શરીઆ અને કાયદો
ઇસ્લામ નામે અને તેના સિદ્ધાંતોને આગળ કરીને સમાંતર અદાલતો ચલાવી શકાય કે કેેમ અને તેના ચુકાદા કેટલા બંધનકર્તા ગણાય, એ વિશે સર્વોચ્ચ અદાલતની બેન્ચે નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે શરીઅત અદાલતોના ચુકાદાને અને તેના દ્વારા અપાતા ફતવા કાનૂની દરજ્જો ધરાવતા નથી. કોઇ વ્યક્તિની ગેરહાજરીમાં તેના વિરુદ્ધ ફતવો જારી કરવામાં આવે તો તે કાનૂની દૃષ્ટિએ કશું મહત્ત્વ ધરાવતો નથી કે કોઇના માટે તેનું પાલન કરવું બંધનકર્તા નથી. એટલું જ નહીં, આ પ્રકારના ફતવાથી કોઇના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય અને નિર્દોષ દંડાતા હોય તો તેની સામે દેશના કાયદાનું- બંધારણની રાહે ચાલતી અદાલતોનું શરણું લઇ શકાય છે. કારણ કે ઇસ્લામ સહિતનો કોઇ પણ ધર્મ નિર્દોષોને સજા આપવાનું કહેતો નથી.
જસ્ટિસ સી.કે.પ્રસાદની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે સ્પષ્ટ કર્યું કે દારૃલ કઝા અને દારૃલ ઇફ્તા જેવી સંસ્થાઓએ કોઇની ગેરહાજરીમાં તેના મૂળભત અધિકારોનો કે માનવ અધિકારોનો ભંગ થાય એવા ચુકાદા આપવા નહીં. આ પ્રકારના ચુકાદાનું કાયદાની દૃષ્ટિએ કશું મૂલ્ય નહીં ગણાય. કેમ કે, શરીઆ અદાલતોને કાયદેસરની માન્યતા મળેલી નથી.
સર્વોચ્ચ અદાલતની બે ન્યાયાધીશોની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે ઇસ્લામના સિદ્ધાંતોનું અર્થઘટન કરીને ધાર્મિક ન્યાયાધીશો દ્વારા અપાતા ચુકાદા એવા લોકોને જ લાગુ પડે છે, જેમણે સામેથી અને સ્વેચ્છાએ આ ધાર્મિક અદાલતોનું શરણું લીધું હોય અને તેમના ચુકાદાને એ સ્વેચ્છાએ બંધનકર્તા માનતા હોય.
તેમને આ ચુકાદા માનવાની ફરજ કોઇ પાડી શકે નહીં. શરીઆ અદાલતના ચુકાદા સામે વર્ષ ૨૦૦૫માં રજૂઆત કરનાર અરજદારે એક મહિલાનો કેસ ટાંક્યો હતો, જેને શરીઆ અદાલતે પતિ-બાળકોથી અલગ અને સસરા સાથે રહેવાની સજા કરી હતી. સસરાએ તેની પર જાતીય અત્યાચાર આચર્યો હોવાનો પણ આરોપ હતો.
સર્વોચ્ચ અદાલતે શરીઆ અદાલતોના કાનૂની દરજ્જા વિશે ચુકાદો આપ્યો અને તેમને બંધારણ કે દેશના કાયદાનો કશો આધાર નથી એ સ્પષ્ટ કર્યું, તે પહેલાં ઑલ ઇન્ડિયા પર્સનલ લૉ બૉર્ડે પણ ખુલાસો કર્યો હતો કે ફતવા સંબંધિત મુફ્તી કે ધર્મગુરુના અભિપ્રાય છે. તેને અમલમાં મૂકવા માટે જરૃરી સત્તા કે અધિકાર કોઇની પાસે ન હોઇ શકે. કારણ કે એ અભિપ્રાયો કાયદાની રીતે બંધનકર્તા નથી. બીજા શબ્દોમાં, ફતવાનો બળજબરીથી અમલ કરાવવાનો પ્રશ્ન રહેતો નથી અને એવું કોઇ ઇચ્છે તો એ કાયદાની વિરુદ્ધ ગણાય.
સર્વોચ્ચ અદાલતમાં અરજદારની એક રજૂઆત એ હતી કે કાઝીઓ અને મુફ્તીઓ ફતવા દ્વારા મુસ્લિમોના મૂળભૂત હકો પર તરાપ મારી શકે નહીં કે તેમાં કાપ મૂકી શકે નહીં. મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના પ્રતિનિધિએ પણ અદાલતમાં એ મતલબની રજૂઆત કરી હતી કે શરીઆ અદાલતોને સમાંતર ન્યાયતંત્ર ગણાવવામાં આવે તે યોગ્ય નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના હાર્દને દૃઢ કરતો હોવાનું તેમણે જણાવ્યું.
સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા વિશે એક સ્પષ્ટતા જરૃરી છે. શરીઆ અદાલતોને કે તેના ચુકાદાને કાયદાનું સમર્થન નથી, એવું અદાલતે કહ્યું છે, પરંતુ અદાલતે તેમને ગેરકાયદે ઠેરવ્યાં નથી. માટે, એવું અતિસરળીકરણ પણ ભૂલભરેલું ગણાય. શરીઆ અદાલતોમાં જવું કે નહીં અને તેના ચુકાદા સ્વીકારવા કે નહીં, તેને અદાલતે મુસ્લિમો માટે સ્વેચ્છાનો મામલો ગણાવ્યો છે. એટલે કે, મુસ્લિમો પોતાને ઠીક લાગે એ બાબતોમાં ધાર્મિક અદાલતોનું શરણું લઇ શકે છે અને ત્યાંથી મળતા ધાર્મિક માર્ગદર્શનનો ઉપયોગ કરી શકે છે. પરંતુ ધાર્મિક માર્ગદર્શનના નામે કોઇના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય અને દેશના કાયદા સાથે શરીઆ અદાલતના ચુકાદાનો આમનોસામનો આવીને ઊભો રહે, ત્યારે દેશનો કાયદો સર્વોપરી ગણાશે.
રોજિંદા વ્યવહારમાં કે સામાન્ય કૌટુંબિક બાબતોમાં વ્યક્તિ પોતાને ઠીક લાગે એવી ધાર્મિકતાને અનુસરી શકે છે અને પોતાને મૂંઝવતી બાબતોમાં ‘ધાર્મિક અદાલતો’નું શરણું લઇ શકે છે. પરંતુ તેનું અધિકારક્ષેત્ર બીજા લોકોને લાગુ પડતું નથી- ખાસ કરીને બીજા એવા લોકો, જે આ અદાલતનું અધિકારક્ષેત્ર સ્વીકારતા નથી. આ ચુકાદો ફતવાના નામે ચાલતા અંતિમવાદ અથવા અંતિવાદીઓ દ્વારા થતા ધાર્મિક અદાલતો અને ફતવાના દુરુપયોગ સામે કાયદાનું શાસન સ્થાપિત કરી આપે છે.
પરંતુ હકીકત એ પણ છે કે કાયદાના શાસનનો ધ્વજ ફરકતો રાખવા માટે વ્યક્તિ, સમાજ અને સરકારની સહિયારી સામેલગીરી જરૃરી છે. સરકારો મુસ્લિમહિતના સગવડીયા અને સ્વાર્થી ખ્યાલોથી કોઇના મૂળભૂત અધિકારોનો ભંગ કરતા ફતવા સામે કડક હાથે કામ ન લે અને સમાજ આ પ્રકારના ફતવાને ભાવ આપવાનું બંધ ન કરે ત્યાં સુધી અદાલતી ચુકાદાનો ઝાઝો વાસ્તવિક અર્થ સરતો નથી.
– ગુજરાત સમાચાર, તંત્રી લેખ (તા.08/07/2014)