જીવવા માંડો
તમામ દ્વાર ઉઘાડીને જીવવા માંડો,
મોજથી બોજ ઉપાડીને જીવવા માંડો.
કદીય કોઈ રાત ઉમ્રભર નથી રહેતી,
હૃદયમાં આશ ઉગાડીને જીવવા માંડો.
તમામ દુઃખને આપણે જ હતા બોલાવ્યા,
અણગમાઓને ગમાડીને જીવવા માંડો.
ભેદનો ભાવ ઉંચકીને ફરીશું ક્યાં લગ,
છાતીએ સૌને લગાડીને જીવવા માંડો.
નજરમાં – મનમાં ટકે ના કશું નકારાત્મક,
અનિષ્ટ સર્વ ભગાડીને જીવવા માંડો.
કશુંક દાઝે ખરેખર તો પ્રગટશે જુસ્સો,
દાઝથી દિલને દઝાડીને જીવવા માંડો.
– રાજેશ વ્યાસ “મિસ્કીન”