પ્રજાની મર્યાદિત સત્તા
દુનિયાના જે દેશોમાં ભારતની જેમ પ્રજાની સત્તા છે એટલે કે એ રાષ્ટ્રો પ્રજાસત્તાક- રિપબ્લિકન- દેશો છે તેઓનામાં પ્રયોગ કરવાની અજાયબ ક્ષમતાઓ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રજાઓએ રોમાંચક પ્રયોગો કરેલા છે જેને કારણે સત્તાના અનેક કેન્દ્રો અણધારી ઉલટ-પલટમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રજા ચોક્કસ પ્રકારના પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે શાસકોને પસંદ કરે છે. એક જમાનામાં પક્ષની વિચારધારાઓને આધારે પસંદગી થતી હતી અને ત્યારે પક્ષના મેનિફેસ્ટોનું પણ મહત્ત્વ હતું. હવે પક્ષીય વિચારધારાઓ એના અંત તરફ ગતિ કરી રહી છે, જે પ્રજાસત્તાક રાષ્ટ્રના સાર્વભૌમત્વ અને અવિચ્છિન્ન સ્વતંત્રતા માટે જોખમથી ભરપુર છે.
આપણે ત્યાં પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુ આણિ મંડળીની સામ્યવાદી વિચારધારાઓના લાલ ઝંડા દાયકાઓ સુધી લહેરાતા રહ્યા એનું કારણ એ પ્રદેશની સામ્યવાદી વિચારધારામાં સંમતિ જ મુખ્ય હતી. પરંતુ જેમ વિશ્વમાં તેમ ઘર આંગણે દેશમાં પણ વ્યક્તિવાદી રાજકારણની શરૃઆત થઈ અને નવા આગંતુક એવા નેતાઓનો ઉદય થયો કે જેમણે પક્ષની વિચારધારાઓ બદલાવી અને પોતાની નવી વિચારધારા પક્ષને આપી. તેઓ પોતે એકલા જ પક્ષનો મુખ્ય ધ્વજદંડ લઈને છવાઈ ગયા. એને કારણે પક્ષના સિદ્ધાન્તો બહુ પાછળ રહી ગયા. આમ થવાનું એક કારણ એ છે કે હું પ્રજાનો સેવક છું એ ભાવના રાજનેતાઓમાંથી લુપ્ત થઈ અને રાજકારણ માત્ર સત્તા પ્રાપ્ત કરવા માટેનું જ હથિયાર બની ગયું. એને કારણે પ્રજાની પોતાની સત્તા મર્યાદિત થઈ ગઈ.
ગાંધીજી રાજકારણને રાજ્યપ્રકરણ કહેતા અને આ રાજ્યપ્રકરણ પણ પોતાને માટે પરમાત્મા અને સત્યનો સાક્ષાત્કાર કરવાનું માધ્યમ છે તેમ માનતા. એટલે કે એક સામાન્ય ભજનિક ભજન દ્વારા હરિ સુધી પહોંચે તે અર્થમાં ગાંધીજી રાજકારણ દ્વારા પરમતત્ત્વ સુધી પહોંચવાનો મદાર રાખતા. એટલે ભજનિકમાં જે વિશુદ્ધ લાગણી અને સાધનશુદ્ધિ હોય છે તેવી જ પવિત્રતાની અપેક્ષા ગાંધીજી રાજ્ય પ્રકરણમાં ઓતપ્રોત હોવાની પોતાની દરેક ક્ષણ પાસેથી રાખતા. આ ગાંધીજીની પોલિટિકલ હાઈટ છે જેની સામે ત્રણેય કાળના દિગ્ગજો ઝૂકી જતા, ઝૂકે છે અને ઝૂકતા રહેશે. પ્રવર્તમાન પ્રજાસત્તાક દેશોના રાજનેતાઓમાં આનો એક ટકો પણ જોવા મળતો નથી.
અમેરિકામાં ચાર વરસ અને ભારતમાં પાંચ વરસ ચૂંટાયેલા લોકો એ વાત ભૂલી જ જાય છે કે તેઓ વિશાળ જનસાગરના પ્રતિનિધિ માત્ર છે. તેમનામાં ન જાણે એક એવું હિરોઈઝમ સવાર થઈ જાય છે જે તેમને એક પછી એક બકવાસ કરવાની અને સતત ખોટા નિર્ણયો લેવાની મુક્તિ આપી દે છે, જે મુક્તિ પ્રજાને નવા નવા બંધનો તરફ દોરી જાય છે. તેઓ પોતાની ભૂલો કદી સ્વીકારતા નથી અને જૂની ભૂલોને સાચી ઠેરવવા માટે શાહી ઠાઠથી નવી ભૂલો કરતા જ જાય છે. પછી પણ ભવિષ્યમાં મોકો મળે ત્યારે પ્રજા તેમને પાઠ ભણાવે અને એના પછી પણ તેઓ શાંત જળને ડહોળવાનું જ કામ કરતા રહે છે. આ સંયોગોને કારણે પ્રજાના કામો પડતા મૂકાયેલા છે. આત્મરતિ, આત્મછવિ અને આત્મગાનમાં જ પ્રજાસત્તાક દેશોના વડાઓ તરતા દેખાય છે. એટલે જ સરકારનું તંત્ર તબક્કાવાર પાણીમાં બેસી રહ્યું છે.
જો નાગરિક પોતે ચીવટ ન રાખે તો તેની પોતાની જિંદગીની નૌકા હાલકડોલક થઈ જાય. સોશ્યલ મીડિયામાં આજકાલ દર્શાવાય છે કે સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓના બિલ્ડિંગો ફાઈવ સ્ટાર કક્ષાના છે અને તેમના સ્ટાફના ઘર જર્જરિત છે એની સામે સરકારી શાળાઓ- કોલેજોના બિલ્ડિંગો સાવ જર્જરિત છે અને એના સ્ટાફના ઘર ફાઈવસ્ટાર કક્ષાના છે. આ વિરોધાભાસ નથી, પ્રજાસત્તાક રાષ્ટ્રના પરિણામોનો એક નમૂનો માત્ર છે. દેશમાં આવા હજારો પ્રકારના વિરોધાભાસ, અસમતુલા, અન્યાય અને ઘોર અરાજકતાના દ્રષ્ટાંતો વગર દીવે જોવા મળે છે. પ્રજાના વિશ્વાસનો ઘાત કરવાની કળા હવે રાજવિદ્યાનું અભિન્ન અંગ છે અને મોટાભાગના રાજકારણીઓ માટે જ મંત્ર છે.
દેશમાં જેઓ એક દાયકો રાજકારણમાં પસાર કરે છે તેઓ સહેજેય રૃપિયા પાંચ-પચીસ કરોડના આસામી થઈ જાય છે અને બે દાયકા પછી તો ૫૦૦ કરોડ વટાવી જાય છે. આ આપણા નેતાઓનું આજનું રાજ્ય ‘પ્રકરણ’ છે. કર્મનો સિદ્ધાન્ત કામ કરતો જ હોય છે છતાં જાહેર જીવનમાં ચોતરફ સંપૂર્ણ જુઠ્ઠા, મીઠાબોલા, આડા-ઊભા ટીલાં ટપકાં જોવા મળે છે. તેઓ એમ માને છે કે નીચે પૃથ્વી પર કે ઉપર આભમાં મને કોઈ રોકે નહિ, મને કોઈ ટોકે નહિ- મારી મરજી ! આવા દુષ્ટ મરજીદારો સામેના પ્રજાસત્તાક રાષ્ટ્રના રખવાળા મરજીવાઓનું પ્રભાત થવાને હજુ તો ઘણી વાર છે.
અમેરિકા જ્યારે અર્ધા અભણોના ઉપદ્રવોથી ઉભરાતો દેશ હતો ત્યારે તેના મહાન ચિતંક રાલ્ફ વાલ્ડો એમર્સને અમેરિકન પ્રજાને બુલંદ સ્વરમાં કહ્યું હતું કે હે અમેરિકનો તમે ધીરજ રાખો, આપણી એમેઝોનના ઘૂઘવાટા કરતા જળને પોતાના ગીતોમાં કંડારનાર આવશે, આપણી ઓળખને દુનિયા સમક્ષ છતી કરનારા સંગીતકારો આવશે, પ્રજાના સંવેદનને સમજનારા નેતાઓ આવશે. અમેરિકન પ્રજા વચ્ચે ૧૫૦૦થી વધુ જાહેર પ્રેરણાત્મક નિઃસ્વાર્થ વ્યાખ્યાનો આપીને એમર્સને તેની પ્રજામાં છેક ઓગણીસમી સદીના મધ્યકાળે અજાયબ પ્રાણસંચાર કર્યા હતા અને પછી તેમ જ થયું હતું. ભારતીય પ્રજાએ પણ પ્રજાસત્તાક પર્વે પોતાને જ હૈયાધારણા આપીને કહેવાનું છે કે આ અખંડ ભારતને આત્મસાત કરીને, અહંકારશૂન્ય અને દ્રષ્ટિ સંપન્ન મહાપુરુષો આ દેશને દિશા આપવા જેમ અગાઉ આવ્યા હતા તેમ આજના અંધાકારને પાર કરીને આવશે, આવશે જ.
તંત્રી લેખ, ગુજરાત સમાચાર, તા.૨૬/૦૧/૨૦૧૭