જીવનશિક્ષણ
ટીકા બાળક સાંભળે હરપળે, ધિક્કાર ત્યાં પાંગરે,
પંપાળે કદી વૈરભાવ જીવને, નિત્યે લડાઈ કરે.
હાંસીપાત્ર બને કદી જગતમાં, સંકોચ પામ્યા કરે,
જો બદનામ થઈ જીવે જગતમાં, છાયા ગુનાની ઊઠે.
જો જીવે સમભાવથી હરપળે, તો ધૈર્યશાળી બને,
જો પ્રોત્સાહિત થઈ વિહાર કરશે, વિશ્વાસ ઊંડો ધરે.
જો પામે સહુનાં વખાણ જીવને, થાશે કદરદાન એ,
જો એ જીવનને પ્રામાણિક ઘડે, ન્યાયે સદા રાચશે.
પામી પૂર્ણ સલામતી જીવનમાં, શ્રદ્ધાળુ પૂરો બને,
સૌનો સાથ લઈ સદા જીવનમાં, ચારતાં સ્વયં શીખશે
પામીને સહકાર મૈત્રી સહુનાં, પ્રીતિ પ્રસાદો લહે,
સંતોષે અવતાર ધન્ય કરશે, થૈ મુક્ત એ સંચરે.
– રમણીકલાલ દલાલ