છેલ્લે તો આપણે…

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘૂંટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
“મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ” ,
એમ કહીને એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ જયારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.