દીકરીમાં મેં નદી ભાળી હતી,
એટલે તો ઘર તરફ વાળી હતી.
કોણ બોલે દીકરી વિના ઘરે ?
એટલે મેં કોયલો પાળી હતી.
દીકરીને કેમ કરવું આવજો ? દોસ્ત !
મુઠ્ઠી એટલે વાળી હતી.
કેમ ચાલે જીવ વૃક્ષો કાપતા,
દીકરી જેવી બધી ડાળી હતી.
સાવ કોમળ ફૂલ જેવી દીકરી,
મેં ગઝલમાં એટલે ઢાળી હતી.
-દર્શક આચાર્ય
દીકરી હોવી એ નસીબના પણ નસીબની વાત છે. દીકરી બધાની હોય. એની પાસે બધા જ એના રમકડાંની જેમ જીવંત લાગે! એ નિસ્વાર્થ પ્રેમનો પરમાર્થ છે. એ લગ્ન કરીને બે કુયુંબોના સરવાળાની માવજત કરે છે. એની આંખોમાં શ્રધ્ધા, સ્મિત ઉપર વિશ્વાસ અને ચહેરા પર પિતાની દીકરી હોવાનું સ્વમાન ઝગારા મારે છે. દિકરીના પિતા પાસે ગરીબાઈ શરમાઈ જાય છે.
દરેકને પોતાની ઉંમરના બનાવી દેવાની તાકાત હોય છે દીકરી પાસે!એની ઉછળકૂદ નદી જેવી અને દરિયામાં સમાઈ જવાનું ગમે! એ જ એનું પ્રારબ્ધ પણ! એને દરિયો ન મળે ત્યાં સુધી એ કિનારાના પ્રત્યેક ઘાટને આકાર આપે! એની સમજણ આગળ લાગણી પાણી ભરે! એ હોય ત્યારે કોયલની કૂહુ શાંત લાગે! એના બોલવામાં કુદરતના મૌનને વાચા ફૂટે! એ ન હોય ત્યારે બધું જ ખાલીખમ ઓરડાની દિવાલો અચાનક ઓરડાને મોટો કરીને આપે! આપણા જ ઘરમાં આપણને ઘર મોટું થઈ ગયાનો અહેસાસ થાય. એના વગર કોયલોને પાળવાનું મન થાય અને કોયલના ટહુકારમાં એનો જ વિરહ સંભળાય!
દીકરી વિદાય વખતે ભાગ્યે જ કોઈ એવું હશે જે રડ્યું ન હોય! અરે! જે બાપ નથી રડ્યો એ પણ ખાનગીમાં હૈયાફાટ રડ્યો છે. જેને સમાજ સામે નથી રડવું એ કન્યા વિદાય વખતે મુઠ્ઠીઓ વાળીને રડ્યો છે. હૃદયમાં જે દબાવ્યું છે એ જ ક્યારેક હિમાલયમાંથી ગંગા થઈને વહેવાનું છે.
દીકરીનો પિતા સંબંધોથી સહુથી ધનવાન માણસ છે. એ અતિશય સંવેદનશીલ હોય છે. એ વૃક્ષની ડાળીને પણ કાપી શકવા માટે અસમર્થ હોય છે. વૃક્ષની ડાળીમાં પણ એને દીકરી જેવો જ ભાવ થાય છે. જેણે દીકરી વળાવી છે એ બધા જ પિતા પોતે જ પોતાના અરીસા આગળ બદલાઈ ગયા છે. જેમણે દીકરી વળાવવાની છે એ બધા જ પિતામાં આગોતરું ધૈર્ય ફૂટે છે જે ક્યારેક છોડની જેમ માવજત માંગી લે છે.
દીકરી જગતનું સૌથી કોમળ અસ્તિત્વ છે. દરેક દીકરીના હાસ્યની તુલના કરવામાં દુનિયા મોળી પડે એમ છે. એને તો ગઝલના ઢાળમાં ઢાળીને ગઝલની આબરૂ જ વધારી શકાય. દર્શક આચાર્યની આ ગઝલ દીકરીના સંવેદનની હિમાલયની ટૂંક છે. જેને ટોચ પરથી અનુભવો કે તળેટીથી અનુભવો એ દરેક તબ્બક્કે એક સરખી જ પવિત્રતાનો અનુભવ કરાવે છે. દીકરી એટલે જગતના બધા જ સંબંધોનું અર્ક. એને મળીએ ત્યારે પિતાની મક્કમતા, માતાની વ્યવહારુતા, ભાઈનું વાત્સલ્ય, બહેનપણીની અલ્લડતા, પતિનો રૂઆબ બધું જ એક સાથે પ્રગટ થાય. દીકરી સંબંધોનું ગર્ભદ્વાર છે જ્યાં એ પોતાની રાજીખુશીથી પોતાની ગમતી વ્યક્તિની સ્થાપના કરે છે. દર્શક આચાર્યની જીવનના હકારની આ કવિતામાં દીકરીના અસ્તિત્વનું ગુણગાન અને યશોગાન છે. દીકરી ખળખળ વહેતું દરિયાનું આગોતરું સ્વરૂપ છે.
– અંકિત ત્રિવેદી, જીવનના હકારની કવિતા, રસરંગ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, તા.૨૮/૧૧/૨૦૨૧