જીવન છેવટે લાગણીઓનો ખેલ છે
માણસની ઉંમર ગમે તે થાય એની સંવેદના અને લાગણીઓ તો મૃત્યુ સાથે જ સમેટાતી હોય છે. જેમ બાળક કોઈ પોતાની નોંધ લે તે માટે મથે છે તે જ રીતે વૃદ્ધોને પણ કોઈ એમની સાથે વાત કરે, કોઈ એમની સલાહ લે, કોઈ એમને પોરસાવે તે ગમે છે.
વૃદ્ધ એ પાયો તૂટી ગયેલી ખુરશી અથવા ટેબલ નથી. નથી એ જળી ગયેલું ખમીસ. વૃદ્ધને ઘસાઈ ગયેલો સિક્કો કે ફાટી ગયેલી નોટ માની અને એને ચલણમાંથી કે વપરાશમાંથી કાઢી નાંખવું એ વૃદ્ધત્વનું અપમાન છે.
ઘરમાં કોઈ પ્રસંગ ઊજવાતો હોય કે બાળકના જન્મદિનની કેક કપાતી હોય, ટેલિવિઝન પર મેચ ચાલતી હોય કે કોઈ મોટા માણસ ઘરે આવ્યા હોય. વૃદ્ધની આંખમાં પણ આ પળ માણવાની, બધાંની સાથે બેસવાની, દીકરાના દીકરાને માથે હાથ ફેરવવાની, એને વ્હાલભરી ચૂમી ભરવાની, ક્રિકેટની મેચમાં રસ હોય તો સ્કોર જાણવાની અને કોઈ વિશિષ્ટ વ્યક્તિ ઘરે આવ્યું હોય તો ઘરના મોભી તરીકે બે શબ્દોની આપ-લે કરવાની ઉત્કંઠા હોય છે.
ઘણી બધી જગ્યાએ મેં જોયું છે. ઘરના વડીલ માટે નવાં કપડાં લેવાનાં હોય તો પહેલો હિસાબ મૂકાય. આટલાં બધાં કપડાં અને હવે આ ઉંમરે શું કરવા છે? કોઈ વળી કહે કે આ ઉંમરે વળી બહાર જમવાના ચટાકા કરીને શું કામ છે? આ ઉંમરે કોઈકનાં લગ્નમાં તમારે શું જવું છે? અરે! આ ઉંમરે એટલે? કેમ આ વૃદ્ધ આવતીકાલે ટપકી જવાના છે અને તમે અમરપટો લખાવીને આવ્યાં છો?
ચીરયૌવનનું વરદાન લઈને આવ્યાં છો? આવા સમયે એક નિઃસહાયતાનો અહેસાસ મેં બે જ જગ્યાએ જોયો છે. એક આ પ્રકારનું વર્તન થતું હોય ત્યાં વૃદ્ધ કે વૃદ્ધાની આંખમાં અને બીજો બાખડી થઈ ગયેલી અને એટલે માલિકે તગડી મૂકેલી ગાયની આંખમાં. આવી ગાયને રોટલી ખવડાવીએ તો એ પણ ડોક ઊંચી કરીને હાથથી પંપાળવા કહે છે. મૂંગા પશુને પણ વ્હાલ જોઈએ છે તો આ તો માણસ છે. માની લઈએ સૌ પોતપોતાનાં કામમાં વ્યસ્ત છે પણ આખા દિવસમાં દસ મિનિટ પણ ન નીકળી શકે?
ક્યાંક બીજું જોવા મળે છે. એમાં પેલો ‘દોઢ વાંક વગર પ્રશ્ન ઊભો થતો નથી’ એ સિદ્ધાંત કામ કરે છે. પેલા વૃદ્ધ કે વૃદ્ધાને હજુ પણ બધું જ પોતાને પૂછાય અને બધું જ પોતાની જાણમાં હોય એનો અભરખો છે. ધૂળ જેવી વાત હોય તોય ‘મને તો ખબર જ નથી ને’ અને ખોટું લાગી જાય!
અરે ભાઈ, હવે ધીરે ધીરે આપણે આ વૃત્તિ છોડી રહ્યાં છીએ ત્યારે હજુય મને ખબર જ નથી કહીને ખોટું શું કરવા લગાડવું. બીજી બાજુ ઔપચારિક વાત હોય અને પ્રશ્ન પૂછાય તો પણ દીકરો જવાબ ના આપે. ઉલટાનું ઘુરકિયું કરે ‘તમારે બધી પંચાત કરીને શું કામ છે?’
આ પ્રકારની વૃત્તિમાં એક વૃદ્ધે પોતાના દીકરાને કઈ રીતે સબક શીખવાડ્યો એની વાત મારી મા પાસેથી સાંભળેલી. એક વેપારી હતા. નામું લખ્યા કરે અને પાસે બેઠેલો દીકરો સામેના ઘરના છાપરે બેઠેલો કાગડો બાપાને બતાવીને કહે ‘બાપા કાગડો.’ સામે બાપા જવાબ આપે ‘હા બેટા, કાગડો.’ આવું કેટલીય વાર બોલાય અને બાપા જવાબ આપ્યા કરે.
એમ કરતા દીકરો મોટો થયો. એક દિવસ એણે પેલા શેઠના કોઈક પ્રશ્નનો ખિજાઈને જવાબ આપ્યો. શેઠ સમસમી ગયા. એમણે દીકરાને કહ્યું ‘ભાઈ! મારું એક નાનું કામ કર ને.’ બાપાએ સામે અભરાઈ પરથી સંઘરી રાખેલ વીસ-પચ્ચીસ વરસ પહેલાંની ખાતાવહીઓ ઉતરાવી. દીકરાને પણ નવાઈ લાગી.
વેપારીએ કહ્યું, ‘બેટા! આ ખાતાવહી જરા ખોલો અને વાંચો.’ દીકરાએ વચ્ચેનું પાનું ખોલ્યું અને આશ્ચર્યમાં પડી ગયો. દર ચોથી લીટીમાં લખ્યું હતું: ‘હા બેટા, કાગડો.’ એના પિતાએ કહ્યું, ‘ભાઈ! તું નાનો હતો ને ત્યારે આ જે કંઈ કાલાઘેલા પ્રશ્નો તું પૂછે તેનો જવાબ કામમાં વ્યસ્ત હોવા છતાં આપવાની રમત હું રમ્યો છું. તને આ એક પ્રશ્નમાં ગુસ્સો આવી ગયો? આટલી ઓછી ધીરજ?’
પેલા દીકરાને એની ભૂલ સમજાઈ અને એણે માફી માંગી.
આ ‘બાપા કાગડો’ અને જવાબમાં ‘હા બેટા, કાગડો’વાળી રમત આપણાં બધાંનાં જીવનમાં રમાય છે. એ વખતે પિતાની ધીરજ હોય છે. આજે પિતા વૃદ્ધ છે, એને કોઈ નાનોમોટો પ્રશ્ન હોય તો જવાબ આપવા જેટલું સૌજન્ય દર્શાવીને એની લાગણીને પંપાળી ન શકાય?
જીવન છેવટે લાગણીઓનો ખેલ છે.
બાળકને બાળકની લાગણી છે, યુવાનને યુવાનની લાગણી છે.
વૃદ્ધને વૃદ્ધની લાગણી છે, લાગણી એ જ જીવન છે.
એ લાગણીઓને સમજી, સંકોરી, પંપાળી, પ્રેમથી ન જીવી શકાય?
જો આવું થાય તો? ઘરમાં વૃદ્ધને ક્યારેય અકારું નહીં લાગે. આવા ઘરમાં વૃદ્ધ ક્યારેય એવું કહેતો નહીં સંભળાય કે ‘હવે તો ભગવાન લઈ લે તો સારું.’ વૃદ્ધત્વને જીવનનો એક ઉત્સવ બનાવવામાં ફાળો આપવા જેટલી મોટી યાત્રા બીજી કોઈ હોઈ શકે ખરી? કદાચ એટલે જ આપણે શ્રવણને યાદ કરીને વંદન કરીએ છીએ.
– ડૉ. જય નારાયણ વ્યાસ
(“દિવ્ય ભાસ્કર” ની તા.૨૦/૧૨/૨૦૨૩ ની પૂર્તિ “કળશ” માંથી સાભાર)