ઇદ-એ-મિલાદની સાચી ઉજવણી
“ઇદ-એ-મિલાદ”ના દિવસને આપ સૌ જાણો છો કે હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) ના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અગાઉના દિવસોમાં જે રીતે આ તહેવાર ઉજવાતો હતો તેના કરતા હાલના દિવસોમાં આ તહેવાર કંઇક જુદી રીતે જ ઉજવવામાં આવે છે. અત્યારે આ તહેવારના નામે જુદા જુદા શણગાર (લાઇટીંગ, સીરીઝ, ફુલ વગરે) પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને શણગાર પાછળ ઘણાબધા માનવકલાકોનો ઉપયોગ થાય છે. સામે પક્ષે ઘણાબધા માણસો નબળી આર્થિક પરીસ્થિતિને લીધે દવા કે શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતા નથી અને તેથી બિમારીમાં કણસે છે અથવા શિક્ષણ મેળવી શકતા નથી. મારા મતે આ બધો “ફીઝુલ (નિરર્થક) ખર્ચ” છે જે આપણા નબી હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) ને જરાપણ પસંદ ન હતો.
આપણા મોટા ભાગના મૌલવીઓ પણ આ વાત જાણે છે પણ તેનો “ધંધો” બંધ ન થાય તે માટે આ બધું કરવા દેવામાં આવે છે. અને કોઇ સાચી વાત કરે તો મૌલવીઓ એવું કહે છે કે “આને આપણા નબી પ્રત્યે આદર નથી અને તેમને (વહાબીની) અસર છે” (!) હકીકતમાં આપણા નબી (સ.અ.વ.) એ કે સહાબીઓએ સાથીઓએ પણ ક્યારેય જન્મદિવસની ઉજવણી કરી ન હતી.
જો આપણે ખરા અર્થમાં “ઇદ-એ-મિલાદ”ની ઉજવણી કરવી હોય તો અલ્લાહ ત્આલાએ આપણને મહંમદ પયગંબર (સ.અ.વ.) ના અનુયાયીઓ બનાવ્યા તેના માટે શુક્રિયાની બે રકાત નફિલ નમાઝ પઢવી જોઇએ, બેફામ ફીઝુલ ખર્ચ બચાવીને ગરીબોની આર્થિક મદદ કરવી જોઇએ અને માનવકલાકોને ભૌતિક વસ્તુઓના શણગાર પાછળ વેડફવાને બદલે જરૂરીયાતમંદ માણસોની સેવા કરીને તેમની જીંદગીને શણગારવી જોઇએ.
આપ સૌ ખરા અર્થમાં આ તહેવારની ઉજવણી કરશો એવી અપેક્ષા સાથે શુભેચ્છાઓ…..