વુશુ ચેમ્પિયન જમના
આપણા દેશમાં અત્યારે ભલે સહુનું ધ્યાન ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પર હોય, પરંતુ જમુના બોડોની નજર તો ૨૦૨૦માં ખેલાનારી ટોકિયો ઓલિમ્પિક પર છે. આસામના શોણિતપુર જિલ્લાના બેલસિરી નામના નાનકડા ગામમાં જમુનાનો જન્મ. બ્રહ્મપુત્ર નદીને કિનારે વસેલું આ ગામ આદિવાસી વિસ્તાર છે. આર્થિક રીતે પછાત એવા આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી યુવાનોનું રમતગમત પ્રત્યેનું વલણ બદલાયેલું જોવા મળે છે.
જમુના નિશાળ ભણવા જતી, પરંતુ માત્ર દસ વર્ષની ઉંમરે એણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. ઘરમાં મોટી બહેનનાં લગ્ન કરવાનાં હતા અને ભાઈને હજી નોકરી મળી નહોતી. જમુના કહે છે કે, ‘મારી માતા ભણી નથી, પરંતુ એનામાં ગજબની હિંમત છે. એણે ઘર ચલાવવા માટે શાકભાજી વેચવાનું નક્કી કર્યું છે અને રેલવે સ્ટેશનની બહાર શાકભાજી વેચવા લાગી.
ધીમે ધીમે જીવન ગોઠવાતું જતું હતું. એ દિવસોમાં જૂડો- કરાટે જેવી વુશુ નામની ચાઇનીઝ માર્શલ આર્ટનું ગામના યુવાનોને ઘેલુ લાગેલું. જમુના સ્કૂલેથી પાછા ફરતા મેદાનમાં ખેલાતી વુશુ રમત જોવા ઊભી રહી જતી. વુશુમાં છોકરાઓને પંચ, થ્રો અને કિક લગાવતા જોતી અને એને ખૂબ આનંદ આવતો. આ રમત એને ખૂબ રોમાંચક લાગતી હતી. એનો ઉત્સાહ જોઈને સહુએ જમુનાને રમવાની તક આપી. એ દિવસોમાં કોઈ છોકરી ગામમાં વુશુ રમતી નહોતી. જમુના એ પણ નહોતી જાણતી કે આ રમતમાં ભવિષ્ય છે કે નહિ, પરંતુ તેને તેમાં ખૂબ આનંદ આવતો.
મેરી કોમને કારણે મહિલા બોક્સિંગથી સહુ પરિચિત હતા, પરંતુ મહિલા વુશુ ખેલાડી કોઈ નહોતી. ગામમાં બહુ ઝડપથી વાત ફેલાઈ ગઈ કે એક છોકરી વુશુ રમત શીખી રહી છે. ગામના સ્થાનિક કોચ જમુનાને કોઈ પણ પ્રકારની ફી લીધા વિના તાલીમ આપવા લાગ્યા. આ બધાની વચ્ચે સૌથી સારી વાત એ બની કે માતાએ એને રમત રમતાં ક્યારેય રોકી નહી. જમુનાને લાગ્યું કે વુશુમાં એનું કોઈ ભવિષ્ય નથી.
મેરી કોમ વિશે ઘણું સાંભળ્યું હતું તેથી તે હવે બોક્સિંગ શીખવા માગતી હતી, પરંતુ તેના ગામમાં તેના માટે કોઈ સુવિધા નહોતી. એણે કોચ સાથે વાત કરી. કોચને વિશ્વાસ હતો કે જો જમુનાને યોગ્ય તાલીમ મળે તો તે સારી બોક્સર બની શકે તેમ છે. એણે વિચાર્યું કે ત્રણ બાળકોની માતા મેરી કોમ જો બોક્સર બની શકે તો હું કેમ ન બની શકું ?
૨૦૦૯માં વુશુ શીખવનાર કોચ એને ગૌહત્તી લઈ ગયા. ત્યાં બોક્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં તેની પસંદગી થઈ. જમુનાના મનમાં એક જ ચિંતા હતી કે માતા ગામ છોડવાની રજા આપશે કે નહિ ? પરંતુ એના સાનંદાશ્ચર્ય વચ્ચે માતાએ આશીર્વાદ આપીને કહ્યું કે પૂરેપૂરું મન લગાવીને રમજે ! જમુના બહુ ઝડપથી શીખવા લાગી.
૨૦૧૦માં પહેલીવાર તામિલનાડુના ઇરોડમાં આયોજિત જુનિયર મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક મળ્યો. આ એનો પહેલો ગોલ્ડ મેડલ હતો. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું. એ પછી કોઇમ્બતુરમાં જીત મેળવી. ૨૦૧૩માં સર્બિયામાં ઇન્ટરનેશનલ સબ-જુનિયર ગર્લ્સ બોક્સિંગ ટુર્નામેન્ટમાં સુવર્ણચંદ્રક જીતીને ભારતનું નામ રોશન કર્યું. ૨૦૧૪માં રશિયામાં સુવર્ણચંદ્રક અને ૨૦૧૫માં તાઇપેમાં કાંસ્યચંદ્રક મેળવ્યો. જમુના એની જીતનો સઘળો યશ એની માતાને આપે છે. એ કહે છે કે, ‘મારી માતાનું જીવન એક તપશ્ચર્યા છે’.
માતાએ શાકભાજી વેચીને અમને મોટાં કર્યા. જો કે શાકભાજી વેચવા એ કોઈ ખરાબ કામ નથી. મને મારી માતા માટે ગર્વ છે. એની હિંમતે જ મને અહીં સુધી પહોંચાડી છે.’ જમુના અત્યારે ઓલિમ્પિકમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. પ્રેક્ટિસ વખતે તે છોકરાઓ સાથે પણ મુકાબલો કરે છે. રમત વખતે જમુના એ જોતી નથી કે સામે છોકરો છે કે છોકરી. એનું લક્ષ્ય તો સામેની વ્યક્તિને હરાવવાનું છે અને ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરવાનું છે.
સૌજન્ય: ગુજરાત સમાચાર, રવિપૂર્તિ, તા.૨૦/૦૮/૨૦૧૭