Browsed by
Category: અખબારમાંથી

દૂધને માટે રોતા બાળક

દૂધને માટે રોતા બાળક

દૂધને માટે રોતા બાળક,

રો, તારા તકદીરને રો !!

એ ઘરમાં તું જન્મ્યું શાને ?

જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ, વ્યથા, પરિતાપ ફરજ છે,

ગમ, અશ્રુ, નિ:શ્વાસ ફરજ છે,

દૂધને માટે રોતા બાળક !

રો, તારા તકદીરને રો !!

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે,

નર્મ શયનમાં સાધન હોત,

મોટર મળતે, ગાડી મળતે,

નર્સનાં લાલનપાલન હોત,

સોના-રૂપાનાં ચમચાથી,

દૂધની ધારા વહેતી હોત;

તું રડતે તો પ્રેમની નદીઓ,

તોડી કિનારા વહેતી હોત,

પણ વીરાં દુર્ભાગ્ય હશે કે,

જન્મ તેં લીધો આ ઘરમાં,

ફેર નથી કંઇ જે ઘરના

ઇન્સાન અને જડ પથ્થરમાં

હાડ ને ચામના ખોખામાં તું,

દૂધના વલખાં મારે છે,

મહેનત નિષ્ફળ જતી દેખી,

રોઇને અશ્રુ સારે છે,

આ ઘરની એ રીત પુરાણી,

આદિથી નિર્માઇ છે,

મહેનત નિષ્ફળ જાય છે,

નિષ્ફળ જવાને સર્જાઇ છે;

વ્યર્થ રડીને ખાલી તારો

અશ્રુનો ભંડાર ન કર,

મોંઘામૂલાં એ મોતીનો,

દુરુપયોગ લગાર ન કર.

તન તોડીને જાત ઘસીને,

પેટ અવર ભરવાના છે.

શ્રમ પરસેવે રક્ત નિતારી

મ્હેલ ઊભા કરવાના છે.

એના બદલે મળશે ખાવા,

ગમને પીવા આંસુડાં;

લાગશે એવા કપરા કાળે,

અમૃત સરખાં આંસુડાં.

ભૂખ્યાં પેટ ને નગ્ન શરીરો,

એ તો છે દસ્તૂર અહીં,

ચેન અને આરામ રહે છે.

સ્વપ્ન મહીં પણ દૂર અહીં.

આ ઘરમાં તો એવી એવી

અગણિત વાતો મળવાની,

ભૂખના દા’ડા મળવાના ને

પ્યાસની રાતો મળવાની.

આ ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ, વ્યથા પરિતાપ ફરજ છે,

ગમ, અશ્રુ, નિ:શ્વાસ ફરજ છે,

આ ઘરમાં તું જન્મ્યું શાને ?

દૂધને માટે રોતા બાળક,

રો, તારા તકદીરને રો !!

– શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરીને આપણે ગઝલકાર તરીકે જાણીએ છીએ. પાલનપુરની ભૂમિએ અનેક ગઝલકારો આપ્યા છે તેમાં શિરમોર નામ એટલે શૂન્ય પાલનપુરી. એક સમયે મુશાયરામાં દૂધને માટે રોતા બાળક આ કાવ્ય અચૂક તેમને રજૂ કરવું પડતું હતું.

બાળકને માટે દૂધ એ તો પાયાની જરૂરિયાત છે. દૂધ પીધા વગર બાળક કઇ રીતે ઉછરી શકે ! મોટું થઇ શકે ? જીવી શકે ? પણ એવા તો અસંખ્ય બાળકો હશે આ પૃથ્વી ઉપર જેમના ભાગ્યમાં દૂધ લખેલું નથી. કાં તો પછી એમ કહી શકાય કે દૂધ ઘણાં ધમપછાડા પછી માંડ મળે છે. શૂન્ય પાલનપુરી ખૂબ નાના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. કિશોર અવસ્થામાં શૂન્ય પાલનપુરી પાનનો કરંડિયો લઇને ઘેર ઘેર પાન વેચતા હતા. બાળપણથી જીવનનો સંઘર્ષ કરનાર શૂન્ય સાહેબનું આ કાવ્ય જાણે તેમના બાળપણના સ્મરણો સાથે જોડાયેલું છે.

દૂધને માટે રોતા બાળક જો તારે રડવું જ હોય તો તારા તકદીર ઉપર રડ, તારા નસીબ ઉપર રડ, તું એવા ઘરમાં શા માટે જન્મ્યું ? જ્યાં ફરજિયાત ઉપવાસ કરવા પડે છે. દર્દ, વ્યથા, દુ:ખ, આંસુ, નિસાસા એ બધું જાણે ફરજના ભાગ રૂપે મળેલું છે. દૂધને માટે રોતા બાળક તારે રડવું હોય તો તારી તકદીર ઉપર રડ.

અને હવે વાત કરે છે શ્રીમંત કુટુંબની. જ્યાં ફૂલો જેવું નાજુક પારણું હોત, હિંચકો હોત. સુંદર પથારી હોત. મોટરો હોત. દેખરેખ રાખનારી નર્સ કે આયા હોત. પાણી માંગે ને સોનાના કે ચાંદીના ચમચામાં દૂધ હાજર થતું હોત. જો તું ત્યાં રડત તો પ્રેમની નદીઓ કિનારાઓ તોડીને તારા માટે વહેતી હોત. પણ તું એવા ઘરમાં શું કામ જન્મ્યું? જે ઘરના માણસમાં અને પથ્થરમાં કોઈ ફેર નથી.

આ વાત કોઈ પારકું ક્રુર માણસ નથી કહેતું, મા પોતે કહી રહી છે. પોતાના શરીરમાં હાડકાં અને ચામડા રહ્યા છે. હાડકા અને ચામડાના ખોખામાં તું દૂધ માટે વલખા ના માર. તું નિષ્ફળ જાય છે એટલે રડી રહ્યું છે. પણ આ તો એવા ગરીબનું ઘર છે, જ્યાં મહેનત નિષ્ફળ જવા માટે જ સર્જાયેલી છે. તું નકામું રડીને તારા અશ્રુઓનો ભંડાર ખાલી ના કરી નાંખ. આંસુઓ તો તારા ખૂબ મોંઘા મોતી છે. એનો આવો દુરપયોગ ના કર. તું એવા ઘરમાં જન્મ્યું છે, જ્યાં શરીર તોડીને, જાત ઘસી નાંખીને કોઈ બીજાનું આપણે પેટ ભરવાનું હોય છે. પરસેવેથી નિતરીને કોઇને માટે મહેલ ઉભા કરવાના હોય છે.

આપણી કાળી મહેનતના બદલામાં ગમ ખાવાનો છે અને આંસુઓ પીવાના છે. કપરા સમયમાં આંસુ અમૃત જેવા મીઠાં લાગતા હોય છે. પેટ ભૂખ્યું અને શરીર ઉઘાડું રહે એ તો અહીંનો નિયમ છે. ચેન અને આરામ એ તો સપનામાં ય આવતા નથી. આવી તો અઢળક વાતો છે. તું આ ઘરમાં શા માટે જન્મ્યું ? જા, હવે તારા તકદીર ઉપર રડ.

શૂન્ય પાલનપુરીને મેં આ કવિતા રજૂ કરતા સાંભળ્યા છે. આપણને અંદરથી હચમચાવી નાંખે તેવું આ કાવ્ય છે. શૂન્ય પાલનપુરીનું મૂળ નામ છે અલીખાન ઉસ્માનખાન બલોચ. શરૂઆતમાં તે રૂમાની પાલનપુરીના નામે ઉર્દૂમાં શાયરી લખતા હતા. અમૃત ઘાયલે તેમને ગુજરાતીમાં ગઝલ લખતા કર્યા. અને અમૃત ઘાયલે જ તેમને ‘શૂન્ય’ એવું ઉપનામ આપ્યું. અને આમ ગુજરાતી ભાષાને શૂન્ય પાલનપુરી નામના ગઝલકાર મળ્યા. પોતાના નામને ભૂંસી નાંખનાર આ ગઝલકારે આ સંદર્ભમાં એક સુંદર શેર કહ્યો છે.

નામ નહીં તો ઠામનું બંધન,

શૂન્ય થયો પણ પાલનપુરી.

–  રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, “શબ્દ સૂરને મેળે” કોલમ, ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ, તા.૦૫-૦૩-૨૦૨૫

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે

માણસની ઉંમર ગમે તે થાય એની સંવેદના અને લાગણીઓ તો મૃત્યુ સાથે જ સમેટાતી હોય છે. જેમ બાળક કોઈ પોતાની નોંધ લે તે માટે મથે છે તે જ રીતે વૃદ્ધોને પણ કોઈ એમની સાથે વાત કરે, કોઈ એમની સલાહ લે, કોઈ એમને પોરસાવે તે ગમે છે.

વૃદ્ધ એ પાયો તૂટી ગયેલી ખુરશી અથવા ટેબલ નથી. નથી એ જળી ગયેલું ખમીસ. વૃદ્ધને ઘસાઈ ગયેલો સિક્કો કે ફાટી ગયેલી નોટ માની અને એને ચલણમાંથી કે વપરાશમાંથી કાઢી નાંખવું એ વૃદ્ધત્વનું અપમાન છે.

ઘરમાં કોઈ પ્રસંગ ઊજવાતો હોય કે બાળકના જન્મદિનની કેક કપાતી હોય, ટેલિવિઝન પર મેચ ચાલતી હોય કે કોઈ મોટા માણસ ઘરે આવ્યા હોય. વૃદ્ધની આંખમાં પણ આ પળ માણવાની, બધાંની સાથે બેસવાની, દીકરાના દીકરાને માથે હાથ ફેરવવાની, એને વ્હાલભરી ચૂમી ભરવાની, ક્રિકેટની મેચમાં રસ હોય તો સ્કોર જાણવાની અને કોઈ વિશિષ્ટ વ્યક્તિ ઘરે આવ્યું હોય તો ઘરના મોભી તરીકે બે શબ્દોની આપ-લે કરવાની ઉત્કંઠા હોય છે.

ઘણી બધી જગ્યાએ મેં જોયું છે. ઘરના વડીલ માટે નવાં કપડાં લેવાનાં હોય તો પહેલો હિસાબ મૂકાય. આટલાં બધાં કપડાં અને હવે આ ઉંમરે શું કરવા છે? કોઈ વળી કહે કે આ ઉંમરે વળી બહાર જમવાના ચટાકા કરીને શું કામ છે? આ ઉંમરે કોઈકનાં લગ્નમાં તમારે શું જવું છે? અરે! આ ઉંમરે એટલે? કેમ આ વૃદ્ધ આવતીકાલે ટપકી જવાના છે અને તમે અમરપટો લખાવીને આવ્યાં છો?

ચીરયૌવનનું વરદાન લઈને આવ્યાં છો? આવા સમયે એક નિઃસહાયતાનો અહેસાસ મેં બે જ જગ્યાએ જોયો છે. એક આ પ્રકારનું વર્તન થતું હોય ત્યાં વૃદ્ધ કે વૃદ્ધાની આંખમાં અને બીજો બાખડી થઈ ગયેલી અને એટલે માલિકે તગડી મૂકેલી ગાયની આંખમાં. આવી ગાયને રોટલી ખવડાવીએ તો એ પણ ડોક ઊંચી કરીને હાથથી પંપાળવા કહે છે. મૂંગા પશુને પણ વ્હાલ જોઈએ છે તો આ તો માણસ છે. માની લઈએ સૌ પોતપોતાનાં કામમાં વ્યસ્ત છે પણ આખા દિવસમાં દસ મિનિટ પણ ન નીકળી શકે?

ક્યાંક બીજું જોવા મળે છે. એમાં પેલો ‘દોઢ વાંક વગર પ્રશ્ન ઊભો થતો નથી’ એ સિદ્ધાંત કામ કરે છે. પેલા વૃદ્ધ કે વૃદ્ધાને હજુ પણ બધું જ પોતાને પૂછાય અને બધું જ પોતાની જાણમાં હોય એનો અભરખો છે. ધૂળ જેવી વાત હોય તોય ‘મને તો ખબર જ નથી ને’ અને ખોટું લાગી જાય!

અરે ભાઈ, હવે ધીરે ધીરે આપણે આ વૃત્તિ છોડી રહ્યાં છીએ ત્યારે હજુય મને ખબર જ નથી કહીને ખોટું શું કરવા લગાડવું. બીજી બાજુ ઔપચારિક વાત હોય અને પ્રશ્ન પૂછાય તો પણ દીકરો જવાબ ના આપે. ઉલટાનું ઘુરકિયું કરે ‘તમારે બધી પંચાત કરીને શું કામ છે?’

આ પ્રકારની વૃત્તિમાં એક વૃદ્ધે પોતાના દીકરાને કઈ રીતે સબક શીખવાડ્યો એની વાત મારી મા પાસેથી સાંભળેલી. એક વેપારી હતા. નામું લખ્યા કરે અને પાસે બેઠેલો દીકરો સામેના ઘરના છાપરે બેઠેલો કાગડો બાપાને બતાવીને કહે ‘બાપા કાગડો.’ સામે બાપા જવાબ આપે ‘હા બેટા, કાગડો.’ આવું કેટલીય વાર બોલાય અને બાપા જવાબ આપ્યા કરે.

એમ કરતા દીકરો મોટો થયો. એક દિવસ એણે પેલા શેઠના કોઈક પ્રશ્નનો ખિજાઈને જવાબ આપ્યો. શેઠ સમસમી ગયા. એમણે દીકરાને કહ્યું ‘ભાઈ! મારું એક નાનું કામ કર ને.’ બાપાએ સામે અભરાઈ પરથી સંઘરી રાખેલ વીસ-પચ્ચીસ વરસ પહેલાંની ખાતાવહીઓ ઉતરાવી. દીકરાને પણ નવાઈ લાગી.

વેપારીએ કહ્યું, ‘બેટા! આ ખાતાવહી જરા ખોલો અને વાંચો.’ દીકરાએ વચ્ચેનું પાનું ખોલ્યું અને આશ્ચર્યમાં પડી ગયો. દર ચોથી લીટીમાં લખ્યું હતું: ‘હા બેટા, કાગડો.’ એના પિતાએ કહ્યું, ‘ભાઈ! તું નાનો હતો ને ત્યારે આ જે કંઈ કાલાઘેલા પ્રશ્નો તું પૂછે તેનો જવાબ કામમાં વ્યસ્ત હોવા છતાં આપવાની રમત હું રમ્યો છું. તને આ એક પ્રશ્નમાં ગુસ્સો આવી ગયો? આટલી ઓછી ધીરજ?’

પેલા દીકરાને એની ભૂલ સમજાઈ અને એણે માફી માંગી.

આ ‘બાપા કાગડો’ અને જવાબમાં ‘હા બેટા, કાગડો’વાળી રમત આપણાં બધાંનાં જીવનમાં રમાય છે. એ વખતે પિતાની ધીરજ હોય છે. આજે પિતા વૃદ્ધ છે, એને કોઈ નાનોમોટો પ્રશ્ન હોય તો જવાબ આપવા જેટલું સૌજન્ય દર્શાવીને એની લાગણીને પંપાળી ન શકાય?

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે.

બાળકને બાળકની લાગણી છે, યુવાનને યુવાનની લાગણી છે.

વૃદ્ધને વૃદ્ધની લાગણી છે, લાગણી એ જ જીવન છે.

એ લાગણીઓને સમજી, સંકોરી, પંપાળી, પ્રેમથી ન જીવી શકાય?

જો આવું થાય તો? ઘરમાં વૃદ્ધને ક્યારેય અકારું નહીં લાગે. આવા ઘરમાં વૃદ્ધ ક્યારેય એવું કહેતો નહીં સંભળાય કે ‘હવે તો ભગવાન લઈ લે તો સારું.’ વૃદ્ધત્વને જીવનનો એક ઉત્સવ બનાવવામાં ફાળો આપવા જેટલી મોટી યાત્રા બીજી કોઈ હોઈ શકે ખરી? કદાચ એટલે જ આપણે શ્રવણને યાદ કરીને વંદન કરીએ છીએ.

ડૉ. જય નારાયણ વ્યાસ

(“દિવ્ય ભાસ્કર” ની તા.૨૦/૧૨/૨૦૨૩ ની પૂર્તિ “કળશ” માંથી સાભાર)

દીકરી: સરવાળાની માવજત

દીકરી: સરવાળાની માવજત

દીકરીમાં મેં નદી ભાળી હતી,

એટલે તો ઘર તરફ વાળી હતી.

કોણ બોલે દીકરી વિના ઘરે ?

એટલે મેં કોયલો પાળી હતી.

દીકરીને કેમ કરવું આવજો ? દોસ્ત !

મુઠ્ઠી એટલે વાળી હતી.

કેમ ચાલે જીવ વૃક્ષો કાપતા,

દીકરી જેવી બધી ડાળી હતી.

સાવ કોમળ ફૂલ જેવી દીકરી,

મેં ગઝલમાં એટલે ઢાળી હતી.

-દર્શક આચાર્ય

દીકરી હોવી એ નસીબના પણ નસીબની વાત છે. દીકરી બધાની હોય. એની પાસે બધા જ એના રમકડાંની જેમ જીવંત લાગે! એ નિસ્વાર્થ પ્રેમનો પરમાર્થ છે. એ લગ્ન કરીને બે કુયુંબોના સરવાળાની માવજત કરે છે. એની આંખોમાં શ્રધ્ધા, સ્મિત ઉપર વિશ્વાસ અને ચહેરા પર પિતાની દીકરી હોવાનું સ્વમાન ઝગારા મારે છે. દિકરીના પિતા પાસે ગરીબાઈ શરમાઈ જાય છે.

દરેકને પોતાની ઉંમરના બનાવી દેવાની તાકાત હોય છે દીકરી પાસે!એની ઉછળકૂદ નદી જેવી અને દરિયામાં સમાઈ જવાનું ગમે! એ જ એનું પ્રારબ્ધ પણ! એને દરિયો ન મળે ત્યાં સુધી એ કિનારાના પ્રત્યેક ઘાટને આકાર આપે! એની સમજણ આગળ લાગણી પાણી ભરે! એ હોય ત્યારે કોયલની કૂહુ શાંત લાગે! એના બોલવામાં કુદરતના મૌનને વાચા ફૂટે! એ ન હોય ત્યારે બધું જ ખાલીખમ ઓરડાની દિવાલો અચાનક ઓરડાને મોટો કરીને આપે! આપણા જ ઘરમાં આપણને ઘર મોટું થઈ ગયાનો અહેસાસ થાય. એના વગર કોયલોને પાળવાનું મન થાય અને કોયલના ટહુકારમાં એનો જ વિરહ સંભળાય!

દીકરી વિદાય વખતે ભાગ્યે જ કોઈ એવું હશે જે રડ્યું ન હોય! અરે! જે બાપ નથી રડ્યો એ પણ ખાનગીમાં હૈયાફાટ રડ્યો છે. જેને સમાજ સામે નથી રડવું એ કન્યા વિદાય વખતે મુઠ્ઠીઓ વાળીને રડ્યો છે. હૃદયમાં જે દબાવ્યું છે એ જ ક્યારેક હિમાલયમાંથી ગંગા થઈને વહેવાનું છે.

દીકરીનો પિતા સંબંધોથી સહુથી ધનવાન માણસ છે. એ અતિશય સંવેદનશીલ હોય છે. એ વૃક્ષની ડાળીને પણ કાપી શકવા માટે અસમર્થ હોય છે. વૃક્ષની ડાળીમાં પણ એને દીકરી જેવો જ ભાવ થાય છે. જેણે દીકરી વળાવી છે એ બધા જ પિતા પોતે જ પોતાના અરીસા આગળ બદલાઈ ગયા છે. જેમણે દીકરી વળાવવાની છે એ બધા જ પિતામાં આગોતરું ધૈર્ય ફૂટે છે જે ક્યારેક છોડની જેમ માવજત માંગી લે છે.

દીકરી જગતનું સૌથી કોમળ અસ્તિત્વ છે. દરેક દીકરીના હાસ્યની તુલના કરવામાં દુનિયા મોળી પડે એમ છે. એને તો ગઝલના ઢાળમાં ઢાળીને ગઝલની આબરૂ જ વધારી શકાય. દર્શક આચાર્યની આ ગઝલ દીકરીના સંવેદનની હિમાલયની ટૂંક છે. જેને ટોચ પરથી અનુભવો કે તળેટીથી અનુભવો એ દરેક તબ્બક્કે એક સરખી જ પવિત્રતાનો અનુભવ કરાવે છે. દીકરી એટલે જગતના બધા જ સંબંધોનું અર્ક. એને મળીએ ત્યારે પિતાની મક્કમતા, માતાની વ્યવહારુતા, ભાઈનું વાત્સલ્ય, બહેનપણીની અલ્લડતા, પતિનો રૂઆબ બધું જ એક સાથે પ્રગટ થાય. દીકરી સંબંધોનું ગર્ભદ્વાર છે જ્યાં એ પોતાની રાજીખુશીથી પોતાની ગમતી વ્યક્તિની સ્થાપના કરે છે. દર્શક આચાર્યની જીવનના હકારની આ કવિતામાં દીકરીના અસ્તિત્વનું ગુણગાન અને યશોગાન છે. દીકરી ખળખળ વહેતું દરિયાનું આગોતરું સ્વરૂપ છે.

અંકિત ત્રિવેદી, જીવનના હકારની કવિતા, રસરંગ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, તા.૨૮/૧૧/૨૦૨૧

વૃદ્ધાવસ્થા એક જાતની દીપ્તિ છે

વૃદ્ધાવસ્થા એક જાતની દીપ્તિ છે

ચીનના લેખક ઝૉ ડેક્સિનની ‘ધ સ્કાય ગેટ્સ ડાર્ક, સ્લોલી’ – આકાશમાં અંધારું ઘેરાતું જાય છે, ધીરે ધીરે – વૃદ્ધોના જીવનની સંકુલ સમસ્યાઓ અને એમના ભાવોની સંવેદનાત્મક નવલકથા છે. આ નવલકથા તરફ સાહિત્યપ્રેમી પ્રવીણભાઈ વીરાએ ધ્યાન ખેંચ્યું હતું. આજના સમયમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે ત્યારે આ નવલકથાની સોશિયલ મીડિયામાં પણ વ્યાપક ચર્ચા થવા લાગી છે. ઝૉ ડેક્સિન કહે છે : ‘ઘણા વૃદ્ધો માને છે કે તેઓ વૃદ્ધાવસ્થા વિશે બધું જ જાણે છે, પરંતુ વાસ્તવમાં તેઓ ઊભી થનારી પરિસ્થિતિ વિશે બાળક જેવા જ અજાણ હોય છે. ઘણાં વૃદ્ધો આગળ જતાં એમણે વૃદ્ધાવસ્થામાં કેવા મુશ્કેલ સમયનો સામનો કરવાનો છે તે વિશે માનસિક રીતે તૈયાર હોતાં નથી.’ તેઓ ઉમેરે છે કે માણસ સાઠની ઉંમર વટાવે ત્યારથી માંડીને અંધકારમય થવા લાગેલા જીવનનું તેજ ઓસરી જાય ત્યાં સુધીના તબક્કાઓમાં ઊભી થનારી પરિસ્થિતિઓનો ખ્યાલ હોવો જરૂરી છે. તો જ તેઓ વૃદ્ધાવસ્થાની શારીરિક અને માનસિક સમસ્યાનો સ્વસ્થતાથી સામનો કરી શકે છે. એમણે એવી સંભવિત પરિસ્થિતિઓની વિગતવાર ચર્ચા કરી છે.

ઝૉ કહે છે કે વધતી ઉંમરની સાથે તમારી આસપાસના લોકોની સંખ્યા ઘટતી જવાની છે. દાદા-દાદી અને માતા-પિતાની પેઢીના લોકોએ વિદાય લઈ લીધી હશે. મિત્રો–પરિચિતો પણ તમારી જેમ પોતાની સારસંભાળ જાતે લેવા અશક્ત થયાં હશે. તમારાથી નાની પેઢી એમના જીવનમાં વ્યસ્ત હશે. એવું પણ બને કે પતિ-પત્નીમાંથી એકે વિદાય લીધી હોય. જીવનનો આ તબક્કો વૃદ્ધજનો માટે ખાલીપાનો હોય છે. એકલા જીવવાની અને એકલતાનો આનંદ માણવાની તૈયારી રાખવી પડશે.

સમાજમાં પણ વૃદ્ધોની સંભાળ લેવાનું વલણ ધીરે ધીરે ઓછું થશે. યુવાનીમાં અને આધેડ વયમાં તમારી કારકિર્દી ગમે તેવી ભવ્ય રહી હોય, તમે ગમે તેટલી નામના મેળવી હોય – ઉંમર બધાંને સામાન્ય વૃદ્ધ પુરુષ કે વૃદ્ધ મહિલા બનાવી દે છે. લોકોનું ધ્યાન તમારા પરથી ખસી ગયું હશે અને તમારે ખૂણામાં ઊભા રહી જીવવાનું સ્વીકારવું પડશે. આજુબાજુમાં સંભળાતા કોલાહલો અને જાતજાતની વાતો ધીરજપૂર્વક સાંભળવા પડશે. એટલું જ નહીં, તે માટે કોઈ ફરિયાદ કે ઇર્ષ્યા કરવાની ઇચ્છા મનમાં દાબી રાખવી પડશે.

વૃદ્ધવસ્થાનો માર્ગ ક્રમશ: કઠિન બનતો જશે. જાતજાતની તકલીફો આવશે, બીમારીઓ આવશે. એ તકલીફો અને બીમારી અગાઉથી ખબર આપ્યા વિના આવી ચડતા મહેમાનો જેવાં છે. ગમે ત્યારે પધારે. એમનું સ્વાગત કરવાની ના પાડી શકાશે નહીં. એમને મિત્રોની જેમ આવકારવા પડશે. વૃદ્ધાવસ્થામાં શારીરિક તકલીફો વિનાના સરળ જીવનની કલ્પના કરવી સંભવ નથી. તે માટે આપણે સકારાત્મક રહીશું અને શરીરને શક્ય એટલું ચુસ્ત રાખીશું તો ફાયદો થશે.

વધતી ઉંમરની સાથે પથારીવશ થવાની તૈયારી રાખવી પડશે. એ તબક્કો નાનકડા બાળક જેવો હોય છે. માતા આપણને આ જગતમાં લાવી ત્યારે આપણે પથારીમાં જ હતા. જિંદગીની લાંબી મુસાફરીમાં અનેક વળાંકો અને પડકારોમાંથી પસાર થયા પછી વૃદ્ધાવસ્થામાં લોકોએ પથારી તરફ પાછા વળવું પડે છે. બાળપણમાં અન્ય લોકો આપણી સંભાળ લેતાં તેમ આ ઉંમરે બીજા લોકો તમારી સંભાળ લેશે. બાળપણમાં સંભાળ લેવા માટે મા હતી, હવે વિદાયનો સમય નજીક આવશે ત્યારે શક્ય છે કે તમારાં સંતાનો પણ તમારી સાથે ન હોય. કેટલાક વૃદ્ધોની સંભાળ લેવાની જવાબદારી નર્સિંગ સ્ટાફ પર હશે. સ્વાભાવિક રીતે એમના મનમાં ફરજની ભાવના સિવાય કોઈ અંગત લાગણી ન હોય. એમના ચહેરા પર બનાવટી સ્મિત હશે, પરંતુ અંદરથી એક પ્રકારનો કંટાળો હશે. એમને શાંતિથી સહન કરતાં શીખવું પડશે. એમના પ્રયત્નો અને સહાય માટે આભારી રહેવાની તૈયારી રાખવી પડશે.

ઝૉ ડેક્સિને આ બધું વૃદ્ધાવસ્થાનું વરવું અને ડરામણું ચિત્ર આપવા માટે કહ્યું નથી. એ ભવિષ્યમાં ઊભી થનારી સંભવિત પરિસ્થિતિથી લોકોને સભાન કરે છે. કહેવાયું છે કે આત્મવિશ્વાસ માણસને કોઈ પણ ઉંમરે યુવાન રાખે છે. આશંકાઓ, ભય અને વાસ્તવિકતાઓનો સહજભાવે સ્વીકાર કરવાની તૈયારી ન હોય તો માણસ કોઈ પણ વયે વૃદ્ધ જ હોય છે. ઝૉએ ‘ધ સ્કાય ગેટ્સ ડાર્ક, સ્લોલી’ દ્વારા લોકોને એ માટે તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. એમણે કહ્યું છે: ‘આકાશ સંપૂર્ણપણે અંધારું થઈ જાય તે પહેલાં જીવનયાત્રાના અંતિમ તબક્કામાં અજવાળું ઓસરવા લાગે છે. એ સ્વાભાવિક પ્રક્રિયા છે. આગળનો માર્ગ જોવાનું મુશ્કેલ બનતું જાય છે. એટલા માટે જ બરાબર જોઈ શકાતું હોય ત્યારે, વૃદ્ધાવસ્થામાં પ્રવેશના સમયે જ, આવનારી કઠિન વાસ્તવિકતા માટે અગાઉથી સજ્જ થવું જોઈએ.’ ઝૉએ કહ્યું છે કે લોકોએ વૃદ્ધાવસ્થાનો પ્રવાસ હળવો કરવા માટે શક્ય તેટલો ભાર ઉતારતાં જવું જોઈએ. વીત્યું તેનો અફસોસ કર્યા વિના આપણને જે મળ્યું એનો આનંદ માણીએ. જીવન તો છેલ્લા શ્વાસ સુધી પ્રસન્ન રહેવા માટે મળ્યું છે. સમાજ પર, સંતાનો પર, ત્રીજી પેઢી પર બોજારૂપ થવાને બદલે બધાંની સાથે પ્રેમ અને વહાલથી વર્તવાથી એમને પ્રસન્ન રાખી શકાય છે અને આપણને પણ પ્રસન્નતા મળે છે. વાણી પર સંયમ રાખીએ, કટુ વચનોથી દૂર રહીએ, બીજાંને માન આપીશું તો આપણને સન્માન મળશે.

કુદરતનો પ્રવાહ જીવનનો પ્રવાહ છે — એમાં કમને તણાઈએ નહીં, પરંતુ નિજાનંદે તરીને એને પાર કરીએ. સંવાદિતા અને સમભાવ વૃદ્ધાવસ્થાનો પવિત્ર મંત્ર છે. સૌને એક કરીને રાખીએ અને આપણે સમગ્રતાની સાથે એક થઈને ભળી જઈએ. સમસ્યા એ છે કે ઘણાં લોકો માને છે કે – ‘અરે, હું તો ઘરડો થઈ ગયો અને મને એની ખબર જ ન પડી!’ તે માટે કુદરત અગાઉથી પૂરતા સંકેત આપી સાવધાન કરે છે. વૃદ્ધાવસ્થા અચાનક ઊભી થયેલી અવસ્થા નથી, માણસમાત્રના જન્મની સાથે ભવિષ્યમાં આવનારી વૃદ્ધાવસ્થાની વાસ્તવિકતાનો ધીરે ધીરે આરંભ થાય છે. સંપૂર્ણ અંધારું છવાય તે પહેલાં આપણે જિંદગીમાં અઢળક અજવાળાનો અનુભવ કર્યો હોય છે. એ જ અજવાળું ગાઢ અંધકારમાં માર્ગ ચીંધે છે. વૃદ્ધાવસ્થા પણ એક જાતની દીપ્તિ છે.

– વીનેશ અંતાણી, રસરંગ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, તા.૨૮/૧૧/૨૦૨૧

પવનની ઝડપ કેટલી હોય તો ક્યુ સિગ્નલ લાગે?

પવનની ઝડપ કેટલી હોય તો ક્યુ સિગ્નલ લાગે?

વાવાઝોડા વખતે બંદર પર વિવિધ નંબરના સિગ્નલની સિસ્ટમ

બ્રિટિશ નૌકાદળના અધિકારી ફ્રાન્સિસ બ્યુફોર્ટે 1805માં પવનની ઝડપ મુજબ 1થી 12 સુધી પ્રકાર પાડયા હતા

ગુજરાત પાસે 1660 કિલોમીટર લાંબો દરિયો છે, એટલે વાવાઝોડાની નવાઈ નથી. વાવાઝોડું કેવુંક આક્રમક છે, એ કાંઠે રહેતા સૌ કોઈ જાણતા હોતા નથી. તેમને જાણ કરવા માટે વિવિધ નંબરના સિગ્નલ (ધ્વજ-વાવટા) ફરકાવવામાં આવે છે.

આ સિગ્નલને બ્યુફર્ટ સ્કેલ કહેવાય છે. કેમ કે બ્રિટિશ નૌકા અધિકારી ફ્રાન્સિસ બ્યુફર્ટે 1805માં પવનની ઝડપ પ્રમાણે ક્રમ નક્કી કર્યો હતો. અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક બંદર પર બે નંબરના સિગ્નલ ફરકતાં કરાયા છે. આગામી દિવસોમાં એ સિગ્નલો વધતા જશે, જેમ જેમ વાવાઝોડું આક્રમક બનશે.

અહીં ક્યા નંબરના સિગ્નલનો અર્થ શું થાય તેની વિગત આપી છે.

નંબર-1 : પવનની ઝડપ – 1 થી 5 કિલોમીટર

અસર – સાવ સામાન્ય હવા, ધૂમાડો પવનની દિશામાં ફેંકાય એટલી અસર

નંબર-2 : પવનની ઝડપ – 6 થી 12 કિલોમીટર

અસર – ધ્વજ પર હવાની અસર દેખાય, ચહેરા પર લહેરખી અનુભવાય

નંબર-3 : પવનની ઝડપ – 13 થી 20 કિલોમીટર

અસર – ધ્વજ ફરફર થવા લાગે

નંબર-4 : પવનની ઝડપ – 21 થી 29 કિલોમીટર

અસર – રૂ કાગળ હવામાં ઉડતો થાય

નંબર-5 : પવનની ઝડપ – 30 થી 39 કિલોમીટર

અસર – નાના વૃક્ષો આમ-તેમ હલવા માંડે

નંબર-6 : પવનની ઝડપ – 40 થી 49 કિલોમીટર

અસર – છત્રી કાગડો થઈ જાય, વૃક્ષની મોટી ડાળીઓ હલવા લાગે

નંબર-7 : પવનની ઝડપ – 50 થી 61 કિલોમીટર

અસર – પવનમાં ચાલવું મુશ્કેલ થાય.

નંબર-8 : પવનની ઝડપ – 62 થી 74 કિલોમીટર

અસર – વૃક્ષોની ડાળીઓ ખરવાની શરૂઆત થાય.

નંબર-9 : પવનની ઝડપ – 75 થી 88 કિલોમીટર

અસર – મકાનની છત, નળિયા ઉડવા લાગે

નંબર-10 : પવનની ઝડપ – 89 થી 102 કિલોમીટર

અસર – વૃક્ષો ઉખડવા લાગે

નંબર-11 : પવનની ઝડપ – 103 થી 118 કિલોમીટર

અસર – જમીન પર ઘણી સામગ્રી ઉડવા લાગે, સમુદ્રમાં વિઝિબિલિટી ઝીરો થાય

નંબર-12 : પવનની ઝડપ – 119 થી 220 કિલોમીટર

અસર – હેરિકેન અથવા ટોર્નેડો જેમાં અકલ્પનિય નુકસાન થઈ શકે.

√ મોટે ભાગે 12 નંબર સુધી જ વપરાય છે. પણ વાવાઝોડાની આક્રમકતા વધતા 1946માં 17 નંબર સુધીના સિગ્નલો નક્કી કરાયા છે. પરંતુ મોટે ભાગે વપરાશ 12 સુધીનો વપરાશ કરવાનો થતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો વપરાશ કરવામાં આવે છે.

√ 1864માં બંગાળના અખાતમાંથી પેદા થઈને કલકતા પર ત્રાટકેલા ભયાનક વાવાઝોડા પછી બ્રિટિશ સરકારે ભારતના હવામાનનો પણ વિગતવાર અભ્યાસ શરૂ કર્યો હતો.

√ વાવાઝોડાની ઝડપ તો ક્યારેક કલાકના 150થી 250 કિલોમીટર સુધીની હોય છે.

√ પરંતુ એ ઝડપ જમીન પર ફૂંકાતા પવનની નથી હોતી. હકીકતે એ ઝડપ વાવાઝોડાના કેન્દ્ર આસપાસ ઘૂમરાતા પવનની હોય છે. વાવાઝોડાના કેન્દ્ર જેટલી ઝડપે જમીન પર પવન ફૂંકાય તો તમામ પ્રકારના બાંધકામોના સ્થળે થોડી વારમાં મેદાન થઈ જાય.

√ ફ્રાન્સિસે તો આ ગણતરી 1805માં કરી હતી. પણ બ્રિટિશ સરકારે 1830ના દાયકામાં તેનો સ્વિકાર કર્યો. એ પછી એક જહાજ રવાના થયું ત્યારે આ સ્કેલનો સત્તાવાર ઉપયોગ થયો. એ જહાજ જોકે બીજા કારણોસર જગ વિખ્યાત થયું, કેમ કે તેના પર ઉત્કાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન સવાર હતા અને એ જહાજનું નામ એચએમએસ બિગલ હતુ.

ગુજરાત સમાચાર, તા.૧૭/૦૫/૨૦૨૧

વિદ્યાની અદમ્ય ધગશ હોય, ત્યાં સદા અલ્પવિરામ જ હોય !

વિદ્યાની અદમ્ય ધગશ હોય, ત્યાં સદા અલ્પવિરામ જ હોય !

જિંદગી કેવા દાવ ખેલે છે ! કોઇને ઇશ્વરીય વરદાન સમી ચમકતી, ચળકતી, એશોઆરામભરી સોનેરી જિંદગી મળે છે તો કોઇને જિંદગી એ આફતનો પટારો હોય છે, જ્યાં એક આફત પૂરી ન થાય, તે પહેલાં બીજી આફત સામે આસન જમાવીને બેઠી હોય છે. આ જીવન કોઇને મોજભરી સફર સમાન હોય છે, તો કોઇને મૂંઝવમનો તકાજો હોય છે ! કોઇના જીવનમાં સુખની રેલમછેલ ઊડતી હોય છે, તો કોઇના જીવનમાં દુ:ખનાં આકાશે ઉછળતો દરિયો હોય છે !

રાજસ્થાનના પાલી-મારવાડ જિલ્લામાં જન્મેલી ઉમ્મુલ ખેરની જિંદગીમાં જન્મ સાથે જ આફતોનો સિલસિલો શરૂ થયો. પહેલેથી જ શારિરીક મર્યાદા સાથે જન્મી. એ ઓસ્ટિયો જેનેસિસ એટલે કે બોન ડીસઓર્ડરની બિમારી સાથે જન્મી હતી. હાડકાં એવા નબળાં કે સહેજ પડે આથડે કે બટકી જાય. ક્યાંક અથડાઈને સહેજ નીચેપડે કે હાથે-પગે મોટું ફ્રેકચર થઇ જાય. આમાં વળી ગરીબીએ આ પરિવાર પર વજ્રઘાત કર્યો હતો.

કેટલાક શારિરીક પીડા સહન કરતા હોય છે, તો કેટલાક સ્વજનોની પીડા પામતા હોય છે, તો કેટલાકને ચારેબાજુથી પોતાની, પારકી અને અણધારી આપત્તિઓ ખમવી પડે છે. નાની ઉમ્મુલના પિતા ચાર સંતાનોને નોંધારા છોડીને શહેરમાં ચાલ્યા ગયા. એની માતાને સિઝોફેનીયાની માનસિક બિમારી લાગુ પડી છે. ઉમ્મુલના દિલમાં એક જ ધગશ હતી કે ગમે તે થાય, મારે અભ્યાસ તો કરવો જ છે. આને માટે ઝુંપડપટ્ટીમાં વસતી ઉમ્મુલે નિશાળની ફી ભરવા ટયુશન ક્લાસીસ શરૂ કર્યા. આસપાસનાં ગરીબ બાળકોને ભણાવવા લાગી. બપોરના ત્રણથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ટયુશન ક્લાસીસ લેતી. એમાંથી જે કંઇ થોડી ઘણી રકમ મળે, તેમાંથી પોતાની સ્કૂલ ફી ભરતી હતી. એવામાં એના પિતાએ બીજા લગ્ન કરતા ઝૂંપડામાં આવેલી સાવકી માતાએ પહેલો હુક્મ એ કર્યો કે હવે આને અભ્યાસ-બભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. ઘરની હાલત તો જુઓ. માટે ઘરકામ ચૂપચાપ કર્યા કર. અને પછી ઉમ્મુલના જીવનમાં રોજનો કલહ, કંકાસ અને ખટરાગ શરૂ થયો. આખરે અભ્યાસની આશિકીને કારણે નવમા ધોરણમાં અભ્યાસ કરતી ઉમ્મુલે નાનકડી રૂમ ભાડે લઇને અલગ રહેવાનું નક્કી કર્યું. એકલી છોકરી અને આસપાસ દારૂડીયાઓનો સતત ભય. આવે કપરે સમયે પણ એણે ટયુશનની કામગીરી ચાલુ રાખી. એકબાજુ ભણાવે અને બીજીબાજુ પોતે ભણે ! હાયર સેકન્ડરીમાં ૯૧ ટકા માર્ક મેળવ્યા અને કોલેજમાં પ્રવેશ મેળવવાની વેળા આવી.

આસપાસની ઝૂંપડપટ્ટીમાં તો કોલેજ ક્યાંથી હોય ? કોલેજમાં અભ્યાસ કરવા દૂર જવું પડે અને ત્યાં સુધી જવું કઇ રીતે ? દિલ્હીની બસમાં તો મુસાફરોની ભારે ભીડ હોય, એમાં જો સહેજ કોઇનો ધક્કો વાગે, તો આવી બને ! ફ્રેકચર થતાં દિવસો સુધી પથારીમાં પડયા રહેવું પડે. કોઈ અવરોધ એની અભ્યાસની ઇચ્છાને અટકાવી શકે તેમ નહોતો. એનું દિલ કહેતું હતું કે અભ્યાસ એ જ એકમાત્ર જિંદગીને આફતોમાંથી ઉગરવાનો માર્ગ છે. જો વધુ અભ્યાસ નહીં કરે, તો એ જ ગરીબી અને બેહાલી વીંટળાઈ વળશે અને સાથે જન્મજાત બીમારી તો ખરી જ. આથી એણે દિલ્હીની બસમાં પોતાની જાતને ખૂબ સાચવીને કોલેજમાં જવાનું શરૂ કર્યું. આટલી બધી વેદના સહેનારી ઉમ્મુલના ચહેરા પર સદા ય હાસ્ય જ નજરે પડે. એના સહાધ્યાયીઓને પણ સહેજે કલ્પના ન આવતી કે ઉમ્મુલ કેટલી મુસીબતો વચ્ચે ઝઝુમે છે ! વળી એ દિવ્યાંગ હોવાથી અવારનવાર લોકોની ઉપેક્ષાનો ભોગ બનતી અને ગરીબ હોવાથી અવગણના સતત સતાવતી હતી. અભ્યાસમાં તેજસ્વી એવી ઉમ્મુલ કોલેજના સમય પછી ઘેર આવીને ટયુશન કરતી. જુદી જુદી કક્ષાના વિદ્યાર્થીઓનાં જુદા જુદા સમયે ટયુશન રાખવા પડે. બપોરે ત્રણ વાગે શરૂ થયેલા એના ટયુશન ક્લાસ રાતના દસ વાગ્યા સુધી ચાલતા. ટયુશનમાંથી થતી આવકમાંથી એ ઘરનું ભાડું ચૂકવતી અને એના ભોજનનો ખર્ચ કાઢતી.

અથાગ પ્રયત્નો પછી ઉમ્મુલ સ્નાતક થઈ. સિઝોફ્રેનિયા ધરાવતી માતાની માનસિક બીમારીનો એને જન્મજાત અનુભવ હતો. આથી વિચાર્યું કે મનોવિજ્ઞાાનનો વિષય લઇને વધુ અભ્યાસ કરું. વળી પાછી એક નવી મુશ્કેલી સામે આવી. આ વિષયમાં ઇન્ટર્નશીપ કરવી પડતી હોવાથી બીજે રહેવા જવું પડતું અને કામ કરવું પડતું. એને માટે આ શક્ય નહોતું, કારણ કે એ જો ઇન્ટર્નશીપ સ્વીકારે, તો એના આજીવિકાના આધાર સમાન ટયુશન છોડવાં પડે. આ સમયે એ કોલેજમાં યોજાતી વક્તૃત્વ સ્પર્ધા અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેતી હતી. એમાં પણ વિજેતા બનતા એને પારિતોષિકરૂપે થોડી રકમ મળતી હતી. એનાથી ઘરખર્ચમાં થોડી મદદ મળતી હતી. પરંતુ ઘણી સ્પર્ધાઓ સાંજના સમયે યોજાતી હોવાથી ઉમ્મુલ એના ટયુશનોને કારણે ભાગ લઇ શક્તી નહોતી.

આફત ક્યાં ઓછી આવતી હતી !

ઉમ્મુલને જે.એન.યુ.ની હોસ્ટેલમાં પ્રવેશ મળ્યો. સાથે બે હજાર રૂપિયાની સ્કોલરશીપ પણ મળી, આથી એને થયું કે હાશ, હવે ટયુશન નહીં કરવા પડે ! હવે અભ્યાસને માટે વધુ સમય ફાળવી શકીશ.

અનુસ્નાતક અભ્યાસ સમયે વળી નવી આફત એના પર ત્રાટકી. એ સમયે અકસ્માત થતાં એને ગંભીર ઇજા થઈ. સોળ જેટલાં ફ્રેકચર થયાં અને આઠ તો ઓપરેશન કરવાં પડયાં. જિંદગીમાં કોઈ આધાર નહીં, આફતના દરિયાનો કોઇ કિનારોનહીં. માત્ર મુસીબતોની મઝધારમાં જ જીવનસફર ખેડવાની. ભરદરિયે આમતેમ ફંગોળાવાનું અને પરિણામે લાંબા સમયે સુધી એને વ્હીલચેરને આશરે જીવવું પડયું. એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન અણધાર્યો અવરોધ આવી ગયો, પણ છતાં ય એ સહેજે પીછેહઠ કરે તેવી નહોતી. આ ઓપરેશનો એના અભ્યાસમાં અવરોધરૂપ બની શક્યા નહીં. ૨૦૧૩માં ઉમ્મુલે એમ.એ.માં ઉત્તીર્ણ થઇને એમ.ફિલમાં પ્રવેશ મેળવ્યો. અભ્યાસની સાથોસાથ એ જુદાં જુદાં કાર્યક્રમોમાં ભાગ લેતી.

દિવ્યાંગ હોવા છતાં સ્પર્ધાઓમાં મોખરે આવતી. આથી દિવ્યાંગ લોકોનાં કાર્યક્રમોમાં એ ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવા લાગી. એના અવિરત સંઘર્ષનો જેમ જેમ સહુને ખ્યાલ આવતો ગયો, તેમ તેમ એને બધે સ્થળેથી પ્રોત્સાહન મળવા લાગ્યું. ૨૦૧૪માં ઉમ્મુલ જાપાનના ‘ઈન્ટરનેશનલ લીડરશીપ ટ્રેનિંગ’ના પ્રોગ્રામમાં પસંદગી પામી. આ ઘટના એની અસામાન્ય સિધ્ધિ બની રહી, કારણ કે આ પ્રોગ્રામ હેઠળ અગાઉ અઢાર વર્ષમાં માત્ર ત્રણ વ્યક્તિની પસંદગી થઇ હતી. ઉમ્મુલ ચોથી વ્યક્તિ બની. આ પ્રોગ્રામમાં સિધ્ધિ મેળવનારા દિવ્યાંગ યુવક-યુવતીઓ હિંમતભેર સહુને જિંદગી જીવવાનાં પાઠ શીખવતા હતા. એમાં શીખવાડાતું કે જીવનનો સાચો વિજેતા તો સંઘર્ષો પર વિજય મેળવનાર હોય છે. દ્રઢ આત્મબળના સહારે ગમે તેવી મુશ્કેલીઓ પાર કરી શકાય છે. હસતો ચહેરો અને ઝઝૂમવાની હિંમત હોય તો જગતમાં કશું જ અશક્ય નથી. એક વર્ષનો આ ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરો કરીને એ પાછી આવી. બીજા કોઇને એની અપંગતા યાદ આવે, પણ ઉમ્મુલને એની વિદ્યા અને અભ્યાસ સતત પોકારતા રહ્યા. ૨૦૧૬માં ‘ઇન્ટરનેશનલ સ્ટડીઝ’ના વિષયમાં ઉમ્મુલે એમ.ફિલની પદવી મેળવી.

કદાચ હવે કોઇને લાગે કે ઉમ્મુલની વિદ્યાયાત્રાનું પૂર્ણવિરામ આવશે, પણ વિદ્યાની સાચી ધગશ હોય ત્યાં સદા ય અલ્પવિરામ જ હોય છે.એને પી.એચ.ડી.નો અભ્યાસ કરવો હતો, સામે આર્થિક મૂંઝવણો હતી પણ એવામાં પચીસ હજાર રૂ.ની શિષ્યવૃત્તિ મળતા ઉમ્મુલનો માર્ગ સરળ થઇ ગયો અને એણે પી.એચ.ડી.ની પદવી મેળવી. પણ હજી ક્યાં એની મંઝીલનો મુકામ આવ્યો હતો ? એને તો સતત આગળ વધવું હતું અને બાળપણનું સ્વપ્ન શિધ્ધ કરવું હતું. એ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એ કોઈ અનુભવીને પૂછતી કે ભણવામાં આગળ વધીએ તો સહુથી ઊંચી પદવી કઈ ? કોઇએ એને કહ્યું કે આઇ.એ.એસ. એ સૌથી ઊંચી પદવી ગણાય. એ દિવસથી પોતાના અભ્યાસને માટે પારાવાર આર્થિક, શારીરિક અને માનસિક આફતો સહન કરનારી ઉમ્મુલને અભ્યાસના એવરેસ્ટ શિખર સમાન આઈ.એ.એસ. બનવું હતું. ૨૦૧૬માં યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસે જ સારો રેન્ક મેળવીને આઈ.એ.એસ. બની ગઈ. આઈ.એ.એસ. બનવાની પાછળ એની સેવાની ભાવના હતી. લોકોના જીવનને સ્નેહ અને સંવેદનાથી સહાયભૂત થવાનો એનો હેતુ હતો અને આજે એ મદદનીશ કમિશનર તરીકે પોતાની એ લોકસેવાની ભાવનાને મૂર્તિમંત કરી રહી છે.

કોઈ આવા ઊંચા સ્થાને પહોંચે પછી પોતાના ગરીબ પરિવારને કઇ રીતે જુએ ? અભ્યાસમાં સતત અવરોધરૂપ બનેલા પિતા તરફ એનું કેવું વલણ હોય ? એને તરછોડનારી અને ધૂત્કારનારી તથા ઘર ચોડવા મજબૂર કરનાર સાવકી માતા તરફ એના મનમાં કેટલો બધો રોષ હોય ? પરંતુ ઉમ્મુલ માને છે કે કદાચ એના પિતાએ વધુ અભ્યાસ કરતી છોકરીઓ જોઈ નહોતી, તેથી એને ભમવા દેવા માગતા નહીં હોય. પિતા અને સાવકી માતાનાં આવાં વર્તનને ભૂલીને ઉમ્મુલ એમની પૂરી સંભાળ લે છે અને સન્માન આપે છે. એ ઇચ્છે છે કે હવે એના માતાપિતા આરામની જિંદગી જીવે.

આજે અઠ્ઠાવીસ વર્ષની શાંત પણ ઊર્જાસભર અને ચહેરા પર આફતોને ઓગાળી નાંખનારું દેવતાઈ સ્મિત ધરાવતી આ છોકરી માત્ર વિકલાંગો માટે જ નહીં, પણ સક્ષમ લોકો માટે પણ એક ‘રોલ મોડેલ’ બની રહી છે. ગંદીનાળી અને કચરાના ઢગ વચ્ચે ઝુંપડપટ્ટીમાં ને ગરીબીમાં ઉછરેલી, તૂટતાં હાડકાની બિમારીને પોલાદી તાકાતથી સહન કરતી, અકસ્માત, ઓપરેશનો અને ફ્રેકચરોની પીડા ભોગવતી અને છતાં સઘળી શારીરિક વિકલાંગતાને પાર કરીને ઉમ્મુલ સંકલ્પબળે સિધ્ધિના શિખરે પહોંચી છે. એનું આકાશ સદા ય આફતો અને વિઘ્નોનાં વાદળોથી છવાયેલું રહ્યું, પણ એ આકાશમાં વિદ્યાનો પ્રકાશ પાથરવાના અથાગ પ્રયત્નો એ જ ઉમ્મુલની સફળતાનું હાર

ડો. કુમારપાળ દેસાઈ, ઈંટ અને ઈમારત કોલમ, ગુજરાત સમાચાર

ધર્મ એટલે પ્રેમ અને સંવાદિતા

ધર્મ એટલે પ્રેમ અને સંવાદિતા

માણસના સ્વભાવની બધી કૃત્તિમતા, બધા પૂર્વગ્રહો, એની બધી માનસિક ગંદકી એના ધાર્મિક વ્યવહારમાં દેખાઈ આવે છે.

આખરે આપણે ધર્મ સંપ્રદાયની સાંકડી ગલી કૂચીમાં અટવાઈ ગયા. આ ગલી એટલી ભુલભુલામણીવાળી છે કે એમાંથી બહાર નીકળતાં નાકે દમ આવી જશે. વારંવાર એ આપણને ભ્રમમાં નાખશે કે આપણે કોઈ વિશાળ મેદાન ભણી જઈ રહ્યાં છીએ, પણ વાસ્તવમાં એ વધુ ને વધુ ઊંડા દલદલમાં જ આપણને ખૂચાડશે. મનુષ્ય જીવનના ઉચ્ચતમ મૂલ્યોને ધારણ કરે તે ધર્મ પણ એ ઉંચા મૂલ્યોમાંથી મનુષ્યને પછાડી સંકુચિતતાના ખાડામાં નાખે એનું નામ સંપ્રદાય. આજે કોઈ વધુ સંકુચિત બની શકે એની એક કુત્સિત હરીફાઈ ચાલી રહી છે. સંપ્રદાયો ઔપચારિકતાઓમાં ફસાઈ ગયા છે. જે સંપ્રદાયનો વડો કરે, એ જ એના અનુયાયીઓ કરે. જે ઘરનો મુખી કરે એ જ બાકીના સભ્યો કરે.

વોલ્ટર લિપમેનની એક થિયરી છે. એને સ્યુડો એન વાયમેન્ટ થિયરી કહે છે. માણસ બીજા પશુઓથી એટલા માટે ભિન્ન છે કે એ પ્રતિક્રિયા આપી શકે છે, બોલી શકે છે, હસી શકે છે, પણ એની પ્રતિક્રિયા પેલા સાચા, વાસ્તવિક ભૌતિક પર્યાવરણ પ્રત્યે જ હમેશા નથી હોતી. પણ એ એનુ પોતાનું એક કૃત્રિમ પર્યાવરણ ઘડી કાઢે છે. જેમાં એના બધા પૂર્વગ્રહો, ગમા – અણગમા ભળેલા હોય છે. સંપ્રદાયોની બાબતમાં આ વિચારધારા બરોબર બંધ બેસે છે.

ધર્મનો અર્થ વિશાળ છે એની વ્યાખ્યા વિશાળ છે. એનું પરિપ્રેક્ષય વ્યાપક છે. એનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે, પણ આપણે ધર્મને ધીમે ધીમે સંપ્રદાય અને પેટા સંપ્રદાયમાં વહેંચીને એને સાંકડો કરી નાખ્યો. મહાસાગરના ટુકડા કરી કરીને ખાબોચિયામાં પડી ગયા. ખાબોચિયું બંધિયાર હોય છે. એનું પાણી બહુ જલદીથી ગંધાવા માંડે છે. એમાંથી અભિમાન, નફરત અને ધિક્કારની દુર્ગંધ નીકળવા માંડે છે. બધા સંપ્રદાયના સાંકડા વર્તુળથી ટેવાઈ ગયેલા માણસને એ દુર્ગંધ પણ સુગંધ લાગે છે. એક ખાબોચિયું બીજા ખાબોચિયા સામે જોઈને હસે છે. મશ્કરી કરે છે, પછી તો સંખ્યાબંધ ખાબોચિયા વચ્ચે ચડસાચડસીની સ્પર્ધા શરૂ થાય છે. કોની દુર્ગંધ શ્રેષ્ઠ નક્કી કરવાની હરિફાઈ શરૂ થાય છે. આવા ખાબોચિયામાં પ્રેમ મુદીતા, કરુણાને સહઅસ્તિત્વની ભાવના હોય ખરી? અહં પ્રેમના વિરાટપણાની જગ્યા ધિક્કારતું વામનપણું લઈ લે છે.

ઉદાહરણ વિશાળતાનો ઈજારો કોઈ એક ધર્મનો હોતો નથી. કોઈ એક સંપ્રદાયનો નથી. બધા સંપ્રદાયોમાં એક સરખી સંકીર્ણતા, એકસરખી સંકુચિતતા હોય છે. કયારેક કોઈ ચોક્કસ સમયે એમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે, પણ આખા ઇતિહાસ પર નજર કરો તો બધા સંપ્રદયોમાં નકારાત્મક ચિહ્નો જણાશે. પછી હું વધુ ઉદાર અને તું વધુ સંકુચિત એમ કહેવાનો કોઈ અર્થ ખરો?

આપણા ધર્મસ્થાનોમાંથી હવે પ્રેમનો સૂર સંભળાતો નથી, પણ નફરત અને વેરઝેર બેસુરો ઘોંઘાટ સંભળાઈ રહ્યો છે. પ્રેમના મધુર, સાતાપૂર્ણ, શીતળ રાગને સ્થાને કોઈ વર્ગ પ્રત્યે, કોઈ જાતિ પ્રત્યેના અપમાનપૂર્ણ નફરત ભરપૂર ચિત્કારો ઉઠી રહ્યાં છે. લોકોનું ધ્યાન હવે ધર્મની જયોતમાંથી નીકળતા પ્રકાશમાં નથી, પણ એ જયોતિ કયા દીવામાંથી નીકળે છે, જયોતનું મહત્વ ઘટી ગયું અને દીવાનું વધી ગયું. દીવો સોનાનો છે કે ચાંદીનો એની વાટ દેશી છે કે વિદેશી, એ ઊંચો છે કે નીચો, એમાં દસ વાટ છે કે વીસ છે, એનું મહત્વ વધ્યું છે.

લોકો વાતવાતમાં ‘શ્રધ્ધા’ની વાત કરે છે. આ શ્રધ્ધા આખર શું ચીજ છે? માણસમાં જો વિચારશક્તિ જ ન હોત, એની પાસે બુધ્ધિ ન હોત, તર્ક ન હોત તો આ શ્રધ્ધા પણ હોત ખરી? તર્ક અને સમજ વિનાની શ્રધ્ધા એ ચાળ્યા વિનાના ઘઊં જેવી છે. તર્કરૂપી ચાળણીનો ઉપયોગ કરીએ ત્યારે વહેમ અને પૂર્વગ્રહરૂપી કાંકરા ખરી પડે છે.

લોકો ધર્મગ્રંથો વાંચે છે, ધર્મગ્રંથનું વાંચન તો મનુષ્યને વિશાળ બનાવે, એની ક્ષિતિજોને વિસ્તારે, એના વિચારોને ઉદાર બનાવે, પણ થાય છે એથી ઉલ્ટું જ ખૂબ વાંચનારા લોકો કયારેક ખૂબ સાંપ્રદાયિક બની જાય છે, અને કશું નહીં વાંચનાર (ગામડાનો ગ્રામજન) વધુ ઉદાર જોવા મળે છે.

માણસના સ્વભાવની બધી કૃત્તિમતા, બધા પૂર્વગ્રહો, એની બધી માનસિક ગંદકી એના ધાર્મિક વ્યવહારમાં દેખાઈ આવે છે. બીજી રીતે બહુ જ સંતુલિત, સ્વસ્થ, બુધ્ધિગમ્ય દેખાતો મનુષ્ય પણ ધર્મ અને સંપ્રદાયના મામલામાં અત્યંત સાધારણ, અતાર્કિક અબૌધ્ધિક અને અંધશ્રધ્ધાળું બની જતો જણાય છે.

આપણો ધર્મ શો હોવો જોઈએ? પૂજા, પ્રાર્થના, મંદિર – મસ્જિદ, ઓચ્છવ કથા, મિજલસ, મંત્રજાપ, ઉપવાસ, વ્રત એમાં જ ધર્મ સમાઈ જાય છે? ધર્મનો દાયરો, ધર્મની સીમા શું આટલી તંગ, આટલી સાંકડી હોઈ શકે? જે માણસ વધુ ઉપવાસ, વધુ જાપ, વધુ અનુષ્ઠાન કરે છે એનામાં એક પ્રકારનો અહંકાર આવી જાય છે. એ બીજા અનુયાયીઓ કરતાં પોતાને બે ગજ ઊંચા માનવા લાગે છે. સમાજ પણ આવા બધા ક્રિયાકાંડોમાં જે માણસ આગળ નીકળી જાય, એને સાધુ – સંતનું બિરુદ આપી દે છે!

જે માણસ રોજ ધર્મસ્થાનમાં જાય છે. સવાર સાંજ પૂજા અર્ચના કરે છે, અનુષ્ઠાન કરે છે, કથાઓ સાંભળે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે, ટીલાંટપકાં કરે છે, માથે ટોપી પહેરે છે, દાઢી રાખે છે, અને સતત પડોશી સાથે ઝઘડે છે. કુટુંબમાં વર્ચસ્વ કેમ જમાવવું એનાં કાવતરા કરે છે, ધંધામાં શોષણ કરે છે, કરચોરી કરે છે, ગ્રાહકને છેતરે છે, પત્નીને ત્રાસ આપે છે, સંતાનો ઉપર જમાદારી કરે છે. એના કરતાં એ માણસ નહીં સારો કે જે કદી ધર્મસ્થાનમાં જતો નથી, ધાર્મિકતાનો ડોળ કરતો નથી. પૂજા પ્રાર્થના કરતો નથી અને છતાં સમગ્ર સૃષ્ટિને ચાહે છે, વ્યક્તિ અને સમાવિષ્ટને પ્રેમ કરે છે, કોઈની ખટપટ કરતો નથી, કોઈની ઈર્ષ્યા કરતો નથી?

આજના કેટલાક સંપ્રદાયો લાખોની સંખ્યામાં શિષ્યો ધરાવે છે. માણસનું કલ્યાણ કરવાના દાવા કરે છે. પણ શિષ્યોને અસહિષ્ણુતા અને સંકુચિતતાના પાઠ ભણાવે છે. સંપ્રદાયનાં વડાની સામે કોઈ શિષ્ય વાંધો લે કે પ્રશ્ન પૂછે તો બીજા શિષ્યો મારફત એમની ઉપર હુમલા કરાવવામાં આવે છે. શારીરિક હુમલામાં કયારેક હાથ પગ ભાંગી નાખવામાં આવે છે. અને કયારેક એમની હત્યા કરાવી દેવાય છે. આમ ધર્મને પણ કરોડોની સંપત્તિ એકઠી કરવાનું માધ્યમ બનાવી દેવાયું છે. જયાં કરોડોની સંપત્તિ એકઠી થાય ત્યાં આપોઆપ વ્યક્તિ પૂજા દાખલ થઈ જાય છે. અને એ સંસ્થાનું અને સંસ્થાના વડાનું સ્થાપિત હિત ઉંચુ થઈ જાય છે. આપણી પ્રજા કેટલી ભોળી છે. કે જલ્દી એ અંધશ્રધ્ધામાં સરી પડે છે.

સંસ્થાના વડાના આદેશોને મૂંગે મોઢે એ સ્વીકારી લે છે. અને એનું તરત અમલ કરે છે. છેલ્લે સ્વાધ્યાય પરિવારમાં જે બન્યું એ એનો દાખલો છે. સારા ઉદ્દેશથી અને આધ્યાત્મિક ઉન્નતિના ધ્યેયથી ઉભી થયેલી આવી સંસ્થાઓનું બહું ઝડપથી પતન થઈ જાય છે. છેલ્લે આચાર્ય રજનીશના સંપ્રદાયની પણ આજ દશા થઈ હતી. એમણે પોતે જે વસ્તુનો વિરોધ કર્યો એ જ દુષણમાં એ પોતે સપડાયા એમની વિચારસરણી ઉત્તમ હતી, પણ કરોડોની સંપત્તિ એકઠી થઈ અને એમની આસપાસ એવા શિષ્યો એકઠા થાય જેમની વચ્ચે રજનીશના વારસ બનવાની કાતિલ હરિફાઈ શરૂ થઈ. આજે જે બચ્યું છે એ માત્ર રજનીશની વિચારધારા બચી છે. એમની વિચારધારા ઘણે અંશે રેશનલ હતી. વિવેકબુધ્ધિ યુક્ત હતી. આપણે અત્યારે એ વિચારધારા અપનાવવાની તાતી જરૂર છે. એને બદલે આપણે જુદા જુદા સંપ્રદાયોના વડામાં કેદ થઈ ગયા છીએ. સંસ્કૃતમાં કહ્યું છે કે મુક્તિ અપાવે એજ સાચો ધર્મ. અહીં ધર્મનો સંપ્રદાય નથી. જે ધારણ કરે તે ધર્મ અત્યારના સંપ્રદાય મનુષ્યને વિશાળ બનાવવાને બદલે સાંકડા બનાવે છે. એમાંથી જ તંગદિલી ફેલાય છે. એમાંથી જ હિંસા ફેલાય છે.

ગાંધી, વિનોબા અને વિવેકાનંદ ધાર્મિક હતા, પણ સાંપ્રદાયિક નહોતા એમનો ધર્મ સર્વ સમાવંશક હતો. એ કોઈ વિચારસરણીનો ઈન્કાર કરનારો નહોતો આપણા દેશમાં જાત જાતના ધર્મો અને સંપ્રદાયો છે. આ બધા ધર્મને વિચારધારામાંથી જે સારા તત્વો અપનાવવા જેવા હોય એમને અપનાવીને એક નવો માનવધર્મ અપનાવવો જોઈએ. સદીઓ પહેલા મોગલ બાદશાહ અકબરે આવો પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ નિષ્ફળ ગયો. હવે ઈચ્છીએ કે આવો પ્રયોગ ફરી એકવાર કરવામાં આવે.

– યાસીન દલાલ, “વિચાર વિહાર”, ગુજરાત સમાચાર, તા.૧૩/૦૬/૨૦૨૦

રોગપ્રતિકારક શક્તિ: કોરોનાના વાઇરસને નાથવાનું બહ્માસ્ત્ર

રોગપ્રતિકારક શક્તિ: કોરોનાના વાઇરસને નાથવાનું બહ્માસ્ત્ર

માયાવી વાઈરસનું મારણ શરીરમાં જ રહેલું છે? ભારતીય આયુર્વેદ રોગ થાય એ પહેલા જ અટકાવવાનો રસ્તો બતાવે છે

કોરોનાવાઇરસની રસી હજી શોધાઈ નથી-અને તે કાર્યમાં અનેક પડકારો જોતાં ક્યારે શોધાય એ કહી શકાય નહિ. આ અંધકારમય સ્થિતિમાં કોરોના સામે શરીરના રોગપ્રતિકારક તંત્રએ લડત આપ્યાના અને વિજય મેળવ્યાના કેસમાં તબીબોને આશાનું કિરણ દેખાય છે.

પૃથ્વી પર દરેક પદાર્થ સજીવ અને નિર્જીવ એમ બે કેટેગરીમાં વર્ગીકૃત પામેલો છે. બાયાલાજિકલ એટલે કે જૈવિક ક્રિયાઓ જેમાં થતી હોય તે પ્રત્યેક કુદરતી પદાર્થ સજીવ વર્ગમાં આવે, જ્યારે જૈવિક સંચાર જેનામાં નથી તે નિર્જીવ કહેવાય.


કુદરતના તમામ પદાર્થોનું બે વર્ગમાં આસાનીથી વર્ગીકરણ કરી શકાય, પરંતુ વાઇરસ અર્થાત વિષાણુ તેમાં અપવાદ છે. માંડ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) કદ ધરાવતો, માટે નરી આંખે ન દેખાતો વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. વિજ્ઞાનીઓએ તેને u Living Dead/ ‘જિન્દા મુર્દા’ એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે. કુદરતમાં વિષાણુ જેટલી અટપટી રચનાવાળી નિર્જીવ વસ્તુ એકેય નથી અને તેના જેટલી સીધીસાદી રચનાવાળો સજીવ પણ કોઈ નથી. સીધીસાદી એટલા માટે કે વિષાણુને મગજ નથી, જ્ઞાાનતંત્ર નથી અને જ્ઞાાનતંત્રના અભાવે જ્ઞાાનતંતુઓની પણ શી જરૂર? હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જેવાં એકેય બાયાલાજિકલ ‘પૂરજા’ કુદરતે વિષાણુમાં ફિટ કર્યા નથી. રક્ત પણ નહિ. 


આમાંનું કશું જેને ન હોય તે સજીવ કહેવાય? બિલકુલ નહિ. છતાં વાઇરસને સજીવની કેટેગરીમાં એટલા માટે મૂકી શકાય કે તેની પાસે જિનેટિક બ્લૂપ્રિન્ટ છે, જે નિર્જીવ પદાર્થમાં હોતી નથી. બીજી તરફ જૈવિક વ્યાખ્યા મુજબ દરેક સજીવમાં ચયાપચયની ક્રિયા થવી જોઈએ, જે વાઇરસમાં થતી નથી. આથી તેને નિર્જીવ પણ ગણી શકાય છે. 

પૃથ્વી પર દરેક પદાર્થ સજીવ અને નિર્જીવ એમ બે કેટેગરીમાં વર્ગીકૃત પામેલો છે. બાયાલાજિકલ એટલે કે જૈવિક ક્રિયાઓ જેમાં થતી હોય તે પ્રત્યેક કુદરતી પદાર્થ સજીવ વર્ગમાં આવે, જ્યારે જૈવિક સંચાર જેનામાં નથી તે નિર્જીવ કહેવાય.


કુદરતના તમામ પદાર્થોનું બે વર્ગમાં આસાનીથી વર્ગીકરણ કરી શકાય, પરંતુ વાઇરસ અર્થાત વિષાણુ તેમાં અપવાદ છે. માંડ પચાસેક નેનોમીટરનું (૦.૦૦૦૦૦૦૦૨ મિલિમીટરનું) કદ ધરાવતો, માટે નરી આંખે ન દેખાતો વિષાણુ સજીવ નથી તેમ નિર્જીવ પણ નથી. વિજ્ઞાનીઓએ તેને Living Dead/ ‘જિન્દા મુર્દા’ એવી ત્રીજી કેટેગરીમાં મૂક્યો છે. કુદરતમાં વિષાણુ જેટલી અટપટી રચનાવાળી નિર્જીવ વસ્તુ એકેય નથી અને તેના જેટલી સીધીસાદી રચનાવાળો સજીવ પણ કોઈ નથી. સીધીસાદી એટલા માટે કે વિષાણુને મગજ નથી, જ્ઞાનતંત્ર નથી અને જ્ઞાનતંત્રના અભાવે જ્ઞાનતંતુઓની પણ શી જરૂર? હૃદય, પાચનતંત્ર અને શ્વસનતંત્ર જેવાં એકેય બાયોલોજિકલ ‘પૂરજા’ કુદરતે વિષાણુમાં ફિટ કર્યા નથી. રક્ત પણ નહિ.
 

આમાંનું કશું જેને ન હોય તે સજીવ કહેવાય? બિલકુલ નહિ. છતાં વાઇરસને સજીવની કેટેગરીમાં એટલા માટે મૂકી શકાય કે તેની પાસે જિનેટિક બ્લૂપ્રિન્ટ છે, જે નિર્જીવ પદાર્થમાં હોતી નથી. બીજી તરફ જૈવિક વ્યાખ્યા મુજબ દરેક સજીવમાં ચયાપચયની ક્રિયા થવી જોઈએ, જે વાઇરસમાં થતી નથી. આથી તેને નિર્જીવ પણ ગણી શકાય છે.

આમ થાય છે વાઇરસનો હુમલો

નહિ સજીવ કે નહિ નિર્જીવ એવો ‘જિન્દા મુર્દા’ વાઇરસ ફક્ત બે મટીરિઅલનો બનેલો છે. (૧) RNA/રીબોન્યૂકલિક અસિડ. (૨) RNA ફરતે પ્રોટીનનું આવરણ. જેના પર રિસેપ્ટર પિન કહેવાતાં ભીંગડાં હોય છે. આ સિવાય તેને ત્રીજું ‘અંગ’ હોતું નથી.

રીબોન્યૂકલિક અસિડ એ વાસ્તવમાં સ્પ્રિંગના આકારવાળી જિનેટિક બ્લૂ પ્રિન્ટ છે, જેની અંદર કુદરતે ‘કોપી-પેસ્ટ’ એવા મતલબનો કમાન્ડ ધરાવતો જૈવિક પ્રોગ્રામ લખ્યો છે. આ પ્રોગ્રામનું કાર્ય માણસના શારીરિક કોષમાં દાખલ થયા બાદ વિષાણુની ઝડપભેર અને સંખ્યાબંધ નકલો બનાવવાનું છે. SARS-CoV-2 કોરોનાવાઇરસના કેસમાં બન્યું તેમ ખાંસી/છીંક દ્વારા બહાર નીકળેલા લાળબિંદુ મારફત ચેપ લાગ્યા પછી શરીરમાં પ્રવેશેલો વિષાણુ એકાદ કોષને પોતાનો યજમાન બનાવે છે અને પ્રોટીનરૂપી બાહ્યાવરણ પરની રિસેપ્ટર પિનને કોષના સોકેટમાં ભરાવે છે. મોબાઇલના ચાર્જરનો પ્લગ સ્વીચ-બોર્ડના સોકેટમાં ભરાવ્યા બાદ જ કરન્ટનું વહન થાય એ રીતે વાઇરસની રિસેપ્ટર પિન શરીરના કોષ જોડે ગઠબંધન રચે ત્યાર પછી જ તેનું કોષ જોડે કનેક્શન સ્થપાય છે.

એક વાર આવું જોડાણ સ્થપાય, એટલે વાઇરસ કોષની અંદર પોતાનો RNA દાખલ કરી દે છે. હવે ઇશછમાં રહેલો ‘Copy-Paste’નો જૈવિક પ્રોગ્રામ હરકતમાં આવે છે. કોષને તે નવો વિષાણુ બનાવી આપવાનો કમાન્ડ આપે છે, જેનું કોષે પાલન કરવું રહ્યું અને પોતાનું જૈવિક મટીરિઅલ વાપરીને નવા વિષાણુઓ તૈયાર કરી આપવા રહ્યા. આ પ્રક્રિયામાં છેવટે તો સાજાસમા કોષની જાત ઘસાય છે અને ટૂંક સમય બાદ તે મરી પરવારે છે. બીજી તરફ  ‘Copy-Paste’ના પેલા પ્રોગ્રામના નતીજારૂપે નવા જન્મેલા વિષાણુઓ મૃત કોષની દીવાલ તોડીને બહાર નીકળી આવી બીજા યજમાન કોષો પર ધાબો બોલાવે છે. ઉપર લખી તે પ્રક્રિયાનું પછી તો પુનરાવર્તન શરૂ! આમને આમ શરીરના દુરસ્ત કોષો સતત ચેપગ્રસ્ત બનતા જાય છે, વિષાણુઓની નકલો પેદા કરતા જાય છે અને મરતા જાય છે.

આમ થાય છે હુમલાનો પ્રતિકાર


પરંતુ શરીરના કોષો પર વિષાણુઓ હુમલો કરે એ વખતે શરીરતંત્ર નિષ્ક્રિય રહે એવું થોડી બને? પ્રતિકાર માટેનું અમોઘ શસ્ત્ર તો શરીરની અંદર જ છેઃ એન્ટિબોડીઝ એટલે કે પ્રતિદ્રવ્યો. વાઇરસના આક્રમણ સામે લડવા માટે શરીરનું immune system/રોગપ્રતિકારક તંત્ર તરત પ્રતિદ્રવ્યો પેદા કરવા માંડે છે. શરીરના કોષને સોકેટ હોય તેમ પ્રતિદ્રવ્યો પણ સોકેટ ધરાવે છે. આ સોકેટમાં વાઇરસની રિસેપ્ટર પિન ઘૂસી જાય અર્થાત ભરાય, એટલે પછી શારીરિક કોષમાં પિન ખોસવાનો તેના માટે ચાન્સ રહેતો નથી. જુદી રીતે કહો તો વાઇરસના ફેલાવાની પ્રક્રિયા પડી ભાંગે છે. 


શરીરની અંદર ખેલાતા પ્રતિદ્રવ્યો વિરુદ્ધ વિષાણુના સાઇલન્ટ બાયાલાજિકલ યુદ્ધમાં આખરે વિજય કોનો થાય તેનો આધાર રોગપ્રતિકારક તંત્રની ક્ષમતા પર યાને કે તે કેટલા જલદી તેમજ કેટલાક પ્રમાણમાં પ્રતિદ્રવ્યો બનાવે તેના પર રહેલો છે. ધ્યાન પર લેવા જેવી વાત છે કે કોરોનાના SARS-CoV-2  વાઇરસનો ભોગ બનેલા ઘણા હતભાગીઓ મોટી વયના હતા અગર તો મધુપ્રમેહ, ઊંચું રક્તદાબ અથવા હૃદયની બીમારી ધરાવતા હતા. આવા દરદીઓનું રોગપ્રતિકારક તંત્ર જરા નબળું હોય છે-અને નબળું હોવાથી વાઇરસ સામે બરાબર લડી શકતું નથી.

દવા વિના કોરોનાનો ખાતમો

રોગપ્રતિકારક તંત્ર જ્યારે બળવત્તર હોય ત્યારે કેવો ચમત્કાર સર્જાય તેનો દાખલો થોડા દિવસ પહેલાં આસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં જોવા મળ્યો. પ્રતિષ્ઠિત વિજ્ઞાન સામયિક Natureના અભ્યાસલેખમાં નોંધાયેલો કિસ્સો કંઈક આમ છેઃ


કોરોનાના SARS-CoV-2 વાઇરસનો ઉદ્ભવ જ્યાં થયો તે ચીનના વુહાનમાં રહેતી ૪૭ વર્ષીય મહિલા માર્ચ, ૨૦૨૦ના આરંભે વિમાનમાર્ગે આસ્ટ્રેલિયાના મેલબોર્ન માટે નીકળી ત્યારે તે જાણતી ન હતી કે તેના શરીરમાં કોરોનાવાઇરસની ઘૂસણખોરી થઈ ચૂકી છે. મેલબોર્ન પહોંચ્યાના થોડા દિવસમાં વાઇરસે પોતાની અસર દેખાડતાં મહિલાને ઇમર્જન્સી તબીબી સારવાર કેંદ્રમાં ખસેડવામાં આવી. પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે તેનાં ફેફસાંને સોજો ચડયો છે. કેસ COVID-19 બીમારીનો હતો, જેનું ઓસડ તબીબો પાસે ન હતું (કોરોનાવાઇરસને તબીબોએ આપેલું લેબલ Sars-cov-2 છે, જ્યારે COVID-19 એ વાઇરસ દ્વારા થતી બીમારીનું નામ છે). આથી મહિલાને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી. ઓસ્ટ્રેલિયન ડાક્ટરોની ટીમે જોયું કે એક સપ્તાહ સુધી વાઇરસની ભાંગફોડિયા વૃત્તિને ‘સહન’ કર્યા પછી મહિલાનું રોગપ્રતિકારક તંત્ર જાણે કે લડાયક મૂડમાં આવ્યું હોય તેમ ઝઝૂમવા લાગ્યું. ધીમે ધીમે તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો. ચારેક દિવસમાં તો ફેફસાંનો સોજો લગભગ નાબૂદ થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ થયાના બીજા સપ્તાહે તો ચીની મહિલાને સો ટકા સ્વસ્થ જાહેર કરી રજા આપી દેવામાં આવી.


આ જાણીને આશ્ચર્ય થતું હોય તો એ લાગણી થોડીક સેકન્ડ્સ પૂરતી કાબૂમાં રાખો. કારણ કે વધુ આશ્ચર્યની વાત તો હવે આવે છે. વુહાનથી કોરોનાવાઇરસ સાથે આવેલી ચીની મહિલા મેલબોર્નની હાસ્પિટલમાં જેટલો સમય સારવાર હેઠળ રહી એ દરમ્યાન તેને એન્ટિ-બાયોટિક, સ્ટીરોઇડ તેમજ એન્ટિ-વાઇરલ પૈકી એકેય દવાનો જરાસરખોય ડાઝ આપવામાં આવ્યો ન હતો. સારવારના નામે ફક્ત ગ્લુકોઝના તથા સલાઇનના બાટલા ચડાવવામાં આવ્યા હતા, જેમનું કાર્ય લોહીમાં શર્કરાનું તેમજ સોડિઅમ, પોટેશિઅમ જેવા જરૂરી ક્ષારોનું લેવલ જાળવી રાખવાનું હોય છે. 


તો પછી સવાલ એ કે કોઈ પણ જાતની દવા વિના આખરે ચીની મહિલા દુરસ્ત શી રીતે બની? ઓસ્ટ્રેલિયન તબીબોના મતે મહિલાના રોગપ્રતિકારક તંત્રએ પેદા કરેલા એન્ટિબોડીઝ યાને કે પ્રતિદ્રવ્યોએ જ કોરોનાવાઇરસને નાથ્યો હતો. અગાઉ જણાવ્યું તેમ પ્રતિદ્રવ્યો તેમનું સોકેટ વાઇરસની પિનમાં ખોસી દઈ તેને નિષ્ક્રિય બનાવી દે છે. ઉપરોક્ત કિસ્સામાં એમ જ બન્યું હતું. આથી તબીબો ચીની મહિલાના બ્લડ પ્લાઝમાને ચકાસી રહ્યા છે. સંભવ છે કે તેમાં મોજૂદ પ્રતિદ્રવ્યો તેમને કોરોનોવાઇરસની રસી બનાવવાના કાર્યમાં કોઈક રીતે મદદરૂપ થાય.

વ્યાધિક્ષમત્વઃ પાણી પહેલાંની પાળ


કોરોનાવાઇરસની રસી હજી શોધાણી નથી. ક્યારે શોધાય તેનો કશો ધડો પણ નથી, કારણ કે નવા ફૂટી નીકળતા વાઇરસ માટે પ્રતિદ્રવ્યો બનાવવાનું કામ ભારે પડકારભર્યું છે. દરમ્યાન જગતભરના તબીબો કોવિડ-૧૯ના દરદીઓને એઇડ્ઝ, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લૂએન્ઝા જેવા રોગોને કાબૂમાં રાખવાની સહાયક દવાઓ વડે સારવાર આપી રહ્યા છે, જે ૧૦૦ ટકા કારગત નીવડતી નથી. 


આ સ્થિતિ વચ્ચે કોઈ પ્રકારની દવાએ નહિ, પણ શરીરના રોગપ્રતિકારક તંત્રએ કોરોનાવાઇરસ સામે ફતેહ મેળવી હોય એવો મેલબોર્નની ચીની મહિલાનો પહેલો કેસ છે. પરંતુ તેને અંતિમ યા અપવાદ ગણી લેવાની જરૂર નથી. કેસમાં કેંદ્રસ્થાને રહેલો મુદ્દો એ કે વાઇરસ જેવા ‘પરદેશી’ હુમલાખોરના આક્રમણ સામે લડી લેવાની ક્ષમતા કુદરતે દરેક મનુષ્યને રોગપ્રતિકારક તંત્રના સ્વરૂપે આપી જ છે. હા, એટલું ખરું કે વાઇરસ શરીરમાં કેટલી ખાનાખરાબી સર્જી શકે તેનો આધાર તંત્ર કેટલું સશક્ત યા અશક્ત તેના પર રહેલો છે. તંત્ર નબળું હોય તો પરિણામ શું આવે એ તો સમજી શકાય તેવી વાત છે, પરંતુ પાવરફુલ હોય ત્યારે વાઇરસની પેશકદમી થયાના થોડા જ દિવસમાં (પેલી ચીની મહિલાના કેસમાં બન્યું તેમ) પ્રતિદ્રવ્યો લડત આપવા લાગે. મુકાબલો સજ્જડ હોય તો શરીરમાં વાઇરસનો સફાયો થવો રહ્યો.

ટૂંકમાં, કુદરત જો દર થોડા સમયે એકાદ નવા વાઇરસ વડે માનવજાતનું ડેથ વારન્ટ બજાવતી હોય, તો તે વારન્ટ સામેનાં ‘જામિન’ પણ કુદરતે જ મનુષ્યના શરીરમા રોગપ્રતિકારક તંત્રના નામે આપી રાખ્યાં છે. કોરોનાવાઇરસની રસી ન શોધાય ત્યાં સુધી તે સિસ્ટમ પર ઘણે અંશે મદાર રાખવો પડે તેમ છે.


મોડર્ન મેડિકલ સાયન્સ પાસે જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ ન હોય ત્યારે આલ્ટરનેટિવ મેડિસિન તરફ વળનારા લોકોનો બહુ મોટો વર્ગ પશ્ચિમી દેશોમાં છે. કોરોનાવાઇરસે એવા વર્ગના અનેક લોકોને આયુર્વેદમાં રસ લેતા કરી દીધા છે. અમુક યા તમુક આયુર્વેદિક ઔષધી કોરોનાવાઇરસ સામે રક્ષણ આપે એવું તેમનું માનવું છે. આવા ઉપચારોમાં મતભેદો હોઈ શકે. પરંતુ એક બાબતે કદાચ મતભેદને ઝાઝો અવકાશ નથીઃ પશ્ચિમના મોડર્ન મેડિકલ સાયન્સ સામે આપણું પ્રાચીન આયુર્વેદ વિજ્ઞાન એ વાતે જુદું પડે કે પહેલામાં રોગ સામેના ઉપચારો છે, તો બીજામાં શરીરને રોગ જ ન થાય તેના ઉપાયો છે.


આયુર્વેદ જગતનું સૌથી પ્રાચીન તબીબી વિજ્ઞાાન છે, જેનું પ્રાગટય લગભગ પ,૦૦૦ વર્ષ પહેલાં વેદકાળમાં થયું હોવાનું કહેવાય છે. આટલા હજાર વર્ષ પહેલાં તત્કાલીન આયુર્વેદાચાર્યોએ એક શબ્દ પ્રયોગ કર્યો છેઃ વ્યાધિક્ષમત્વ. આનો અંગ્રેજીમાં તરજુમો કરવો હોય તો immuninty શબ્દ બંધબેસતો આવે. શરીરમાં વ્યાધિક્ષમત્વ વધારવા માટેનાં તેમજ તેને જાળવી રાખવા માટેનાં અશ્વગંધા અને મહાસુદર્શન જેવાં અનેક ઓસડિયાં આયુર્વેદ પાસે છે. નિયમિતપણે તેમનું સેવન રક્તનું શુદ્ધિકરણ અને રોગપ્રતિકારક તંત્રનું સમૃદ્ધિકરણ કરી શકે તેવું આયુર્વેદ જણાવે છે.


પરંતુ એ જાણવા માટે આપણી કટિબદ્ધતા કેટલી એ સવાલ છે. એક સમયે બુનિયાદી શિક્ષણ આપતી અમદાવાદની શારદા મંદિર જેવી શાળાઓમાં દર શનિવારે બાળમંદિરના વિદ્યાર્થીઓને કડુ કરિયાતાના તથા કડવા લીમડાના રસનો અકેક વાટકો ફરજિયાત પાવામાં આવતો. નાની વયે બાળકની વ્યાધિક્ષમત્વ વધારવાનું એ ઉમદા અને આવકારદાયક પગલું હતું. આ કાર્ય હજી પણ ક્યાંય થતું હોય તો ઠીક, નહિતર સરકારે તેના અમલની દિશામાં રાષ્ટ્રવ્યાપી પહેલ કરવી જોઈએ. કારણ કે આવનારી પેઢીએ SARS-CoV-2 જેવા બીજા અનેક વાઇરસનો કેર ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. 


દરેક નવા વાઇરસની રસી રાતોરાત ન બની જાય એ હકીકત જોતાં સંભવિત આપત્તિનો સામનો કરવા માટે બે રસ્તા છેઃ Flight or fight. . નાસી છૂટો અથવા લડી લો. 


બીજા નંબરનો વિકલ્પ અપનાવવો હોય તો તેનો બધો તો નહિ, પણ ઘણો આધાર નવી પેઢીના વ્યાધિક્ષમત્વ પર રહેવાનો છે.

– હર્ષલ પુષ્કર્ણા

“ન્યુઝ ફોકસ”, ગુજરાત સમાચાર, તા.૨૨/૦૩/૨૦૨૦.

સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ

સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ

પ્રસિદ્ધ ગુજરાતી દૈનિક “ગુજરાત સમાચાર”માં સોશિયલ મીડિયાની સીડ ઈફેક્ટસ વિષે અલગ અલગ ત્રણ ભાગમાં લેખ પ્રસિદ્ધ થયેલ હતા. આજની પેઢીને આ લેખમાંથી ઘણું બધું શીખવાની અને સમજવાની જરૂર છે. આ લેખો ગુજરાત સમાચારની વેબસાઈટ ઉપર પોસ્ટ કરેલ ન હતા તેથી “કોપી-પેસ્ટ” થયેલ નથી. પરંતુ, ઈમેજ સ્વરૂપે અહી પોસ્ટ કરું છું.

સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ. ભાગ-૧

સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ. ભાગ-૨

સોશિયલ મીડિયાની સાઈડ ઈફેક્ટસ. ભાગ-૩