઓ છે જ. આ તો એવી શાળાઓની વાત હતી જે સરસ્વતી માતાની છબી ઓથે “વ્યાપાર” કરે છે !!!

તેના શિક્ષકોની લાયકાત તથા ચૂકવતા પગાર ની હજુ વાત કરવી નથી.. !!!!

સૌજન્ય: વ્હોટ્સએપ