Browsed by
Tag: વાડીની મોજ

એ કેમ ભુલાય?

એ કેમ ભુલાય?

રૂડાં રોટલાના ધણી જ રહેવા દયો અમને,
પિઝાની ઇજા, અમારાથી સહન નહીં થાય

વાળુ ટાંણે ભરેલા, બે મરચાં થાળીમાં મૂકજો,
પડીકીયું તોડીને મસાલો, અમારાથી નહીં ખવાય.

દેશી ગાયનું દૂધ અમને, તાંહળી ભરીને આપજો,
ઠંડાપીણા નો વે’વાર, અમારાથી નહીં સચવાય.

ઘી, માખણ ને મરચે, ચોપડેલ રોટલો બઉ ગમે,
ઓનલાઈન મંગાવેલ ખાણું, અમથી નહીં જીરવાય.

તાંહળીમાં ચોળી, પાંચેય આંગળીએ ખાવા દયો,
કાંટા ચમચીએ તો વળી, કેમ કરીને ખવાય?.

પલાઠી વાળીને બેસીએ, બાજોઠે હોય રોટલા,
આ વળી ટેબલ ખુરશીથી, બઉ કંટાળી જવાય.

પીરસાયેલી થાળીએ, પરમેશ્વરને યાદ કરીએ,
ભર્યા ભાણાની સેલ્ફીયું લેવી, અમને નઈ પોહાય.

સાચું ખાણું આ જ છે, તૃપ્ત આનાથી થવા દયો,
આવે જે અમીનો ઓડકાર, “એ કેમ ભુલાય?…..