Browsed by
Tag: એ પછીની વાત છે

એ પછીની વાત છે

એ પછીની વાત છે

​એક-બે ઘટના ઘટી’તી એ પછીની વાત છે
જિંદગી ટલ્લે ચડી’તી, એ પછીની વાત છે

એમનું મળવું અને ચાલ્યા જવું છણકો કરી
જીદ મારી પણ નડી’તી, એ પછીની વાત છે

એ અલગ છે કે ચડી ગઇ  લોકજીભે વારતા
બે’ક અફવા પણ ભળી’તી, એ પછીની વાત છે

આમ તો બેફામ ઉભરાતી પ્રસંગોપાત, 
એ લાગણી ઓછી પડી’તી, એ પછીની વાત છે

વળ ચડ્યા તો સાવ નાજુક દોર પણ રસ્સી બની
ગાંઠ, છેડે જઇ વળી’તી એ પછીની વાત છે

થઇ ગયું ધાર્યું ન’તું એ આખરે, આગળ જતાં
માન્યતા મોડી મળી’તી એ પછીની વાત છે

સાવ સુક્કુંભઠ્ઠ લાગ્યું છેવટે હોવાપણું
જાત આખી ખોતરી’તી,એ પછીની વાત છે

 – અજ્ઞાત