સરકાર
“સરકાર”
સરકારને કરોડો મોઢા હોય છે
પણ એક આત્મા હોતો નથી
સરકાર અવાજની માલિક છે
અને માલિકનો અવાજ છે
સરકાર વિચારો કરાવી શકે છે
સરકાર લેખકને લખવી શકે છે
ચિત્રકારને ચીતરાવી શકે છે
ગાયકને ગવડાવી શકે છે
કલાકારને કળા કરાવી શકે છે
એક હાથે તાળી પડાવી શકે છે
રવિવારને સોમવાર બનાવી શકે છે
નવી પેઢીને જૂની કરી શકે છે
પૈસા છાપી શકે છે, શ્વાસ ઉગાડી શકે છે
વીજળી વેચી શકે છે, ઈતિહાસ દાટી શકે છે
અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે
સરકારની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે
સમય ફરે છે, માણસ ફરે છે
યંત્ર ફરે છે, મંત્ર ફરે છે
પણ એક દિવસ
ગરીબની આંખ ફરે છે અને
સરકાર ફરે છે.
– ચંદ્રકાંત બક્ષી
(1977 માં લખાયેલી આ રચના આજે પણ એટલી જ યથાર્થ છે.)