માણસ
ફરી એકવાર!
”અનામત વિતરણ સમારંભ”
મિત્રો લોકલાગણીને માન આપીને સૌને
અનામત આપવી
એવું આપણે નક્કી કર્યું છે,
એટલે કોઇએ ધક્કા મુક્કી કરવાની જરૂર નથી,
એક પછી એક તમામ જ્ઞાાતિ શાંતિથી અહીં આવે
અને પોતાની અનામત લઇ જાય.
આટલી જાહેરાત પછી
વિતરણ સમારંભ શરૂ થાય છે.
અને રંગેચંગે પૂરો થાય છે.
અંતે વિજયી સ્મિત સાથે
વરિષ્ઠ નેતા
ભાષણ કરવા માટે ઊભા થાય છે.
એ જ વખતે
ભીડમાંથી અથડાતો કુટાતો એક વ્યક્તિ
માંડમાંડ આગળ આવીને કહે છે.
સાહેબ!
હુ તો રહી ગયો, મને પણ કંઇક આપો.
નેતાજી કહે
જરૂર જરૂર તમને પણ કંઇ આપવામાં આવશે જ,
બોલો તમારી જ્ઞાાતિ?
હાંફતો હાંફતો એ વ્યક્તિએ કહ્યું
”માણસ”
બાજુમાં જ બેઠેલા વિતરણ અધિકારી
લિસ્ટમાં તપાસ કરીને-
નેતાજીના કાનમાં કહે કે સાહેબ!
”માણસ” નામની કોઇ જ્ઞાાતિ તો
આપણા લિસ્ટમાં છે જ નહિ!
– કૃષ્ણ દવે