દલપતરામ: અર્વાચીન ગુજરાતી ભાષાના પાયામાં રહેલા પંડિત

બે સદી પહેલા વઢવાણમાં જન્મેલા કવિશ્વર દલપતરામ આજે ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં તેમનાં સર્જનથી શબ્દસ્વરૂપે અમર છે.
ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ, પ્રથમ ગદ્ય, પ્રથમ નાટક, પ્રથમ અર્વાચીન કવિતા, સાહિત્યને સમર્પિત પ્રથમ સંસ્થા, ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ગ્રંથ..
એવું ઘણું બધું રચનારા અથવા તો તેમાં ભાગીદાર થનારા દલપતરામના જન્મની દ્વિશતાબ્દી નિમિત્તે તેમને યાદ કરીએ..
ગુજરાતી ભાષા કે સાહિત્યમાં ખાસ રસ ન હોય તો પણ ‘શરણાઈવાળો અને શેઠ’ તથા ‘આપના તો અઢાર વાંકા’ જેવી કવિતાની પંક્તિ લોકો મમળાવતા હોય છે. એ પંક્તિના સર્જક દલપતરામની મૂળ અટક તો ત્રવાડી અને તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ તથા માતાનું નામ અમૃતબા હતું. વઢવાણમાં જન્મેલા દલપતરામનું બાળપણ તોફાની રહ્યું હતુ, એટલે તેમના કર્મકાંડી પિતા સાથે તેમને બનતું ન હતું. ડાહ્યાભાઈ ઘણી વખત નાનકડાં દલપતની ધોલાઈ કરતા હતા. એટલે એક વખત તો રિસાઈને અમૃતબા દલપતને સાથે લઈને મોસાળ જતાં રહ્યા હતા.
આઠેક વર્ષની વયે દલપતરામના જીવનમાં પ્રથમ પરિવર્તન આવ્યું. મોસાળમાં ગઢડા હતા ત્યાં તેમનો ભેટો સહજાનંદ સ્વામી સાથે થયો. દલપતરામ પર સ્વામીનારાયણ સંપ્રદાયની ઊંડી અસર થઈ અને તેમણે એ સંપ્રદાય અંગીકાર કરી લીધો. એ વખતના રૂઢિચૂસ્ત સમાજમાં એ બહુ મોટી અને હાહાકાર મચાવનારી ઘટના હતી.
એ વાતનો તેમના માતા-પિતાને ભારે આઘાત લાગ્યો હતો અને પિતા ડાહ્યાભાઈએ તો પછી સન્યાસ લઈ લીધો હતો. નાનપણમાં તો દલપતરામે શૃંગારસિક બે વાર્તા ‘હીરાદન્તી’ અને ‘કમળલોચ’ રચી હતી.
પરંતુ સ્વામીનારાયણ સંપ્રદાયના સંસર્ગ પછી તેમણે સાદગીને પ્રાધાન્ય આપ્યું હતુ. એટલે એ બન્ને રચના તેમણે બાળી નાખી હતી. એ પછી તેમણે એવી જ રચનાઓ કરી જેમાં બોધ હોય, સાદગી હોય, સંયમ હોય, સમાજ સુધારણાની વાત હોય.. એમની કવિતાઓ આજે પણ અમર હોવાનું એક કારણ એ પણ હોઈ શકે કે લોકોને સમજદારીની વાતો તેમણે કટાક્ષ સ્વરૂપે કહી દીધી હતી.
ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિ હોવા છતાં તેમની રચનાઓ ગુજરાતી નહીં પરંતુ બે સદી પહેલા પ્રચલિત એવી વ્રજ ભાષામાં લખાયેલી હતી. તેમને વ્રજમાંથી ગુજરાતીમાં લખતા કરવાનું કામ અંગ્રેજ અધિકારી અને સવાયા ગુજરાતી ઍલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે કર્યું હતું.
ફાર્બસ અને દલપતરામની મુલાકાત એ ગુજરાતી ભાષાની ઐતિહાસિક ક્ષણ ગણવી જોઈએ. એ બન્નેની જોડીએ મળીને ગુજરાતી ભાષાના ઉત્થાન માટે ઘણા કામ કર્યા. એક અંગ્રેજ અને એક ગુજરાતીએ મળીને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે અનેક કામો કર્યાં. તેની અહીં ટૂંકમાં વાત કરી છે.
દલપતરામે મૂળીબા, કાશીબા અને છેલ્લે રેવાબા એમ ત્રણ વખત લગ્ન કર્યા હતા. તેમનું લગ્નજીવન ખાસ સુખી ન હતું. સદ્ભાગ્યે તેમનો કવિતા વારસો તેમના પુત્ર ન્હાનાલાલ કવિએ જાળવી રાખ્યો હતો. દલપતરામની છઠ્ઠી પેઢીના વારસદારો આજે અમદાવાદમાં જ રહે છે અને હવે તેમણે ‘કવિ’ અટક અપનાવી લીધી છે.
તેમના કાવ્યો દલપતકાવ્ય ભાગ ૧-૨માં સંગ્રહ પામ્યા છે, તો વળી વિવિધ નિબંધો, અનુવાદ, દલપતપિંગળ નામે વ્યાકરણ, સંપાદન.. વગેરે અનેક પ્રકારના કામ તેમના નામે બોલે છે. ૧૮૪૮માં ગુજરાતી ભાષા માટે સક્રિય થનારા દલપતરામે ત્રણ દાયકામાં ગુજરાતી ભાષા-સાહિત્યને ઘણું બધું નવું સર્જન આપી દીધું હતું અને ખાસ તો અર્વાચીન ગુજરાતી ભાષામાં સર્જનની નવી નવી બારીઓ ઉઘાડી આપી હતી.
નિવૃત્તિ પછી વીસેક વર્ષ જીવીને ૧૮૯૮માં તેઓ અવસાન પામ્યા હતા. પાછલા વર્ષો તેઓ સ્વામીનારાયણ મંદિરમાં જ રહેતા હતા.
દલપતરામે ગુજરાતી ભાષાને શું શું આપ્યું?
પ્રથમ કવિતા, પ્રથમ કવિ સંમેલન
૧૮૪૫માં દલપતરામે રચેલી ‘બાપાની પીંપર’ ગુજરાતી ભાષાની પ્રથમ અર્વાચીન કવિતા ગણાય છે. આ લાંબુ કાવ્ય મૂળ તો ગ્રીષ્મ ઋતુનું વર્ણન છે. જોકે એ વખતે તો દલપતરામે કવિતાને ‘કથાંતર અથવા ફારસ’ એવુ ઉપશીર્ષક પણ આપ્યું હતું. કેમ કે એ કવિતા સ્વતંત્ર ન હતી, દલપતરામે રચેલા ઋતુવર્ણન વચ્ચે તેને મુકવામાં આવી હતી.
‘વિચારીને વઢવાણથી, લીધો લીંબડી પંથ, વિતક વણરવતાં વધે, ગ્રીષ્મ વરણનગ્રંથ..’ એવી પંક્તિથી એ કાવ્ય શરૂ થતું હતું. ૧૮૫૨માં ફાર્બસ મહિકાંઠા વિસ્તારના પોલિટિકલ એજન્ટ હતા ત્યારે તેમણે દલપતરામની મદદથી પ્રથમ કવિ સંમેલન યોજ્યું હતુ. ગુજરાતી ભાષાનું એ પ્રથમ કવિ સંમેલન હતું. આ સંમેલનનો અહેવાલ દલપતરામે ‘કવિતા વિલાસ’નામના કાવ્યમાં લખ્યો હતો.
પ્રથમ ગુજરાતી નિબંધ
૧૮૪૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના સમાજ સુધારણા માટે થઈ હતી. એ વર્ષે જ સોસાયટીએ એક નિબંધ સ્પર્ધા રાખી હતી. એમાં ફાર્બસના આગ્રહથી ‘કવિ’ દલપતરામે ‘ગદ્ય’માં કલમ ચલાવીને ‘ભૂતનિબંધ’ નામે નિબંધનું સર્જન કર્યું હતું. એ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ હતો.
એમાં ગુજરાતી પ્રજામાં વ્યાપેલી ભૂત-પ્રેત અંગેની અંધશ્રદ્ધા વિશે કટાક્ષ કરવામાં આવ્યો હતો. એ નિબંધનો ફાર્બસે જ ૧૮૫૧માં અંગ્રેજી અનુવાદ કર્યો હતો. ‘અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર, એલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ ઃ જીવન અને કાર્ય’ પુસ્તકમાં નોંધાયું છે એ પ્રમાણે ફાર્બસે કરેલો એ અંગ્રેજી અનુવાદ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ હતો. એેટલે કે કોઈપણ ગુજરાતી કૃતિનો પહેલી વખત અંગ્રેજીમાં અનુવાદ થયો હતો. પાછળથી તો નિબંધ ઉર્દુમાં પણ અનુવાદ થયો હતો.
પ્રથમ ગ્રંથાલય
દલપતરામ-ફાર્બસ વગેરેએ મળીને ૧૮૪૯માં ભદ્ર વિસ્તારમાં ગુજરાતની પ્રથમ લાયબ્રેરી ‘હિમાભાઈ ઈન્સ્ટિટયૂટ’ની સ્થાપના કરી હતી. પરંતુ લોકોને લાયબ્રેરીમાં રસ પડતો ન હતો. વર્ષે ૮૫ની આવક સામે ૩૭૩નો ખર્ચ થયો હતો. સંસ્થા માટે જગ્યાની પણ જરૂર હતી. માટે દલપતરામે ૧૮૫૫ની ૫મી સપ્ટેમ્બરે શહેરીજનોની એક મિટિંગ બોલાવી.
એમાં દલપતરામે જણાવ્યુ હતુ કે શહેરના વિકાસ માટે આ સંસ્થા ચાલવી જોઈએ, તમે સૌ એ માટે ફાળો આપો. એ પછી નગરશેઠ હિમાભાઈ સહિતના લોકોએ ફંડ-ફાળો આપ્યો હતો. એ રીતે લાયબ્રેરી ચલાવવા માટેના દલપતરામના પ્રયાસો સફળ રહ્યા.
પ્રથમ સામયિક
૧૮૫૦માં શરૂ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક છે (આજે પણ ચાલુ છેે!). એ સામયિક એક વખત બંધ થયા પછી ફરી ચાલુ થયુ ત્યારે દલપતરામને સંપાદનની જવાબદારી સોંપાઈ હતી. દલપતરામે બુદ્ધિપ્રકાશની નકલો ૬૦૦માંથી ૧૧૦૦ સુધી પહોંચાડી હતી. દલપતરામ પોતાના દરેક કામ અંગે પંક્તિઓ લખતા હતા. માટે બુદ્ધિપ્રકાશ અંગે તેમણે લખ્યું હતુંઃ
જે જે સજ્જન જગતમાં પઢશે બુદ્ધિપ્રકાશ
તો તેની દલપત કહે, પ્રભુ પૂરી કર આશ.
પ્રથમ પાઠયપુસ્તક
૧૮૫૬માં મુંબઈ ઈલાકાના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર નિમાયેલા થિઓડોર સી.હોપે ગુજરાતી શિક્ષણના વિકાસ માટે પાઠયપુસ્તકો તૈયાર કરવાનું નક્કી કર્યું. એ કામ દલપતરામને સોંપવામાં આવ્યુ હતુ. એ પુસ્તકો પછીથી ‘હોપ વાચનમાળા’ તરીકે ઓળખાયા. ગુજરાતી ભાષામાં શાળા માટે ઉપયોગી એવા પુસ્તકો ત્યારે પ્રથમવાર પ્રગટ થયા હતા.
આ પુસ્તકો માટે જરૂરી બાળકાવ્યોનું સર્જન પણ દલપતરામે કરી આપી ગુજરાતી ભાષામાં નવો ચીલો પાડયો હતો. ‘મહા હેતવાળી દયાળી જ મા તું’ જેવું માતૃભક્તિનું સહજ-સરળ બાળકાવ્ય એ ગાળામાં શાળાઓમાં ખૂબ ગવાતું. ‘દલપતરામ ઃ સુધારાનો માળી’માં મૂળશંકર ભટ્ટ લખે છે: ‘એમની પહેલાં કોઈ પણ પ્રકારની બાળકાવ્યોની પ્રણાલિકા ન હોવા છતાં દલપતરામે કેવળ પોતામાં રહેલી એક શિક્ષકની સૂઝથી આ નવો ચીલો પાડયો, તે પણ તેમનો એક કીમતી ફાળો ગણાય.’
પ્રથમ ગુજરાતી નાટક
દલપતરામે ૧૮૬૩માં ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ‘લક્ષ્મીનાટક’ લખ્યું હતુ. પ્રાચીન ગ્રીકના કવિ અરીસ્તોફનીસના નાટક પરથી આ નાટક તૈયાર કર્યું હતું. પ્રસ્તાવનામાં જ એ વાત લખી હતી, ‘મૂળ નાટકનું નામ ‘પ્લાતસ’ છે, તે પ્લાતસ તેમનામાં ‘ધનનો દેવ’ હતો, માટે અમે અમારા નાટકને ‘લક્ષ્મી’ નામ આપ્યું છે.’ ધર્મ-અધર્મ પર લખાયેલા આ નાટકનો સાર એવો છે કે અન્યાય-અધર્મથી ધન પેદા કરવુ નહીં. નાટકમાં રાજા ધીરસિંહ, તેનો ચાકર ભીમડો, ડોશી, દાજી, દરિદ્ર, રાણી, ગુલામ, ધનપાળ, ચાડિયા, દેશાઈ, ફાતમા, રામસેવક હનુમાન વગેરે પાત્રો છે. આ નાનકડું નાટક પુસ્તિકા સ્વરૂપે પ્રગટ થયું હતું.
પ્રથમ ઈતિહાસ
ગુજરાત પ્રદેશનો ઈતિહાસ સમૃદ્ધ હતો પણ કોઈએ લખ્યો ન હતો. ફાર્બસે દલપતરામને સાથે રાખીને એ કામ ઉપાડયું. પ્રાચીન હસ્તપ્રતો, ગ્રંથો, દસ્તાવેજો, શિલ્પો, સ્થાપત્યો.. વગેરે દલપતરામે શોધી કાઢીને ઈતિહાસ લખવા માટે જોઈએ એવી સામગ્રી એકઠી કરી આપી.
એ પછી ૧૮૬૫માં બે ભાગમાં ગ્રંથની રચના કરી એ ‘રાસમાળા.’ રાસમાળાની રચના ફાર્બસે કરી પણ તેમાં દલપતરામની ઘણી મહેનત હતી અને ફાર્બસે પ્રસ્તાવનામાં એ માટે દલપતરામનો આભાર પણ માન્યો હતો. પછી દલપતરામે રાસમાળા પોતાના હસ્તાક્ષરમાં ગુજરાતીમાં ઉતારી હતી.
પ્રથમ વિરહકાવ્ય
૧૮૪૮થી ૧૮૬૫ સુધી દલપતરામ ફાર્બસના સાથી અને સહકાર્યકર રહ્યા હતા. એ દરમિયાન ફાર્બસ અને દલપતરામ એકબીજાને સારી રીતે જાણી શક્યા, ગાઢ મિત્રતા પણ સ્થપાઈ. ફાર્બસના અવસાન પછી લેખમાળામાં દલપતરામે લખ્યું હતું એ પ્રમાણે ફાર્બસ દરરોજ બે કલાક મહેનત કરીને દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખ્યા હતા.
ફાર્બસના અવસાન પછી દલપતરામે લાંબી કવિતા પણ લખી હતી, જે ગુજરાતી સાહિત્યમાં ‘ફાર્બસવિરહ’ તરીકે જાણીતી છે. ગુજરાતી ભાષાના એ પ્રથમ કરૂણપ્રશસ્તી કાવ્યની એક પંક્તિ..
વા’લા તારા વેણ, સ્વપ્નમાં પણ સાંભરે,
નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.
દલપતરામનો પરિચય આપતા સમર્થ કવિ નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે ઃ ‘કવિ દલપતરામ એ નામ સાથે પહોળા બાંધાના, પ્રતાપવાન, પહોળા મોંવાળા, થોભિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ઘોળી પાઘડી, જૂની ઢબની, શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઉતારેલી લાકડી પકડેલા, હેવા (એવા) પુરુષ નયન સામે ખડા થાય છે.’
સુધારાવાદી વિદ્વાનોના ‘ઝઘડા’
દલપતરામ અને નર્મદ સમકાલીન હતા અને બન્ને વચ્ચે વાદ-વિવાદ થતો હતો. દલપતરામ બ્રિટિશ સરકારના સજ્જન અને સુધારાવાદી વિચારધારા ધરાવતા ફાર્બસ જેવા અધિકારીઓના પ્રશંસક હતા. નર્મદનો સુધારાવાદી અભિગમ ઘણેખરે અંશે બ્રિટિશ શાસનની ટીકાના સ્વરૂપે પણ સપાટી ઉપર આવતો રહેતો. એટલે એ સમયના બે પ્રખર વિદ્વાનો અને તેમના સમર્થકો વચ્ચે ખેંચતાણ ચાલતી રહેતી. વ્યંગચિત્રકારોએ તો બંનેને એકબીજાની ચોટલી પકડીને લડાવ્યા છે!
નર્મ કવિતામાં નર્મદે પોતાની વિશિષ્ટ અદામાં તસવીર છપાવી હતી. તે પછી દલપતરામે તેમના કાવ્યસંગ્રહમાં તસવીરને બદલે દોહરો મૂકીને નર્મદની ટીકા કરતા લખ્યું હતું:
‘શું જોશો તનની છબી, તેમાં નથી નવાઈ
નીરખો મુજ મનની છબી, ભલા પરીક્ષક ભાઈ’
દલપતરામના આ દોહરાના જવાબમાં નર્મદના એક પ્રશંસક કવિએ દોહરો લખ્યો હતો ઃ
‘નીરખીને તનની છબી, સંશય ઉપજે આમ,
આ તે દલપતરામ કે અમદાવાદી….’
દોહરામાં એક શબ્દ અધૂરો મૂકીને નર્મદ સમર્થક કવિએ સમજદાર વાચકોને ગમે એ શબ્દ મૂકીને રમૂજની છૂટ આપી હતી.
દલપતરામના મિત્ર અને અંગ્રેજ અધિકારી ફાર્બસના અવસાન વખતે અંજલિમાં પણ ફાર્બસની પ્રશંસા વચ્ચે ય નર્મદે દલપતરામની ટીકા કરતા કહ્યું હતું, ‘કેટલાક ગુજરાતી ગ્રંથકારો તો ભોજસમાન આસરો એ સાહેબનો હતો. એ બિચારા હવે ટેકા વગરના થશે તે બહુ ખેદની વાત છે.’
દલપતરામે ઉત્તરાવસ્થાએ ધોળી ચોટલી ઊંચી કરીને કહ્યું હતું કે ‘હવે આને યુદ્ધવિરામની ધજા સમજો’. બંનેના મનમાં એકબીજા માટે કડવાશ હતી પરંતુ બંનેના પ્રશંસકોએ દલપત-નર્મદના ઝઘડામાં જેટલો રસ હતો એટલો બધો રસ આ બંને વિદ્વાનોને નહોતો. બંનેના મતભેદો ભલે સપાટી ઉપર આવતા રહેતા, તેમ છતાં બંનેએ ગુજરાતમાં કેળવણી, સુધારણા, સાહિત્ય-પત્રકારત્વ માટે ભારે મહેનત કરી હતી. બંનેની રીત અલગ હતી, છતાં ગુજરાતી ભાષાને સદ્ધર કરવાની તેમની નેમ હંમેશા પ્રશંસા મેળવતી રહેશે.
દલપતશૈલીની અસર ક્યાં ક્યાં?
દલપતરામની સર્જનશૈલીની અસર પછીથી ઘણાં બધા કવિઓમાં વર્તાઈ હતી. ‘દલપતરામ: સુધારાનો માળી’માં લેખક મૂળશંકર ભટ્ટ નોંધે છે: ‘દલપતરામનાં કાવ્યો વાંચીને તેમની ઢબે જ કાવ્ય રચવાની શરૂઆત કરનાર ગુજરાતના ઘણા પ્રસિદ્ધ કવિઓ હતા તે પણ જાણીતી વાત છે.
બાલાશંકર, મણિશંકર, નરસિંહરાવ, ખબરદાર, કલાપી વગેરેના નામ આમાં ઉલ્લેખનીય છે. વિચારોને, ભાવોને સહેલાઈથી પદબદ્ધ કરી શકાય છે. તેવો આત્મવિશ્વાસ, આ દલપતશૈલીથી ઘણા ઊગતા કવિઓએ મેળવ્યો હોય તો તેમાં નવાઈ નથી’
પોથી બંધ થઈ ત્યાંથી વિદ્વતા શરૂ થઈ
દલપતરામની વય ૬૫ વર્ષ કરતા વધું હશે તે વખતે આ પ્રસંગ બન્યો હતો. ભોગાવો નદીને કાંઠે શ્રીમાળી બ્રાહ્મણો જનોઈ બદલવા માટે એકઠા થયા હતા. વિધિ શરૂ થઈ ત્યાં જ ઝરમર વરસાદ શરૂ થયો. આચાર્ય પુસ્તકમાંથી વાંચીને જનોઈની શાસ્ત્રોક્ત વિધિ કરાવતા હતા. વરસાદ આવ્યો એટલે પોથી બંધ કરી દીધી, વરસાદ અટકે તેની રાહ જોવા લાગ્યા.
વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. આ સ્થિતિ જોઈને દલપતરામે અધૂરી વિધિ પોતાને કરવા દેવાનું બ્રાહ્મણોને કહ્યું. બ્રાહ્મણો અને આચાર્યએ બહુ રાજીપો બતાવીને કવિ દલપતરામને જનોઈ બદલવાની આગળની વિધિ કરવા જણાવ્યું. દલપતરામે વર્ષો અગાઉ નાનપણમાં જે શ્લોકો કંઠસ્થ કર્યા એ યાદ કરીને એક પણ અક્ષરની ભૂલ વગર તેમણે જનોઈ બદલવાની વિધિ પૂરી કરાવી. દાયકાઓ પછી પણ દલપતરામને આ બધા શ્લોક આવડતા હતા તે જાણીને આખા શ્રીમાળી બ્રાહ્મણ સમાજે આશ્વર્ય સાથે પ્રશંસા વ્યક્ત કરી.
કવિશ્વરનો સર્વવ્યાપ
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો દલપતરામના જમાનામાં આગવો માન-મરતબો હતો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ: પહેલો ભાગ’ પુસ્તકમાં લખ્યું છે કે એ સમયે અમદાવાદમાં એવી એક સભા, સમારંભ, કાર્યક્રમ ન યોજાતો, જેમાં દલપતરામની હાજરી ન હોય.
લગભગ દરેક કાર્યક્રમમાં દલપતરામની હાજરી મુખ્ય વક્તા, મુખ્ય અતિથિ તરીકે અનિવાર્ય ગણાતી. તેમના વિદ્વતાપૂર્ણ ભાષણો કાર્યક્રમોમાં શ્રોતાઓ માટે મુખ્ય આકર્ષણ બની જતા. કવિ દલપતરામ ભાષણો મોટાભાગે પદ્યમાં આપતા. એટલે કે કવિતા સ્વરૂપે ભાષણ આપવાની તેમની છટા શ્રોતાઓને આકર્ષતી.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે વર્નાક્યુલર સોસાયટી એવી એક સર્વમાન્ય ઓળખ બની ગઈ હતી. કેળવણી, જ્ઞાાનપ્રચાર, સાહિત્ય, સામાજિક સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિમાં દલપતરામ ખૂબ જ સક્રિય રહેતા.
સોસાયટીના કામમાં તેમને ઊંડો લગાવ હતો તે જોઈને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઑનરરી સેક્રેટરી મિસ્ટર કર્ટિસે દલપતરામને વડોદરા-ભાવનગર જેવા શહેરોમાં પણ સોસાયટીનું સુધારાલક્ષી કામ આગળ વધારવા માટે મોકલ્યા હતા.
મહારાજા ખંડેરાવને જ્ઞાાનવર્ધક સંસ્થા શરૂ કરવા દલપતરામે સમજાવ્યા હતા. સોસાયટીના ઑનરરી સેક્રેટરી ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સાથે મળીને દલપતરામે વડોદરામાં કેળવણી અને પુસ્તકાલય માટેના બીજ વાવ્યાં હતાં.
કવિશ્વર દલપતરામ
દલપતરામનું કવિતા વિશ્વ તો ઘણું વિશાળ છે, અહીં કેટલીક કવિતાઓમાંથી કેટલીક પંક્તિઓ રજૂ કરી છે.
કરતા જાળ કરોળિયો
કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર
હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર.
આપના તો અઢાર વાંકાં
ઊંટ કહેઃ આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે,
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી,
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા,
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ,
‘અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.’
અંધેરી નગરી ને ગંડુ રાજા
પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં,
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.
ત્યાં જઈ ચઢયા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો,
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, ‘ખૂબ ખાટયો’.
ઋતુઓનું વર્ણન
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય,
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય,
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,
લોક ઉચ્ચારે રાગ મલાર, -ખેતર વાવે ખેતીકાર.
શરણાઈવાળો અને શેઠ
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
‘ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.’
કેડેથી નમેલી ડોશી
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી.
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી.
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.
તેજીની કવિતા
સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય…
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે.. જન સૌ જાય..
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે.. જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે… જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…
આબુનું વર્ણન
ભલો દૂરથી દેખતાં દિલ આવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો.
દીસે કુંડનો દેવતા બીજ જેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
દીપે દેવ હાથી કહે કોઈ કેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
તહાં તેર ગાઉતણે તો તળાવે,
પિવા ગામ અગીયારના લોક આવે.
જહાં જેઠ માસે ન દીસે પ્રસેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
વાંઢાની પત્ની ઝંખના
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ,
જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ,
મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત,
હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત,
અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી,
પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી..
અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી,
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી.
અરે, રુડો માનવ દેહ આવ્યો
અરે રુડો માનવ દેહ આવ્યો,
બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.
તમે વિચારો હિત જો તમારુ,
કરો કરો કાંઈક કામ સારું.
ન કાઢશો કાળ કદી નકામો,
પરોપકારી શુભ નામ પામો,
ઠગાઈથી નામ ઠરે નઠારું,
કરો કરો કાંઈક કામ સારુ.
મનુષ્યકાયા નથી મોજ માટે,
ઘડી નથી તે પશુપક્ષી ઘાટે..
સૌજન્ય: ગુજરાત સમાચાર, રવિપૂર્તિ, તા.૨૦/૦૧/૨૦૧૯.
સંકલન: લલિત ખંભાયતા – હર્ષ મેસવાણિયા