નાનો-મોટો
તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો,
આ નાનો આ મોટો એવો મૂરખ કરતા ગોટો.
નાને છોડે મહેકી ઊઠે જેવો ગુલાબ ગોટો,
ઊંચા ઊંચા તાડે તમને જડશે એનો જોટો ?
ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો,
તરસ્યાને તો દરિયાથી યે લોટો લાગે મોટો.
મન નાનું તે નાનો જેનું મન મોટું તે મોટો,
તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો.
– પ્રેમશંકર ભટ્ટ
માણસ મોટો છે કે નાનો તેનું મહત્ત્વ તેના ગુણ ઉપર છે. ક્યારેક આપણે એટલા સ્થૂળ અર્થોમાં રચ્યા-પચ્યા રહીએ છીએ કે આપણા ખ્યાલો અને આપણી માન્યતાઓ જીંદગીભર આપણને ખોટા જગતમાં જ રાખતા હોય છે. ૨૧ વર્ષની યુવાન વયે આવું સુંદર કાવ્ય રચનાર શ્રી પ્રેમશંકર ભટ્ટ તાજેતરમાં જ ૧૦૭ વર્ષની વયે અવસાન પામ્યા.
ઘણાં માણસો લાંબા હોય છે. ઊંચા નથી હોતા. નાનાનું મહત્ત્વ જરાય ઓછું નથી. કામ પડે જબ સોય કા, ક્યા કરે તલવાર. જ્યારે સોયની જરૃર પડે છે, જ્યારે સોયનું કામ પડે છે ત્યારે તલવાર કોઈ કામની નથી હોતી. તલવાર એક ઘા અને બે કટકા કરવામાં માને છે. જ્યારે સોય તો બે ને જોડવાનું કામ કરે છે. માણસની ઊંચાઈ જેટલી મહત્ત્વની છે એટલી જ ઊંડાઈ પણ મહત્ત્વની છે. અને માણસને તેના સદગુણો, તેનું જ્ઞાાન, તેનાં સારા કર્મો તેને મોટો બનાવે છે. અહંકાર, પદ, પૈસો તો ઘણીવાર માણસને કલ્પના બ્હારના છીછરા, હલકા, વામણા સાબિત કરતા હોય છે.
બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર,
પંછી કો છાયા નહીં કૂલ લાગત અતિ દૂર.
ક્યારેક માણસ એટલો મોટો બની જતો હોય છે કે તે કશા જ કામનો રહેતો નથી. એના ફળ પણ દૂર લાગતા હોય છે અને એનો છાંયડો ય કોઇને મળતો નથી હોતો. ખજૂરી રણનું વૃક્ષ છે. રણના ઝાડ પાસેથી કેટલી બધી આશાઓ બંધાય છે. સામાન્ય ઝાડ પણ છાંયડો આપે છે ત્યારે ટાઢક વળે છે. રણના ઝાડ પાસે તો છાંયાની આશા હોય જ હોય. પણ ખજૂરી એટલી ઊંચી થઇ ગઇ હોય છે કે તેનો છાંયડો પણ નહીં જેવો જ પડે છે. નાના છોડ ઉપર ગુલાબનો ગોટો કેવો શોભતો હોય છે. કેવું સુંદર મહેકતો હોય છે. ઊંચા તાડ ઉપર એમાંનું કશું એવું મળતું નથી.
મિસ્કીન ઊંચાઈ માપ નહીં,
શું બાવળ કે શું તાડ કરે ?
ઊંચાઈમાં તાડ હોય કે સાવ ઠીંગણો બાવળ હોય એના આધારે એ કામના કેટલા છે એ નક્કી ના કરી શકાય. આ નાનો માણસ છે અને આ મોટો માણસ છે. આ ઊંચો માણસ છે અને આ ઠીંગણો માણસ છે. આ રૃપાળો છે એટલે વધારે સારો. આ દેખાવમાં ઓછો છે એટલે નકામો આ શ્રીમંત છે એટલે મોટો માણસ, આ ગરીબ છે એટલે તુચ્છ માણસ. આવી ખોટી-ખોટી માન્યતાઓનાં મૂરખાઓ જ ગોટાળા કરતા હોય છે.
સર્વને એક દ્રષ્ટિથી જોતા આવડે, સર્વની અંદર કંઇક તો વિશેષ ગુણ છે જ એ વાત જો યાદ રહે તો કોઇનું એ સમાન સચવાય. માન-અપમાનના પ્રશ્નો ના નડે. મૂરખ માણસોએ આ માણસ મોટો છે અને આ માણસ નાનો છે. તું ખૂબ નાનો છું અને હું ખૂબ મોટો છું એવા એવા જડ ખયાલોમાંથી જ બધી ગરબડો કરી છે. મેં વર્ષોથી લોકોને વાતે-વાતે બોલતા સાંભળ્યા છે કે… હું કોણ છું તને ખબર નથી, તું મને ઓળખતો નથી. મારી તાકાતની તને ખબર છે ? ખરેખર તાકાત કદને આધારે નક્કી ના કરવી જોઇએ.
હવેની પંક્તિઓ બહુ અદ્ભૂત છે. મેં માર્ક કર્યું છે કે તરસ જ્યારે લાગી હોય છે ને ત્યારે દૂધ કે કોઈ શરબત કે કોઈ પીણાં તરસને બુઝાવી નથી શક્તા. અસલી તરસ લાગી હોય ત્યારે પાણી જ જોઇએ અને પાણી જ તરસને છીપાવે છે. ખારા જળનો આખો દરિયો ભરેલો હોય તો ય શું કામનો ? એક મીઠા પાણીનો લોટો જે તરસ્યો છે એને તો દરિયા કરતાએ મોટો લાગે છે. અને એ જ રીતે એટલું જાણી લેવાની જરૃર છે કે દરેકને પોતાનું મૂલ્ય હોય છે. કોઇનું ઓછું મૂલ્ય નથી. દરેકનું મૂલ્ય એના ગુણની દ્રષ્ટિએ તો પૂરેપૂરું જ હોય છે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
(“શબ્દ સૂરને મેળે” કોલમ,
ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ,
તા.૨૨/૦૨/૨૦૧૭ માંથી અંશતઃ સાભાર)
2 thoughts on “નાનો-મોટો”
https://www.youtube.com/watch?v=33WXI5HYrx0
Nice One 👌