બંધની સાચી અસર
બંધથી કોઇ દીવસ કોઇ નેતા કે કોઇ પક્ષ ને કોઇ જ ફર્ક પડતો નથી. બંધ નો ભોગ હંમેશા મુંગો ગરીબ કે સામાન્ય માણસ જ બને છે.
ઘણા વરસો પહેલાની વાત કરું તો જ્યારે હું સ્કુલમાં ભણતો ત્યારે એક છોકરો અમારી સાથે ભણતો જેનું ઘર ખુબ જ ગરીબ અને ખુબ જ કફોડી હાલતમાં જીવતું કુટુંબ એનું. એનું ઘર હું જે સ્કુલમાં ભણતો એ સ્કુલની સામાન્ય ફી ભરી શકે એટલુ પણ સક્ષમ ન હતું પણ કોઇ સારા માણસે જોયું કે છોકરો હોંશીયાર છે તો એ છોકરાની ફી અને એના ભણતર નો ખર્ચ પોતાના પર લઈ ને આ છોકરાને અમારી સ્કુલમાં એડમીશન અપાવેલું.
એ છોકરાના બે નાના ભાઇ બહેન અને એમાં પણ એક ને કોઇ ગંભીર બીમારી, એના ઘર ની હાલત ટુંકમાં કહું તો ઘર એનું કોઇ ઇંટ સીમેન્ટનું મકાન ન હતું પણ એક ઝુંપડી હતી જેમાં બે લાકડા પર બન્નેવ બાજુ પથરાયેલુ એક બ્લુ કલરનું પ્લાસ્ટીક અને નિચે બે ફાટેલી ચટાઇ. બસ આ જ એમનો બેડરુમ અને આ જ એમનો ડાઇનીંગ હોલ અને આ જ એમનો સીટીંગ રુમ. નદીના ખાલી પટમાં બંધાયેલા આ ઘર નું બાથરુમ અને ટોઇલેટ એટલે આખી કોરી ભાદર નદી. અને એ છોકરાના ઘરની ઘરવખરી એટલે એક જુની ભંગાર સાઇકલ જેના પર એના પપ્પા કામ પર જાય અને પાછા આવે.
એ છોકરાના પપ્પા પણ શારીરીક નબળાઈ નો શીકાર એટલે ખાસ કંઈ મહેનતું કામ ન કરી શકે. છોકરાઓ નાના એટલે છોકરાઓ પણ કોઇ બાપને ઘર ચલાવામાં મદદ કરી શકે એવા સક્ષમ નહીં અને ગરીબી બધી દીશાઓમાંથી આવે એમ એની માં પણ પગે થી થોડી અપંગ એટલે એ પણ પારકા કામ કરવા સક્ષમ નહીં.
એ છોકરાના પપ્પા કોઇ મજુરી કરવા સક્ષમ નહીં એટલે દર્રોજ ૧૫૦-૨૦૦ રુપીયાના બટેટા લઈ ઘરે એને બાફી અને મસાલો નાખી સવારે સાઇકલ પર પોતે અને એમનો છોકરો આવે અને બધો સામાન લાવીને અમારી સ્કુલ ની બહાર બેસે અને જ્યાં સુધી બધા જ બાફેલા બટેટા ખપી ન જાય ત્યાં સુધી સાંજે બસ સ્ટેન્ડ પર બેસે જેથી એ ૧૫૦-૨૦૦ ના બટેટામાંથી એમને ૬૦-૭૦ રુપીયાનો નફો થાય અને એમને બે ટક નું જમવાનું મળી રહે.
એક દીવસ સવારે ૧૦-૧૧ વાગ્યા આસપાસ અચાનક કોઇ સમાચાર આવ્યા અને ગામ બંધ કરાવવામાં આવ્યું અને બધા વીદ્યારથીઓને સમય પહેલા જ એમના ઘરે પરત મોકલી દેવામાં આવ્યા અને અડધી કલાકમાં તો ગામ જડબેસલાક બંધ. અને કોઇ માણસ ન દેખાય બજારમાં કે બસ સ્ટેન્ડ પર. બીજા દીવસે સવારે એ છોકરાના માથા પર એ બાફેલા બટેટાનો થાળો અને એના પપ્પાના ખભા પર વાટકાઓ ભરેલો થેલો અને એમના હાથમાં એ વાટકાઓ અને ચમચીઓ ધોવા માટેની પાણીની ડોલ.
પહેલાતો અમને કંઈ સમજાણું નહીં પણ જેવો એ છોકરો અમારા ક્લાસમાં દાખલ થયો મેં એને પુછ્યું કે કેમ દોસ્ત આજે આમ ? સાઇકલ ક્યાં ગઈ ?
તો એ છોકરાની આંખના ખુંણે આંસુઓ બાઝી ગયા અને એના ગળામાં પણ ડુમો ભરાઇ ગયો અને એ ફક્ત એટલું જ બોલી શક્યો કે “કાલે ગામ બંધ રહ્યુ તો બધા જ બટેટા વેચાણા વગર પડ્યા રહ્યા. જેટલા ખવાય એટલા અમે લોકો એ ખાધા અને બાકીના બગડી ગયા તો ફેંકી દેવા પડ્યા. અને આજે ફરીથી બટેટા ખરીદવા પૈસા ન હતા તો પપ્પાને પેલી એકની એક સાઇકલ ભંગારમાં આપી દેવી પડી જેથી બીજા બટેટા ખરીદી શકાય અને ગુજરાન ચલાવી શકાય”
સાલુ મારી આંખમાં પણ આંસુ આવી ગયા અને એક શબ્દ પણ બોલી ન શકેલો હું એ સમયે.
આ હકીકત એક બંધની આડઅસરની. જો લોકો સમજે અને બંધ નો વીરોધ કરે તો બહુ બધા લોકો આવી મજબુરીઓથી બચી જાય. આ તો એક મારી કે તમારી નજર સમક્ષનો દાખલો હતો. બાકી હજારો દાખલાઓ બનતા હોય છે આપણી જાણ બહાર એનું શું ?