Browsed by
Category: ગુજરાતી

તબીબ દિવસ નિમિત્તે.

તબીબ દિવસ નિમિત્તે.

On the occasion of Doctor’s day ….

તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!!

જૂઠા ના પડે ક્યાંક તબીબોના ટેરવાં,
પ્રેમની નાડ છે કોઈ મામૂલી નાડ નથી.

– શૂન્ય પાલનપુરી

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
– શૂન્ય પાલનપુરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
– શૂન્ય પાલનપુરી

છેલ્લે તો આપણે…

છેલ્લે તો આપણે…

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘૂંટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

“મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ” ,
એમ કહીને એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જયારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

જોયો જ નહીં !

જોયો જ નહીં !

કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !

ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !

લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?

રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !

દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !

– સુનીલ શાહ

અલવિદા “ખલીલ”

અલવિદા “ખલીલ”

આજે એક વ્હોટ્સએપ ગૃપમાં ખલીલ ધનતેજવી સાહેબના અવસાન વિશેનો મેસેજ વાંચ્યો. વાંચીને આંચકો લાગ્યો અને મન આ વાત માનવા તૈયાર જ ન હતું. આજકાલ ઘણા બધા ફેક મેસેજ ફરતા હોય છે એટલે આ મેસેજ પણ ફેક જ નીકળે એવી દુવા સાથે એક અગ્રણી દૈનિક સમાચારની એપ ખોલી તો મેસેજ રીઅલ નીકળ્યો 😢

મને ખલીલ ધનતેજવી સાહેબની ઘણી બધી રચનાઓ ગમે છે. આજે એમને અંજલિ આપવા માટે અમુક અહીં શેર કરું છું.


લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !


અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.


હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.


ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

– ખલીલ ધતેજવી

1938-2021

અલવિદા સાહેબ…
આપનું પ્રેમાળ વ્યક્તિત્વ અને આપનો પ્રેમ હંમેશા અમને આપની યાદ અપાવતી રહેશે… 🙏

અલ્લાહ તઆલા આપને જન્નત નસીબ અતા ફરમાવે તેવી દુઆ… આમીન

એક વેક્સિન મારે પણ શોધવી છે

એક વેક્સિન મારે પણ શોધવી છે

એક વેક્સિન મારે પણ શોધવી છે….

બોરિંગ -રોજીંદી ઘટમાળમાં
ફસાઇ ગયેલા વ્યકિતઓને
બહાર કાઢે એવી…

કૂકરની ત્રીજી સીટીએ
રસોડામાં દોડી જતી સ્ત્રીઓને,
થોડી પળો માટે,
ગણતરીઓ ભૂલાવી દે એવી…

ચાલીસમા વર્ષે
માથા પર બેસી રહેલી
સફેદીને મેઘધનુષી રંગે,
રંગી નાંખે એવી…

એક વેક્સિન મારે પણ શોધવી છે…..

ભૂલી જવા જેવી પણ
યાદ રહી ગયેલી ઘટનાઓને,
યાદ-દાશ્તમાંથી,
બાકાત કરી આપે એવી…

કિસ્મતે હિસ્સામાં નહીં
મૂકી આપેલી પળો-ઘટનાઓ
અને વ્યક્તિઓને
મનનાં દરવાજેથી
“ગેટ આઉટ” કહી શકે એવી..

“એ” પાસે હોય ત્યારે
સમયને અટકાવી દે અને,
“એ” પાસે ન હોય ત્યારે,
સમયને દોડાવી દે એવી….

દીકરીની ગુલાબી હેરબેન્ડનાં
ખોટ્ટા પતંગિયાને
સાચ્ચું કરી આપે એવી….

ઘરડાં થતા જતા
મા-બાપની આંખોમાંથી
પ્રતીક્ષાને બાદ કરી આપે એવી..

એક વેક્સિન મારે પણ શોધવી છે…

સ્વીકારની પરવા કર્યા વિના
ચહેરા પર પહેરી રાખેલા,
પહેરવા પડેલા તમામ
માસ્ક ઉતારી આપે એવી !!!!!

કવિ: એષા દાદાવાળા

Happy Friendship Day

Happy Friendship Day

જેની સાથે લોહીનો સંબંધ નથી…
છતાં વહાલું લાગે તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે થાય અઢળક વાતો…
છતાં થાક ના લાગે તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે નાનકડી વાત માં પણ…
હસી શકાય તે નામ છે
👬દોસ્ત👬

જેના ખંભે માથું ઢાળીને…
રડી શકાય તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે ઠંડી ચા પણ…
હુંફાળી લાગે તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે વઘારેલી ખીચડી પણ…
દાવત લાગે તે નામ છે
👬દોસ્ત👬

જેને અડધી રાત્રે ઉઠાડી…
હૈયું ઠાલવી શકાય તે નામ છે
👬દોસ્ત👬

જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં…
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે
👬દોસ્ત👬

જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય…
છતાં પણ તે સ્વીકારે તે છે
👬દોસ્ત👬

વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા…
ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે
👬દોસ્ત👬

દૂર હોવા છતાં ના ટૂટે…
તે લાગણીનો તાર છે
👬દોસ્ત👬

છે બસ
અઢી અક્ષરનું નામ પણ…
બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે
👬દોસ્ત👬

👬મારા સર્વે મિત્રો ને અર્પિત👬

મિત્રતા દિવસની શુભકામના

મહાભારતમાંથી શીખવા જેવું

મહાભારતમાંથી શીખવા જેવું

✔️સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો- કૌરવો

✔️તમે ગમે તેવા બલવાન હોય પણ તમે અધર્મ નો સાથ આપશો તો તમારી શક્તિ-સંપત્તી, અસ્ત્ર -શસ્ત્ર, વિધા, વરદાન નકામાં
થઈ જશે- કર્ણ

✔️સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- અશ્વત્થામા

✔️ક્યારેય કોઈને વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે- ભીષ્મપિતા

✔️શક્તિ-સત્તાનો દુરુપયોગ સર્વનાશ નોતરે છે- દુર્યોધન

✔️અંધ (સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, કામાન્ધ) વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ન સોંપાવુ જોઈએ નહી તો અનર્થ થશે – ધ્રુતરાષ્ટ્ર

✔️વિધ્યા ની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો – અર્જુન

✔️બધા સમયે-બધી બાબતોમાં કપટ/કુટનીતી માં તમે સફળ નહીં થાવ- શકુનિ

✔️જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- યુધિષ્ઠિર

જૂનું ઘર છોડતા

જૂનું ઘર છોડતા


બદલી પછી સૌથી મોટી સમસ્યા;
જૂનું ઘર છોડવું ને નવું શોધવું;

નવું શહેર; નવા રસ્તા; માણસો;
બધું બદલાય એ આપણા સિવાય;

લાગણીના પડ; ખુલતા જાય જાણે;
સંવેદનાના ઘોડાપુર આવે અહીં;

પેપરવાળો; દુધવાળો; શાકવાળો;
કામવાળી; ટ્યૂશન શિક્ષક સાથે;

સમસ્ત માહોલ ખસકી જય ને;
ખાલી થતાં ઘરની દીવાલો કહે છે;

નાશવંત તો બધુંય છે અહિયાં ને;
કાયમીની શોધ ચાલું જ રહે છે.

આમ તો આ શરીરનાં ઘરમાંય તો;
કયાં કાયમી? છોડતા દર્દ નિરાળું.


– ડો.બીરેન પાઠક
કાર્યપાલક અધિકારી,
એસ એસ જી હોસ્પિટલ, વડોદરા


જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત

garvi gujarat

૧૯૬૦ની ૧લી મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને સને-૨૦૧૦માં રાજ્યની સુવર્ણ જયંતિ ઉજવવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા પ્રખ્યાત ગુજરાતી કવિ શ્રી નર્મદની પ્રચલિત પંક્તિઓ ‘જય જય ગરવી ગુજરાત’ને સુયોજિત કરવાનું કાર્ય, વિખ્યાત સંગીતકાર એ.આર.રેહમાનને સોંપવામાં આવ્યું.

આ ગીતના ફિલ્માંકનનું કામ સોંપાયું, ભરત બાલા પ્રોડક્શનને જેમણે રાષ્ટ્ર ગીત જન ગણ મન સહીત એ.આર.રેહમાનના વંદે માતરમ આલ્બમના વીડિયો બનાવ્યા હતા જે અત્યંત લોકપ્રિય થયા હતા..

કવિ શ્રી નર્મદના ગીત ‘જય જય ગરવી ગુજરાત’ના શબ્દોની સાથે નવા ગીતકારો દિલીપ રાવલ, સાંઈરામ દવે, અંકિત ત્રિવેદી, અને ચિરાગ ત્રિપાઠીએ પોતાના શબ્દોથી ગીતમાં નવો ઓપ લાવીને મૂળભૂત ગીતને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે..

ભરત બાલા પ્રોડક્શને તૈયાર કરેલા અને એ.આર.રેહમાન દ્વારા સંગીતબદ્ધ થયેલા આ ગીતમાં હરીહરન, સાધના સરગમ, સચિન-જીગર, કીર્તિ સાગઠીયા સહીત અનેક દિગ્ગજોએ આવાજ આપ્યો. નવું તૈયાર થયેલું આ ગીત 1-મે 2010ના રોજ રીલિઝ થયું અને ખૂબ જ લોકચાહના પામ્યું.

તો પ્રસ્તૂત છે જેને સાંભળીને દરેક ગુજરાતીનું સેર એક લોહી ચડી જાય એવા ‘જય જય ગરવી ગુજરાત’ના શબ્દો.

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર, છે શોભા મારી,
ધન્ય હું થઈ ગયો, અહીં જન્મ છે મારો થયો,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું, ભૂમિ મારી,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

કંઈ સિદ્ધ કર્યા વ્યાપાર મેં દરીયા પાર, ગુજરાતી હું છું,.
મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, ગુજરાતી હું છું,.
મારી રગ-રગમાં કરૂણા સેવા સહકાર, ગુજરાતી હું છું,.
હર આફત સામે ઉભો બની પડકાર, ગુજરાતી હું છું,.
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

પાંખના આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું, કહી રહ્યું છે હવે બોલ તું,
કંઈક દ્વાર હજું ખોલવાના છે, કંઈક ઝરૂખા બંધ છે,
મુટ્ઠીઓમાં મારી ઉછળી જે રહ્યા સાત સૂરજના છંદ છે,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દિલમાં ધડકે ગુજરાત..

એક દોરો મારી પાસે છે, તો એક દોરો તારી’યે પાસે છે,
સાથ સૌ મળી વણીયે એક નદી કાલ ને કે’જે ખાસ છે,
અંજલીમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સુરીલી આસ છે,
જય જય જય જય ગરવી ગુજરાત,
મારા દેશનું ઘરેણું ગુજરાત..

સાથોસાથ સમગ્ર ગુજરાતની સંસ્કૃતિ, રાજ્યની ધરોહર જેવા સ્મારકો અને આહલાદક સ્થળોની ઝાંખી કરાવી છે એવું આ ગીત નીચે જુઓ !

[wpvideo OiJ74dT4]

Youtube Link

ગુજરાતના ૬૦માં સ્થાપના દિવસે વિશ્વના ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતીને શુભેચ્છાઓ…

મને ગર્વ છે કે હું ગુજરાતી છું…

કુંદન, કુન્દનિકા અને ઈશામા સુધીની એક સાર્થક યાત્રા

કુંદન, કુન્દનિકા અને ઈશામા સુધીની એક સાર્થક યાત્રા

મને શીખવ  હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.

remembrance memories of kundanika kapadia

કુન્દનિકા કાપડિયાના નિધનના સમાચાર ૩૦-૪-૨૦ની વહેલી સવારે મળ્યા ત્યારે યાદ આવ્યું કે યોગાનુયોગ ૩૦ એપ્રિલ મકરંદ દવે સાથે તેમના લગ્નની તિથિ પણ હતી. ધરમપુર નામ લેતાં જ નંદિગ્રામનું નામ દરેકને યાદ આવે. મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયાનું આનંદગ્રામ એટલે કે નંદિગ્રામની મુલાકાત મારા માટે હંમેશા સ્મરણીય રહી છે. કુન્દનિકા આજે નથી રહ્યા પણ તેમની આગળ સ્વ. લગાડવાનું મન નથી થતું. મકરન્દભાઈના અંતિમ સમય સુધી જીવનસંગીની બની રહેલા કુન્દનિકા કાપડિયાનું પોતાનું આગવું વ્યક્તિત્વ હતું. તેમને 28 વરસથી સતત મળતી આવી છું પણ તેમની સજાગતા અને સ્વભાવ જરા પણ બદલાયા નહોતા. ઉંમરને કારણે અને છેલ્લા વરસોમાં તેમની માંદગીને કારણે તેઓ થોડા ઢીલા જરૂર જણાતા હતા પણ જીવન પ્રત્યેનો તેમનો અભિગમ હંમેશા હકારાત્મક રહ્યો હતો.  તેમના લાંબા સુંદર વાળ, ભાવવાહી આંખો અને મોનાલિસા જેવું સ્મિત દરેક વખતે મને આકર્ષતું રહ્યું. નંદિગ્રામમાં હાલ મ્યુઝિયમ પણ તેમણે જાતે રસ લઈને ઊભું કર્યું છે, જેમાં મકરંદ દવે અને તેમના સહજીવનના ફોટાઓ આપણને સાહિત્યકાર, આધ્યાત્મિક બેલડીના ભૂતકાળની ઝાંખી કરાવે છે. કુન્દનિકા કાપડિયાને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર  1985ની સાલમાં મળ્યો હતો. પહેલાં સંપાદક અને પછી વાર્તાકાર, નવલકથાકાર અને ત્યારબાદ પ્રાર્થનાઓનો સંગ્રહ તેમણે આપ્યો છે. સાત પગલાં આકાશથી આજે પણ ઓળખાતા કુન્દનિકા કાપડિયા પોતાના સમયથી ઘણા આગળ જીવતા હતા. આજે પણ તેઓ સતત કંઈને કંઈ લખતા હોય, નંદિગ્રામના કામનું સંચાલન કરતા હોય કે પછી ન દેખાતા કોઈ વિશ્વમાં ખોવાઈ ગયા હોય એ રીતે શાંત બેઠા હોય એ છબી તેમને મળનાર વિસરી ન શકે. તેમને અંગત મિત્રો કુંદન તરીકે સંબોધતા અને પછી સાહિત્યકાર રૂપે કુન્દનિકા કાપડિયા તરીકે પ્રસિદ્ધ થયા અને નંદિગ્રામમાં તેઓ ઈશામા તરીકે સંબોધાતા હતા. તેમના છેલ્લે પ્રગટ થયેલા પુસ્તકોમાં પણ ઈશા કુન્દનિકા નામ જ છપાતું હતું.

નંદીગ્રામ નો વિચાર શી રીતે આવ્યો?

કુન્દનિકા બહેન : “મને હંમેશા થતો કે કશુંક જુદું કરવું જોઇએ અને સહિયારા રસોડાનો વિચાર મને ઘણા વખત પહેલા આવેલો કારણ દરેક સ્ત્રીના માથે તેના રસોડાનો ભાર હોય છે તે દૂર થવો જોઈએ તેવી ભાવના મનમાં હતી પછી મહારાણી ચીમનાબાઈને વાંચ્યા જેવા સ્ત્રીઓના તુલનાત્મક અભ્યાસ વિશે લખેલું જેમ કે સ્ત્રીઓને આર્થિક રીતે સધ્ધર બનાવી જોઈએ સહારો રસોડું હોવું જોઈએ પછી ઘણા વખતે મને રશિયામાં પણ આવા સહિયારા રસોડા હોય છે તેની ખબર પડે મારા મનમાં સામૂહિક જીવનની કલ્પના પહેલા જુદી જ હતી પણ પછી સ્વરૂપો બદલાતા ગયા મૂળ કલ્પના હતી કે થોડાક એવા માણસો સાથે રહીએ કે જેમને સાધના અને આત્માના વિકાસમાં રસ હોય ગાંધીજીની મારા ઉપર અસર એટલે આજુબાજુમાં રહેતા લોકો માટે સમજ પ્રત્યે આપણી કશીક ફરજ હોવાનો ભાવ મનમાં રહ્યા કરે તેથી તે બન્ને વસ્તુ સાથે જતી હોય તેવું સામૂહિક જીવન છતાં બધાનું પોતાનો સ્વતંત્ર જીવન. છતાં બધાનું પોતાનો સ્વતંત્ર જીવન આમ અમારા નંદીગ્રામમાં માબાપ બાળક મૂકીને જઈ શકે છે જેથી એકલા મા પર બાળઉછેરનું બહાર ન આવે 1960થી જમીન ખૂબ જ શોધે પણ મુંબઈમાં ઘણો વખત રહેલા તેથી મુંબઈની નજીક જમીન મળે તો સારું એવું મનમાં હતું જમીનની સાથે પણ એક સંબંધ હોય છે હવે તો સાધના અને સેવાએ નંદીગ્રામના મુખ્ય ઉદ્દેશ છે.”

કુન્દનિકાબહેને પોતાની વાત કરતાં કહ્યું હતું તે હવે તેમના જ શબ્દોમાં વાંચો ,  “મને યાદ છે, મારા બચપણનો મુખ્ય ભાગ ગોધરામાં વીત્યો. ગોધરા પંચમહાલનું ગામ. મોટેભાગે જંગલ જેવા વિસ્તારમાં તેથી મારો મુખ્ય રસ પ્રકૃતિપ્રેમ છે. ઘણા ઘણા કલાકો વૃક્ષો ઉપર ચડી ડાળ ઉપર ગોઠવાઈને વાંચવું, એકાંતમાં ફરવું,  સ્મશાનમાં જવું. એનું કારણ એ હશે કે જે બીજા ન કરે તેવી વિદ્રોહી પ્રવૃત્તિ કરવી મને ગમતી. મારા બાપુજી ડોક્ટર હતા તેથી તેમના વૈદકના પુસ્તકો અને બીજો જે હાથમાં આવે તે વાંચતી. કૃષ્ણમૂર્તિના સ્ટાર મેગેઝિનમાં આવતી કવિતા વાંચતી સમજાય ન સમજાય તોય બસ વાંચ્યા કરતી હાથમાં જાગૃતિ ક્ષણની વાત કહું. હું લગભગ અગિયાર કે બાર વર્ષની હોઈશ ત્યારે લેન્ટાનાની નાની ઝાડીઓ વચ્ચે ધૂળ ભર્યો માર્ગ નદી તરફ જતો હતો ત્યાંથી સાંજના સમયે એકલી પસાર થઈ રહી હતી ત્યારે હું એક ક્ષણ ઊભી રહી. મને થયું કે હું કોણ છું? આ જગત શું છે? આવા ગંભીર સવાલો મનમાં ઉઠ્યા. મારા સ્વભાવમાં જે ગંભીરતા છે તે કદાચ તે ક્ષણથી આવેલી છે.

મને થયું આ બધું શું છે? આપણે જીવીએ છીએ તે શું છે? પછી મેં આ બધા પ્રશ્નો ર.વ.દેસાઈને લખીને મોકલેલા. તેમણે જવાબ આપ્યો કે હમણાં તમે ભણવામાં ધ્યાન આપો તો વધારે સારું. હવે હું બધાને એવા જવાબ આપું છું. ઘણા વિદ્યાર્થીઓના પત્રો આવી ચર્ચા લખેલા આવે છે. પરંપરાગત રૂઢિઓની વિરોધમાં જવાનો મારો સ્વભાવ છે. એક વાર એવું થયું કે ઘરમાં નોકર નહી આવેલો એટલે બાએ મને વાસણ માંજી નાખવાનું કહ્યું એટલે મેં કહ્યું મોટા ભાઈને કેમ નથી કહેતી મને જ કેમ કહે છે.  વળી, તે વખતે હરિજનોને ન અડાય એવું બધા કહેતા તેથી હું તેમને ખાસ ઘરે બોલાવીને ભણાવતી. જ્ઞાતિમાં હું માનતી નહીં, અને વતન જેવું પણ મને ખાસ લાગે નહીં. મને લાગે છે મારું વતન તો હજી હું શોધું છું. શોધું છું કે મારા મૂળિયા ક્યાં છે.

મારા મિત્રની કઈ જ્ઞાતિ છે કે પંથ છે તે ખબર નથી. મને એ બધી વસ્તુઓ (વાતો) માણસ માણસ વચ્ચે ભેદભાવ વધારનારી લાગે છે. પછી કૃષ્ણમૂર્તિને વાંચ્યા. તેથી મારી લાગણીઓ કે વિચારો વધારે પુષ્ટ થયાં. તેથી જ મારા લેખોમાં પણ વારંવાર લખું છું,  અને મારો આગ્રહ પણ રહ્યો છે કે માણસે પોતાની અટક કાઢી નાખવી જોઈએ. સાત પગલાં આકાશમાં પણ મેં ઘણી નવી વાતો કરી છે જે પરંપરાની વિરુદ્ધ  છે. હું જ્યારે સાત પગલા આકાશમાં લગતી હતી ત્યારે કાંતાબહેનને કહેતી (કાન્તાબહેન નંદિગ્રામની શરૂઆત થઈ ત્યારના પ્રથમ રહેવાશીઓમાંના એક હતા. તેમનો સ્વર્ગવાસ થઈ ગયો છે.  તેમને મળવાનો લાભ મને મળ્યો હતો )  જો આ વાર્તા લોકો ધ્યાનથી વાંચશે તો ખળભળાટ મચી  જશે અને એવું જ થયું . સ્ત્રીઓ પ્રત્યે અન્યાય તો મેં મારા ઘરમાં અને આજુબાજુ બધે જોયો છે, અને એટલે કદાચ એની અસર મારી વાર્તાઓ ઉપર છે.

મારા પિતા ડોક્ટર અને મારી મા ચાર ચોપડી ભણેલી તેથી મારા પિતા વારંવાર મારી માને કહેતા તને કંઈ ખબર ન પડે, અને મા હંમેશા દબાયેલાં રહેતાં. કુટુંબના આંબામાં પણ માનું  નામ ન હોય. લોકો એમ પૂછે છે કે પુરુષો સ્ત્રીઓ ઉપર શું અત્યાચાર કરે છે?  હું તો જવાબ આપું કે સૂક્ષ્મ રીતે તેઓ સ્ત્રીના અસ્તિત્વને નામશેષ કરે છે. સર્જકો પણ તેમાં સહભાગી બને છે. બીજું સ્ત્રીઓનું એટલું બ્રેઇનવોશિંગ થાય છે કે તેમને એટલો અહેસાસ પણ ન થાય.  એવું પણ બને કે કદાચ તેમને ગૌરવ પણ લાગે છે. કોલેજનું શિક્ષણ મેં ભાવનગર તથા વડોદરામાં લીધું. સાથે સાથે સ્વાતંત્ર્ય લડતમાં સક્રિય રહી. એકાદ-બે દિવસ જેલમાં પણ રહી આવી હતી. તે વખતે માનસિક તૈયારી સ્વરાજની લડતમાં સક્રિય ભાગ લેવાની હતી. ભવિષ્ય નક્કી હતું. મને સમાજવાદ ગમે. માણસે પોતાની મૂળ પ્રકૃતિના હિસાબે તેને અનુરૂપ અનેક વિકલ્પોમાંથી એક વિકલ્પ શોધી લેવો જોઈએ. આઝાદી પછી જીવનને નવેસરથી શરૂ કરવાનો વિચાર આવ્યો. હું મુંબઈ આવી. મારી પ્રેમના આંસુને વિશ્વ વાર્તા સ્પર્ધામાં બીજું ઈનામ મળ્યું.  તેનાથી મેં સાહિત્યમાં પ્રવેશ કર્યો. કૃષ્ણમૂર્તિની અસર મારા ઉપર પડી. તેમને પ્રથમવાર સાંભળ્યા પછી કહી શકું કે હું એમને પામી છું.  ધીમે ધીમે લખાતું ગયું. પછી મેં યાત્રિક નામનું મેગેઝિન શરૂ કર્યું. અને પછી નવનીત ડાયજેસ્ટનું સંપાદન કર્યું.

મારી સૌ પહેલી વાર્તા તો મેં લગભગ 1955માં લખી. જેમાં પુરુષના પ્રભુત્વ અંગે વધુ ભાર હતો .જેમાં પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે પણ તેને સ્વતંત્ર નિર્ણય નથી લેવા દેતો. છેવટે પત્ની પતિને છોડીને ચાલી જાય છે. ઈબ્સનની ડોલ હાઉસની મારા પર ઘણી અસર છે. જેમાં સ્ત્રી પોતાની અસ્મિતા ખાતર પતિને છોડી જાય છે પછી તો ઘણું લખ્યું. ન્યાય નામની વાર્તા અને ચળકાટ વગેરે એ બધી વિદ્રોહની વાર્તાઓ છે. મારી ઘણી વાર્તાઓમાં ઘર છોડી જવાની વાત આવે છે. તે અસર ડોલ હાઉસની છે. કદાચ એમ પણ હોય કે પૂર્વજન્મમાં હું કદાચ ઘર છોડીને ગઈ હોઈશ. બે-ત્રણ લાગણીઓ છે. હું પૂર્વજન્મમાં કદાચ એકલી પણ હોઈશ કારણકે મારા કુટુંબભાવ જરા પણ નથી. લગ્ન પહેલા પણ નહીં, લગ્ન પછી પણ નહીં. સંસાર વ્યવહાર જેવો સ્વભાવ મારામાં નથી. અથવા તો કદાચ હું પૂર્વ જન્મમાં સાધ્વી પણ હોઉં. હું  ખૂબ જ એકાં પ્રિય છું. મારો મુખ્ય રસ કોઈ વ્યક્તિની સાથે જીવનના પડ ઉકેલવાનો. વ્યક્તિગત જીવન વિષે નહીં, મનના સ્વરૂપ વિશે, જીવન ના સ્વરૂપ વિશે. તેથી ખાલી ગપ્પા મારવા મારા સ્વભાવમાં જ નથી.

મારું એક લક્ષણ તમને કહ્યુંને કે, એકાંત અને ફિલોસોફી. તેથી આજુબાજુ નિર્માણ થતી પરિસ્થિતિની વાત મારી વાર્તા  અગનપિપાસામાં  છે. મને નામ પ્રતિષ્ઠા એવાં કશાનો મોહ નથી. તેથી મને જ્યારે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો કે પ્રેમના આંસુને પુરસ્કાર મળ્યો ત્યારે પણ મને અંદરખાને કશો પણ તરખાટ નહોતો થયો. ઠીક છે, સ્વાભાવિક છે, મળે! એટલે મારી વાર્તાઓમાં એ પ્રકારનો ધ્વનિ જોવા મળે છે. અગનપિપાસામાં એ વાત છે. કલાકારને  પ્રતિષ્ઠા ન મળે . માન ન મળે . છતાં પણ જીવનમાં પરિપૂર્ણતા છે. એજ મારું દ્રષ્ટિબિંદુ છે. સાત પગલા આકાશમાં તો મારે વાત કેવી હતી સ્ત્રીઓની વેદનાની, તેમના પરના અત્યાચારની. ને છતાં તેમાં પણ આંતરિક શોધની વાત આવે છે. જેમકે વાર્તા ચમકારમાં સફળતાને માનવને નીચે લઇ જતી બાબત ગણાવી છે.”

કુન્દનિકા બહેન મકરન્દ દવે સાથેના લગ્નના સંભારણા યાદ કરતાં કહે છે કે,  “અમારાં લગ્ન સામાન્ય રીતે જેમ થાય છે તેમ નહોતાં થયાં. બે વ્યક્તિઓ મળે ,સમજેને પ્રેમ થાય એમ નહીં. પહેલ મકરંદે કરેલી. તેમણે મને કાગળ લખ્યો. પણ નાનપણથી જ મારી લગ્ન કરવાની ઇચ્છા નહોતી. જે સામાજિક સંસ્કારો અને પુરુષોનાં સ્ત્રી પ્રત્યેના વલણો જોયાં હતાં. તેને લીધે ઇચ્છા જ નહોતી. મેં લગ્ન કરતા પહેલા ખૂબ મંથન કરીને લગ્ન કર્યાં. મેં ઘણા મોડાં લગ્ન કર્યાં. મેં લગ્ન કર્યા ત્યારે મારા બાપુજીને એમ કે આનું શું થશે? પણ તેઓ જ્યારે મકરંદને મળ્યાં ત્યારે ખૂબ ખુશ થયા. મકરંદ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે. કેમ કે તેઓ જે દેખાય છે તેવા એ નથી. એમ કહીને પોતાના માણસનાં વખાણ કરવાનું મારા સ્વભાવમાં નથી. (આમ કહેતાં કુન્દનિકા બહેન જાણે ક્યાંક ખોવાઈ ગયાં. પછી તેમણે બહુ ઊલટથી તેમના લગ્નજીવનની મધુર ક્ષણો વિષે કહ્યું.)

કુન્દનિકા બહેન : “મારા જીવનમાં એમના આવ્યા પહેલા ઈશ્વરનો પ્રવેશ નહોતો. કૃષ્ણમૂર્તિ કે બુદ્ધ ની વાતમાં ક્યાંય ઇશ્વરની વાત આવે નહીં . એટલે એમના થકી ઈશ્વરે મારા જીવનમાં પ્રવેશ કર્યો એ ખૂબ જ મોટી વાત છે અને સ્મરણો તો એટલા બધા છે કે એમની એક નાના છોકરા જેવી વાત છે એક વખત હું જ્યારે નવનીતમાં કામ કરતી હતી ત્યારે અમે ફરવા જવાનું નક્કી કર્યું અને બસ સ્ટોપ પર મળ્યા બસમાં બેઠા પછી કહ્યું કે હું તારા માટે ભેટ લાવ્યો છું કહીને હાથમાં મૂકીને ડબ્બી ખોલી તેમાં એક પડીકું હતું મે પડીકું ખોલ્યું તો વળી એક બીજું પડ્યું એમ સાતથી આઠ પડીકા ખુલ્યા પછી મને એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું આઇ લવ યુ મારી સામે બેઠેલા ભાઈ તો જોયા જ કરે કે આ બેન કે ના પડીકા ખોલી રાખે છે આવા તો અનેક પ્રસંગો છે જ્યારે પણ બહારગામ જાણો ત્યારે મકરંદ પ્રેમના ગીત કે પ્રેમનું વાક્ય લખીને મારા પર્સમાં મુકી દેતા હું પણ તેમની જમવાની થાળીની છે કે સાબુની ગોટી બાથરૂમમાં મૂકતી વખતે કંઈને કંઈ લખીને મુક તે આજે પણ મૂકો છો તેઓ કદી ગોંડલ જાય ત્યારે મને રોજ રોજ જુદે જુદે કારણેથી પ્રેમની ચિઠ્ઠીઓ મળે ડબ્બામાંથી બાથરૂમમાંથી ઓશિકા નીચેથી આવી ઘણી સિદ્ધિઓનો સંગ્રહ મારી પાસે છે એક પ્રસંગ કહું તેમની તબિયતને કારણે તેમને માટે પ્રવાસ કરવો ખૂબ અઘરો છે તેથી તેઓ પ્રવાસ નથી કરતા એટલે હું એકલી ઇગતપુરી વિપસ્યના શિબિરમાં ગઈ હતી ત્યાં દિવસના મૌન એકાંત પછી નવમા દિવસે જ્યારે હું બહાર આવે ત્યારે મને કોઈ આવીને કહ્યું કે મકરંદભાઇ મળવા બોલાવે છે પહેલા તો હું માની જ ન શકે પછી જ્યારે તેમને ત્યાં જોયા ત્યારે સુખદ આશ્ચર્ય પામી મને મળવા માટે તેઓ ખાસ આવ્યા હતા મારે માટે તો એ ખૂબ અદ્ભુત વાત હતી.”

 

(નોંધઃ લેખિકા દિવ્યાશા દોશી જાણિતા પત્રકાર છે, છેલ્લા 28 વર્ષોથી પત્રકારત્વના દરેક માધ્યમમાં રિપોર્ટિંગ, મેગેઝીનના સંપાદક તેમજ કોલમ લેખક તરીકે કામ કરે છે અને કુંદનિકા બેન સાથે ત્રણ દાયકાથી વધુનો અંગત પરિચય ધરાવે છે)

સૌજન્ય: દિવ્ય ભાસ્કર