માણસની જરૂરિયાતો: આહાર, આવાસ, આવરણ અને આનંદ વત્તા આદમી

માણસની જરૂરિયાતો: આહાર, આવાસ, આવરણ અને આનંદ વત્તા આદમી

ઈ એમ. વૉકરની કાવ્યપંક્તિઓમાં માણસની જરૂરિયાતો આ પ્રમાણે રજૂ થઈ છે.

Human needs:
some food, some sun,
some work, some fun,
and someone!

આ પંક્તિઓ ગમી ગઈ એનું કારણ એમાં રહેલી પ્રાસગૂંથણી નથી. બહુ ઓછા શબ્દોમાં રજૂ થયેલું આપણી જરૂરિયાતોનું આવું સુંદર બયાન જડવું મુશ્કેલ છે, આપણને ઘણાં વર્ષોથી ‘મૂળભૂત’ જરૂરિયાતોની વાત કરતી વખતે ત્રણ બાબતોની જ યાદ આપવામાં આવી રહી છે, આહાર, આવાસ અને આવરણ. આ ત્રણમાં આનંદનો ઉમેરો બહુ ઓછા લોકોએ કર્યો હશે.

કવિ ખોરાક સાથે તડકો જોડી આપે છે, તે કેટલું વાજબી છે! તડકો મળે એટલે ખુલ્લી હવા ખુલ્લું આકાશ આપોઆપ મળે ને! તડકામાં વિટામિન ‘ડી’ મળે એ તો ઠીક પણ તે સાથે બીજું ઘણું બધું મળે છે. એક રીતે જોઈએ તો તડકો પણ ‘આહાર’ જ છે પણ છતાં એમાં આહાર વત્તા ‘કંઇક’ છે, જે ઘણું અગત્યનું છે. આટલું તો યાદ રાખવું પડે કે તડકો મળે અને રોટલો નહીં મળે તો વળી વાત જામતી નથી. ભારતમાં એવા ઘણા ગરીબ લોકો છે, જેઓને તડકો જોઈએ તેટલો મળે છે પણ રોટલો મળતો નથી. વળી તડકો પણ કેવો?

વૈશાખી બપોરનો આકરો તડકો? હેમંતની સવારનો હૂંફાળો તડકો? કવિના મનમાં અહીં મનગમતા તડકાની વાત છે, જખ મારીને માણસને શેકાવું પડે એવા આકરા તડકાની આ વાત નથી. નાછૂટકે ક્યારેક માણસ આવો તડકો વેઠી લે એ ઠીક છે પણ એવા કષ્ટમય તડકાની તારીફ કરવાની કોઈ જરૂર નથી. ‘વૈશાખનો ધોમ ધખ્યે જતો’ હોય ત્યારે પેલો સરાણિયો સાદ પાડે એ વાસ્તવિકતા ખરી પણ સમાજે આવી વાસ્તવિકતાઓને સંઘરી રાખવાની જરૂર નથી. મજબૂરી ક્યારેક વાસ્તવિકતા બને છે, એ ખરું પણ તમન્ના તો એ વાસ્તવિકતાને હડસેલો મારીને હટાવી દેવાની જ હોવી જોઈએ.

માણસને કામ કરવાનું જોઈએ જ અને કંઈ જ કામ ન હોય તો છેવટે એ શિકાર કરવા જશે. મનગમતું કામ મળી જાય એવું તો નસીબ હોય તો જ બને. કવિ અહીં ખૂબ સિફતથી આનંદની જરૂરિયાત ઉમેરી દે છે. સમાજશાસ્ત્રીઓ મનોરંજનને ઘણું મહત્ત્વ આપે છે. કહે છે કે અમેરિકામાં જો ફૂટબૉલની રમત ન હોય તો ખૂનના બનાવોનું પ્રમાણ વધી જાય. આપણે ત્યાં ચલચિત્રો ન હોય તો ગુનાખોરી જરૂર વધી જાય. ગુનાખોરી ઘટાડવાનો ખરો ઉપાય પોલીસદળ મોટું કરવું એ નથી. એ માટેનો ખરો રસ્તો તંદુરસ્ત મનોરંજનનાં કેન્દ્રો ઊભાં કરવામાં રહેલો છે. એક થિયેટર કેટલા ગુનાઓ અટકાવી શકે તે જાણવા સંશોધન કરવાનું ય થોડુંક મુશ્કેલ છે. ઠેર ઠેર મનોરંજનની પરબો ખૂલવી જોઈએ. ચલચિત્રો સિવાયના પણ બીજા અનેક પ્રકારો વિકસાવી શકાય તેમ છે. આરોગ્યમય સમાજના વિકાસ માટે દાક્તરી સુવિધાઓ સાથે આનંદનાં ઉપસ્થાનો પણ ઊભાં થવાં જોઈએ.

કાવ્યની છેલ્લી પંક્તિ ભારે અર્થપૂર્ણ છે. આદમીને બધું મળી રહે પછી ય કંઈક ખૂટતું લાગે છે. ખોરાક એ વાસ્તવિક જરૂરિયાત છે. કામ એ વાસ્તવિક જરૂરિયાત છે. તડકો અને મનોરંજન ઉમેરાય ત્યારે આ વાસ્તવિક જરૂરિયાત વધારે સુંદર રીતે સંતોષાય છે. પછી બાકી શું રહે? પછી ‘કોઈક’ની હાજરી ખૂટે છે. પોતાનો પ્રેમ જેના પર ઢોળી શકાય એવું પાત્ર આદમી શોધે છે. આ પાત્ર પ્રિયતમા કે પત્ની જ હોય એવું અનિવાર્ય નથી. જ્યાં મનને વિસામો મળે એવું એક સ્થાનક આદમીને જોઈએ, એવું સ્થાનક જ્યાં પોતે બધી રીતે અનાવૃત્ત થઈ શકે, ચોધાર અાંસુએ રડી શકે, મન ફાવે તો બાળકની જેમ નાચી શકે અને મન મૂકીને લઢી શકે! આવું ‘કોઈક’ એટલે બીજો ‘આદમી’.

આ બીજો આદમી કોણ? એ પ્રિયતમ પણ હોઈ શકે કે પછી પ્રિયતમા પણ હોઈ શકે. મહાત્મા ગાંધીએ પરસ્ત્રીને બહેન કે માતા તરીકે જોવાની સલાહ આપી હતી. આ વાત મને વાજબી લાગતી નથી. બીજી વિજાતીય વ્યક્તિ એટલે ભાઇબહેન, માતા કે પુત્ર. શું આવી કોઈ વ્યક્તિ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ન હોઇ શકે? અંગ્રેજીમાં એને માટે આત્મપ્રિયા (Soulmate) શબ્દ પ્રયોજાયો છે. રિચાર્ડ બેકની નવલકથા ‘A bridge Across Forever’માં નવલકથાનો નાયક આત્મપ્રિયાની ખોજમાં લાંબી રખડપટ્ટી શરૂ કરે છે. છેક છેવટે એ એરિઝોનના રણમાં પહોંચે છે અને આત્મપ્રિયાને પામે છે. શું આ અાધ્યાત્મિક ઘટના નથી? મહાત્મા ગાંધીએ આવા મધુર સંબંધને પવિત્ર ગણીને બિરદાવવાની ઉદારતા બતાવી નથી. એનું કારણ મને સમજાતું નથી. આ બાબતમાં કૃષ્ણ મને વધારે સ્વીકાર્ય જણાય છે. જીવનમાં ગોકુળનું માધુર્ય, સૌંદર્ય અને સાહચર્ય પ્રગટે એનું આધ્યાત્મિક મહત્ત્વ ઓછું નથી.

જેના જીવનમાં અતિપ્રિય એવું Someone, એવી વ્યક્તિ ગેરહાજર છે એવી વ્યક્તિના દર્દની ખબર તો કેવળ નિ:શ્વાસને જ હોય છે. તો પછી આપણી મૂળભૂત જરૂરિયાતો એટલે આહાર, આવાસ, આવરણ અને આનંદ વત્તા કોઇક ખાસ વ્યક્તિ. આપણો સમાજ એટલે કજોડાંનું કારખાનું (કાળખાનું). એ સમાજમાં વફાદારીની બોલબાલા એટલી તો બોલકણી હોય છે કે કોઈ ખાસ વિજાતીય વ્યક્તિ સાથેનો સંબંધ આડો સંબંધ કહેવામાં આવે છે. આવો આડો સંબંધ પવિત્ર નથી ગણાતો, નિંદનીય ગણાય છે. જો આ વાતમાં દમ હોય તો સમાજે કૃષ્ણને, દશરથને, કંુતીને, રાધાને, ઇન્દ્રને, અહલ્યાને, તારાને, રવીન્દ્રનાથ ટાગોરને, જે. કૃષ્ણમૂર્તિને, પંડિત નહેરુને, સુભાષબાબુને, ઠક્કરબાપાને, ક.મા. મુનશીને, ઇન્દિરા ગાંધીને, અમૃતા પ્રીતમને, સાહિર લુધિયાનવીને અને અટલ બિહારી વાજપેયીને અને એવાં અસંખ્ય નર-નારીઓને નિંદનીય ગણવા પડશે. શ્રી અટલબિહારી વાજપેયી કહ્યું હતું: ‘मैं अपरिणीत हूं लेकिन ब्रह्मचारी नहीं हूं!’ આવા નિખાલસ એકરારને પવિત્ર ગણવાની તાકાત આ રુગ્ણ સમાજમાં ક્યારે કેળવાશે?

કૃષ્ણે ગીતામાં આસુરી સંપત્તિની યાદીમાં દંભને પ્રથમ સ્થાને મૂક્યો છે. મારું સ્પષ્ટ માનવું છે કે આપણો સમાજ ખેતીપ્રધાન કે ઉદ્યોગપ્રધાન નથી, પરંતુ દંભપ્રધાન છે. સર્વોદયના ક્ષેત્રમાં કામ કરનારા કેટલાયે સંનિષ્ઠ સેવકોના ગાઢ પરિચયમાં આવ્યા પછી મારે એમ કહેવાની ગુસ્તાખી કરવી છે કે લગભગ 90 ટકા સેવકો મધુર વિજાતીય સંબંધ ધરાવનારા હતા. એમનાં નામ હું પ્રગટ ન કરી શકું, પરંતુ એમના ખાનગી પ્રેમ સંબંધોની વિગત કોઈપણ સમજુ અને પરિપકવ માણસને જણાવી શકું. આવું એક નામ તે આદરણીય મોરારિબાપુ. સદ્્ગત કનૈયાલાલ મુનશીએ પોતાના નાટક ‘બ્રહ્મચર્યાશ્રમ’માં ઉપહાસના સ્વરૂપે રજૂ કર્યું છે. આવા સંબંધોની નિંદામાં રાચનારો સમાજ એક વિરાટ મેન્ટલ હોસ્પિટલ બની રહે છે. જેમાં કામવાસનાથી પીડાતો માણસ અન્યની કામવાસનાની નિંદા કરતો રહે છે. આ એક એવો રોગ છે, જેને રોગનું સ્ટેટસ પ્રાપ્ત થતું નથી.

પાઘડીનો વળ છેડે 

પૈસો
– આહારની ખાતરી આપે
ભૂખની નહીં,
– સંબંધોની ખાતરી આપે
પ્રેમની નહીં,
– મકાનની ખાતરી આપે
ઘરની નહીં,
– બેડરૂમની ખાતરી આપે
ઊંઘની નહીં,
– વૈભવની ખાતરી આપે
આનંદની નહીં,
– દવાની ખાતરી આપે
આરોગ્યની નહીં,
– ખાતરી જરૂર આપે
સમાધાન નહીં!

સૌજન્ય: રસરંગ પૂર્તિ, દિવ્ય ભાસ્કર, તા.૨૬/૧૧/૨૦૧૭.
લેખક: ગુણવંત શાહ, “વિચારોના વૃંદાવનમાં” કોલમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *