Browsed by
Tag: ગુજરાતી ગઝલ

તને ચાહવામાં

તને ચાહવામાં

તને ચાહવામાં કશું ખોઈ બેઠા,
હતા બે જ આંસુ અને રોઈ બેઠા.

કર્યું વ્હાલથી મેશનું  તેં જે ટપકું,
અમે ડાઘ માની એને ધોઈ બેઠા.

ઉભા રો’ હું આવું છું કીધું હશે તેં,
બધા વૃક્ષ ઉભા નથી કોઈ બેઠા.

બધા લોક મંદિર ને મસ્જિદમાં દોડયાને,
અમે આ ગઝલમાં તને જોઈ બેઠા.

સમય પણ તે આપી દીધો તો મિલનનો,
અમે એજ ટાણે સમય ખોઈ બેઠા.

મુકેશ જોશી

તબીબ દિવસ નિમિત્તે.

તબીબ દિવસ નિમિત્તે.

On the occasion of Doctor’s day ….

તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!!

જૂઠા ના પડે ક્યાંક તબીબોના ટેરવાં,
પ્રેમની નાડ છે કોઈ મામૂલી નાડ નથી.

– શૂન્ય પાલનપુરી

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
– શૂન્ય પાલનપુરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
– શૂન્ય પાલનપુરી

જોયો જ નહીં !

જોયો જ નહીં !

કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !

ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !

લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?

રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !

દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !

– સુનીલ શાહ

ચાલ્યો જઈશ

ચાલ્યો જઈશ

ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઇશ,
હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઇશ.

છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ,
હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઇશ.

રાતના ઘરમાં પડેલું સૂર્યનું ટીપું છું હું,
કોડિયામાં સહેજ અમથું પ્રગટીને ચાલ્યો જઇશ.

છે સ્વજન દરિયા સમા, ન આવડે તરતા મને,
હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઇશ…

મારે એ ય જોવાનું હતું

મારે એ ય જોવાનું હતું

થાય નહિ બે આંખને અન્યાય, મારે એ ય જોવાનું હતું !
આંસુ સરખા ભાગથી વહેંચાય, મારે એ ય જોવાનું હતું !

ક્યાંક જઉં ને ત્યાં વજન મારુ પડે, તો એ મને ગમતું હતું
પણ બધાથી એ વજન ઊંચકાય, મારે એ ય જોવાનું હતું !

એક-બે પડઘાને શું ગમ્મત સૂઝી કે ઝંપીને બેસે નહીં !
પર્વતોના કાયદા જળવાય, મારે એ ય જોવાનું હતું !

એક છત્રી જે બધા વરસાદ ઝીલી, રાખતી કોરો મને
ઘાસ એનાં પર ઉગી ના જાય, મારે એ ય જોવાનું હતું !

માત્ર મારી જિંદગીથી દૂર જઈને મુક્ત તું થઈ નહિ શકે
હોય તું સામે ને ના દેખાય, મારે એ ય જોવાનું હતું !

મંચ ઉપર શબ્દ લઈ પ્હોંચી ગયો છું હું, એ કૈં પૂરતું નથી
આ સભાનાં હર ખૂણે પહોંચાય, મારે એ ય જોવાનું હતું !

હું તો તમને પ્રેમ કરું છું

હું તો તમને પ્રેમ કરું છું

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

‘કહ્યા પછી શું ?’ ની પાછળ
શંકા અને આશા,
શબ્દો વરાળ થઈને ઊડે
ભોંઠી પડે ભાષા.

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત,
’હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

પ્રેમમાં કોઈને પૂછવાનું શું :
આપમેળે સમજાય,
વસંત આવે ત્યારે કોયલ
કેમ રે મૂંગી થાય ?

આનંદની આ અડખેપડખે અવાક્ છે આઘાત,
‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત.

~સુરેશ દલાલ

તલસાટ

તલસાટ

talsat

નથી મેડી તણા માણસ, નથી મે’લાતના માણસ,
અમે ટહુકા ભરેલા મ્હેંકતા ગહેકાટના માણસ.

જગા બે ગજ બને કાફી, સૂવા આખર સિકંદરને,
નથી જરના જમીનોના, અમે જજબાતના માણસ.

દરદની લઈ કલમ’ને વેદનાની સ્યાહીમાં બોળું,
કીધો જીવતર તણો કાગળ, અમે ગઝલાતના માણસ.

તરસ તો છે તરસ આખર, સનમની હો ખુદાની હો,
પીધાં છે ઝાંઝવાં અઢળક, અમે તલસાટના માણસ.

લઈને ભોમિયા ભમતા, ભલે ડુંગરને ખૂંદનારા,
નથી મંઝિલ, ન રસ્તાઓ, અમે રઝળાટના માણસ.

દિલેરીનો તમે પરચો અમારો ક્યાં હજુ ભળ્યો,
ધરી દઉં થાળમાં મસ્તક, અમે ખેરાતના માણસ.

અમે અમૃત નિતાર્યું છે વ્યથાને ઠારી ઠારીને,
ભીતર ભારેલ અગ્નિ પણ સદા મલકાટના માણસ.

ફૂલોના સાથમાં પણ ક્યાં હવે ખૂશ્બો મળે ‘હાકલ’,
નીચોવી લો જીગર, ટપકે, અમે પમરાટના માણસ.

– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’