સ્નેહથી પ્રેમ સુધી

સ્નેહથી પ્રેમ સુધી

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં,

ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં.

ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,

તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છો’ ? પુછાય નૈં.

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખુ તને.

ત્રણ ઘટનાઓથી આગળ કથા કંઈ જાય નૈં.

હુંય એ જાણું જ છું કે બધું જાણે જ છે,

તુંય એ જાણે જ છે કંઇ બધું કહેવાય નૈં.

એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-

એ તૂટી જવાના ડરથી સ્પર્શ પણ કંઇ થાય નૈં.

એક દિ’તું આ નજરથી દૂર થઇ જાશે અને,

હું કહી પણ ના શકી કે કંઇ મને દેખાય નૈં.

મહેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં-

એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈં

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે?

આ બધું કહેવાય નૈં, સહેવાય નૈં, સમજાય નૈં.

– રિષભ મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *