દૂધને માટે રોતા બાળક

દૂધને માટે રોતા બાળક

દૂધને માટે રોતા બાળક,

રો, તારા તકદીરને રો !!

એ ઘરમાં તું જન્મ્યું શાને ?

જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ, વ્યથા, પરિતાપ ફરજ છે,

ગમ, અશ્રુ, નિ:શ્વાસ ફરજ છે,

દૂધને માટે રોતા બાળક !

રો, તારા તકદીરને રો !!

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે,

નર્મ શયનમાં સાધન હોત,

મોટર મળતે, ગાડી મળતે,

નર્સનાં લાલનપાલન હોત,

સોના-રૂપાનાં ચમચાથી,

દૂધની ધારા વહેતી હોત;

તું રડતે તો પ્રેમની નદીઓ,

તોડી કિનારા વહેતી હોત,

પણ વીરાં દુર્ભાગ્ય હશે કે,

જન્મ તેં લીધો આ ઘરમાં,

ફેર નથી કંઇ જે ઘરના

ઇન્સાન અને જડ પથ્થરમાં

હાડ ને ચામના ખોખામાં તું,

દૂધના વલખાં મારે છે,

મહેનત નિષ્ફળ જતી દેખી,

રોઇને અશ્રુ સારે છે,

આ ઘરની એ રીત પુરાણી,

આદિથી નિર્માઇ છે,

મહેનત નિષ્ફળ જાય છે,

નિષ્ફળ જવાને સર્જાઇ છે;

વ્યર્થ રડીને ખાલી તારો

અશ્રુનો ભંડાર ન કર,

મોંઘામૂલાં એ મોતીનો,

દુરુપયોગ લગાર ન કર.

તન તોડીને જાત ઘસીને,

પેટ અવર ભરવાના છે.

શ્રમ પરસેવે રક્ત નિતારી

મ્હેલ ઊભા કરવાના છે.

એના બદલે મળશે ખાવા,

ગમને પીવા આંસુડાં;

લાગશે એવા કપરા કાળે,

અમૃત સરખાં આંસુડાં.

ભૂખ્યાં પેટ ને નગ્ન શરીરો,

એ તો છે દસ્તૂર અહીં,

ચેન અને આરામ રહે છે.

સ્વપ્ન મહીં પણ દૂર અહીં.

આ ઘરમાં તો એવી એવી

અગણિત વાતો મળવાની,

ભૂખના દા’ડા મળવાના ને

પ્યાસની રાતો મળવાની.

આ ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ, વ્યથા પરિતાપ ફરજ છે,

ગમ, અશ્રુ, નિ:શ્વાસ ફરજ છે,

આ ઘરમાં તું જન્મ્યું શાને ?

દૂધને માટે રોતા બાળક,

રો, તારા તકદીરને રો !!

– શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરીને આપણે ગઝલકાર તરીકે જાણીએ છીએ. પાલનપુરની ભૂમિએ અનેક ગઝલકારો આપ્યા છે તેમાં શિરમોર નામ એટલે શૂન્ય પાલનપુરી. એક સમયે મુશાયરામાં દૂધને માટે રોતા બાળક આ કાવ્ય અચૂક તેમને રજૂ કરવું પડતું હતું.

બાળકને માટે દૂધ એ તો પાયાની જરૂરિયાત છે. દૂધ પીધા વગર બાળક કઇ રીતે ઉછરી શકે ! મોટું થઇ શકે ? જીવી શકે ? પણ એવા તો અસંખ્ય બાળકો હશે આ પૃથ્વી ઉપર જેમના ભાગ્યમાં દૂધ લખેલું નથી. કાં તો પછી એમ કહી શકાય કે દૂધ ઘણાં ધમપછાડા પછી માંડ મળે છે. શૂન્ય પાલનપુરી ખૂબ નાના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. કિશોર અવસ્થામાં શૂન્ય પાલનપુરી પાનનો કરંડિયો લઇને ઘેર ઘેર પાન વેચતા હતા. બાળપણથી જીવનનો સંઘર્ષ કરનાર શૂન્ય સાહેબનું આ કાવ્ય જાણે તેમના બાળપણના સ્મરણો સાથે જોડાયેલું છે.

દૂધને માટે રોતા બાળક જો તારે રડવું જ હોય તો તારા તકદીર ઉપર રડ, તારા નસીબ ઉપર રડ, તું એવા ઘરમાં શા માટે જન્મ્યું ? જ્યાં ફરજિયાત ઉપવાસ કરવા પડે છે. દર્દ, વ્યથા, દુ:ખ, આંસુ, નિસાસા એ બધું જાણે ફરજના ભાગ રૂપે મળેલું છે. દૂધને માટે રોતા બાળક તારે રડવું હોય તો તારી તકદીર ઉપર રડ.

અને હવે વાત કરે છે શ્રીમંત કુટુંબની. જ્યાં ફૂલો જેવું નાજુક પારણું હોત, હિંચકો હોત. સુંદર પથારી હોત. મોટરો હોત. દેખરેખ રાખનારી નર્સ કે આયા હોત. પાણી માંગે ને સોનાના કે ચાંદીના ચમચામાં દૂધ હાજર થતું હોત. જો તું ત્યાં રડત તો પ્રેમની નદીઓ કિનારાઓ તોડીને તારા માટે વહેતી હોત. પણ તું એવા ઘરમાં શું કામ જન્મ્યું? જે ઘરના માણસમાં અને પથ્થરમાં કોઈ ફેર નથી.

આ વાત કોઈ પારકું ક્રુર માણસ નથી કહેતું, મા પોતે કહી રહી છે. પોતાના શરીરમાં હાડકાં અને ચામડા રહ્યા છે. હાડકા અને ચામડાના ખોખામાં તું દૂધ માટે વલખા ના માર. તું નિષ્ફળ જાય છે એટલે રડી રહ્યું છે. પણ આ તો એવા ગરીબનું ઘર છે, જ્યાં મહેનત નિષ્ફળ જવા માટે જ સર્જાયેલી છે. તું નકામું રડીને તારા અશ્રુઓનો ભંડાર ખાલી ના કરી નાંખ. આંસુઓ તો તારા ખૂબ મોંઘા મોતી છે. એનો આવો દુરપયોગ ના કર. તું એવા ઘરમાં જન્મ્યું છે, જ્યાં શરીર તોડીને, જાત ઘસી નાંખીને કોઈ બીજાનું આપણે પેટ ભરવાનું હોય છે. પરસેવેથી નિતરીને કોઇને માટે મહેલ ઉભા કરવાના હોય છે.

આપણી કાળી મહેનતના બદલામાં ગમ ખાવાનો છે અને આંસુઓ પીવાના છે. કપરા સમયમાં આંસુ અમૃત જેવા મીઠાં લાગતા હોય છે. પેટ ભૂખ્યું અને શરીર ઉઘાડું રહે એ તો અહીંનો નિયમ છે. ચેન અને આરામ એ તો સપનામાં ય આવતા નથી. આવી તો અઢળક વાતો છે. તું આ ઘરમાં શા માટે જન્મ્યું ? જા, હવે તારા તકદીર ઉપર રડ.

શૂન્ય પાલનપુરીને મેં આ કવિતા રજૂ કરતા સાંભળ્યા છે. આપણને અંદરથી હચમચાવી નાંખે તેવું આ કાવ્ય છે. શૂન્ય પાલનપુરીનું મૂળ નામ છે અલીખાન ઉસ્માનખાન બલોચ. શરૂઆતમાં તે રૂમાની પાલનપુરીના નામે ઉર્દૂમાં શાયરી લખતા હતા. અમૃત ઘાયલે તેમને ગુજરાતીમાં ગઝલ લખતા કર્યા. અને અમૃત ઘાયલે જ તેમને ‘શૂન્ય’ એવું ઉપનામ આપ્યું. અને આમ ગુજરાતી ભાષાને શૂન્ય પાલનપુરી નામના ગઝલકાર મળ્યા. પોતાના નામને ભૂંસી નાંખનાર આ ગઝલકારે આ સંદર્ભમાં એક સુંદર શેર કહ્યો છે.

નામ નહીં તો ઠામનું બંધન,

શૂન્ય થયો પણ પાલનપુરી.

–  રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, “શબ્દ સૂરને મેળે” કોલમ, ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ, તા.૦૫-૦૩-૨૦૨૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *