Browsed by
Tag: બાળકો

આજે બાળકોને…

આજે બાળકોને…

આજે બાળકોને શોર મચાવવા દો
કાલે જ્યારે એ મોટા થઈ જશે
સુનમુન જિંદગી વિતાવશે
મારા તમારા જેવા બની જશે

દડાથી તોડવા દો બારીના કાચ
કાલે જ્યારે એ મોટા થઈ જશે
દિલ તોડશે કોઈનું યા તો પોતે તૂટી જશે
મારા તમારા જેવા બની જશે

કરવા દો વાતો બેહિસાબ એમને
કાલે જ્યારે એ મોટા થઈ જશે
એમના હોઠ પણ સિવાઇ જશે
મારા તમારા જેવા બની જશે

મિત્રો સાથે રજાઓ માણવા દો
કાલે જ્યારે એ મોટા થઈ જશે
મિત્રતા અને રજાને તરસી જશે
મારા તમારા જેવા બની જશે

ભરવા દો એમને સપનાની ઉડાન
કાલે જ્યારે એ મોટા થઈ જશે
પાંખ એમની પણ કપાઈ જશે
મારા તમારા જેવા બની જશે

બનાવા દો એમને કાગળની હોડી
કાલે જ્યારે એ મોટા થઈ જશે
ઑફિસના કાગળોમાં ખોવાઈ જશે
મારા તમારા જેવા બની જશે

ખાવા દો એમને જે મન કરે
કાલે જ્યારે એ મોટા થઈ જશે
દરેક કોળિયે કેલેરી ગણશે
મારા તમારા જેવા બની જશે

રહેવા દો માસુમ એમને
કાલે જ્યારે એ મોટા થઈ જશે
એ લોકો પણ “સમજદાર” બની જશે
મારા તમારા જેવા બની જશે