નાણાકીય વર્ષ અને આપણે

માર્ચ એન્ડિંગ નજીક છે. આપણે એકાઉન્ટન્ટ નથી, પરંતુ સંબંધોના હિસાબો મેળવવાની જગ્યાએ હિસાબોની ભાષામાં સંબંધોને મૂલવીએ તો ખરા. કેટલાક સંબંધ ઉધારના સંબંધો હોય. એને ખતવવા જ પડે. વધારે ઉધારી પરોપકારી નહીં, ‘ઘાલખાધ’ બની જતી હોય છે. કેટલાક સંબંધો સ્થાવર મિલકત જેવા હોય. ચોપડામાં મોટો આંકડો લાગે, પણ કામમાં ભાગ્યે જ આવે. જ્યારે જરૂર હોય ત્યારે ‘સિવિક’ રિપોર્ટ નબળો જ પડે. કેટલાક જંગમ મિલકત જેવા હોય. પાસે લઈને ફરી શકાય એમાં ‘જંગ’ પણ અગત્યનો જ છે. કેટલાક સંબંધો હિસાબો થઈ ગયા પછી ભૂલ નીકળે એવા હોય છે. એ જરૂરી પણ છે અને જવાબદારી પણ છે. માણસને સંબંધોમાં અને સંબંધોને માણસો સાથે સરખામણી કરવાની મજા હોય છે. આપણો સમય ‘આમનોંધ’ જેવો થઈ ગયો છે.
કેટલાક સંબંધો જમા જ રહે છે. એ છે એટલે બધા જ વ્યવહારો અને આંકડાઓને મજા પડે છે. બેલેન્સ શીટમાં કેટલીક સહિયારાની મિલકતો હોય છે. કેટલાક સંબંધો ગયા વર્ષની ‘પાછલી બાકી’થી આપણી સાથે હોય, એનો ‘ઉમેરો’ થાય જ નહીં. ચોપડાના સંતોષ માટે જિવાડવા પડે. બાકી હૃદયને તો ખબર જ છે કે હાથમાં ‘કાણી પૈ’ પણ આવવાની નથી. કેટલાક સંબંધો ‘પાછલા-જમા’થી આગળ વધેલા હોય છે. છેલ્લા દિવસના બેન્ક એકાઉન્ટમાં કેટલા રૂપિયા પડ્યા છે એના પરથી આપણું હિસાબી વર્ષ શરૂ થાય છે.
ગણતરીમાં સમજ ન પડે છતાં આપણે એમને ગણતરીમાં લેવા જ પડે. કેટલાક સંબંધો રોજમેળ જેવા હોય છે. જેમને રોજ મળીએ અને છતાં ‘મેળ’ ન પડે. કેટલાક મહિનાના મૂલ્યાંકન જેવા હોય છે. કેટલાક વાઉચર બુક જેવા હોય છે. સહી કરીને ભાગી જાય અને આપણે ખાતાવહીમાં ખોટ ખાવી પડે. કેટલાક રોકડના વહેવાર જેવા આનંદી હોય. તમારે એને જેમાં ખતવવા હોય એમાં ખતવી શકો. તમારી મરજીથી એના આનંદમાં સહભાગી થઈ શકો. કેટલાક સંબંધો પ્રેમના સંબંધો છે. એ ખાતામાં સીધા થતાં ECS ચેક જેવા છે. એના માટે બેલેન્સ કરાવવું જ પડે. ધ્યાન ન રાખો તો રિટર્ન ક્યારે થઈ જશે અને પેનલ્ટી ક્યારે લાગશે એની ચિંતા જ રહે.
માર્ચ-એપ્રિલના રિટર્ન જેવા સંબંધો હોય છે કેટલાક. વર્ષે મળવું જ પડે. એને મળીએ એટલે પાસબુક, રોજમેળ, કાચીનોંધ, SMSમાં દેખાતા બેલેન્સને મજા પડે. વરસાદની જગ્યાએ વાદળ ઉપર હોય છે. કમોસમી વરસાદ પણ એમને વધારે માફક આવે છે. કેટલાક સંબંધોઅગાઉથી ભરાવેલા ‘એડવાન્સ’ રિટર્ન જેવા હોય છે. આમ નિરાંત અને આમ અજંપો. જેટલું મોટું રિટર્ન ભરાય એટલી મોટી લોન મળે અને લોન લીધા પછી પાછી એ જ રામાયણ. સંબંધોને માર્ચ એન્ડિંગના દિવસોમાં એટલા માટે સરખાવ્યા છે કે ચાર્ટર એકાઉન્ટન્ટ પાસે જઈને એની ખરાઈ કરવી પડતી હોય છે. સાચો સર્જક આવી ખરાઈનો ‘ખેપિયો’ છે. એ તમે જ તમારી જાતની મૂલવણી કરી શકો એવું જોમ પૂરું પાડે છે. આપણે ‘સારું’ કે ‘સાચું’ લગાડવામાં ‘લાગી’ ગયા છીએ. આપણને જ ખબર નથી કે આપણે આપણામાં ‘જમા’ છીએ કે ‘ઉધાર’?
હિસાબોના ચોપડા પરથી આખા વર્ષનું માળખું તૈયાર થતું હોય છે. સંબંધોના માળખાને તૈયાર કરવાની જરૂર નથી લાગતી આપણને. પ્રેમને મિલકતમાં ખપાવવો છે કે મિલકતને પ્રેમમાં એ તો જાત સાથે સંવાદ કરીને જ નક્કી કરવાનો સમય છે. ક્યારેક કાગળ ઉપર સાચા લાગતા સંબંધો વાસ્તવમાં કાચા નીકળતા હોય છે. ‘સફેદ’ ને ‘કાળા’ કરવાનો રિવાજ વાળમાં જ છે. ‘કાળા’ને ‘સફેદ’માં રૂપાંતરિત કરવા ‘એન્ટ્રી’ની તરકીબ અગત્યની હોય છે.
ઓન ધ બીટ્સ : તારે નામે ઉધાર છે, વર્ષોનું ચોમાસુ લખ.– મનહર મોદી.
લેખક: અંકિત ત્રિવેદી, “કળશ”, દિવ્ય ભાસ્કર, 14/03/2018