તને ચાહવામાં
તને ચાહવામાં કશું ખોઈ બેઠા,
હતા બે જ આંસુ અને રોઈ બેઠા.
કર્યું વ્હાલથી મેશનું તેં જે ટપકું,
અમે ડાઘ માની એને ધોઈ બેઠા.
ઉભા રો’ હું આવું છું કીધું હશે તેં,
બધા વૃક્ષ ઉભા નથી કોઈ બેઠા.
બધા લોક મંદિર ને મસ્જિદમાં દોડયાને,
અમે આ ગઝલમાં તને જોઈ બેઠા.
સમય પણ તે આપી દીધો તો મિલનનો,
અમે એજ ટાણે સમય ખોઈ બેઠા.
મુકેશ જોશી