ટ્રાફીકના નિયમો અને જીંદગી
તા.૦૫/૦૨/૨૦૧૬ના રોજ નવસારી પાસે એસ.ટી.બસની અકસ્માતની એક કરૂણ ઘટના બની. આ અકસ્માતમાં કુલ ૪૨ લોકોના મૃત્યુના સમાચાર છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. એ ભારતનું ભવિષ્ય હતા, તેમની આંખોમાં ઘણાબધા સપનાઓ હતા. પરંતુ, આ અકસ્માતમાં તેમની આંખો હંમેશ માટે બંધ થઇ ગઇ અને સપનાઓ સપના જ રહી ગયા. ઘણા બધા પરીવારને એમના સંતાનરૂપી દીવાનો પ્રકાશ મળતો બંધ થઇ ગયો. બાળકો તેમના માતા-પિતાની રાહ જોતા જ રહી ગયા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે તથા પરીવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે.
પરંતુ આપ્ણે આવા અકસ્માતમાંથી કંઇ શીખવાનું નહિં? સમાચારોમાં જણાવ્યા મુજબ આ અકસ્માતનું કારણ એ હતું કે બસના ડ્રાઇવરે સામેથી રોંગ સાઇડે આવતા બાઇકને બચાવવા જતા બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ પુલની રેલિંગને તોડીને નદીમાં પડી. જેમાં ૪૨ લોકોના મૃત્યુ થયા. આ ૪૨ મૃત્યુ માટે જ્વાબદાર કોણ? અખબારમાં આ માટે ઘણા બધા કારણો બતાવેલ છે. જેમાંના મોટાભાગના હંમેશ મુજબ સરકાર દ્વારા થતી સલામતીની ઉપેક્ષાને કારણભૂત માને છે. પરંતુ, મારી દ્રષ્ટીએ આ માટે આપણી ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરવાની વૃતિ જ્વાબદાર છે. શું સરકાર દરેક રસ્તા પર, દરેક વળાંક પર અને દરેક ગલીઓમાં ધ્યાન રાખવા જાય? આપણી નાગરીક તરીકે કોઇ જ્વાબદારીજ નહિં?
ટ્રાફીકના નિયમો અને જીંદગી જીવવાના નિયમો સરખા જેવા જ છે. શોર્ટ કટ લેવો નહિં, ખોટા રસ્તે અને ખોટી (રોંગ) સાઇડમાં ચાલવું નહિં, જ્યાં બોલવાની મનાઇ હોય ત્યાં બોલવું નહિં (નો હોર્ન), જ્યાં જરૂર હોય ત્યાં બોલવું જ (હોર્ન પ્લીઝ), ઓવરટેક કરવામાં ધ્યાન રાખવું વગેરે. જો ટ્રાફીકના નિયમો પાળવામાં ઉલ્લંઘન કર્યુ તો જીંદગી જીવવાના નિયમનું ઉલ્લંઘન કર્યું એમ જ સમજવું.
હવેથી આપણે એક સપથ લઇએ કે “આપણે કોઇપણ સંજોગોમાં ટ્રાફીકના તમામ નિયમોનું પાલન કરીશું”
એક સવાલ: નવસારી જેવા અકસ્માતમાં રોંગ સાઇડમાં આવતા બાઇકના ચાલક બનવામાં તમને ખુશી થશે?