રાજકીય પક્ષ કે નેતાની વ્યક્તિગત ભક્તિ રાષ્ટ્રદ્રોહ છે: રૂઝવેલ્ટ
રાજકીય પક્ષ કે કોઈ નેતાનું ઝનૂન નાગરિકોના માથા ઉપર ભમવા લાગે તે રાષ્ટ્ર માટે ખતરનાક
થિયોડોર રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં તેમણે વિવિધ રાજકીય જવાબદારી નિભાવી હતી. રાજકારણમાં તેમણે પ્રવેશ કર્યો અને પ્રથમ વખત ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય બન્યા તે વખતે ૧૮૮૩માં તેમને આ ભાષણ આપ્યું હતું. એ સમયે તેમની વય હતી માત્ર ૨૫ વર્ષ.
એ ઉંમરે તેમણે નાગરિકની ફરજો બાબતે ઊંડું ચિંતન રજૂ કર્યું હતું. ભાષણમાં તેમણે અમેરિકન નાગરિકોને નાગરિક-રાજકીય ફરજો પરત્વે જાગૃત થવાની હાકલ કરી હતી. એ ભાષણ પછી તો ઓલટાઈમ ગ્રેટ વક્તવ્યોમાં સ્થાન પામ્યું હતું. તેમણે કહેલી વાત એટલી અસરકારક હતી કે લોકશાહીમાં દરેક દેશના નાગરિકને એ એક સરખી રીતે લાગું પાડી શકાય તેમ હતી.
પ્રથમ વખત એસેમ્બલીમાં સભ્ય બન્યા ત્યારે જ તેમણે આવા વિચારો રજૂ કરીને તેમની લાંબી અને ઉજ્જવળ રાજકીય કારકિર્દીનો સંકેત આપી દીધો હતો. તે પછી તો રૂઝવેલ્ટ ન્યૂયોર્કના ગવર્નર બન્યા, અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટના પદ સુધી પહોંચ્યા અને ૧૯૦૧થી ૧૯૦૯ દરમિયાન બે ટર્મ સુધી અમેરિકાના પ્રમુખ પણ બન્યા.
નાગરિકોની ફરજો બાબતે થિયોડોર રૂઝવેલ્ટે 1883માં આપેલા ભાષણનો સારાંશ
જવાબદાર નાગરિક બનવા માટે સૌપ્રથમ તો માણસ તરીકેના સદગુણો હોવા જોઈએ. જવાબદાર પિતા, જવાબદાર પતિ કે જવાબદાર પુત્ર બન્યા વગર જવાબદાર નાગરિક બની શકાય નહીં. જે માણસ સ્ત્રી અને પુરુષ પ્રત્યે પ્રામાણિક-જવાબદારીભર્યું વર્તન કરતો નથી તે સારો નાગરિક ન બની શકે. મિત્રો તરફ વફાદાર ન રહે, દુશ્મનો કે ટીકાકારો તરફ નિડર ન રહે તે સારો નાગરિક ન બની શકે. જેની પાસે ભલું હૃદય નથી, જેની પાસે વિચારશીલ દિમાગ નથી, જેની પાસે સ્વચ્છ-નિરોગી શરીર નથી તે સારો નાગરિક બનવા સક્ષમ નથી.
જે માણસમાં આ બધા ગુણોનો અભાવ હશે અને ઘરેલું જીવન અસ્તવ્યસ્ત હશે તે ક્યારેય રાષ્ટ્રધર્મ નિભાવી શકશે નહીં. આવા નાગરિકો દુનિયામાં દેશને વૈચારિક રીતે એકલું પાડવાનું કામ કરશે. લોકશાહીમાં આદર્શ નાગરિક એ છે કે જે દેશના રાષ્ટ્રધ્વજ માટે હથિયાર સુદ્ધાં ઉઠાવી શકે અને એ જ જુસ્સાથી પોતાના સંતાનોના પાલન માટે આકરી મહેનત પણ કરી શકે.
દેશના નાગરિકોમાં લડવૈયાઓ અને શાણા માણસોનો સમન્વય હોવો જોઈએ. એક આદર્શ નાગરિકમાં એક લડવૈયો જીવતો હોવો જોઈએ અને એ જ રીતે એના હૃદયમાં એક પાલક-રક્ષક પણ જીવંત રહેવો જોઈએ.
જો એવું નહીં થાય તો દેશનું ડહાપણ નિરર્થક જશે, સદગુણો બિનઅસરકારક રહેશે. જો નાગરિકોમાં આવા ગુણો નહીં હોય તો એ માધુર્ય વગરની મીઠાઈ, સમજદારી વગરના પ્રેમ, સૌંદર્ય વગરની કળા જેવું થશે. દેશ હશે પણ દેશનો આત્મા એમાં નહીં હોય. મહાન રાષ્ટ્રનું નિર્માણ નાગરિકોના સદગુણો અને પરાક્રમ વગર શક્ય નથી.
દેશનો એકેએક નાગરિક તેમની નાગરિક ફરજોમાં સ્પષ્ટ હોવો જોઈએ, જવાબદાર હોવો જોઈએ, તેના ભાગે આવેલી તમામ ફરજ નિભાવતો હોવો જોઈએ. દેશની જરૂરિયાત પ્રમાણે રાજકીય સમજ વિસ્તારીને તે પ્રમાણે સાચા-ખોટાનો નિર્ણય કરી શકતો હોવો જોઈએ. તે માટે પૂરતો સમય આપીને નાગરિક ફરજ નિભાવતો હોવો જોઈએ.
બિઝનેસ, નોકરી, આનંદ પ્રમોદના બહાને નાગરિક તેમની રાજકીય ફરજોને નજર અંદાજ કરી શકે નહીં. લોકતંત્રમાં દરેકે દરેક વ્યક્તિને રાજકીય સમજ હોવી જરૂરી છે. લોકશાહી નાગરિકની રાજકીય સમજદારીના પાયા ઉપર નભેલી છે, એટલે જો નાગરિકો પોતાની આસપાસની રાજકીય સ્થિતિથી બેપરવા રહેશે તો લોકશાહી ઉપર ગંભીર ખતરો આવી પડશે.
સરેરાશ નાગરિકો જો બહાનાબાજી કરીને નાગરિક ફરજો, રાજકીય ફરજો ભૂલી જશે તો એ આપણી આઝાદી માટે લડનારા લડવૈયાઓનું અપમાન છે. આપણે સ્વતંત્રતા મળે એ માટે પોતાના જીવનું જોખમ વેેઠનારા મહાન વ્યક્તિત્વોનું અપમાન કરનારા આવા નાગરિકોને ક્યારેય રાષ્ટ્રએ માફ ન કરવા જોઈએ. આવી નાગરિક ફરજોમાંથી પલાયન થનારાને ક્યારેક માફ પણ કરી શકાય, પરંતુ એવું વારંવાર કરનાર ક્યારેય ક્ષમાપાત્ર બનવો જોઈએ નહીં.
દેશમાં શાંતિનો સમય ચાલતો હોય ત્યારે યુવાનો આનંદ પ્રમોદ કરવા હકદાર છે, પણ એ શાંતિનો સમય તો જ આવશે કે જો એ જ યુવાનો તેમની નાગરિક ફરજોનું પાલન કરશે. નાગરિક અધિકાર માનીને શ્રેષ્ઠ ઉમેદવારને મત આપવો એ પણ રાષ્ટ્રધર્મ છે.
દેશમાં શાંતિ, સલામતિ, સુરક્ષા, પ્રેમ, ભાઈચારો લાવવા કટિબદ્ધ હોય એવા ઉમેદવારને મત આપીને દરેક નાગરિકે તેમનો રાષ્ટ્રધર્મ બજાવવો જોઈએ. મહેનત વગર કંઈ પણ હાંસલ થતું નથી એ દરેક નાગરિકે સમજવું પડશે. પ્રયત્નો વગર કષ્ટ વગર આઝાદી લાંબો વખત ટકતી નથી. સંઘર્ષ કર્યા પછી જે આઝાદી મળી છે તેને આકરી મહેનતથી ટકાવી રાખવી પડે છે.
કોઈ સફળ બેંકર, સફળ વકીલ, સફળ એન્જિનિયર, સફળ ડોક્ટર કે પછી કોઈ પણ સફળ માણસ એમ કહે કે તેની પાસે રાજકારણ માટે સમય નથી, એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે આઝાદ દેશમાં રહેવા અયોગ્ય છો. આવા નિષ્ક્રિય લોકોને અસફળ-ભ્રષ્ટ રાજકારણીઓ વિશે કશું ય કહેવાનો અધિકાર નથી. આવા લોકો નિષ્ક્રિય રહે છે એટલે જ અયોગ્ય ઉમેદવારો ચૂંટાઈ જાય છે અને યોગ્ય ઉમેદવારોને હાર ખમવી પડે છે.
તો, રાજકીય જાગૃત્તિ કેળવવી તે નાગરિકોની પ્રથમ ફરજ છે. વ્યવહારુ કામ કરીને દેશને ઉપયોગી થવું તે નાગરિકની બીજી ફરજ છે અને તેની ત્રીજી ફરજ એ છે કે તે ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતોને અનુરૂપ વર્તન કરે. દેશના કાયદાને સન્માન આપે. રાષ્ટ્રધર્મ ને પોતાના પક્ષની નિષ્ઠામાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય ત્યારે જો બીજી વખત વિચારવું પડે તો સમજજો કે તમારામાં એક નાગરિકના ગુણો કેળવવામાં કંઈક કચાશ રહી ગઈ છે. રાષ્ટ્ર હંમેશા પ્રથમ સ્થાને રહે એ જ નાગરિકનો મૂળભૂત ગુણ હોવો જોઈએ.
જાહેર જીવનમાં સક્રિય નાગરિકો જ્યારે નેતા બને છે ત્યારે તેમના માટે ય એવા ઘણાં પ્રસંગો આવતા હોય છે જ્યારે રાષ્ટ્રહિતને થોડીવાર બાજુમાં રાખે તો અઢળક ફાયદો મળતો હોય, પરંતુ એ નેતામાં સાચો નાગરિક જીવતો હશે તો એ અંગત હિતો માટે રાષ્ટ્રને ક્યારેય સંકટમાં નહીં મૂકે.
હું નથી માનતો કે દરેક શહેર-ગામડાંનો નાગરિક દરેક મુદ્દે પોતાની ગમતી પાર્ટી કે નેતાનો સમર્થક હોય, એવું શક્ય જ નથી. મુદ્દા પ્રમાણે તેની વિચારધારા બદલે છે અને એ બદલતી વિચારધારા જ લોકશાહીનું લક્ષણ છે. જ્યાં સુધી વિચારોમાં આટલી અસમાનતા બરકરાર છે, ત્યાં સુધી લોકશાહીને કોઈ ખતરો નથી એ વાત નક્કી માનજો!
વેલ, નાગરિક ધર્મની સાથે સાથે માણસ માટે રાજકીય કાર્ય પણ મહત્વનું હોય છે, નાગરિકની રાજકીય વિચારધારા પણ અગત્યનો ભાગ ભજવે છે. એક તરફ લોકશાહીના ઉચ્ચ મૂલ્યો સ્થાપિત રાખવાની ફરજો છે તો બીજી તરફ લોકશાહી જેના માધ્યમથી રહેવાની છે તે પાર્ટી, નેતાઓ તરફની વફાદારી અને પછી પોતાની મહાત્વાકાંક્ષા પણ સામે આવતી રહેશે.
એમાં એક હદ સુધી વાંધો ય નથી, જ્યાં સુધી એની લત લાગી ન જાય ત્યાં સુધી એમાં કોઈ બુરાઈ આવશે નહીં, પણ જે પળે કોઈ રાજકીય પક્ષ કે નેતાનું ઝનૂન માથા ઉપર ભમવા લાગશે ત્યારે એ રાષ્ટ્ર માટે ખતરનાક છે એ સમજી લેવું હિતાવહ છે. નહિંતર હંમેશા માટે મોડું થઈ જશે. નાગરિકે જ્યારે પક્ષ અને રાષ્ટ્ર એમ બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હશે ત્યારે કોઈ એકનો ત્યાગ કરવો પડશે અને રાષ્ટ્રના ભોગે નેતા કે પક્ષનો ત્યાગ કરવો વધુ ડહાપણભર્યું પગલું ગણાશે.
ગમતા પક્ષની કે ગમતા નેતાની ટીકાને સહન કરી શકો, એ ટીકામાં રાષ્ટ્રધર્મ છુપાયેલો છે એ વાત સમજી શકો તો સમજવું કે તમે જવાબદાર નાગરિક છો, તમારી હયાતિથી તમારું રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે. જો એવું નથી તો સમજવું કે તમે એક નાગરિક તરીકે રાષ્ટ્રને અંધારાની ખીણમાં ગરકાવ કરવામાં ભાગીદાર થઈને રાષ્ટ્રદ્રોહ જ નહીં, પરંતુ માનવતાનો ય દ્રોહ કરી રહ્યા છો.
ખરો રાષ્ટ્રધર્મ એ છે કે નાગરિક પ્રામાણિકપણે વિવિધ બાબતો પર સવાલ કરે. દેશની ઈકોનોમી, દેશનો કરવેરો, દેશની રાજકીય સ્થિતિ, શિક્ષણ, પ્રાથમિક સવલતો જેવા મુદ્દે સત્તાધારી પક્ષોને સવાલ કરે, સત્તામાં આવવા મથતા પક્ષોને ય સવાલ કરે.
તેમની નીતિઓ જાણે, તેમના ભવિષ્યના આયોજન જાણે અને એમાંથી સમયની જરૂરિયાત પ્રમાણે દેશહિતમાં નિર્ણય લઈ શકે એ સાચો રાષ્ટ્રપ્રેમી નાગરિક ગણાય. ચૂંટણી પહેલાં માત્ર રાજકીય હેતુ માટે દેશના સર્વોપરી હિતો સાથે બાંધછોડ કરવાનો અધિકાર ન તો નાગરિકોને છે કે ન તો નેતાઓને છે.
હું એવા કેટલાય યુવાનોને ઓળખું છે, જેમણે સત્યને ઉજાગર કરવા માટે રાજકીય કર્તવ્યને જતું કર્યું છે. સંગઠનમાં ઉપેક્ષિત થઈને ય દેશના હિતમાં જે તથ્યો છે તેને મહત્વ આપ્યું છે. આવા યુવાનોને ભલે તુરંત રાજકારણમાં ફાયદો મળતો નથી, પરંતુ લાંબાંગાળે આવા લોકોના કારણે જ રાજકારણ શુદ્ધ થાય છે અને સરવાળે દેશની શાસનપદ્ધતિ સ્વચ્છ અને શુદ્ધ થશે.
આવા નાગરિકો અન્ય નાગરિકોને પ્રેરણા આપે છે અને તેના કારણે જે તે શહેરમાં, રાજ્યમાં, દેશમાં એક સમજદાર નાગરિકોનો સમૂહ તૈયાર થાય છે. એ જ નાગરિકો દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. એ જ નાગરિકો દેશના મૂલ્યોને સ્થાપિત કરે છે. એ જ નાગરિકો દેશને વિશ્વમાં સફળતાના શિખરે બિરાજમાન કરીને ઉદાહરણરૂપ બનાવે છે.
આપણે સૌ એવા નાગરિક બનીશું તો દેશનું ગૌરવ વધશે. આપણું ગૌરવ વધશે.
હું ઈચ્છીશ કે વધુને વધુ જવાબદાર નાગરિકો રાજકારણમાં સક્રિય થાય. રાષ્ટ્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે; રાષ્ટ્રને બહેતર બનાવવા માટે બૂલંદ હૌસલાથી કામ કરે. જે રીતે તેમના પૂર્વજોએ રાષ્ટ્રના સૈન્યમાં જોડાઈને એક સમયે દેશને સુરક્ષિત કરવામાં, આઝાદ કરવામાં કુરબાની આપી હતી એ જ રીતે નવયુવાનો રાષ્ટ્રને સર્વોચ્ચ સત્તા બનાવવામાં યથાશક્તિ યોગદાન આપે.
દરેક નાગરિક પોતાના હિસ્સામાં આવતું કાર્ય સારામાં સારી રીતે પાર પાડવા લાગે ત્યારે સમજવું કે રાષ્ટ્ર સર્વોચ્ચ શિખરે બિરાજવાની તૈયારીમાં છે. નાના પાયે શરૂઆત કરો. પરિશ્રમ વગર બધું મળી જશે એવી અપેક્ષા રાખવાનું બંધ કરો.
તમે ભ્રષ્ટાચારનો નાશ કરવા ઈચ્છો છો તો તમે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું બંધ કરો. જો તમે દેશમાં ચાલતા ભ્રષ્ટાચારથી, અસુવિધાથી ત્રસ્ત છો તો પહેલાં પોતાના જિલ્લાને સુધારવાનું શરૂ કરો. નાના પાયે થયેલી શરૂઆત તમારી નજર સામે વિસ્તરશે અને તમે રાષ્ટ્રને જેવું બનાવવાનું ધાર્યું હશે એવું ખરેખર બનવા લાગશે, તમારી નજર સામે.
જો તમે જવાબદાર નાગરિક છો તો તમે તમારી આસપાસ રહેતા તમારા જેવા જવાબદાર નાગરિકોને શોધો. તેમની સાથે સંવાદ કરો. તેમની સાથે મળીને તમારાથી શક્ય હોય એવી કંઈક એક્ટિવિટી શરૂ કરો. જો તમારા વિસ્તારમાં પહેલેથી જ કોઈ એક્ટિવિટી ચાલતી હોય તો સહભાગી બનો અને એમાંથી કંઈક એવું થશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.
એસેમ્બલીમેન, મેયર, ગવર્નર કે પ્રમુખ બનતા પહેલાંની આ પૂર્વતૈયારી નાગરિક માટે, જે તે વિસ્તાર માટે અને રાષ્ટ્ર માટે ખૂબ ઉપયોગી બનશે. એનાથી રાષ્ટ્ર માટે બહેતન કાર્ય કરવાનું તમને બળ મળશે. તમારા શરૂઆતના પ્રયાસો કદાચ નિષ્ફળ જશે, પરંતુ જો તમારા વિચારોમાં સ્પષ્ટતા હશે, તમારા પ્રયાસો સાચી દિશામાં હશે અને સારા માટે હશે તો અંતે એમાં સફળતા ચોક્કસ મળશે.
દરેક પ્રદેશમાં જવાબદાર, પ્રામાણિક નાગરિકોનું આવું એક સંગઠન હશે તો ય તેની અસરકારકતા ઘણી વધારે હશે. આવા એકાદ હજાર જવાબદાર નાગરિકો સમય આવ્યે દેશહિતમાં વિચારતા હશે તો તેને અવગણવાનું સ્થાનિક સત્તાધિશો માટે ય કપરું હશે. એ લોકો તમારી વાત સાંભળશે અને એમાંથી સાર લઈને સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરશે.
અન્યાયી પદ્ધતિ હશે તો એમાં ફેરફાર કરવાની તેમને ફરજ પડશે. નાના પાયે થયેલો એ ફેરફાર ધીમે ધીમે આખા રાષ્ટ્રમાં પરિવર્તન લાવવામાં નિમિત્ત બનશે. તમારી જાગૃતિના કારણે ભ્રષ્ટાચારીઓમાં અંદરથી ભય પેદા થશે અને જો એવું થયું તો સમજો કે જાગૃત, પ્રામાણિક, જવાબદાર નાગરિક તરીકે એ તમારો સૌથી મોટો વિજય હશે અને એ વિજય માત્ર તમારા એકલાનો વિજય નહીં હોય, સમગ્ર રાષ્ટ્રનો એમાં વિજય થયો ગણાશે.
તમે સિસ્ટમમાં બેસેલા એવા લોકો સામે પડકાર ખડો કરો જે ભ્રષ્ટાચારી છે, તમે એવા લોકો સામે પડકાર ઉભો કરો જે નીંભર છે, તમે એવા લોકોને પડકાર ફેંકો જે બેદરકાર છે, તમે એવા લોકોનો સામનો કરો જે માત્ર પોતાનું હિત જુએ છે, તમે એવા લોકોને પડકારો જે આળસુ છે, તમે એવા લોકો સામે પડકાર ખડો કરો જે પોતાનું કર્તવ્ય બરાબર કરતા નથી.
સરકારીતંત્રમાં બેસેલા આવા લોકોને ઓળખો, તેમનાથી ડર્યા વગર તેમની સામે લડત આપો, શંકાથી તેમને સવાલો પૂછો, તમારા સવાલોના સંતોષકારક ઉત્તરો ન મળે ત્યાં સુધી પીછેહઠ ન કરો, તમારી લડત રાષ્ટ્રને બહેતર બનાવવાની છે અને એમાં અવરોધ ઊભો કરતા લોકોને ઓળખો, સરકારમાં બેસેલા સારા માણસો એમાં ચોક્કસ તમારી મદદ કરશે. ક્ષમતા અનુસાર લડત ચલાવો, પોતાનું કર્તવ્ય પૂરું થાય એવા તમામ પ્રયાસો કરો. એમાં કોઈ શંકા નથી કે રાષ્ટ્ર માટે આવું સાહસ કરનારા નાગરિકો પ્રશંસાને પાત્ર બનશે.
રૂઝવેલ્ટના સદાબહાર ક્વોટ્સ
– ઉકેલની આશા વગર થતી ફરિયાદો બળાપાથી વિશેષ કશું જ નથી.
– તમે સમસ્યા તરફ કેટલા ચિંતિંત છો એ વાત લોકો નહીં જાણે ત્યાં સુધી કોઈને એવી પરવા નહીં હોય કે તમે કેટલા વિદ્વાન છો.
– નિષ્ફળતા પચાવવી ખૂબ કપરી છે, પરંતુ સફળતાની કોશિશ જ ન કરવી તે એનાથી ય વધુ ગંભીર છે.
– ‘તમે એ કરી શકશો’ એવો વિચાર જો તમને આવે તો સમજવું કે અડધી સફળતા મળી ગઈ છે.
– એક જ માણસથી દુનિયામાં કોઈ ભૂલ થતી નથી, જે ક્યારેય કશું કરતો નથી!
– તમારી નજર સિતારા ઉપર ટેકવી રાખો અને તમારા પગ હંમેશા જમીન ઉપર!
– રાઈફલ ચલાવતા હોય એવી સજ્જતાથી મત આપો અને પછી જુઓ તેનું કેટલું અસરકારક પરિણામ મળે છે
– જ્યારે તમે રમતા હોય ત્યારે પૂરું મહેનત કરીને રમવામાં ધ્યાન આપો, પણ જ્યારે તમે કામ કરો ત્યારે રમવાનું જરા સરખો પણ વિચાર ન કરો.