Browsed by
Tag: ગામડું

ગામની વિદાય

ગામની વિદાય

હે જી મારા નાનપણાના ગામ!
મારા બાળપણાના ધામ!
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.
તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા!
તારી આ ઝાડવાની છાયા,
એની લાગી છે મને માયા;
છોડવા નો’તા એને છોડવા આજે,
જાણે હૈયાના ખેંચાયે છે ગામ. મારા…
ના રે કળાયા કદી, નેહના વેલા એવા
ભોંય આ તારી પથરાયા,
જવા ઉપાડું મારા પાયને, ત્યાં તો એમાં,
ડગલે ને પગલે એ અટવાયા;
ક્યારે બાંધી લીધો તો મને આમ? મારા…
તારા ડુંગર ને તારા વોકળા, હે ગામ મારા!
તારાં આંસુ ને તારાં હાસ;
હૈયાને મારા એણે બાંધી લીધું છે જાણે,
કોઈ અદીઠ એવી રાશ;
ખેંચી ઊભા છે આજ એ તમામ! મારા. . .
– પ્રહલાદ પારેખ

કર્મભૂમિ જ્યાં હોય ત્યાં જન્મભૂમિ યાદ આવ્યા વિના રહેતી નથી. ગામડું શહેર થવા માંડ્યું છે અને શહેર રોજ બદલાય છે. આજને આવતી કાલનાં કપડાં પહેરવાનો શોખ છે. દરેક માણસમાં પોતાનું વતન જીવે છે. એ સ્થળ જેની માટી, જેનું પાણી, જેના ઝાડ નીચેની શીળી છાયાનું સ્મરણ આજે પણ સુખદ અનુભવ કરાવે છે. પ્રહલાદ પારેખની આ કવિતા ગામની વિદાયની કવિતા છે. કવિએ ‘નાનપણાના ગામ’ પછી ‘બાળપણાના ધામ’ લખ્યું છે. વતન સાચા અર્થમાં બાળપણનું ‘તીર્થધામ’ છે.

ગામની સાથે વણાયેલી બધી જ વાતો સ્મરણમાં છે. વળી, ગામ એવું છે જે છૂટવાનું નથી. આજે પણ ઘણા લોકો વેકેશનમાં પોતાને ગામ જઈ આવે છે. વેકેશનમાં ગામ જવું એમનો શિરસ્તો છે. ગામડેથી પાછા આવીને કામે વળગવાનો અનુભવ જુદો જ રહેવાનો.

જ્યાં બાળપણ વીત્યું છે એ જગ્યાનું વળગણ આખી જિંદગી રહેતું હોય છે. કહો કે, મૃત્યુ સુધી એ જગ્યાઓ આપણને બોલાવતી હોય એવો ભાસ રુવાંડે-રુવાંડે પ્રગટે છે. ‘વતન’ આપણને ક્યારેય વિદાય નથી કરતું, આપણે વતનથી વિદાય થઈએ છીએ! બાળપણમાં છોડેલું ગામ આજે કદાચ બદલાઈ ગયું
હોય, પરંતુ આપણી સ્મૃતિમાં તો એવું ને એવું અકબંધ છે.

વેકેશનના દિવસો ચાલે છે. નવી જનરેશનને ગામનો અનુભવ કરાવવા જેવો છે. લૂથી માંદું પડેલું બાળક રોગપ્રતિકારક શક્તિથી ટેવાઈ જતું હોય છે. ગામ, વતન એ આંસુ અને સ્મિત જેમ એકબીજામાં વણાઈ ગયા છે. સંબંધ શરીર સાથે જ હોય, એવી જ રીતે સ્થળ સાથે પણ હોય છે.

જીવનના હકારની આ કવિતા હૃદયમાં ગામડાને ઉપસાવે છે અને ધબકારા સમયની બહાર જઈને સ્થળનો સાક્ષાત્કાર અનુભવે છે.

જીવનના હકારની કવિતા, અંકિત ત્રિવેદી,
રસરંગ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, તા.૨૧/૦૪/૨૦૧૯

ખોવાયું 

ખોવાયું 

lost-childhood

બાળપણનું મારૂ ફળીયું ખોવાયું,

રમતો હું એ મારૂ આંગણુ ખોવાયું.

નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી,

રસોડામા રમતું એ પાણીયારુ ખોવાયું.

બધી મળી બેડરૂમમાં મને સગવડ પણ,

મીઠી નિંદર માણતો એ ઘોડીયું ખોવાયું.

નથી આવતું લુંછવા આંસુ આજ કોઈ,

મારી માં લૂંછતી એ આજ ઓઢણું ખોવાયું

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે,

કિલોમીટર દોડાવતું એ મારૂ પૈડું ખોવાયું.

બત્રીસ ભાતના ભોજન કયાં ભાવે છે હવે,

ગોળ ઘીનું મારી બેનીનું એ ચુરમૂ ખોવાયું.

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે,

સીધો જાતો એ ખુલ્લું હવે બારણું ખોવાયું.

નથી ભૂંસી શકતો હવે લખેલું આ કાગળનું,

દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયું.

હજારો દોસ્તો છે ઘાયલ ફેસબુક અને વૉટસએપમાં,

લંગોટીયા યાર સાથેનુ મારુ ગામડું ખોવાયું….