Browsed by
Tag: ઘર

કયુ હશે મારું ઘર??

કયુ હશે મારું ઘર??

જન્મતાની સાથે જ,
હાસ્યના કિલકાટથી ભર્યું મેં ઘર.
ને એ થયું પિયરનું ઘર.

કંકુવર્ણે પગલે ચાલી,
હાથ ને જાત ઘસી દીપાવ્યું મેં ઘર.
ને એ થયું સસરાનું ઘર.

ઉમંગ અને અરમાનોથી
બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધું ઘર.
ત્યાં તો પતિ કહે, “ વાહ, શું સુંદર છે મારું ઘર.”
ને એ થયું પતિનું ઘર.

હશે! કદાચ હવે થશે મારું ઘર,
એમ માની મોટા કર્યા સંતાન.
પુત્ર કહે,” મમ્મી, તું આવીશ મારે ઘરે?”
ને એ થયું પુત્રનું ઘર.

ચારે અવસ્થામાં વસાવ્યા ચાર ઘર.
છતાં, હવે ક્યારે? ને ક્યુ હશે મારું ઘર ???

મને મારું ઘર એટલે બહુ ગમે છે

મને મારું ઘર એટલે બહુ ગમે છે

મને તૂટવાની ક્ષણે સાચવે છે.
મને મારું ઘર એટલે બહુ ગમે છે.

ઘણીવાર થાકું, અને ચૂર થઇને,
હું લંબાવી દઉં જાતથી દૂર જઇને.
એ વખતે બની મા, મને જાળવે છે,
મને મારું ઘર એટલે બહુ ગમે છે.

કદીક ઘર, કદીક જાતથી ઓછું આવે,
તો ભીંતોય ઘડપણનું ડહાપણ બતાવે,
રહી મૌન એ શાણપણ દાખવે છે,
મને મારું ઘર એટલે બહુ ગમે છે.

મેં માનેલા મારા, કરે મનવટો યે,
તિરસ્કાર અસ્તિત્વનો યે થતો ને,
હું જેવી છું એવી મને પાલવે છે,
મને મારું ઘર એટલે બહુ ગમે છે.

ભલે રેત પત્થર વડે એ બનેલું,
છતાં એ જ આત્મિય સહુથી વધેલું !
અહિં બુંદ શીતળ પરમની જમે છે,
મને મારું ઘર એટલે બહુ ગમે છે.

આ ઉંબર, આ પરસાળ ને ઓરડા પણ,
નિભાવી રહ્યા છે ભવોભવનું સગપણ
થીજે મારી સાથે, ને સાથે દ્રવે છે,
મને મારું ઘર એટલે બહુ ગમે છે.

– નેહા પુરોહિત

ઘર મને એવું ગમે

ઘર મને એવું ગમે

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે,
બારણા બોલે : ‘પધારો’, ઘર મને એવું ગમે.

હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે,
હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે.

કાયમી જ્યાં છમ્મલીલાં લાગણીનાં ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે.

નીંદની ચાદર હટાવે, ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે.

જે ઘરે લાગે અજાણ્યાનેય પણ પોતાપણું,
લોક ચાહે જ્યાં ઉતારો, ઘર મને એવું ગમે.

થાકનો ભારો ઉતારે, કોઇ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે.

મંદિરો જેવું પરમ સુખ, સાંપડે જ્યાં જીવને,
જ્યાં રહે ચડતો સીતારો, ઘર મને એવું ગમે.


– પ્રતિભા મહેતા