દીવે દીવો પેટાય
તેજા રામ અને રામી દેવી પોતાનાં ત્રણ બાળકોના સારા ઉછેર માટે રાત- દિવસ મહેનત કરતાં હતાં. રાજસ્થાનના પાલી જિલ્લાના સોજાત ગામમાં રહેતા તેજારામ સંખલા ફેક્ટરીમાં મહેંદીના બોક્સ ઊંચકવાનું કામ કરવા તો રામદેવી ચણાતા મકાનમાં મજૂરી કરતાં હતાં.
ગરીબીમાં સંતાનો જલદી મોટા થઈ જતા હોય છે એ ન્યાયે મોટો દીકરો રામચંદ્ર જોતો કે સાંજે માતા-પિતા થાક્યાં પાક્યા ઘરે આવે છે, તેથી માટીના ચૂલા પર રસોઈ કરીને તૈયાર રાખતો. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે પિતાએ એને સરકારી હિન્દી સ્કૂલમાં ભણવા બેસાડયો, પરંતુ એ દસમા ધોરણમાં નેવું ટકા સાથે પાસ થયો, ત્યારે પરિવારે એમના ભાવિ જીવનમાં આશાનું કિરણ નિહાળ્યું.
રામચંદ્ર સંખલને સરકાર તરફથી સ્કોલરશિપ મળી, પરંતુ રામચંદ્ર કહે છે કે તે મેળવવા માટે જોધપુર સુધી કેટલાય ધક્કા ખાવા પડયા અને તેમાં બે હજાર રૃપિયા તો ભાડાના ખર્ચાઈ ગયા, પરંતુ સ્કોલરશિપના પૈસા ન મળ્યા. બારમા ધોરણના અભ્યાસ માટે પોતાના ગામથી ચાલીસ કિમી. દૂર પાલી ગયો. તેનાં માતા-પિતા રોજ બસમાં તેને ટિફિન મોકલતાં હતાં. રામચંદ્રને બારમા ધોરણમાં સિત્તેર ટકા જ આવ્યા, પરંતુ પાલીમાં રહેવાથી એને લાભ એ થયો કે આગળ શું ભણવું અને કઈ રીતે અભ્યાસ કરવો તેનો સ્પષ્ટ ખ્યાલ મળ્યો.
એણે આઈ.આઈ.ટી.ની પરીક્ષા ભારતમાં ૧૬૮૦મો રેન્ક મેળવીને પાસ કરી અને ૨૦૦૯માં આઈ.આઈ.ટી. રૃરકીમાં પ્રવેશ મેળવ્યો. આ સમાચાર સાંભળીને એના બાળપણના મિત્રનાં માતા-પિતા તેમના ઘરે ફીના પૈસા, નવાં કપડાં અને એક બેગ આપી ગયા.રૃરકીથી પહેલીવાર દિવાળી વેકેશનમાં રામચંદ્ર ઘરે આવ્યો, ત્યારે જ્ઞાાતિના લોકોએ ભેગા થઈને ત્રીસ હજાર રૃપિયા એકત્રિત કર્યા હતા કે જેથી તે લેપટોપ ખરીદી શકે.
બીજા સેમેસ્ટરની ફી માટે પિતાએ ફરી લોન લીધી. ત્યારબાદ રામચંદ્રને ત્રીસ હજારની સ્કોલરશિપ મળી, જેમાંથી એણે એના પિતા માટે મોપેડ લીધું, જે આજે પણ એના પિતા હોંશથી ચલાવે છે. એ પછી ઘરમાં રસોડું સરખું કરાવ્યું અને શૌચાલય બનાવડાવ્યું. ૨૦૧૩માં બી.ટેક.ની ડિગ્રી મળતાંની સાથે જ બેગાલુરુમાં ગુગલની ઓફિસમાં નોકરી મળી. આજે રામચંદ્ર અમેરિકાના સીઆટેલમાં ગુગલમાં સોફટવેર એન્જિનિયર તરીકે વર્ષે છત્રીસ લાખના પગારની નોકરી કરે છે.
રામચંદ્ર કહે છે કે પિતાએ ક્યારેય કોઈ પાસે હાથ લંબાવ્યો નથી અને લીધેલી લોન વ્યાજ સાથે ભરપાઈ કરી છે, પરંતુ સામાન્ય માણસ માટે આવી લોન લેવી દુષ્કર હોય છે. માતા-પિતાએ ઘણો સંઘર્ષ કર્યો હોવાથી હવે તેઓ આરામ કરે એવી રામચંદ્રની ઇચ્છા છે, પરંતુ તેજારામ તો કહે છે, ‘મને મારા પુત્ર માટે ગૌરવ છે, પણ આખી જિંદગી કામ કર્યા પછી ઘરે બેસવું ગમતું નથી અને કામ કરવાથી તબિયત સારી રહે છે.’ રામચંદ્રના પિતા આજે પણ એ જ કારખાનામાં નોકરી કરે છે અને માતા માટે રામચંદ્રે દોઢ એકર જમીન ખરીદી છે. તેમાં ખેતી સંભાળે છે. માતા-પિતાને ભણાવવા માટે શિક્ષક રાખ્યા છે.
રામચંદ્રને જે જે લોકોએ મદદ કરી, એમણે એની પાસેથી પૈસા પાછા લેવાનો ઇન્કાર કરીને કહ્યું કે એ ભાવનાને સમાજમાં આગળ વધારજે. આજે રામચંદ્ર દર શનિવારે કોટાના કોચિંગ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓને ફેસબુક દ્વારા માર્ગદર્શન આપે છે. વર્ષે એક મહિનાની રજા લઈને અનાથાશ્રમ અને જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવે છે. એની ઇચ્છા થોડી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી, સ્વદેશ પાછા ફરી સામાજિક કાર્યો કરવાની છે.