અહિંસક રેશમ
સ્ત્રી હોય કે પુરુષ હોય, સહુ કોઈને વર્ષોથી રેશમી વસ્ત્રો આકર્ષતાં રહ્યાં છે. બહુ જૂજ વ્યક્તિઓને એની જાણ હશે કે પાંચ વારની રેશમની સાડી માટે પચાસ હજારથી વધુ કીડાઓને મારવા પડે છે.
એટલું જ નહીં, પણ એ કોશેટાને ઊકળતા પાણીમાં નાખીને એમાંથી રેસમનો તાર મેળવાય છે, પરંતુ આંધ્રપ્રદેશના કુસુમ રાજૈયા એક પણ જીવની હિંસા કર્યા વિના ‘અહિંસા સિલ્ક’ બનાવે છે. કુસુમ રાજૈયા આંધ્રપ્રદેશના નગરમ નામના ગામમાં વણકર કુટુંબમાં જન્મેલા, પરંતુ એમનું કુટુંબ ખેતીવાડી કરતું હતું. માતા-પિતાની ઇચ્છા પુત્રને ડૉક્ટર બનાવવાની હતી, પરંતુ તેના ગામમાં ન તો વીજળી હતી કે ન રસ્તા ! હતી તો માત્ર ત્રણ ધોરણ સુધીની નિશાળ.
કુસુમ રાજૈયાને દસમું ધોરણ પાસ કરવા માટે આઠ વખત તો સ્કૂલ બદલવી પડી ! ત્યારબાદ એણે તામિલનાડુના સાલેમ ઇન્સ્ટિટયૂટ ઓફ હેન્ડલુમ ટૅકનોલોજીનો કોર્સ કર્યો. આ ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન વણાટકામ વિશે તેમને ઘણું જાણવા મળ્યું. તેઓને સતત કંઈક નવું જાણવાની અને નવું કરવાની જિજ્ઞાાસા રહેતી, તેથી ત્યાં આવેલા કુશળ વણકરોને અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા અને તેમાંથી શીખતા હતા.
૧૯૯૦માં ભારતના રાષ્ટ્રપતિ આર. વેંકટરમણના પત્ની જાનકી વેંકટરમણ હૈદરાબાદમા કુસુમ રાજૈયા કામ કરતા હતા, તે આંધ્રપ્રદેશ સ્ટેટ હેન્ડલુમ કો-ઓપરેટીવ સોસાયટીની મુલાકાતે આવ્યાં, ત્યારે તેમણે પૂછ્યું કે, કોશેટાને માર્યા વિના સિલ્ક બને છે ખરું ? એમાંથી કુસુમ રાજૈયાના મનમાં અહિંસા સિલ્ક બનાવવાનો વિચાર આવ્યો. રાજૈયા કહે છે કે ‘આ કામ ઘણું મુશ્કેલ હતું. એવા ખેડૂતો કે જે સિલ્કવોર્મ ઉછેરતા હોય, એવી જગ્યા જ્યાં હું સૂતર કાંતી શકું એ બધું જ શોધવાનું હતું.’ એકાદ વર્ષમાં આ બધું ગોઠવાયું. શરૃઆતમાં સો કિલો સિલ્કવોર્મ લીધા. તેમને ઉછેર્યા. સાતથી દસ દિવસમાં કોશેટામાંથી તે જીવડું ઊડી જાય અને પછી એમાંથી સિલ્કનો તાર બને, છેવટે એમાંથી સોળ મીટર સિલ્ક બનાવી શક્યો.
સૌથી પહેલાં જે સિલ્ક બનાવ્યું તે બરછટ હતું અને મૂળ સિલ્ક કરતાં એની ચમક પણ ઓછી હોય એ પછી તેઓ સતત પ્રયોગ કરતા રહ્યા. તેઓ કાપડને રંગવાનું પણ શીખ્યા હતા. ડુંગળીની છાલ, હળદર, કાળો ગોળ, બાબુલના ઝાડની છાલ વગેરેથી સિલ્કને રંગે છે.
૨૦૦૨માં ભારત સરકારે રાજૈયાને અહિંસા સિલ્કની પેટન્ટ આપી. રાજૈયાને પોતાનો કોઈ શોરૃમ નથી અને તેઓ આની ક્યાંય જાહેરખબર પણ આપતા નથી. તેઓ મહિને બે હજાર મીટર સિલ્ક બનાવે છે. તેઓ કહે છે કે, ‘મોટા પાયે ઉત્પાદન કરવું એ મારું લક્ષ્ય નથી. મારે તો જે લોકો આનું મૂલ્ય સમજે છે અને અહિંસાના વિચાર સાથે જોડાયેલા છે તેમના સુધી આ સિલ્ક પહોંચે તેટલો જ હેતુ છે. જો કે અહિંસા સિલ્કને ભારતભરમાં અને વિશ્વવ્યાપી બનાવી શકાય તેમ છે. તેમણે સિલ્ક બોર્ડ ઑફ ઇન્ડિયાને કાગળ લખીને જણાવ્યું છે કે કોઈ પણ જીવની હિંસા વગર સિલ્ક બને તેવા રસ્તા અપનાવવા જોઈએ.
ઇન્ડોનેશિયાના પૂર્વ પ્રમુખ મેગાવતી સુકર્ણોની પુત્રી આ સિલ્ક ખરીદે છે. તો હોલિવુડના ફિલ્મમેકર જેમ્સ કેમરૃનનાં પત્નીએ ઓસ્કાર એવોર્ડના કાર્યક્રમમાં અહિંસા સિલ્કનો ગાઉન પહેરેલો. ઇઝરાયલ, યુ.કે., યુરોપ અને અમેરિકાના ડિઝાઇનરો નિયમિત રીતે આ રેશમી વસ્ત્ર ખરીદે છે. અનેક એવોર્ડ મેળવનાર રાજૈયા પર જર્મન એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટે ડોક્યુમેન્ટરી બનાવી છે.
અહિંસા સિલ્ક પછી એનું બીજું લક્ષ્ય છે ગામડાંઓમાં શિક્ષણ ઉપલબ્ધ કરાવવું. તેઓ કહે છે કે જો હું ટૅક્સટાઇલ ટેકનોલોજીમાં ડિપ્લોમા પણ ન કરી શક્યો હોત તો હું પણ બીજા હજારો સીમાંત ખેડૂતોના જેવી જિંદગી જીવતો હોત. અહિંસા સિલ્કમાંથી મળેલા પૈસા તેઓ અંતરિયાળ ગામનાં બાળકોને અને અનાથ બાળકોને શિક્ષણ મળે તેને માટે વાપરવા માંગે છે.
સૌજન્ય: ગુજરાત સમાચાર, રવિપૂર્તિ, તા.૨૦/૦૮/૨૦૧૭