Browsed by
Tag: ગુજરાત સમાચાર

નેતાઓના હીન ચરિત્ર

નેતાઓના હીન ચરિત્ર

​તામિલનાડુ અને ગુજરાત વિધાનસભામાં તાજેતરની વિવિધ ઘટનાઓમાં સત્તાધારી અને વિરોધપક્ષના ધારાસભ્યોએ મચાવેલ દંગલ હવે ભારતીય લોકશાહીમાં સાવ નવા તો નથી રહ્યા પરંતુ આ ઘટનાઓએ ફરીવાર એ યાદ તાજી કરી આપી છે કે જેને આપણે રાજપુરુષો કહીએ છીએ તેમના ચરિત્રના કોઇ ઠેકાણા હોતા નથી કારણ કે તેમની વાણી અને તેઓના વર્તન સતત એ વાતનો કુક્કુટ પોકાર કરે છે કે લોકશાહી પ્રણાલિકામાં અપાર શ્રદ્ધાના દિવસો હવે અસ્તાચળને આરે છે. સંસદભવનની પણ આ જ હાલત છે. આપણી લોકસભા અને રાજ્યસભા જ્યાં બિરાજમાન છે તે સંસદભવન આમ તો છ વર્ષના સતત બાંધકામ પછી ઇ.સ. ૧૯૨૭માં ખુલ્લુ મુકાયેલું છે અને હવે ઇમારત તરીકે ખખડધજ થઇ જતા લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરાકુમારના વડપણ હેઠળ એના નવીનીકરણની એક પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે પરંતુ માત્ર ઇમારત ખખડધજ થઇ નથી. ભારતીય લોકશાહીના મૂલ્યો અને તેને અનુસરીને સપાટી પર આવતા લોક પ્રતિનિધિઓના અભિગમો બધું જ હવે જર્જરીત થવા આવ્યું છે.
વિશ્વના સૌથી મોટા લોકતંત્રની આ સ્થિતિ ખરેખર દયાજનક છે. એનાથી ગંભીર વાત એ છે કે સતત પતનના માર્ગે ગબડતી આપણી લોકશાહીને મજબુત કરવાની દિશામાં કોઇ ચિંતા કરતું નથી. સંસદીય વ્યવસ્થા તરફ સાંસદોની અરૃચી સ્પષ્ટ દેખાય છે. કોઇ પણ રીતે સંસદની કાર્યવાહીને અટકાવવામાં વિપક્ષ પોતાને શૂરવીર માને છે. ભારતમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન એ છે કે વિપક્ષ સરકારને કેટલી ઝુકાવી શકે છે. અત્યારના વિરોધપક્ષોની ટીકા કરતી વખતે એ વાત પણ યાદ રાખવી જરૃરી છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે વિરોધપક્ષમાં હતી ત્યારે એણે પણ આ જ પ્રવૃત્તિઓ કરીને તત્કાલીન રાજ્ય કે કેન્દ્ર સરકારના કામકાજમાં પથરા રાખવામાં કંઇ બાકી રાખ્યંુ નથી. ચહેરા બદલતા રહ્યા છે પરંતુ વિપક્ષ અને સરકારની ભૂમિકા તથા તેની શૈલી બદલી નથી. સંસદ કે વિધાનસભાની કાર્યવાહી ન ચાલવાથી કેટલા પૈસા બરબાદ થાય છે. એ જાણવામાં તેઓને કોઇ રસ નથી. એ વાત ખરી છે કે સરકારની પ્રજાને નુકસાનકારક નીતિઓ અને એના લોકવિરોધી પગલાઓનો પ્રતિકાર કરવો એ વિરોધપક્ષની જવાબદારી છે. સંસદીય વ્યવસ્થા ભારતે એટલે જ અપનાવી છે કે સૌની સહમતીથી કામ થઇ શકે. સત્તાના અભિમાનમાં સરકાર રસ્તો ભૂલી ન જાય તે માટે એના પર અંકુશ જરૃરી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી માત્ર વિરોધ કરવા માટેનો વિરોધ જ જોવા મળે છે અને આપણને વારંવાર સંસદમાં ધમાલ થયાના  વૃતાંતો વાંચવા, જોવા અને સાંભળવા મળે છે. પ્રશ્ન માત્ર એક અધિવેશન નિષ્ફળ જવાનો નથી, પછીના સત્રમાં પણ કોઇ ધમાલ નહિ થાય તેની કોઇ ગેરેન્ટી નથી. કડવું સત્ય તો એ છે કે હવે આપણે એવા યુગમાં આવી ગયા છીએ જ્યાં રાજકારણને ચિક્કાર પૈસા બનાવવાનો ઉદ્યોગ માનવામાં આવે છે. એટલે આવનારા વર્ષોમાં તો વિધાનસભા અને સંસદમાં  ગાળાગાળી, મારામારી અને ધમાલના દ્રશ્યો અટકી જાય એવી કોઇ શક્યતા નથી.
પોતે જ ચૂંટેલા લોકનેતાઓ પરત્વે પ્રજાનો સતત મોહભંગ થતો રહે છે એટલું જ નહિ રાજ્ય કે દેશની છબી પણ કલંકિત બને છે. ગઇ ૧૫મી લોકસભાનું છેલ્લુ સત્ર શરમજનક ધમાલ સાથે પુરૃ થયું હતું અને અત્યારની ૧૬મી લોકસભામાં પણ વિરોધ પક્ષોએ શરૃઆતથી એ જ પરંપરા અપનાવી લીધી છે. ઇ.સ. ૨૦૦૫માં જ્યારે તત્કાલીન લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટરજીએ ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરોનો મુદે ઉછાળવાની મમતા બેનરજીને મંજુરી આપી નહિ તો  મમતાજીએ પોતાના હાથમાં રહેલી ફાઇલો અધ્યક્ષ તરફ ફેંકી હતી. એના પહેલા ડિસેમ્બર ૧૯૯૯માં  સંસદ સભ્યોએ તે વખતના કાયદાપ્રધાન રામ જેઠમલાણીના હાથમાંથી ફાઇલો આંચકી લીધી હતી. આવી જ હરકત રાજ્યસભામાં મે ૨૦૧૩માં આસામ ગણ પરિષદના વિરેન્દ્રકુમાર અને દિપક દાસે કરી હતી અને સલમાન ખુરશીદના હાથમાંથી ફાઇલો આંચકી લીધી હતી. આવા સંખ્યાબંધ ઉદાહરણો છે.
વિધાસસભા અને સંસદની ગરિમા સતત ઘટાડવા માટે અનુક્રમે ધારાસભ્યો અને સાંસદો વચ્ચે જાણે કે સ્પર્ધા ચાલી રહી છે પરંતુ તેઓએ પોતાના ખિસ્સાનું વજન વધારવાનો ઉપક્રમ ચાલાકીપૂર્વક ચાલુ રાખ્યો છે. સાંસદોના વેતન અને ભથ્થાનું નિર્ધારણ સેલેરિઝ એન્ડ એલાઉન્સિસ ઓફ મિનિસ્ટર્સ એક્ટ – ૧૯૫૨ અંતર્ગત નક્કી કરવામાં આવે છે. છેલ્લા છ દાયકાઓમાં આપણા સાંસદોએ ૩૫ વાર પોતાના ભથ્થા અને વેતનનો વધારો લીધો છે. આ પ્રવૃત્તિ તેમણે બિલકુલ દલા તરવાડીની અદાથી જ કરી છે. ઇ.સ. ૧૯૫૨ના એ કાયદામાં ૨૮ વખત સુધારાઓ થયા છે. કેબિનેટ દ્વારા સાંસદોને મળનારા વેતન અને ભથ્થા પર સુધારાનો પ્રસ્તાવ લાવવામાં આવે છે અને સંસદ એને મંજુર કરીને કાયદાનું રૃપ આપી દે છે. આવા સુધારા ખરડાઓ ઉપર ધમાલ થતી નથી. મોટે ભાગે તો એને ધ્વનિમત દ્વારા એટલે કે મૌખિક સંમતિથી પસાર કરી દેવામાં આવે છે. તેઓ એમ માને છે કે કોઇ કશું જોતું નથી અને કોઇને કંઇ ખબર નથી. ભારતનો લોકદેવતા બધુ જ જુએ છે અને સતત જોયા કરે છે પરંતુ વિરાટ કોઇક દિવસ જાગશે અને વામણા નેતાઓને તેમની જગ્યા બતાવશે એવી ભારતીય પ્રજાને હજુ પણ શ્રદ્ધા છે.

તંત્રી લેખ, ગુજરાત સમાચાર, તા.૦૧/૦૩/૨૦૧૭