ફાઈલનું સત્તરમું
એનું જોબનીયું ફાટ ફાટ થાય છે,
ઇ તો મનમાં ને મનમાં મુંજાય છે
એક ફાઈલને સત્તરમું જાય છે ! ! !
કેર કાંટો વાગે ને એમ એના હૈયામાં વાગે છે ટાંકણીનો કાંટો,
મનમોજી બોલપેનું ઉઘડી ઉઘડીને એને ગમ્મે ત્યાં ઉડાડે છાંટો,
આવી ઉમ્મરમાં આવું તો થાય છે, કોણ ક્યે છે કે છેડતી કરાય છે ?
એક ફાઈલને સત્તરમું જાય છે ! ! !
કો’ક દિવસ ઉઘડી એ અંગડાઇ લઈ લ્યે તો જોનારા થઈ જાતા આભા !
પ્રેમમાં જુવાનિયાઓ હોય ઇ તો સમજ્યા પણ અહિયાં તો નીકળે છે ભાભા !
કેવા કેવા લવલેટર પકડાય છે ?
આખું ઓફિસિયું ગામ ગાંડું થાય છે !
એક ફાઈલને સત્તરમું જાય છે ! ! !
આંબાની ડાળ જેમ કેરી ઝૂલે ને એમ અંગે અંગ ઝૂલે છે ક્વેરી !
એકા’દુ પગલું એ ભરવા માંગે ને ત્યાં તો આડા ઉતરે છે એના વેરી !
એક માણસનું તળિયું ઘસાય છે, એક પથ્થરમાં ડૂસકું અથડાય છે
એનું જોબનીયું ફાટ ફાટ થાય છે, ઇ તો મનમાં ને મનમાં મુંજાય છે
એક ફાઈલને સત્તરમું જાય છે ! ! !
– કૃષ્ણ દવે
One thought on “ફાઈલનું સત્તરમું”
વાહ