શેરીની અપાર વેદના
બાલિકા વધૂની સમસ્યા માત્ર ભારતમાં જ છે એવું નથી. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ આ સમસ્યા કેવી છે તે શેરી જોનસનના જીવન વિશે જાણીએ, ત્યારે ખ્યાલ આવે. શેરી પોતાની માતા સાથે ફલોરિડાના ટેમ્પા શહેરમાં રહેતી હતી.
એના પિતા કોણ છે અને તે ક્યાં રહે છે એના વિશે શેરીને કશી ખબર નહોતી. માતા ચર્ચમાં કામ કરવા જતી હતી, પરંતુ એની આવકમાંથી ઘર ચાલી શકે એમ નહોતું, તેથી શેરીનું બપોરના જમવાની વ્યવસ્થા એનાં માસી કરતાં હતાં. માસીના ઘરની બાજુમાં જ પાદરીનું ઘર હતું. એક દિવસ પાદરીએ શેરીને જમવાના બહાને પોતાના રૃમમાં બોલાવી. આઠ વર્ષની શેરી નિર્દોષ ભાવે જેવી અંદર ગઈ કે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. એણે માતાને વાત કરી, પણ માતા એની વાત માનવા તૈયાર નહોતી.
પાંચમા ધોરણમાં ભણતી શેરીને સ્કૂલમાં રસીકરણ માટે મેડિકલ ચેક-અપ દરમિયાન ખબર પડી કે તે મા બનવાની છે. શિક્ષકે એને ધમકાવી, પરંતુ આ બધી ઘટનાઓમાં શેરી માટે સૌથી આઘાતજનક વાત તો એ હતી કે ચર્ચના પ્રાંગણમાં ઊભા રહીને એની માતાએ કહ્યું કે તે એની દીકરીના આવા કૃત્યને કારણે શરમ અનુભવે છે. એટલું જ નહીં એને પ્રસૂતિ માટે દવાખાનામાં એકલી મોકલી દેવામાં આવી. ત્યાં સમાજ કલ્યાણ અધિકારી તપાસ કરવા આવ્યા, ત્યારે માતાએ એને ગમે તેમ કરીને સમજાવી દીધા અને ૧૯૭૧માં દુષ્કર્મ કરનાર વીસ વર્ષના ટોલબર્ટ સાથે અગિયાર વર્ષની શેરીનાં લગ્ન કરાવ્યાં.
શેરી સત્તર વર્ષની ઉંમરમાં છ બાળકોની માતા બની ચૂકી હતી. શેરીમાં એટલી હિંમત નહોતી કે તે કોઈ વિરોધ કરી શકે, પરંતુ પતિનો ત્રાસ એટલો વધી ગયો કે ૧૯ વર્ષની ઉંમરે તેણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. છ બાળકોના ઉછેરની ચિંતા અને સામાજિક દબાણ વચ્ચે એણે બીજા લગ્ન કર્યા, જે પતિ એનાથી ઉંમરમાં અઢાર વર્ષ મોટો હતો.
શેરીનું નસીબ બે ડગલાં આગળ હતું. પતિનો માર ખાતાં ખાતાં આ લગ્નથી તેને ત્રણ બાળકો થયાં. ૨૭ વર્ષની ઉંમરે નવ બાળકોની માતા શેરીને ઘણી વખત આપઘાતના વિચારો આવતા, પરંતુ બાળકોના ચહેરા સામે જોતી અને તેનું હૈયું પીગળી જતું. તે એવું કંઈ કરી શકી નહીં. છેવટે માતાના ઘરથી દૂર રહેવા જવાનો નિર્ણય કર્યો.
શેરી દિવ્યાંગ બાળકો સાથે કામ કરવા લાગી. જેણે એની કથની સાંભળી તે સહુ દંગ રહી ગયા. તેને બધાની સહાનુભૂતિ મળવા લાગી. ૨૦૧૨માં એણે બાળવિવાહ વિરુધ્ધ કાયદો બનાવવાની માંગણી કરી. એણે એક સંસ્થા સ્થાપી અને ઠેર ઠેર જઇને લોકોને બાલવિવાહ ન કરવા અંગે જાગૃત કરવા લાગી. લોકોનો સાથ- સહકાર મળવા લાગ્યો અને બાલવિવાહ વિરુધ્ધ કાયદો ઘડવાની માંગ ઉગ્ર થવા લાગી. છેવટે ૨૦૧૪માં તે કાયદા સંબંધી પ્રસ્તાવ તૈયાર થયો.
અઢાર વર્ષથી નાની ઉંમરનાં યુવક- યુવતીનાં લગ્ન ગેરકાયદેસર ગણાશે, એવી ખરડામાં જોગવાઈ કરવામાં આવી. ફલોરિડા રાજ્યના સેનેટમાં આ બીલને મંજૂરી મળી ગઈ છે. હવે એને કમિટીમાં રજૂ કરવામાં આવશે. આજે ૫૮ વર્ષની શેરી કહે છે કે, ‘મેં બાલવિવાહનું દર્દ સહન કર્યું છે. હું ઇચ્છું છું કે મારા દેશમાં હવે કોઈ બાળકી પર અત્યાચાર ન થાય. મારી આ દશા માટે સમાજની સાથે સાથે કાયદો પણ એટલો જ જવાબદાર છે.’