Browsed by
Category: ગુજરાતી

દીકરી ચાલી પોતાને સાસરે

દીકરી ચાલી પોતાને સાસરે

મને રેડિયો સાંભળવાનો બહુ શોખ. કાલે આકાશવાણી અમદાવાદના ઓનલાઈન રેડિયો પ્રસારણમાં એક હૃદયસ્પર્શી ગુજરાતી રચના સાંભળવા મળી. મારે બહેન નથી તેમજ દીકરી પણ નથી. તેમ છતાં એક બાપના સ્થાને મને પોતાને રાખીને આ રચના સાંભળીને આંખ ભીની થઇ ગઇ.

સુરેશ દલાલની અદભુત રચનાને પુરુષોત્તમ ઉપાધ્યાયના હ્ર્દયસ્પર્શી કંઠે આપ પણ સાંભળો.

આ સાંભળીને આપને શું થયું? આપનો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો.

નીચે પ્લે બટન  (આડુ ત્રિકોણ) પર ક્લિક કરીને સાંભળો.

 

દીકરી ચાલી પોતાને સાસરે;
મૂકી માબાપ ભાઈને આશરે.

હવે માંડવો કેવો આ સૂમસામ છે
એનો સૂનકાર ઠેઠ ઘરે પહોંચશે.
દીકરી ગુંજતી ઘરની દીવાલો;
થશે મૂંગી:ને મૌન એનું ખૂંચશે.
ઠામઠેકાણું મળ્યું એની હાશ રે:
પણ આસુંઓ છલકશે ઉદાસ રે..

પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું
એના ગમતા આકાશ પાસે દોડી ગયું
જાણે શ્વાસથી છૂટી પડ્યો શ્વાસ રે
દીકરી ચાલી પોતાના સાસરે.

સંબંધિત પોસ્ટ : દીકરી: સરવાળાની માવજત

ગુજરાતી સુવિચાર

ગુજરાતી સુવિચાર

(૧)

“વેદ” વાંચવા સરળ છે
પણ
જે દિવસે તમે કોઈની
“વેદના”
વાંચી લીધી તો સમજી જજો
જીવન “સફળ” છે.

(૨)

ભરોસો બહુ ભારે
હોય છે ,

જે હર એક ના ખંભે
ન મૂકી શકાય ….✍️

(૩)

‘લંકા’ ના રાવણ કરતાં
પણ ‘શંકા’ નો રાવણ
ખતરનાક છે…

જે સમજ, શાંતિ અને
સંબંધો નુ હરણ કરી
જાય છે…!!

(૪)

વાણી થી માફ કરવા મા સમય નથી લાગતો,

પણ દિલ થી માફ કરવા મા જીંદગી નીકળી જાય છે….

(૫)

“ધીરજ” ધરી શકે એ ધાર્યું કરી શકે…

“સહન” કરે એ સર્જન કરી શકે..

” જતુ ” કરે એ જાળવી શકે… અને

” સ્વીકારી” શકે એ સમજી શકે….

(૬)

નામ, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે.
કોને ક્યારે શું આપવું એ ઉપરવાળો જ નક્કી કરે છે.
સંતોષ સાથે સુવું, અરમાન સાથે ઉઠવું અને સ્વમાન સાથે જીવવું એ જ સાચી જિંદગી.

(૭)

તમારુ સ્મિત તમારો લોગો છે..

તમારુ વ્યક્તિત્વ તમારુ બિઝનેસ કાર્ડ છે..

અને સાહેબ..

તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને..

એ તમારો ટ્રેડમાર્ક છે..

(૮)

હારી જવું એ ખોટું નથી
પણ હાર માની લેવી એ ખોટું છે,
કેમ કે પૂર્ણવિરામ એ અંત નથી પરંતુ
નવા વાક્યની શરૂઆત પણ છે !!

(૯)

તમે માત્ર નિમિત્ત છો…

તમને ઓપરેટ તો કોઈક બીજું જ કરે છે.

તમે કાંડે “ઘડિયાળ” બાંધી શકો.

“સમયને” નહિ..!!

(૧૦)

“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા “આનંદ” છે.

“માસિક આવક” કરતા “માનસિક આવક” બમણી કરો તો જ મોજ આવશે…!!!

વધુ સુવિચારો માટે મુલાકાત લેતા રહેજો… 

જીવન સર્જવાનું હોય છે

જીવન સર્જવાનું હોય છે

શાહરૂખ ખાનની છેલ્લી બે ફિલ્મો, પઠાણ અને જવાન, જેમાં તે દેશની સમસ્યાઓ સાથે ઝઝૂમતા નાયકની ભૂમિકાઓ કરે છે, અને ગેરકાયદે અમેરિકા-કેનેડામાં ઘૂસતા ભારતીયો પર રાજૂ હિરાણીની અગામી ‘ડંકી’ની પસંદગી પરથી એક બાબત શીખવા જેવી છે કે માણસે નિયમિતપણે પોતાની જાતને નવેસરથી આકાર આપતા રહેવું જોઈએ. જે લોકો લાંબા સમય સુધી એકધાર્યું એકનું એક કામ કરીને તેમાં બોર થઇ જાય છે, એ લોકોનું પતન ઝડપથી થાય છે. શોહરત અને સમૃદ્ધિ આવી જાય પછી પણ 57 વર્ષે પોતાના કામમાં એટલી જ ઉર્જા અને ઉત્સાહ સાથે સક્રિય અને અને સફળ રહેવું એટલું સહેલું નથી હોતું.

“હવે બહુ થયું” એવો ભાવ આવી જવો સહજ છે. ઘણાના જીવનમાં આવી જાય છે. તેવા સંજોગોમાં, જાતને નવેસરથી ઘડવી એ અત્યંત કુનેહ માગી લે છે. અંગ્રેજીમાં એક શબ્દ છે, Reinventing; અંગત કે વ્યવસાયિક આઇડેન્ટિટી અથવા જીવનશૈલીના સંદર્ભમાં જીવનમાં નોંધપાત્ર બદલાવ લાવવો તેનું નામ રીઈન્વેન્શન.

તેમાં નવી પરિસ્થિતિઓ, પડકારો, આકાંક્ષાઓના જવાબમાં ખુદને બદલાવ અને સુધાર માટે હેતુપૂર્વકના સક્રિય પ્રયાસો હોય છે. રીઈન્વેન્શનમાં ખુદને નવા ભવિષ્ય માટે તૈયાર કરવાનું અને સંતોષકારક તેમજ સાર્થક જીવન સર્જવાનું હોય છે.

જીવન જીવવાનું નથી હોતું, એ તો પ્રાણીઓ પણ કરે, જીવન સર્જવાનું હોય છે.

– રાજ ગોસ્વામી

શું તમને કોઈ વ્યસન છે? તો આ વાંચો પછી વ્યસન ચાલુ રાખો.

શું તમને કોઈ વ્યસન છે? તો આ વાંચો પછી વ્યસન ચાલુ રાખો.

ઝાયડસ કેન્સર હોસ્પિટલના રૂમ નંબર-૨૦૨ માં સુતેલા મિત્રએ આંખો ખોલી મારી સામુ જોતાંવેંત ‘છોકરાઓનુ ધ્યાન રાખજે’ એવું બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મોઢા ઉપરનુ લૂગડું હટાવી રડતાં રડતાં બોલ્યો: હવે પાડી લે ફોટા અને ફેસબુક ઉપર ચડાવી, મારા નામ સાથે મનફાવે એવી પોસ્ટ લખી નાંખ…! ફોટા પાડીને એની ઓળખ છતી કરતા મારો જીવ ના ચાલ્યો. ગઈકાલે ડાક્ટરોએ એના મોઢાનુ ઓપરેશન કરી નીચેનુ ઝડબુ કાઢી નાખ્યું. છેલ્લા આઠ દસ વરસથી હુ એની પાછળ આદુ ખાઈને મંડી પડ્યો હતો કે તુ માવા મૂકી દે…હું તને બેસણાના ફોટામાં ભાળું છું, ફોટાની બાજુમાં મુંડન કરેલા તારા નાના દીકરાને હીબકા ભરતો જોઉં છું, ખોળામાં બેઠેલી નાની એવી માસુમ દીકરી સાથે તારી પત્ની જે આવે એને મળીને પોક મૂકી રડી પડે છે એવું દ્રશ્ય મને દેખાય છે, પ્લીઝ…માવા મૂકી દે…🙏 પણ એ ક્યારેય માન્યો જ નહી. ‘માવા નથી ખાતા એનેય કેન્સર થાય છે અને માંડી હશે તો સવારની સાંજ પણ નહીં થાય’ એવા ઉડાવ જવાબ સાથે મારી વિનંતીને કાયમ ફગાવી દેતો આજે હોસ્પિટલના ખાટલે સૂતો એ પેટ ભરીને પસ્તાય છે.

આવી મોટી કેન્સર હોસ્પિટલ, ત્રણ ચાર નિષ્ણાત ડાક્ટરોની ટીમ, પુરા પરિવારનો જીવ અધ્ધર અને ચાર કલાકના ઓપરેશન પછી એનુ આખુ ઝડબુ કાઢી નાંખ્યુ. ઝડબાનો ખાડો પુરવા પગની પિંડી કાઢી મોઢામાં ફીટ કરી, શરીરના જુદા જુદા ભાગેથી ચામડી કાઢીને મોઢે લગાડી, રૂઝ આવશે પછી રેડિયેશન થેરાપીના શેક લેવા પડશે. રેડીયેશનની અસહ્ય ગરમી લાગશે એટલે ખોરાક લેવાશે નહી, મોઢું કાળું મેશ થઈ બધા વાળ ખરી જશે. કાયમી ટીકડા ગળવાના એ તો વધારાનું…જ્યાં સુધી જિંદગી રહેશે ત્યાં સુધી મોઢે ગળણી મૂકી ત્રણ ટાઈમ પ્રવાહી ખોરાક રેડી જીવન ગુજારવું પડશે અને સમાજમા શરમ સંકોચ સાથે અર્ધું મોઢું ઢાંકીને ફરવુ પડશે.

આમ છ સાત લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ કંઈ નક્કી નથી કે કેન્સર મટી જશે કે આગળ વધશે અને ફરી આવુ કરવું પડશે કે જીવલેણ નીવડશે..?
કપાળે હાથ મૂકી મે સાંત્વના આપતા કહયુ કે જે થયુ તે…ભગવાન જલદી સારુ કરી દેશે. બાજુમાં ઊભેલી એની પત્ની પણ રડતી રડતી બોલી કે તમારા ભાઈને સારુ થઈ જાય એના માટે જ્યાં સુધી મારા પગ સાથ દેશે ત્યાં સુધી બાપુનગર થી જેતલપુર ઊઘાડા પગે ચાલીને પૂનમ ભરવાની મે બાધા લીધી છે. હુ પોતે ધાર્મિક છુ એટલે રેવતી બળદેવજીની પૂનમ ભરવી એ ઈશ્વર પ્રત્યેની સારી શ્રધ્ધા માનું છું, પરંતુ અહિંયા હુ આ શ્રદ્ધાને પતિનાં કર્મોની પત્નીને મળેલી સજા માનુ છું. આપણી જીભના સ્વાદ કે મનનાં આનંદ માટે પરિવારને આવી સજા શું કામ..? નાનપણમાં એ જ સ્ત્રીએ સારો વર પામવાના શમણા સાથે કેટલાય વ્રત ઉપવાસ કર્યા, લગ્નમંડપમાં કેટલાય પાસેથી ‘અખંડ સૌભાગ્ય વતી’ ના આશીર્વાદ માંગ્યા અને તમે એને આમ સંસાર મારગે અધવચ્ચેથી રઝળતી મૂકી ચાલ્યા જાવ…? વ્યસન મૂકવા થોડુ તો વિચારીએ…!

અમદાવાદમાં મારા આંબરડીના અને સગા સ્નેહીઓના દવાખાના માટે દોડવું એવી મે નેમ લીધેલી છે. વરસ દરમિયાન જુદા જુદા ઘણા બધા રોગના દર્દીઓ સાથે હોસ્પિટલમાં જવાનું થાય છે, એમાં વરસે સરેરાશ મોઢાના કેન્સરના એકાદ બે દર્દી મારા ભાગમાં આવે છે અને એ પણ સુરતથી વધારે આવે છે. જેવું કેન્સરનુ નિદાન થાય કે જણ ભડભાદર હોય તો પણ ધ્રુજી જાય છે અને પુરો પરિવાર નાણાકીય ચિંતા સાથે સ્વજન ગુમાવવાની ચિંતામાં આવી જતો હોય છે. આટલા વરસથી મોઢાના કેન્સરના દર્દી સાથે ફરું છું પરંતુ હજુ સુધી મે આવા દર્દીઓનું લાંબુ ભવિષ્ય નથી જોયુ. માવા ખાનાર કે બીડી સિગારેટનું વ્યસન ધરાવતા વ્યક્તિઓ પરિવારનું ભલું ભૂલી જઈને હમેશા પોતાના મોજશોખ કે આનંદનું જ વિચારતા હોય છે, જે ખુબ જ દુ:ખદ છે. પરિવારનો કર્તાહર્તા ગેરહાજર થાય પછી પત્ની અને બાળકોની સ્થિતિ બહુ જ દયામણી હોય છે એનો હુ સાક્ષી છું. બેસણામાં આવનારા સગાં સંબંધી ‘અમે તમારી સાથે જ છીએ’ એવી ઘડી બેઘડી સાંત્વના આપી નીકળી જતા હોય છે, પછી કોઈ ડોકીયુંય દેતું નથી હોતું. નાના નાના બાળકો હોય એટલે સ્ત્રીને નાની ઉંમર હોવા છતાં બીજું ઘર માંડવામાં પણ ઘણી મુશ્કેલીઓ નડતી હોય છે અને આખી જિંદગી ઓશિયાળું થઈને જીવન ગુજારવું પડતુ હોય છે.

જે મિત્રોને કંઈપણ વ્યસન છે એની હુ ક્યારેય ટીકા નથી કરતો, પરંતુ એમને જિંદગીનું મૂલ્ય સમજાવી છોડાવવા સતત પ્રયત્ન કરતો હોઉં છું. મારા જન્મદિવસે પણ માવા ખાતા મિત્રો તરફથી વ્યસનની ભેટની અપેક્ષા રહેતી હોય છે, ઘણા મિત્રો આપી દેય છે પરંતુ થોડો સમય જતા વળી પાછું ચાલુ કરી દેતા હોય છે. વ્યસન ધરાવતા મિત્રો ક્યારેક મારી સાથે આવા કોઈ દર્દી પાસે આવો તો ખ્યાલ આવે કે કેન્સર પછીની પીડા કેટલી અસહ્ય હોય છે. ગઈકાલે આ ભાઈબંધનું ઓપરેશન કરીને જુદુ પાડેલું ઝડબુ તેમજ કાપકૂપ કરેલા શરીરના જુદા જુદા ભાગ જોઈને મન સાવ વિચલિત થઈ ગયુ છે. જમવા ટાણે એ દ્રશ્ય સામે આવે છે તો જમવાનુ પણ બગડે છે. જેને વ્યસન નથી એવા મિત્રોને આવા ફોટા બતાવું તો એ પણ વિચલિત થઈ જાય એ સારું ફોટા અહિંયા મૂકતો નથી.

ખરેખર મિત્રો..! જિંદગીમાં ખાવા જેવું બીજું ઘણું બધુ છે. તમારી જિંદગી, તમારા માસુમ બાળકો અને તમારા પરિવારની ચિંતા કરી તમાકુ, માવા કે અન્ય જીવલેણ વસ્તુઓનુ વ્યસન હોય તો છોડી દયો…પ્લીઝ..🙏

ગઈકાલના ઓપરેશનની દોડાદોડી પછી અત્યારે હોસ્પિટલના કંપાઉન્ડમાં આવીને મન શાંત કરવા ઝાડ નીચે બાંકડા ઉપર બેઠો. અત્યાર સુધી કેન્સરના ઘણા ઓપરેશન જોયા છે, પણ આવુ બિહામણું ઓપરેશ આ વખતે પહેલી વાર જોયુ. ક્યારેક ક્યારેક બે હાથે માથુ પકડી પેલું લોહી નીતરતું ઝડબાવાળુ દ્રશ્ય ભૂલવા મથું છું, પણ કોઈ વાતે ભુલાતું નથી. અત્યારે ઊભો થઈને બાજુમાં પાનના ગલ્લે પાણીની બોટલ લેવા આવ્યો ત્યાં કાઉન્ટર ઉપર પગ લૂછણીયા જેવું આ પેડ નજરે ચડ્યું. આ એ જ પેડ છે જે તમારા માવા નથી ચોળતું, પણ તમારી મૂલ્યવાન જિંદગીને ચોળે છે. મોઢાના કેન્સરવાળા કેટલાય દર્દી સાથે હોસ્પિટલોમાં રખડી રખડીને નજર સામેના અનુભવ સાથે માવા ખાતા મારા તમામ ભાઈબંધોને બે હાથ જોડી તમને વિનંતી કરુ છું કે માવા, તમાકુ કે સિગારેટનું વ્યસન હોય તો મૂકી દયો…પ્લીઝ….🙏
😞😔😞

હું ઘણા મિત્રોને કહી ને થાક્યો છું એમને ટેગ કરવા જતો હતો પણ વિચાર આવ્યો એમને એમના પરિવાર સામે ખુલ્લા નથી પાડવા એટલે નથી કરી રહ્યો પણ મિત્રો આ પોસ્ટ વાંચીને તમે જો વ્યસન છોડતા હોવ તો મને એક મેસેજ જરૂર કરજો.

– Nikunj Patel

સરકાર – ચંદ્રકાંત બક્ષી

સરકાર – ચંદ્રકાંત બક્ષી

સરકારને કરોડ મોઢાં હોય છે

પણ એક આત્મા હોતો નથી

સરકાર અવાજની માલિક છે

સરકાર વિચાર કરાવી શકે છે

સરકાર લેખકને લખાવી શકે છે

જાદૂગરને રડાવી શકે છે

ચિત્રકારને ચિતરાવી શકે છે

ગાયકને ગવડાવી શકે છે

કલાકારને કળા કરાવી શકે છે

એક હાથે તાળી પડાવી શકે છે

રવિવારને સોમવાર બનાવી શકે છે

નવી પેઢીને જૂની કરી શકે છે

જૂનીને પૈસાદાર બનાવી શકે છે

પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે

વીજળી વેચી શકે છે

ઈતિહાસ દાટી શકે છે

અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે

સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે

સમય ફરે છે, માણસ ફરે છે

યંત્ર ફરે છે, મંત્ર ફરે છે

પણ, એક દિવસ ……

એક દિવસ ગરીબની આંખ ફરે છે

અને પછી, સરકાર ફરે છે.

– ચંદ્રકાંત બક્ષી

⇓ ⇓ આ રચના ઓડિયો સ્વરૂપે પત્રકાર દેવાંશી જોશીના અવાજમાં સાંભળો ⇓ ⇓

તને ચાહવામાં

તને ચાહવામાં

તને ચાહવામાં કશું ખોઈ બેઠા,
હતા બે જ આંસુ અને રોઈ બેઠા.

કર્યું વ્હાલથી મેશનું  તેં જે ટપકું,
અમે ડાઘ માની એને ધોઈ બેઠા.

ઉભા રો’ હું આવું છું કીધું હશે તેં,
બધા વૃક્ષ ઉભા નથી કોઈ બેઠા.

બધા લોક મંદિર ને મસ્જિદમાં દોડયાને,
અમે આ ગઝલમાં તને જોઈ બેઠા.

સમય પણ તે આપી દીધો તો મિલનનો,
અમે એજ ટાણે સમય ખોઈ બેઠા.

મુકેશ જોશી

ભીનું હૃદય

ભીનું હૃદય

કોરી આંખોમાં
રહી રહી નીતરે
ભીનું હૃદય
( પુરુષ )

કોરું હૃદય
રહી રહી નીતરે
ભીની આંખોએ
( સ્ત્રી )

– સાજમીન બાદી

એ કેમ ભુલાય?

એ કેમ ભુલાય?

રૂડાં રોટલાના ધણી જ રહેવા દયો અમને,
પિઝાની ઇજા, અમારાથી સહન નહીં થાય

વાળુ ટાંણે ભરેલા, બે મરચાં થાળીમાં મૂકજો,
પડીકીયું તોડીને મસાલો, અમારાથી નહીં ખવાય.

દેશી ગાયનું દૂધ અમને, તાંહળી ભરીને આપજો,
ઠંડાપીણા નો વે’વાર, અમારાથી નહીં સચવાય.

ઘી, માખણ ને મરચે, ચોપડેલ રોટલો બઉ ગમે,
ઓનલાઈન મંગાવેલ ખાણું, અમથી નહીં જીરવાય.

તાંહળીમાં ચોળી, પાંચેય આંગળીએ ખાવા દયો,
કાંટા ચમચીએ તો વળી, કેમ કરીને ખવાય?.

પલાઠી વાળીને બેસીએ, બાજોઠે હોય રોટલા,
આ વળી ટેબલ ખુરશીથી, બઉ કંટાળી જવાય.

પીરસાયેલી થાળીએ, પરમેશ્વરને યાદ કરીએ,
ભર્યા ભાણાની સેલ્ફીયું લેવી, અમને નઈ પોહાય.

સાચું ખાણું આ જ છે, તૃપ્ત આનાથી થવા દયો,
આવે જે અમીનો ઓડકાર, “એ કેમ ભુલાય?…..

 

જેમ જેમ સમય પસાર થશે

જેમ જેમ સમય પસાર થશે

‘જેમ જેમ સમય પસાર થશે,

તેમ તેમ તમને સમજાશે કે ઈંટ-પથ્થરોના જે સમૂહને તમે ઘર સમજી બેઠા છો,

એ મુકામ પરથી ધીમે ધીમે તમારી પકડ ઢીલી થઈ રહી છે

અને તમને સમજાશે કે ઘર એ કોઈ સ્થળ નથી, અવસ્થા છે.

એ પકડને ઢીલી થવા દો.

જેમ જેમ સમય પસાર થશે,

તેમ તેમ તમારી જાત તમને વધુ સ્પષ્ટ દેખાવા લાગશે.

તમારી એ ભૂતપૂર્વ જાત, જેના એક ખિસ્સામાં જિંદગી છલોછલ રહેતી અને બીજા ખિસ્સામાં ખાલીખમ થઈ જતી.

એ જાત, જેની સામે તમને ખૂબ બધી ફરિયાદો હતી,

એ જાત હકીકતમાં સંપૂર્ણ હતી એવું તમને સમય જતા સમજાશે.

ધીમે ધીમે એ સમજણ વિકસવા દો.

જેમ જેમ સમય પસાર થશે,

તેમ તેમ તમને સૂક્ષ્મ અને સામાન્ય લાગતી ક્ષણો વિરાટ લાગતી જશે

અને વિરાટ લાગતી બાબતો સામાન્ય.

હકીકતમાં, એ દિવસે તમને જીવનનો અર્થ સમજાશે

અને ત્યારે તમે ખરા અર્થમાં જિંદગી જીવવાની શરૂઆત કરશો.

ભલે મોડી, પણ એ શરૂઆત થવા દો.

જેમ જેમ સમય પસાર થશે,

તમારે ઘણીબધી બાબતોને પરાણે આવજો કહેવું પડશે.

ક્યારેક ગમતી વ્યક્તિને, તો ક્યારેક ગમતી પરિસ્થિતિને.

તમારાં નાજુક હૈયા પર અનેકવાર વજ્રાઘાત થશે.

ભાવનાત્મક આઘાતના પ્રહારોથી તમારું હૈયુ અનેકવાર ભાંગશે અને તેમ છતાં એ ધબકતું રહેશે.

હાર્ટ-બ્રેક પછીનો એ ધબકાર તમને તમારો ઉદ્દેશ્ય યાદ કરાવતો રહેશે.

એ તૂટેલાં હૃદયને ધબકવા દો.

જેમ જેમ સમય પસાર થશે,

તેમ તેમ તમે સંપત્તિને બદલે શાંતિ પસંદ કરશો.

પૈસાને બદલે નવરાશની પળો પસંદ કરશો.

ધીમે ધીમે તમને રિયલાઈઝ થશે કે જીવનભર તમે જે ખજાનાની શોધમાં ભટક્યા,

એ ખજાનો તમારા પોતાના અને તમારા પ્રિયજનોનાં હાસ્યમાં છુપાયેલો છે.

સ્વજનોના સથવારામાં રહેલો છે.

એ ખજાનો અનાવૃત થવા દો.

જેમ જેમ સમય પસાર થશે,

તેમ તેમ તમારી જિંદગી આંખના પલકારામાં તમારી નજર સામેથી પસાર થતી જશે.

સ્મરણો જ્યારે તમને વીતી ગયેલી જિંદગીનું ફ્લેશબેક બતાવશે,

ત્યારે તમને ખ્યાલ આવશે કે એમાં રહેલી એકપણ ક્ષણ કડવી કે અણગમતી નથી.

વીતેલું આખું જીવન મીઠી અને સુગંધીદાર યાદોથી છલોછલ ભરેલું છે.

પ્રિયજનના ખોળામાં માથું મૂકીને વિતાવેલી રાતો,

મિત્રો સાથેના ઉજાગરા,

ગમતી વ્યક્તિઓ સાથે ગાળેલી નવરાશની પળો અને દરિયાકિનારે ગાળેલી એક સાંજ.

એ બધું યાદ આવવા દો.

જેમ જેમ સમય પસાર થશે,

તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે જીવનમાં શું મહત્ત્વનું છે? અને શું નથી?’

By: Donna Ashworth

ગરીબી

ગરીબી

ગરીબી જેને વેઠી હોય તેને સમજાય,

કે બે છેડા કેમ ભેગા થાય.

ખાવામાં થોડી બાંધછોડ કરવી પડે,

કપડા રફુ કરાવેલા પહેરવા પડે.

બિમારીમાં સરકારી હોસ્પિટલના ધક્કા ખાવા પડે,

સેકન્ડ હેન્ડ ચોપડીથી ભણતર પૂરું કરવું પડે,

ઉચ્ચ અભ્યાસ માટે કોઈની મદદ લેવી પડે,

ગરમીની સીઝનમાં પણ કુદરતી હવાથી સંતોષ માનવો પડે,

કોઈ પ્રસંગ આવે ત્યારે ખર્ચમાં ફરેફાર કરવો પડે,

ટ્રેન કે બસની હાલાકી સહન કરવી પડે.

ડગલે ને પગલે મનને કષ્ટી સહન કરવી પડે,

ડગલે ને પગલે મનને વાળવું પડે.

ડગલે ને પગલે અપમાન સહન કરવું પડે,

પણ,

ગરીબીમાં મોટો થયેલો માણસ જીંદગીમાં ક્યારેય હારતો નથી

અને…

ગરીબીમાંથી ઉપર આવેલો માણસ સુખમાં કયારે છલકાતો નથી