તલસાટ
નથી મેડી તણા માણસ, નથી મે’લાતના માણસ,
અમે ટહુકા ભરેલા મ્હેંકતા ગહેકાટના માણસ.
જગા બે ગજ બને કાફી, સૂવા આખર સિકંદરને,
નથી જરના જમીનોના, અમે જજબાતના માણસ.
દરદની લઈ કલમ’ને વેદનાની સ્યાહીમાં બોળું,
કીધો જીવતર તણો કાગળ, અમે ગઝલાતના માણસ.
તરસ તો છે તરસ આખર, સનમની હો ખુદાની હો,
પીધાં છે ઝાંઝવાં અઢળક, અમે તલસાટના માણસ.
લઈને ભોમિયા ભમતા, ભલે ડુંગરને ખૂંદનારા,
નથી મંઝિલ, ન રસ્તાઓ, અમે રઝળાટના માણસ.
દિલેરીનો તમે પરચો અમારો ક્યાં હજુ ભળ્યો,
ધરી દઉં થાળમાં મસ્તક, અમે ખેરાતના માણસ.
અમે અમૃત નિતાર્યું છે વ્યથાને ઠારી ઠારીને,
ભીતર ભારેલ અગ્નિ પણ સદા મલકાટના માણસ.
ફૂલોના સાથમાં પણ ક્યાં હવે ખૂશ્બો મળે ‘હાકલ’,
નીચોવી લો જીગર, ટપકે, અમે પમરાટના માણસ.
– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’