મુસ્લિમ સંત હાજીપીરે ગાયોના રક્ષણાર્થે કુરબાની આપી હતી

મુસ્લિમ સંત હાજીપીરે ગાયોના રક્ષણાર્થે કુરબાની આપી હતી

– હાજીપીરનું મૂળ નામ અલી અકબર હતુ દિલ્હીના બાદશાહના લશ્કરમાં ઊંચો હોદે ધરાવતા હતા.

– બહારવટીયાઓના હાથમાંથી ગાયોનુ ધણ છોડાવવા હાજીપીર ઔબાબાએ શીરવા ગામ પાસે યુદ્ધ કરીને ગાયોના ધણને બચાવ્યું હતું.

કચ્છના મશહુર ઓલીયા હાજીપીરે ગાયોના રક્ષણાર્થે શહીદી વ્હોરેલી હતી. હાજીપીરનું મૂળ નામ અલી અકબર હતુ. દિલ્હીના બાદશાહના લશ્કરમાં ઊંચો હોદ્દો ધરાવતા હતા. હજ કરી આવ્યા બાદ મુલતાન રહેલા અને ત્યાં ફકીરીનો રંગ લાગ્યો. પ્રથમ તેઓ ફકીરી લિબાશમાં હઝરત ઈમામ હુશેનની દરગાહ ઉપર ગયેલા અને કરબલાની પવિત્ર ભુમિ કે જેના ઉપર હઝરત ઈમામ હુશેન અને તેના ૭૨ સાથીદારોએ શહાદત વહોરેલી તે પવિત્ર જમીન ઉપર પગે ચાલીને નહિં પણ છાતી વડે ઘસડાઈને હઝરત ઈમામ હુશેનની શહાદતને આગવી રીતે અંજલિ આપેલ હતી. ત્યારબાદ તેઓ પંજાબ થઈને સિંધ આવ્યા અને સિંધમાંથી કચ્છમાં રણની કાંધીએ લુણા ગામની પાસે આવીને વસવાટ કરેલો. માનવ સેવા કરતા અને અલ્લાહની ઈબાદત કરતા. બાજુના ગામમાં બહારવટીયાઓએ ધાડ પાડીને ગાયનું ધણ લઈ ગયા. આ ધણમાં એક હિન્દુ વિધવાની ગાય હતી. તે રોતી રોતી બાબા પાસે આવી. ઘડીનો વિલંબ કર્યા વિના હાજીપીર બાબાએ હાથમાં તલવાર પકડી ઘોડા ઉપર બેસીને બહારવટીયાઓનો પીછો પકડયો અને હાલે જયાં શીરવા ગામ આવેલ છે ત્યાં બહારવટીયા સામે એકલે હાથે યુદ્ધ કરેલુ.

વાયકા એવી છે કે તે લડાઈમાં હાજીપીર બાબાનું શિર પડેલુ પણ ધડ પડેલુ નહિં. આથી બહારવટીયાઓ ગાયોનું ધણ મુકીને નાસી છુટેલા. હાજીપીર બાબા સાહેબનું ધડ ગાયના ધણને પાછુ ગામમાં લાવેલ અને તે બાદ લુણા ગામ પાસે તે ધડ પડતા ત્યાં તેઓને દફનાવવામાં આવ્યા હતા. હાજીપીર બાબાની આ મુસ્લિમ સંતની, ગાયોના રક્ષણાર્થે આપેલી ભવ્ય કુરબાની હતી. હાજીપીરની દરગાહ ઉપર સેંકડો હિંદુ-મુસ્લિમ યાત્રાળુઓ આવે છે. હાજીપીરની દરગાહ એ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે.
નિરાધારની તેમજ ગૌધનની રક્ષા કાજે અનિષ્ઠ તત્વો સાથે બાથભીડી શહિદ થતા અલી અકબરશાહ ઝકરીયા હાજીપીરના નામે ખ્યાતી પામ્યા. ત્રણ દિવસ યોજાતા મેળામાં છેલ્લા દિવસે ભારે દબદબા સાથે સંદલની વિધી કરાય છે. ભવ્ય ઝુલુશ કાઢવામાં આવે છે. કચ્છ સુરા અને સંતોની ભુમિ તો છે જ સાથે ઓલિયાની ભુમિ પણ છે. અને એટલે જ સમગ્ર કચ્છની તમામ કોમો એકતા અને એખલાશથી મેળા અને ઉર્ષ ઉજવે છે. કચ્છના બન્નીના રણમાં પશ્વિમ પણે લુણી ગામની બાજુમાં હાજીપીર વલીની દરગાહ આવેલી છે. દર વર્ષે ચૈત્ર સુદ-૨-૩ના હાજીપીર વલીનો ઉર્ષ મનાવવામાં આવે છે. આજકાલ બે થી ત્રણ લાખની આસપાસ લોકો દેશભરમાંથી અહીં આવે છે. પગપાળા ચાલતા આવતા સવાલીઓ માટે કચ્છભરમાં ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન દાતાઓ તરફાથી કરવામાં આવે છે.

ગુજરાત સમાચાર, તા.૦૬/૦૪/૨૦૧૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *