વરસાદ
ઉનાળાની કાળાશ બપોરે બસ બસસ્ટેન્ડમા આવી. બધું જ જપી ગયું હતું. અમારી બસના પ્રવેશથી સ્ટેન્ડમાં થોડી હલચલ થઈ. કેટલાક મુસાફરો ઉતર્યાં, ચડ્યાં, તો કેટલાક ‘ફ્રેશ’ થવા નીચે ઉતર્યાં. મને નીચે ઉતારવાનું મન ન થયું. સીટમાં જ બેસી રહી. હું આસપાસ જોતી રહી.
બે નાના છોકરાઓ હાથમાં પાણીના ગ્લાસના સ્ટેન્ડ લઈ વાતો કરતાં-કરતાં આવતાં હતા.
“ગોપલા, તારે કેટલા ગ્લાસ વેચાણાં?”
“આની પે’લાની બસમાં ચાર ગ્યા. તારે?”
“હું તો આજ હવારથી આંટા મારું…”
છોકરો વાક્ય પૂરું કરે એ પહેલા તો ગોપલાએ બસની પાછળની સીટો તરફ જઈ ‘ઠંડું પાણી બોલે’ના નારા શરૂ કરી દીધા. પેલો છોકરો આગળના ભાગમાં આવ્યો.
બધાને પાણીનું પૂછતો-પૂછતો એ મારી પાસે આવ્યો, પૂછ્યું, “બેન પાણી આપું?”
મેં તેના પાણીના ગ્લાસ તરફ નજર કરી. પાણી ઠંડું રહ્યું હોય એવું લાગ્યું નહીં મેં ના પાડી. એ ચાલતો થયો. ‘પાણી બોલે’ ની બૂમો પાડતા બંને છોકરાઓ બસની નીચે ઉતરી ઉભા રહ્યા. ગોપલાના બે-ત્રણ ગ્લાસ વેચાયા હતા. પેલા છોકરાનો એક પણ ગ્લાસ વેચાણો નહી. એ હાથની આંગળીના નખ કરડતો-કરડતો બસ સામે તાક્યા કરતો હતો ને હું તેની સામે.
થોડીવાર પછી મેં મારા વોટરબેગમાં બાકી રહેલા પાણીમાંથી થોડુંક પીધું. ગરમ અને વાસી થઈ ગયેલું પાણી ભાવ્યું નહીં. મેં બહાર જોયું. બંને છોકરાઓ નીચે ઊભા હતા. મેં પેલા છોકરાને બોલાવ્યો. એ ઝડપથી બસમાં ચડ્યો.
મેં તેની પાસેથી એક ગ્લાસ પાણી લઈ પીધું. એ હસું-હસું થઈ રહ્યો . મેં બીજો ગ્લાસ માગ્યો. એ વધુ મરકાયો. મેં વોટરબેગમાં રહેલું થોડું પાણી ઢોળી નાખી એને કહ્યું, “બધા જ ગ્લાસ આમાં ઠાલવી દે.”
એણે ઝડપથી બધા જ ગ્લાસ વોટરબેગમાં ઠાલવી પ્રફુલ્લિત ચહેરે મારી સામે જોયું. મેં પૂછ્યું, “કેટલા આપવાના?”
“ચાર.”
મેં ચાર રૂપિયા તેના હાથમાં આપ્યા. એ વીજળીવેગે બસમાંથી નીચે ઉતરી ગોપલા તરફ દોડ્યો, ને એક શ્વાસે બધી ખુશી ઠાલવી નાંખતા કહ્યું ,
“એ ગોપલા, મારા બધાંય ગ્લાસ એક હારે ખપી ગયા, જો.” એ હરખાતો હૈયે હાથમાંના ચાર રૂપિયાને તાકી રહ્યો. હું એનામાં છલકાઈ રહેલા આનંદને માણી રહી. મને ખબર જ નહિ કે આઠ ગ્લાસ પાણીથી આટલો બધો વરસાદ થતો હશે.
૧૪.૬.૯૭
(પ્રખર લઘુકથા વિશેષાંક, સપ્ટેમ્બરના-૯૮)
“અમે” પુસ્તકમાંથી નસીમ મહુવાકર