Browsed by
Tag: કોરોના

એક વેક્સિન મારે પણ શોધવી છે

એક વેક્સિન મારે પણ શોધવી છે

એક વેક્સિન મારે પણ શોધવી છે….

બોરિંગ -રોજીંદી ઘટમાળમાં
ફસાઇ ગયેલા વ્યકિતઓને
બહાર કાઢે એવી…

કૂકરની ત્રીજી સીટીએ
રસોડામાં દોડી જતી સ્ત્રીઓને,
થોડી પળો માટે,
ગણતરીઓ ભૂલાવી દે એવી…

ચાલીસમા વર્ષે
માથા પર બેસી રહેલી
સફેદીને મેઘધનુષી રંગે,
રંગી નાંખે એવી…

એક વેક્સિન મારે પણ શોધવી છે…..

ભૂલી જવા જેવી પણ
યાદ રહી ગયેલી ઘટનાઓને,
યાદ-દાશ્તમાંથી,
બાકાત કરી આપે એવી…

કિસ્મતે હિસ્સામાં નહીં
મૂકી આપેલી પળો-ઘટનાઓ
અને વ્યક્તિઓને
મનનાં દરવાજેથી
“ગેટ આઉટ” કહી શકે એવી..

“એ” પાસે હોય ત્યારે
સમયને અટકાવી દે અને,
“એ” પાસે ન હોય ત્યારે,
સમયને દોડાવી દે એવી….

દીકરીની ગુલાબી હેરબેન્ડનાં
ખોટ્ટા પતંગિયાને
સાચ્ચું કરી આપે એવી….

ઘરડાં થતા જતા
મા-બાપની આંખોમાંથી
પ્રતીક્ષાને બાદ કરી આપે એવી..

એક વેક્સિન મારે પણ શોધવી છે…

સ્વીકારની પરવા કર્યા વિના
ચહેરા પર પહેરી રાખેલા,
પહેરવા પડેલા તમામ
માસ્ક ઉતારી આપે એવી !!!!!

કવિ: એષા દાદાવાળા

કોરોના અને શાયર મરીઝ

કોરોના અને શાયર મરીઝ

ગુજરાતના ગાલીબ એવા સિદ્ધહસ્ત શાયર જનાબ મરીઝ સાહેબનો ગઝલ સંગ્રહ “સમગ્ર મરીઝ”આજે વાંચતો હતો.
આ શાયરના વર્ષો પહેલાં લખાયેલા શેર આજે પણ Covid-19 અને હાલની હાલાત પર કઈ રીતે લાગુ કરી શકાય એ બાબતે વિચાર સ્ફૂર્યા..
એ વિચાર મરીઝ સાહેબના શેર સાથે પ્રસ્તુત છે.

કોરાનાના વૈશ્વિક કહેર વિશે :
(page-282)

“કુદરતની છે વહેંચણી ને વિશ્વભરમાં છે ,
તું એ ન જો કે કોણ અહીં કોના ઘરમાં છે.
➖➖➖➖➖➖➖

લોકડાઉન :
(page:271)

કોઈ ન આવી શકે છે, ન જઈ શકું છું “મરીઝ”,
મકાન આખું સલામત છે, દ્વાર સળગે છે.
➖➖➖➖➖➖➖➖

આલ્કોહોલ યુક્ત સેનીટાયઝર ની જે માંગ વધી છે તે બાબતે:
(page:258)

કળિયુગમાં પણ મદિરાની ઈજ્જત કરો “મરીઝ”,
આ સત્યુગની શોધની એક જ નિશાની છે.
➖➖➖➖➖➖➖➖

દુકાનો, જાહેર જગ્યાઓ પર કુંડાળાં કરી તેમાં ઊભા રહેવાની ઘટના પર:
(page:243)

વર્તુળ આદમીનું છું – વલ્લાહ એક સ્વર્ગ છે,
એનાથી બહાર આટલો સુંદર વિલાસ ક્યાં હશે.
➖➖➖➖➖➖➖➖
whatsapp, insta, facebook પર ઔપચારિક time pass પર:
(page:245)

અંગત જીવનની પૂછપરછની બલા ટળી,
વાતો હવે કરું છું ફ્ક્ત પારકાની સાથ
➖➖➖➖➖➖➖➖

ઘરની લક્ષ્મણ રેખા પાર કરશો તો શું થશે? અને વર્તુળમાં રહેવાનો ફાયદો શું છે?
(page:241)

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું.
➖➖➖➖➖➖➖➖

આ સમય એવો છે કે કોઈ નાસ્તિકને પણ જરૂર પૂરતી ઈશ્વરની જરૂર જણાય:
(page : ૨૨૮)

આવી દુર્ગતિ માં કોઈ હોય તો સંગત માટે,
એક ઈશ્વરની જરૂરત છે, જરૂરત માટે.
➖➖➖➖➖➖➖➖

કોરોનાની દવા શોધવાના નિષ્ફળ પ્રયાસો માટે:
(page:236)

કોઈ નથી ઈલાજ મને પણ ખબર હતી,
રહે દર્દ યાદ તેથી દવા શોધતો રહ્યો.
➖➖➖➖➖➖➖➖

નિઝામુદ્દીન માં મળેલા લોકો જે સામે નથી આવતા એના માટે:

દુનિયાની સજા ભોગવી ઊંઘો ન નિરાંતે,
બાકી છે હજી એક કયામતની સજા ઔર.
➖➖➖➖➖➖➖➖
શહેરોમાંથી ગામડાં તરફ ભાગવા મજબૂર થયેલા લોકો વિશે :(page :273)

જગત વિશાળ છે તારું- પરંતુ આવું વિશાળ?
જરૂર જોગ બધાને જગા નથી મળતી.
➖➖➖➖➖➖➖➖

પોલિસ ના દંડા, કપાળે ચાંદલો, ચોખા, અને હું સમાજનો દુશ્મન છુનું સર્ટિફિકેટ મળ્યા પછીની વિનંતી:
(page 277)

મને આ મારી બદનામીની નથી પરવા,
ફકત તમારા તરફથી કશી તપાસ ન હો.
➖➖➖➖➖➖➖➖
લોક ડાઉન ના સમયનો સદ ઉપયોગ કેવી રીતે કરવો??
(page :231)

કોઈ કલા સ્વરૂપે જગત થી જુદા બનો,
નકશો બનો, કવિતા બનો, વારતા બનો.
દુનિયાના બંધનોથી જો હો છૂટવું “મરીઝ”
બસ આજથી તમે જ તમારા ખુદા બનો.
➖➖➖➖➖➖➖➖

આરોગ્ય અને પોલિસ કર્મીઓએ હું પણ સંક્રમિત થઈશ એવો બૌદ્ધિક ડર રાખ્યા વિના લાગણી અને ખંત થી જે કામ કર્યું છે તે
(page: 241)

મારા પ્રયાસ અંગે ન આપો સમાજ મને,
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
➖➖➖➖➖➖➖➖

ડ્રોન સર્વેલંસ :
(page:224)

ઉપરથી જો જુઓ તો છે રઝળપાટ,
નહિતર છે બધા ખુદની જગા પર.
➖➖➖➖➖➖➖
કારણ વગર રસ્તા પર રખડતા લાપરવાહો માટે:
(page 248)

હળવો બની ફરું છું- બહુ બેશરમ છું હું,
ફેંકી દઈ ને કેટલા પ્રેમાળ ભારને.
➖➖➖➖➖➖➖
આપણે અત્યારે એટલું જ કરવાનું છે:
(page:284)

ફક્ત ઘરના ખૂણા સંભાળું તો બસ,
જગત આખું મારી અમાનત નથી.
➖➖➖➖➖➖➖➖
કોરોનાની દવા મળે એવી પ્રાર્થના:
(page:15)

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
➖➖➖➖➖➖➖➖
મહામારી, તેનાથી થતી હાલત અને મહામારીનું ભવિષ્ય:
(page:45)

દર્દ એવું કે કોઈ ન જાણે,
હાલ એવા કે જે બધા જાણે.
શું થયું તેય ક્યાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.
➖➖➖➖➖➖➖➖
રખડુ, careless આત્મઘાતી લોકોની સ્વગતોકિત :
(page:285)

આખી દુનિયાને લઈને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.
➖➖➖➖➖➖➖➖
લોક ડાઉન ના લીધે નવરા બેઠેલા કામના લોકો :
(page:23)

તમે ન કામમાં આવો તો કામમાંથી જઈશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.
➖➖➖➖➖➖➖➖
મદદના બહાને ફોટા પડાવતા લોકોને :
(page:23)

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.
➖➖➖➖➖➖➖➖
ચીનનું કથિત કાવતરું :

સહેલાઈ થી જે પ્રશ્નોને સર્જી રહ્યો છે તું,
સહેલાઈ થી એ પ્રશ્નો પતાવી નહિ શકે.
➖➖➖➖➖➖➖➖
ગરીબોની લારીઓ ઉંધી વાળનારને :
(page:74)

હો જેમાં તમામ લાચારી,
એ ગુનાહો જતા કરે કોઈ.
➖➖➖➖➖➖➖➖

ધારા _144 અને social distancing
(page:37)

બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે મરીઝ,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
➖➖➖➖➖➖➖➖

જેની પાસે ઓછું છે છતાં દાન કરી રહ્યા છે તેવા દાતાઓને :
(page:267)

એવા કોઈ દિલેરની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાળ છે.
➖➖➖➖➖➖➖➖

મોદી સાહેબે ભરેલ પગલાં પર ભરોસો :
(page:76)

કોઈ આ ભેદ ના કહેજો, ખુદા ખાતર સમંદરને,
ખુદા કરતાં વધુ વિશ્વાસ મુજને નાખુદાનો છે.

*નાખુદા=નાવિક
➖➖➖➖➖➖➖➖
15એપ્રિલની રાહ જોનારા લોકો માટે :(page:279)

હો મંઝિલ ની ઝંખના તો કહેતા રહો,
હવે એક કદમ છે, બસ એક જ કદમ.
➖➖➖➖➖➖➖➖
અમથું ય એક દિવસ જવાનું તો છે જ so be brave and take care
(page270)

અમથું જગત છે એમાં અમથું જીવન જીવીએ,
એમ જ મરીઝ એક દિન અમથું મરી જવાના.
➖➖➖➖➖➖➖➖
બાકી ડરવાની જરૂર નથી, કોરોનાના નકારત્મક વિચારો મનમાંથી કાઢી નાખો :
(page :70)

એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં,
દુઃખમાં હૃદય ને રાખો,
રાખો ન દુઃખ હૃદયમાં.
➖➖➖➖➖➖➖➖

સંકલન : – નિખિલ જાદવ

કોરોનાની પર્યાવરણ પર હકારાત્મક અસર !

કોરોનાની પર્યાવરણ પર હકારાત્મક અસર !

કોઈ મહાન ચિંતક કમ વિજ્ઞાનીનું બુલેટ જેવું વાક્ય છે કે, જો બધી વનસ્પતિસૃષ્ટિ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જાય તો માનવજાત છ મહિનામાં ખતમ થઈ જાય. પણ જો માનવજાત છ મહિના અદ્રશ્ય થઈ જાય તો પૃથ્વી પરની તમામ જીવસૃષ્ટિ ખીલી ઉઠે. માણસોનો ઉપદ્રવ આ પૃથ્વી ઉપર સૌથી વધુ છે એ સત્ય કોરોના વાઇરસના રોગચાળાએ સાબિત કરી બતાવ્યું.

દરેક ખંડના અડધાથી વધુ દેશો લોકડાઉનની સ્થિતિમાં છે. માનવજાતે મને કમને પોતાની પ્રવૃત્તિઓની તીવ્રતા શિથિલ કરી નાખવી પડી છે. માણસોની અવરજવર સુષુપ્તાવસ્થામાં છે. આખી પૃથ્વીનો જો અવાજ હોય તો અત્યારે તે સૌથી ધીમા વોલ્યુમમાં છે અને આવું વીસમી સદીમાં પણ એકેય વખત થયું ન હતું. રસ્તા ઉપર કાળા માથાના પ્રાણીઓ સૌથી ઓછા દેખાય છે માટે કુદરતને ફરી એક વખત ખીલવાનો મોકો મળ્યો છે.

ઇટાલીની સ્થિતિ જગજાહેર છે. કોરોનાના રોગચાળાનું એપિસેન્ટર વુહાનને બદલે ઇટાલીમાં શિફ્ટ થઈ ગયું છે અને હજારો લોકો હોસ્પિટલના બિછાને અવસાન પામ્યા છે. ઇટાલીના એક પણ ઘરનો દરવાજો ખુલ્લો નથી. ઈટાલીનું વિશ્વવિખ્યાત શહેર વેનિસ પાણીમાં છે.

એ શહેરના એક સ્થળેથી બીજે જવા માટે બોટનો ઉપયોગ થાય છે. છેલ્લા પંદર દિવસથી ત્યાં વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સિત્તેર વર્ષ પછી પહેલી વખત વેનિસના પાણીમાં ડોલ્ફિન માછલીઓએ દર્શન આપ્યા. માનવસર્જિત યાંત્રિક ઘોંઘાટ અને પ્રવાસીઓને કારણે સતત થઈ રહેલા પ્રદૂષણને કારણે એ વિસ્તારમાં માણસો સિવાય બીજો એક પણ જીવ એની મરજીથી રહેતો નહીં. હવે પાણીમાં માછલીઓ દેખાય છે. ફક્ત બે અઠવાડિયાની અંદર ઇટાલીની કુદરત સોળમાંથી કમ સે કમ દસ કળાએ તો ખીલી ઉઠી છે. અને એ પણ આટલા ટૂંકા ગાળામાં !

સિંગાપોર પ્રવાસી ઉપર નભતો દેશ છે. તે દેશના વડાએ તો અઠવાડિયા પહેલા ટીવી ઉપર આવીને પ્રજાજોગ ઉદબોધન કર્યું હતું અને કાયદેસરના પગલાં લઈને કોરોના વાયરસને દેશમાં આવતો અટકાવ્યો હતો. આજે સિંગાપોરના તમામ પ્રવાસન સ્થળો બંધ છે. સિંગાપોરની સડકો પર બતક અને બીજા પ્રાણીઓ નિર્ભિક રીતે ફરી રહ્યા છે. દુબઇ અને આરબ દેશો પણ કોરોનાથી ભયભીત છે. ત્યાં પણ પ્રવાસીઓનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને હવે તો વિદેશીઓના આગમન પર પ્રતિબંધ આવી ગયો છે.

સંયુક્ત આરબ અમીરાતના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આરબ દેશોનું સરેરાશ તાપમાન પણ નીચું ગયુ છે. એરોપ્લેન અને બીજા વાહનોનું પ્રદુષણ ઓછું થયું માટે હવા ઠંડી થઈ અને શુદ્ધ પણ થઈ. ઇઝરાયેલના તેલ અવિવ શહેરમાં પહેલી વખત ઇજિપશ્યન ગીધ દેખાયા. બાકી ઇઝરાયેલનું આકાશ મહદઅંશે ખાલી રહેતું હોય છે પણ હવે તે પક્ષીઓના કલબલાટથી ગુંજવા લાગ્યું છે.

અમેરિકા આખું શટડાઉન સ્થિતિમાં છે. બધા પ્રાણીબાગ બંધ કરવામાં આવ્યા છે. શિકાગોનું વિખ્યાત માછલીઘર બંધ કરવામાં આવ્યું છે. પણ એમાં રહેતા પેંગ્વીનને એકવેરિયમમાં લટાર મારવાની છૂટ છે. પ્રાણીસંગ્રહાલયના પ્રાણીઓ પણ ગેલમાં આવી ગયા છે. તેમને એક ચોક્કસ અને ફરજિયાત રૂટીન અનુસરવામાંથી મુક્તિ મળી છે. પિંજરામાં રહીને પણ મનુષ્યની ગેરહાજરીના કારણે તેઓ જાણે સ્વતંત્રતાના રમ્ય દિવસો પસાર કરી રહ્યા છે.

ચાઇનાના પાંડાની પણ આ જ સ્થિતિ છે. તેઓને કોરોનાને કારણે લાંબુ વેકેશન મળી ગયું છે અને વાંસના વૃક્ષો વચ્ચે ઝૂલવા મળે છે. જે જે દેશમાં કોરોનાની અસર થઈ છે તે બધા જ દેશોની મનુષ્યતેર જીવસૃષ્ટિ આનંદમાં છે. માનવજાતે પ્રાણીઓના તે આનંદમાંથી શરમ અનુભવવાની જરૂર છે.

કુદરત સાથેનું સહજીવન મનુષ્યની ફરજનું પ્રાથમિક ચરણ હોવું જોઈએ. આ બહુરત્ના વસુંધરામાં માણસો સિવાય બીજા અનેક જીવો વસે છે. જેને આપણે શાંતિથી જીવવા નથી દેતા. વાહનોનો અવરજવર ઘટવાના કારણે વાતાવરણમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટયું છે.

જે વનરાજી માટે આશીર્વાદરુપ છે અને હરિયાળી ઉપર નભતા અનેક કીટકો અને પ્રાણીઓ માટે તે ફાયદારૂપ છે. જીવસૃષ્ટિનો આખો પિરામિડ કીટકોથી શરૂ થતો હોય છે. અશુદ્ધ હવા, પાણી અને જમીન બધાને નુકસાન કરતા હોય છે. કુદરતને સાચવતા આપણને આવડતું નથી માટે તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોના આપણા માટે અભિશાપ જેવો હશે પણ વન્યસૃષ્ટિ માટે વરદાનરૂપ સાબિત થયો છે. આ સત્ય છે.

રોગપ્રતિકારક શક્તિ: કોરોનાના વાઇરસને નાથવાનું બહ્માસ્ત્ર

રોગપ્રતિકારક શક્તિ: કોરોનાના વાઇરસને નાથવાનું બહ્માસ્ત્ર

માયાવી વાઈરસનું મારણ શરીરમાં જ રહેલું છે? ભારતીય આયુર્વેદ રોગ થાય એ પહેલા જ અટકાવવાનો રસ્તો બતાવે છે

કોરોનાવાઇરસની રસી હજી શોધાઈ નથી-અને તે કાર્યમાં અનેક પડકારો જોતાં ક્યારે શોધાય એ કહી શકાય નહિ. આ અંધકારમય સ્થિતિમાં કોરોના સામે શરીરના રોગપ્રતિકારક તંત્રએ લડત આપ્યાના અને વિજય મેળવ્યાના કેસમાં તબીબોને આશાનું કિરણ દેખાય છે.

પૃથ્વી પર દરેક પદાર્થ સજીવ અને નિર્જીવ એમ બે કેટેગરીમાં વર્ગીકૃત પામેલો છે. બાયાલાજિકલ એટલે કે જૈવિક ક્રિયાઓ જેમાં થતી હોય તે પ્રત્યેક કુદરતી પદાર્થ સજીવ વર્ગમાં આવે, જ્યારે જૈવિક સંચાર જેનામાં નથી તે નિર્જીવ કહેવાય.


કુદરતના તમામ પદાર્થોનું બે વર્ગમાં આસાનીથી વર્ગીકરણ કરી શકાય, પરંતુ વાઇરસ અર્થાત વિષાણુ તેમાં અપવાદ છે. માંડ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) કદ ધરાવતો, માટે નરી આંખે ન દેખાતો વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. વિજ્ઞાનીઓએ તેને u Living Dead/ ‘જિન્દા મુર્દા’ એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે. કુદરતમાં વિષાણુ જેટલી અટપટી રચનાવાળી નિર્જીવ વસ્તુ એકેય નથી અને તેના જેટલી સીધીસાદી રચનાવાળો સજીવ પણ કોઈ નથી. સીધીસાદી એટલા માટે કે વિષાણુને મગજ નથી, જ્ઞાાનતંત્ર નથી અને જ્ઞાાનતંત્રના અભાવે જ્ઞાાનતંતુઓની પણ શી જરૂર? હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જેવાં એકેય બાયાલાજિકલ ‘પૂરજા’ કુદરતે વિષાણુમાં ફિટ કર્યા નથી. રક્ત પણ નહિ. 


આમાંનું કશું જેને ન હોય તે સજીવ કહેવાય? બિલકુલ નહિ. છતાં વાઇરસને સજીવની કેટેગરીમાં એટલા માટે મૂકી શકાય કે તેની પાસે જિનેટિક બ્લૂપ્રિન્ટ છે, જે નિર્જીવ પદાર્થમાં હોતી નથી. બીજી તરફ જૈવિક વ્યાખ્યા મુજબ દરેક સજીવમાં ચયાપચયની ક્રિયા થવી જોઈએ, જે વાઇરસમાં થતી નથી. આથી તેને નિર્જીવ પણ ગણી શકાય છે. 

પૃથ્વી પર દરેક પદાર્થ સજીવ અને નિર્જીવ એમ બે કેટેગરીમાં વર્ગીકૃત પામેલો છે. બાયાલાજિકલ એટલે કે જૈવિક ક્રિયાઓ જેમાં થતી હોય તે પ્રત્યેક કુદરતી પદાર્થ સજીવ વર્ગમાં આવે, જ્યારે જૈવિક સંચાર જેનામાં નથી તે નિર્જીવ કહેવાય.


કુદરતના તમામ પદાર્થોનું બે વર્ગમાં આસાનીથી વર્ગીકરણ કરી શકાય, પરંતુ વાઇરસ અર્થાત વિષાણુ તેમાં અપવાદ છે. માંડ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) કદ ધરાવતો, માટે નરી આંખે ન દેખાતો વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. વિજ્ઞાનીઓએ તેને Living Dead/ ‘જિન્દા મુર્દા’ એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે. કુદરતમાં વિષાણુ જેટલી અટપટી રચનાવાળી નિર્જીવ વસ્તુ એકેય નથી અને તેના જેટલી સીધીસાદી રચનાવાળો સજીવ પણ કોઈ નથી. સીધીસાદી એટલા માટે કે વિષાણુને મગજ નથી, જ્ઞાનતંત્ર નથી અને જ્ઞાનતંત્રના અભાવે જ્ઞાનતંતુઓની પણ શી જરૂર? હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જેવાં એકેય બાયોલોજિકલ ‘પૂરજા’ કુદરતે વિષાણુમાં ફિટ કર્યા નથી. રક્ત પણ નહિ.
 

આમાંનું કશું જેને ન હોય તે સજીવ કહેવાય? બિલકુલ નહિ. છતાં વાઇરસને સજીવની કેટેગરીમાં એટલા માટે મૂકી શકાય કે તેની પાસે જિનેટિક બ્લૂપ્રિન્ટ છે, જે નિર્જીવ પદાર્થમાં હોતી નથી. બીજી તરફ જૈવિક વ્યાખ્યા મુજબ દરેક સજીવમાં ચયાપચયની ક્રિયા થવી જોઈએ, જે વાઇરસમાં થતી નથી. આથી તેને નિર્જીવ પણ ગણી શકાય છે.

આમ થાય છે વાઇરસનો હુમલો

નહિ સજીવ કે નહિ નિર્જીવ એવો ‘જિન્દા મુર્દા’ વાઇરસ ફક્ત બે મટીરિઅલનો બનેલો છે. (૧) RNA/રીબોન્યૂકલિક અસિડ. (૨) RNA ફરતે પ્રોટીનનું આવરણ. જેના પર રિસેપ્ટર પિન કહેવાતાં ભીંગડાં હોય છે. આ સિવાય તેને ત્રીજું ‘અંગ’ હોતું નથી.

રીબોન્યૂકલિક અસિડ એ વાસ્તવમાં સ્પ્રિંગના આકારવાળી જિનેટિક બ્લૂ પ્રિન્ટ છે, જેની અંદર કુદરતે ‘કોપી-પેસ્ટ’ એવા મતલબનો કમાન્ડ ધરાવતો જૈવિક પ્રોગ્રામ લખ્યો છે. આ પ્રોગ્રામનું કાર્ય માણસના શારીરિક કોષમાં દાખલ થયા બાદ વિષાણુની ઝડપભેર અને સંખ્યાબંધ નકલો બનાવવાનું છે. SARS-CoV-2 કોરોનાવાઇરસના કેસમાં બન્યું તેમ ખાંસી/છીંક દ્વારા બહાર નીકળેલા લાળબિંદુ મારફત ચેપ લાગ્યા પછી શરીરમાં પ્રવેશેલો વિષાણુ એકાદ કોષને પોતાનો યજમાન બનાવે છે અને પ્રોટીનરૂપી બાહ્યાવરણ પરની રિસેપ્ટર પિનને કોષના સોકેટમાં ભરાવે છે. મોબાઇલના ચાર્જરનો પ્લગ સ્વીચ-બોર્ડના સોકેટમાં ભરાવ્યા બાદ જ કરન્ટનું વહન થાય એ રીતે વાઇરસની રિસેપ્ટર પિન શરીરના કોષ જોડે ગઠબંધન રચે ત્યાર પછી જ તેનું કોષ જોડે કનેક્શન સ્થપાય છે.

એક વાર આવું જોડાણ સ્થપાય, એટલે વાઇરસ કોષની અંદર પોતાનો RNA દાખલ કરી દે છે. હવે ઇશછમાં રહેલો ‘Copy-Paste’નો જૈવિક પ્રોગ્રામ હરકતમાં આવે છે. કોષને તે નવો વિષાણુ બનાવી આપવાનો કમાન્ડ આપે છે, જેનું કોષે પાલન કરવું રહ્યું અને પોતાનું જૈવિક મટીરિઅલ વાપરીને નવા વિષાણુઓ તૈયાર કરી આપવા રહ્યા. આ પ્રક્રિયામાં છેવટે તો સાજાસમા કોષની જાત ઘસાય છે અને ટૂંક સમય બાદ તે મરી પરવારે છે. બીજી તરફ  ‘Copy-Paste’ના પેલા પ્રોગ્રામના નતીજારૂપે નવા જન્મેલા વિષાણુઓ મૃત કોષની દીવાલ તોડીને બહાર નીકળી આવી બીજા યજમાન કોષો પર ધાબો બોલાવે છે. ઉપર લખી તે પ્રક્રિયાનું પછી તો પુનરાવર્તન શરૂ! આમને આમ શરીરના દુરસ્ત કોષો સતત ચેપગ્રસ્ત બનતા જાય છે, વિષાણુઓની નકલો પેદા કરતા જાય છે અને મરતા જાય છે.

આમ થાય છે હુમલાનો પ્રતિકાર


પરંતુ શરીરના કોષો પર વિષાણુઓ હુમલો કરે એ વખતે શરીરતંત્ર નિષ્ક્રિય રહે એવું થોડી બને? પ્રતિકાર માટેનું અમોઘ શસ્ત્ર તો શરીરની અંદર જ છેઃ એન્ટિબોડીઝ એટલે કે પ્રતિદ્રવ્યો. વાઇરસના આક્રમણ સામે લડવા માટે શરીરનું immune system/રોગપ્રતિકારક તંત્ર તરત પ્રતિદ્રવ્યો પેદા કરવા માંડે છે. શરીરના કોષને સોકેટ હોય તેમ પ્રતિદ્રવ્યો પણ સોકેટ ધરાવે છે. આ સોકેટમાં વાઇરસની રિસેપ્ટર પિન ઘૂસી જાય અર્થાત ભરાય, એટલે પછી શારીરિક કોષમાં પિન ખોસવાનો તેના માટે ચાન્સ રહેતો નથી. જુદી રીતે કહો તો વાઇરસના ફેલાવાની પ્રક્રિયા પડી ભાંગે છે. 


શરીરની અંદર ખેલાતા પ્રતિદ્રવ્યો વિરુદ્ધ વિષાણુના સાઇલન્ટ બાયાલાજિકલ યુદ્ધમાં આખરે વિજય કોનો થાય તેનો આધાર રોગપ્રતિકારક તંત્રની ક્ષમતા પર યાને કે તે કેટલા જલદી તેમજ કેટલાક પ્રમાણમાં પ્રતિદ્રવ્યો બનાવે તેના પર રહેલો છે. ધ્યાન પર લેવા જેવી વાત છે કે કોરોનાના SARS-CoV-2  વાઇરસનો ભોગ બનેલા ઘણા હતભાગીઓ મોટી વયના હતા અગર તો મધુપ્રમેહ, ઊંચું રક્તદાબ અથવા હૃદયની બીમારી ધરાવતા હતા. આવા દરદીઓનું રોગપ્રતિકારક તંત્ર જરા નબળું હોય છે-અને નબળું હોવાથી વાઇરસ સામે બરાબર લડી શકતું નથી.

દવા વિના કોરોનાનો ખાતમો

રોગપ્રતિકારક તંત્ર જ્યારે બળવત્તર હોય ત્યારે કેવો ચમત્કાર સર્જાય તેનો દાખલો થોડા દિવસ પહેલાં આસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં જોવા મળ્યો. પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક Natureના અભ્યાસલેખમાં નોંધાયેલો કિસ્સો કંઈક આમ છેઃ


કોરોનાના SARS-CoV-2 વાઇરસનો ઉદ્ભવ જ્યાં થયો તે ચીનના વુહાનમાં રહેતી ૪૭ વર્ષીય મહિલા માર્ચ, ૨૦૨૦ના આરંભે વિમાનમાર્ગે આસ્ટ્રેલિયાના મેલબોર્ન માટે નીકળી ત્યારે તે જાણતી ન હતી કે તેના શરીરમાં કોરોનાવાઇરસની ઘૂસણખોરી થઈ ચૂકી છે. મેલબોર્ન પહોંચ્યાના થોડા દિવસમાં વાઇરસે પોતાની અસર દેખાડતાં મહિલાને ઇમર્જન્સી તબીબી સારવાર કેંદ્રમાં ખસેડવામાં આવી. પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે તેનાં ફેફસાંને સોજો ચડયો છે. કેસ COVID-19 બીમારીનો હતો, જેનું ઓસડ તબીબો પાસે ન હતું (કોરોનાવાઇરસને તબીબોએ આપેલું લેબલ Sars-cov-2 છે, જ્યારે COVID-19 એ વાઇરસ દ્વારા થતી બીમારીનું નામ છે). આથી મહિલાને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી. ઓસ્ટ્રેલિયન ડાક્ટરોની ટીમે જોયું કે એક સપ્તાહ સુધી વાઇરસની ભાંગફોડિયા વૃત્તિને ‘સહન’ કર્યા પછી મહિલાનું રોગપ્રતિકારક તંત્ર જાણે કે લડાયક મૂડમાં આવ્યું હોય તેમ ઝઝૂમવા લાગ્યું. ધીમે ધીમે તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો. ચારેક દિવસમાં તો ફેફસાંનો સોજો લગભગ નાબૂદ થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ થયાના બીજા સપ્તાહે તો ચીની મહિલાને સો ટકા સ્વસ્થ જાહેર કરી રજા આપી દેવામાં આવી.


આ જાણીને આશ્ચર્ય થતું હોય તો એ લાગણી થોડીક સેકન્ડ્સ પૂરતી કાબૂમાં રાખો. કારણ કે વધુ આશ્ચર્યની વાત તો હવે આવે છે. વુહાનથી કોરોનાવાઇરસ સાથે આવેલી ચીની મહિલા મેલબોર્નની હાસ્પિટલમાં જેટલો સમય સારવાર હેઠળ રહી એ દરમ્યાન તેને એન્ટિ-બાયોટિક, સ્ટીરોઇડ તેમજ એન્ટિ-વાઇરલ પૈકી એકેય દવાનો જરાસરખોય ડાઝ આપવામાં આવ્યો ન હતો. સારવારના નામે ફક્ત ગ્લુકોઝના તથા સલાઇનના બાટલા ચડાવવામાં આવ્યા હતા, જેમનું કાર્ય લોહીમાં શર્કરાનું તેમજ સોડિઅમ, પોટેશિઅમ જેવા જરૂરી ક્ષારોનું લેવલ જાળવી રાખવાનું હોય છે. 


તો પછી સવાલ એ કે કોઈ પણ જાતની દવા વિના આખરે ચીની મહિલા દુરસ્ત શી રીતે બની? ઓસ્ટ્રેલિયન તબીબોના મતે મહિલાના રોગપ્રતિકારક તંત્રએ પેદા કરેલા એન્ટિબોડીઝ યાને કે પ્રતિદ્રવ્યોએ જ કોરોનાવાઇરસને નાથ્યો હતો. અગાઉ જણાવ્યું તેમ પ્રતિદ્રવ્યો તેમનું સોકેટ વાઇરસની પિનમાં ખોસી દઈ તેને નિષ્ક્રિય બનાવી દે છે. ઉપરોક્ત કિસ્સામાં એમ જ બન્યું હતું. આથી તબીબો ચીની મહિલાના બ્લડ પ્લાઝમાને ચકાસી રહ્યા છે. સંભવ છે કે તેમાં મોજૂદ પ્રતિદ્રવ્યો તેમને કોરોનોવાઇરસની રસી બનાવવાના કાર્યમાં કોઈક રીતે મદદરૂપ થાય.

વ્યાધિક્ષમત્વઃ પાણી પહેલાંની પાળ


કોરોનાવાઇરસની રસી હજી શોધાણી નથી. ક્યારે શોધાય તેનો કશો ધડો પણ નથી, કારણ કે નવા ફૂટી નીકળતા વાઇરસ માટે પ્રતિદ્રવ્યો બનાવવાનું કામ ભારે પડકારભર્યું છે. દરમ્યાન જગતભરના તબીબો કોવિડ-૧૯ના દરદીઓને એઇડ્ઝ, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લૂએન્ઝા જેવા રોગોને કાબૂમાં રાખવાની સહાયક દવાઓ વડે સારવાર આપી રહ્યા છે, જે ૧૦૦ ટકા કારગત નીવડતી નથી. 


આ સ્થિતિ વચ્ચે કોઈ પ્રકારની દવાએ નહિ, પણ શરીરના રોગપ્રતિકારક તંત્રએ કોરોનાવાઇરસ સામે ફતેહ મેળવી હોય એવો મેલબોર્નની ચીની મહિલાનો પહેલો કેસ છે. પરંતુ તેને અંતિમ યા અપવાદ ગણી લેવાની જરૂર નથી. કેસમાં કેંદ્રસ્થાને રહેલો મુદ્દો એ કે વાઇરસ જેવા ‘પરદેશી’ હુમલાખોરના આક્રમણ સામે લડી લેવાની ક્ષમતા કુદરતે દરેક મનુષ્યને રોગપ્રતિકારક તંત્રના સ્વરૂપે આપી જ છે. હા, એટલું ખરું કે વાઇરસ શરીરમાં કેટલી ખાનાખરાબી સર્જી શકે તેનો આધાર તંત્ર કેટલું સશક્ત યા અશક્ત તેના પર રહેલો છે. તંત્ર નબળું હોય તો પરિણામ શું આવે એ તો સમજી શકાય તેવી વાત છે, પરંતુ પાવરફુલ હોય ત્યારે વાઇરસની પેશકદમી થયાના થોડા જ દિવસમાં (પેલી ચીની મહિલાના કેસમાં બન્યું તેમ) પ્રતિદ્રવ્યો લડત આપવા લાગે. મુકાબલો સજ્જડ હોય તો શરીરમાં વાઇરસનો સફાયો થવો રહ્યો.

ટૂંકમાં, કુદરત જો દર થોડા સમયે એકાદ નવા વાઇરસ વડે માનવજાતનું ડેથ વારન્ટ બજાવતી હોય, તો તે વારન્ટ સામેનાં ‘જામિન’ પણ કુદરતે જ મનુષ્યના શરીરમા રોગપ્રતિકારક તંત્રના નામે આપી રાખ્યાં છે. કોરોનાવાઇરસની રસી ન શોધાય ત્યાં સુધી તે સિસ્ટમ પર ઘણે અંશે મદાર રાખવો પડે તેમ છે.


મોડર્ન મેડિકલ સાયન્સ પાસે જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ ન હોય ત્યારે આલ્ટરનેટિવ મેડિસિન તરફ વળનારા લોકોનો બહુ મોટો વર્ગ પશ્ચિમી દેશોમાં છે. કોરોનાવાઇરસે એવા વર્ગના અનેક લોકોને આયુર્વેદમાં રસ લેતા કરી દીધા છે. અમુક યા તમુક આયુર્વેદિક ઔષધી કોરોનાવાઇરસ સામે રક્ષણ આપે એવું તેમનું માનવું છે. આવા ઉપચારોમાં મતભેદો હોઈ શકે. પરંતુ એક બાબતે કદાચ મતભેદને ઝાઝો અવકાશ નથીઃ પશ્ચિમના મોડર્ન મેડિકલ સાયન્સ સામે આપણું પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાન એ વાતે જુદું પડે કે પહેલામાં રોગ સામેના ઉપચારો છે, તો બીજામાં શરીરને રોગ જ ન થાય તેના ઉપાયો છે.


આયુર્વેદ જગતનું સૌથી પ્રાચીન તબીબી વિજ્ઞાાન છે, જેનું પ્રાગટય લગભગ પ,૦૦૦ વર્ષ પહેલાં વેદકાળમાં થયું હોવાનું કહેવાય છે. આટલા હજાર વર્ષ પહેલાં તત્કાલીન આયુર્વેદાચાર્યોએ એક શબ્દ પ્રયોગ કર્યો છેઃ વ્યાધિક્ષમત્વ. આનો અંગ્રેજીમાં તરજુમો કરવો હોય તો immuninty શબ્દ બંધબેસતો આવે. શરીરમાં વ્યાધિક્ષમત્વ વધારવા માટેનાં તેમજ તેને જાળવી રાખવા માટેનાં અશ્વગંધા અને મહાસુદર્શન જેવાં અનેક ઓસડિયાં આયુર્વેદ પાસે છે. નિયમિતપણે તેમનું સેવન રક્તનું શુદ્ધિકરણ અને રોગપ્રતિકારક તંત્રનું સમૃદ્ધિકરણ કરી શકે તેવું આયુર્વેદ જણાવે છે.


પરંતુ એ જાણવા માટે આપણી કટિબદ્ધતા કેટલી એ સવાલ છે. એક સમયે બુનિયાદી શિક્ષણ આપતી અમદાવાદની શારદા મંદિર જેવી શાળાઓમાં દર શનિવારે બાળમંદિરના વિદ્યાર્થીઓને કડુ કરિયાતાના તથા કડવા લીમડાના રસનો અકેક વાટકો ફરજિયાત પાવામાં આવતો. નાની વયે બાળકની વ્યાધિક્ષમત્વ વધારવાનું એ ઉમદા અને આવકારદાયક પગલું હતું. આ કાર્ય હજી પણ ક્યાંય થતું હોય તો ઠીક, નહિતર સરકારે તેના અમલની દિશામાં રાષ્ટ્રવ્યાપી પહેલ કરવી જોઈએ. કારણ કે આવનારી પેઢીએ SARS-CoV-2 જેવા બીજા અનેક વાઇરસનો કેર ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. 


દરેક નવા વાઇરસની રસી રાતોરાત ન બની જાય એ હકીકત જોતાં સંભવિત આપત્તિનો સામનો કરવા માટે બે રસ્તા છેઃ Flight or fight. . નાસી છૂટો અથવા લડી લો. 


બીજા નંબરનો વિકલ્પ અપનાવવો હોય તો તેનો બધો તો નહિ, પણ ઘણો આધાર નવી પેઢીના વ્યાધિક્ષમત્વ પર રહેવાનો છે.

– હર્ષલ પુષ્કર્ણા

“ન્યુઝ ફોકસ”, ગુજરાત સમાચાર, તા.૨૨/૦૩/૨૦૨૦.