​સત્ય સમજાયું

​સત્ય સમજાયું

અલ્પેશ ઓ.એન.જી.સીમાં ઑફિસર હતો. જેથી તેની પત્ની આશાને બીજા કરતાં મોટા દેખાવવાનો શોખ બહુ જ હતો. જે અલ્પેશને લેશમાત્ર પસંદ ન હતું. જેના લીધે ઘણીવાર બંનેની વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થતી હતી. તે વાત વાતમાં કહેતી પણ ખરી કે, ‘શું ધોઈ પીવાના તમારા આ રૂપિયાને ? તમારા કરતાં તો પેલા પટાવાળાના બૈરાં-છોકરાં સારી રીતે રહેતા હોય છે. તમે તો સાવ કંજૂસ છો.’

‘તું મને એ બતાવ કે તમને ખાવા-પીવા, કપડાંમાં ક્યાં તકલીફ છે ? પરંતુ હા જરૂર હોય તો પાંચના દસ ખર્ચો પરંતુ બીનજરૂરી તો એક રૂપિયો પણ નહીં ખર્ચવાનો.’ 
‘હા પેપરવાળો પાંચ વધારે લઈ ગયો તે કંઈ વાંધો નહીં અને રાત્રે હોટલમાં વેઈટરને ટીપના દસ રૂપિયા આપી દીધા.’ 
‘બિચારા તે લોકોને ઓછી આવકમાં ઘર ચલાવવાનાં હોય છે.’ 
‘એ બધા બિચારા અને ઘરના વ્યક્તિની કોઈ ગણતરી જ નથી.’ 
‘આમાં ગણતરીનો નહીં પણ મોટા શો-રૂમમાં સાડીના બસો વધારે આપી અને દાતણ કે શાકભાજીવાળાને એક રૂપિયો ઓછો આપ્યાનું ગૌરવ લેતાં હોવ છો તેનો સવાલ છે.’
રોજે રોજની આ કામ વગરની વ્યર્થ ચર્ચાથી અલ્પેશને કંટાળો આવતો હતો. તેને મન એક-એક રૂપિયાનું મહત્વ હતું, પરંતુ આ બધું સમજાવું કેવી રીતે તે વિચારતો હતો અને નક્કી કર્યું કે, મારી ડાયરીમાં આત્મકથા લખીને આશાને વંચાવવી કદાચ તેનામાં પરિવર્તન આવી શકે અને પોતાના બાળપણમાં ખોવાઈ ગયો. 
પિતાની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હતી. છતાં ગામમાં સાહેબના કહેવાથી કે અલ્પેશ ભણવામાં હોશિયાર છે તો પેટે પાટા બાંધીને પણ તમો ભણાવજો અને બા-બાપુજીએ મને દસમા ધોરણમાં સાયન્સ રખાવ્યું અને એક દૂરના સગા શહેરમાં રહેતા હતા ત્યાં તેમના ઘેર રહેવાની વ્યવસ્થા કરી આપી. તે પણ એકલા રહેતા હતા. શામજીકાકા મિલમાં નોકરી કરતા અને એકલા રહેતા હતા. સ્વભાવે સારા હતા.
બાપુજી જ્યારે મને પહેલા દિવસે મૂકવા આવ્યા ત્યારે ઉનાળાની ગરમીમાં ડામરના રોડ પર પોતે ખુલ્લા પગે ચાલતાં મને નવા સ્લીપર લાવી આપેલા. તે પહેરીને હું ચાલતો હતો. મેં તેમને પહેરવા કીધું તો કહેતા, ‘દીકરા આ તો મારા લાવેલા છે. તું ભણી-ગણીને અને સારું કમાયા પછી નવા લાવી આપજે.’ અને હસી પડ્યા હતા. શામજીકાકાને હવાલે સોંપીને ગામડે જતાં-જતાં તેમને કહેતા ગયેલા, ‘તેને ભણાવીને કેળવજો.’
મને ચા જ બનાવતાં આવડતી. સવારે વહેલા ઊઠી જમવાનું બનાવવામાં મદદ કરતો. કપડાં, વાસણ મારે કરવાનાં. જમવાનું બનાવતાં પણ શીખી ગયો. ટ્યૂશન વગર પણ સારા ટકે પાસ થયો.
હવે ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સમાં ટયૂશન વગર સારા ટકા ન જ આવી શકે તેવો અમારી શાળાના સ્ટાફે માહોલ ઊભો કરેલો. શાળાના શિક્ષક સિવાય બીજે ટ્યૂશન જાઓ તો પણ તમારે વારંવાર અપમાનિત થવાની તૈયારી રાખવી પડે. હું વર્ગમાં ખૂબ જ ધ્યાન રાખતો છતાં ઘણી બધી વસ્તુનો મને ખ્યાલ જ આવતો ન હતો. 
છેલ્લાં બે વર્ષથી વરસાદ પણ સારો થયો ન હતો. એટલે બાપુજીને તો ટ્યૂશનની વાત જ કરવી ન હતી. શામજીકાકાને એક રાત્રે મેં કહ્યું, ‘કાકા મારે ટ્યૂશન રાખ્વું પડશે તેમ લાગે છે. પણ ટ્યૂશન ફી લાવવાનો મોટો પ્રશ્ન છે. તમે મને કંઈ કામ અપાવો.’ શરૂઆતમાં તો તેમને મદદ કરવાની વાત કરી, પરંતુ જ્યારે ખબર પડી કે ટ્યૂશન ફી ઘણી વધારે હોય છે. ત્યારે તેમણે મને દુઃખ સાથે પૂછ્યું.
‘અલ્પેશ એક કામ છે. પણ સવારે વહેલા ઉઠવું પડે તેવું છે.’ 
‘કાંઈ વાંધો નહીં કાકા…’ અને તેમણે મને પેપરના એજન્ટનો સંપર્ક કરાવી આપ્યો. દરરોજ સવારે ત્રણ વાગે ઉઠીને પેપર લઈ તેમાં જાહેરાતના કાગળ ગોઠવવાના અને સાઈકલ લઈને ઘેર-ઘેર નાંખવા જતો. રોજે રોજ મળતા પૈસાથી ટ્યૂશન રખાવવાની તૈયારી કરી. 
મેં અમારા ભૌતિકશાસ્ત્રની શિક્ષકને શાળામાં ટ્યૂશન માટે વાત કરી તો મને તેમના ઘેર મળવા બોલાવ્યો. હું ઘરે મળવા ગયો ફીની વાત થઈ તો એકપણ રૂપિયો ઓછો નહીં ચાલે અને પહેલાં પૈસા હોય તો જ ટ્યૂશનમાં ચાલુ થવાની વાત કરજે. મેં તેમને વિનંતી કરી થોડા રૂપિયા હજુ પણ ખૂટતા હતા.
તેમણે કહ્યું કે, ‘પરિણામ પછી કોઈ રૂપિયા આપવા આવતા નથી.’ 
હવે હું બીજા કામની શોધમાં લાગ્યો તો શહેરમાં જ એક મોટી હોટલમાં વેઈટર તરીકે કામ કરવાનું નક્કી કર્યું. જે રાત્રીના સમય માટે કામ મળ્યું. સવારે વહેલા ઉઠતો રાત્રિના દસ વાગતાં હું થાકી જતો. સવારે ઉઠવામાં મોડું થાય અને પેપર મોડું પહોંચે તો ગ્રાહક બૂમાબૂમ કરતાં અને પૈસા કાપી લેવાની વાત કરતાં ત્યારે હું એકલો એકલો રડી પડતો. મારે લાચાર કે કોઈના દયાપાત્ર બનવું ન હતું. મારા સ્વમાનના ભોગ જ આગળ વધવું હતું.
શાળામાં મોડું થાય કે નાની સરખી ભૂલ થાય તો પણ વાત વાતમાં સાહેબ અપમાનિત કરતા. કારણ કે મારે ટ્યૂશન ન હતું. એક દિવસ પ્રેક્ટિકલમાં ગ્રાફબુક વગર ગયો. સાહેબે મને ગ્રાફબુક લઈને જ વર્ગમાં આવવા કહ્યું. હું બહાર નીકળી ખૂબ જ રડ્યો. મારી પાસે તે લાવવા પૈસા ન હતા અને બે દિવસ શાળામાં પણ ન ગયો. 
બીજા દિવસે રાત્રે અમારા શાળાના શિક્ષક રાત્રે ફેમિલી સાથે હોટલમાં પ્રવેશ્યા. મેં તેમને જોયા હું ખચકાયો પણ ઓર્ડર લેવા માટે મારા સિવાય કોઈ જ ન હતું. તેમના દીકરાની બર્થ ડે હતી. બધાં આનંદિત હતાં. 
મેં ટ્રેમાંથી ગ્લાસ મૂક્યા, નજર નીચે રાખી બોલ્યો, સર ‘ઓર્ડર લખાવો’ મને જોતાં જ સાહેબ બોલ્યા, ‘અરે ! અલ્પેશ તું ?’ 
‘હા, સાહેબ હું અહીં ઘણા સમયથી રાત્રિના ચાર કલાક આવું છું.’ 
જમ્યા પછી તેમને બીલ ચૂકવી દીધા પછી સો રૂપિયા ટીપ માટે મૂકીને બહાર નીકળી ગયા. મેં જોયું હું દોડતો પાછળ ગયો અને સો રૂપિયા પાછા આપી કહ્યું, માત્ર એક રૂપિયો આપો ચાલશે. સાહેબના દીકરાએ સો રૂપિયાની નોટ લઈ લીધી અને તેના ખિસ્સામાંથી રૂપિયાનો સિક્કો મારા હાથમાં મૂક્યો ત્યારે સાહેબ પણ ગળગળા થઈ બોલ્યા,
‘તું જેના હાથમાં રૂપિયો મૂકે છે તે બાર સાયન્સનો વિદ્યાર્થી પોતાના પગ પર ભણનાર છે.’ અને હું ખૂબ રડી પડ્યો જ્યારે તેમને ખબર પડી કે હું ભણવા માટે વહેલા ઉઠીને પેપર નાંખવા પણ જાઉં છું ત્યારે તેમની આંખના ખૂણાં પણ ભીના થઈ ગયા હતા.
બીજા દિવસથી મને બોલાવીને કહી દીધું, ‘આજથી હવે તારે પેપર નાંખવા કે હોટલમાં નોકરી કરવાની નથી. તારી ટ્યૂશન ફી માફ જા. તારે મને પહેલાં વાત કરવી જોઈએ ને.’
ત્યારે હું માત્ર એટલું જ બોલી શક્યો હત, ‘ના સર. મારે ફી માફ નથી કરાવવી. હું મારી સગવડે તમને આપીશ, બસ મને એટલી સગવડ કરી આપો.’ પછી મન મૂકીને ભણવામાં લાગી ગયો. સેન્ટર ફર્સ્ટ આવ્યો. સૌ પ્રથમ તે સાહેબના આશીર્વાદ લઈને પછી ગામડે ગયો. મિકેનીકલ એન્જિનિયરિંગમાં એડમીશન મેળવી આજે ભણી આ હોદ્દા માટે લાયક બન્યો છું.
ઓ.એન.જી.સી.માં નોકરી મળ્યા પછી તો વર્ષો ક્યાં પસાર થયાં ખબર જ ના પડી. દેહરાદૂનથી બદલી થઈને અમદાવાદ આવવાનો આનંદ ખૂબ જ હતો. 
આજે પૈસાની કોઈ વાતે ખોટ ન હતી, પરંતુ તેથી તેનું મૂલ્ય ઘટી જતું નથી. બા-બાપુજીને જરૂરી પૈસા મોકલી આપતો અને તેમને ક્યારેય પૂછતો નહીં કે તમે શું કર્યું ? જ્યારે પોતાના માટે ક્યારેય પણ ખોટો ખર્ચ ન કરતો.
પોતાની ડાયરીમાં આ પ્રકારનું લખાણ લખી. તે જ્યારે બા-બાપુજી પાસે ગામડે ગયો ત્યારે આશાના હાથમાં આવે તે રીતે મૂકતો ગયો.
અને બન્યું પણ એવું જ કે, આશાએ આ ડાયરીનું લખાણ વાંચી લીધું. તેને અલ્પેશના ભૂતકાળથી વાફેક થયા પછી સાચા અર્થમાં માન થવા લાગ્યું અને મનોમન અલ્પેશને માફી માંગી લેવાનું વિચારતી હતી ત્યાં ડોરબેલ વાગી. દરવાજો ખોલ્યો તો એક વડીલ જેવા લાગતાં કાકા સાથે ચાર છોકરા હતા. તેમને અલ્પેશને મળવું છે તેમ જણાવ્યું. તેમને બેસાડી પાણી આપ્યું અને શું કામ છે? તેમ પૂછતાં વડીલે જણાવ્યું, 
‘હું આપણી સમાજની હોસ્ટેલ છે તેનો ગૃહપતિ છું અને આ ચાર વિદ્યાર્થી છે. જેમને અલ્પેશભાઈએ દત્તક લઈને પાંચ વર્ષથી ભણાવવાની જવાબદારી નિભાવે છે. આ બાળકોએ અલ્પેશભાઈને જોયા પણ નથી અને અલ્પેશભાઈએ પણ આ બાબત ગુપ્ત રાખવાનું જણાવેલ છતાં જ્યારે બે બાળકોને એન્જીનીયરીંગમાં એડમીશન મળી ગયું છે જેથી મીઠાઈ આપવા અને તેમના આશીર્વાદ લેવાનો આગ્રહ કરતાં મારે તેમને અહીં લાવવા પડ્યા છે અને આ પહોંચ તેમને આપી દેજો. અમે ફરીવાર આવીશું.’ કહી નીકળી ગયા.
આશાએ પહોંચમાં જોયું તો, એકાવન હજાર રૂપિયાના દાનની પહોંચ હતી. આ વાંચતા અને થોડીવાર પહેલાં જ વડીલે કરેલ વાતથી આંખમાં આંસુ આવી ગયાં. જે પોતાના માટે ભલે એક પાઈ પણ ખોટી નથી વાપરતો, પરંતુ બીજા માટે ઉદાર હાથે દાન આપનારને કાયમ કંજૂસ કહેતી. તેને મનોમન પસ્તાવો થવા લાગ્યો અને અલ્પેશની માફી માંગી મનને હળવું કરવા માટે તેના આવવાની રાહ જોવા લાગી.
અલ્પેશને ઘરમાં દાખલ થતાં આંખમાં આંસુ ટપકતાં જોઈ તે બોલ્યો, ‘સોરી, હું એક દિવસ વધારે રોકાઈ ગયો. ચાલ, આજે આપણે ફરવા જઈશું.’ છતાં આશા કશું જ બોલી શકી નહીં. માત્ર ડાયરી અને પહોંચ બતાવી બોલી, ‘મને માફ કરો મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે. મને સત્ય સમજાઈ ગયું

2 thoughts on “​સત્ય સમજાયું

  1. very nice sir…. jene mehnat kri pragati kri hoy tene ak rupiya pn kimati hoy che…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *