Browsed by
Tag: પછીની વાત છે

પછીની વાત છે

પછીની વાત છે

ધર્મ એ તો પાંપણો ઢાળ્યા પછીની વાત છે,
એટલે કે ભીતરે ભાળ્યા પછીની વાત છે.

રાખ જેવી રાખ થાવાનું કૈં સહેલું નથી,
આયખું આખું અહીં બાળ્યા પછીની વાત છે.

સાવ અમથો એમ આવી ના મળે ઇશ્વર તને,
દ્શ્ય દેખાતા બધા ટાળ્યા પછીની વાત છે.

એ સત્ય છે સંત બનવું સહેજ પણ અઘરું નથી,
આપણું આ મન જરી વાળ્યા પછીની વાત છે.

આ હ્રદય કારણ વગર ભારે નથી થાતું કદી,
કૈંક શબ્દોને ઘણું ખાળ્યા પછીની વાત છે.

વાહ બોલાવે શબદ જે એ શબદ સહેલો નથી,
કૈંક શબ્દોને ઘણું ચાળ્યા પછીની વાત છે.

એ અનાદિ તત્વને પામી જવાનું કામ તો,
શૂન્યતામાં જાત ઓગાળ્યા પછીની વાત છે.

-તરુણ જાની