
અલવિદા “ખલીલ”
આજે એક વ્હોટ્સએપ ગૃપમાં ખલીલ ધનતેજવી સાહેબના અવસાન વિશેનો મેસેજ વાંચ્યો. વાંચીને આંચકો લાગ્યો અને મન આ વાત માનવા તૈયાર જ ન હતું. આજકાલ ઘણા બધા ફેક મેસેજ ફરતા હોય છે એટલે આ મેસેજ પણ ફેક જ નીકળે એવી દુવા સાથે એક અગ્રણી દૈનિક સમાચારની એપ ખોલી તો મેસેજ રીઅલ નીકળ્યો 😢
મને ખલીલ ધનતેજવી સાહેબની ઘણી બધી રચનાઓ ગમે છે. આજે એમને અંજલિ આપવા માટે અમુક અહીં શેર કરું છું.
લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.
તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.
તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.
તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !
ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !
અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.
વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.
તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.
છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.
કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી
રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
– ખલીલ ધતેજવી
1938-2021
અલવિદા સાહેબ…
આપનું પ્રેમાળ વ્યક્તિત્વ અને આપનો પ્રેમ હંમેશા અમને આપની યાદ અપાવતી રહેશે… 🙏
અલ્લાહ તઆલા આપને જન્નત નસીબ અતા ફરમાવે તેવી દુઆ… આમીન